પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું મુખ્યમથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ભૌ. સ્થાન : 23o 50′ ઉ. અ. અને 72o 07′ પૂ. રે. મહેસાણાથી તે વાયવ્યમાં 57 કિમી., સિદ્ધપુરથી અને ઊંઝાથી પશ્ચિમ તરફ અનુક્રમે 29 કિમી. અને 26 કિમી., અંતરે આવેલું છે. તે ખંભાતના અખાત તથા અરવલ્લી હારમાળાની વચ્ચેના નીચાણવાળા ભાગમાં સરસ્વતી નદીને કાંઠે વસેલું છે. જિલ્લાનો કુલ વિસ્તાર 5,730 ચોકિમી. જેટલો છે. પાટણ જિલ્લાની પૂર્વમાં મહેસાણા જિલ્લો, દક્ષિણે સુરેન્દ્રનગર જિલ્લો, પશ્ચિમે કચ્છ જિલ્લો અને ઉત્તરે બનાસકાંઠા જિલ્લો આવેલા છે. આ જિલ્લાના મુખ્ય તાલુકાઓમાં સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર, પાટણ, રાધનપુર, સાંતલપુર, શંખેશ્વર, સરસ્વતી અને સૂઈગામ એમ 10 તાલુકાઓમાં છે

પાટણ જિલ્લો

સમગ્ર પાટણ તાલુકાનું ભૂપૃષ્ઠ એકંદરે સમતળ સપાટ છે. આ તાલુકામાંથી એક પણ મોટી નદી નીકળતી નથી. અરવલ્લીમાંથી નીકળતી બનાસ અને સરસ્વતી આ જિલ્લામાં પ્રવેશે છે અને હારીજ તરફ જાય છે. બનાસને મળતી ચેકારિયા નદી આ જિલ્લામાં 26 કિમી. સુધી વહે છે અને સરિયાદ નજીક ખારાને મળે છે. ખારાનો 24 કિમી.નો પ્રવાહ અહીંથી પસાર થાય છે. સરસ્વતી હિસોર પછી વામૈયા થઈને ભદ્રાડા સુધી આ જિલ્લામાં વહે છે. અહીં નદીપટમાં બટાકા, શાકભાજી વગેરે વવાય છે. સુખાણા અને ખારી બનાસની પેટાનદીઓ છે.

આબોહવા : પાટણ તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ રહે છે. ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. મેનું સરેરાશ દૈનિક ગુરુતમ તાપમાન 41o સે. (જે ક્યારેક 45oથી 47o સે. જેટલું પણ થાય છે) અને સરેરાશ દૈનિક લઘુતમ તાપમાન 26o સે. રહે છે. જાન્યુઆરીમાં તે અનુક્રમે 28o સે. અને 11o સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 618 મિમી. જેટલો પડે છે. વરસાદની મોસમ મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બરની હોય છે. વાગડોદ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે.

વનસ્પતિ-પ્રાણીજીવન : આ વિસ્તારમાં જંગલો નથી. અહીં વડ, વરખડો, લીમડો, ખીજડો, દેશી બાવળ, ગાંડો બાવળ, પીપર જેવાં વૃક્ષો છૂટાંછવાયાં, ગોંદરે, ખેતરોમાં કે ખુલ્લી જમીનોમાં જોવા મળે છે. કાંકરેજ ઓલાદનાં ગાય-બળદ,  મહેસાણી ભેંસ, પાટણવાડિયાં ઘેટાં-બકરાં, ઊંટ, ગધેડાં જેવાં પાલતુ પશુઓ નજરે પડે છે.

ખેતી : તાલુકામાં દક્ષિણ ભાગની જમીન કાળી છે, વાગડોદની પશ્ચિમે આવેલી જમીન રેતાળ અને ઓછી ફળદ્રૂપ છે, જ્યારે ઈશાન ભાગમાં ગોરાડુ જમીન છે. તાલુકાની કુલ જમીન પૈકી વાવેતરયોગ્ય વિસ્તાર આશરે 70 % જેટલો છે, 10 % જમીન ગૌચરની અને બાકીની જમીન પડતર છે. અહીં ઘઉં, બાજરી, જુવાર જેવા ખાદ્ય પાકો અને કપાસ, તેલીબિયાં, જીરું, વરિયાળી, ઇસબગૂલ, તમાકુ જેવા રોકડિયા પાકોનું વાવેતર થાય છે. પાટણ નજીક સરસ્વતી નદી પર માતરવાડી પાસે બંધ બાંધવામાં આવ્યો છે. તેમાંથી નહેર કાઢીને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે, આ ઉપરાંત કૂવા, પાતાળકૂવા તેમજ નહેરો દ્વારા સિંચાઈ થાય છે.

ઉદ્યોગો : જિલ્લાના મોટાભાગના ઉદ્યોગો પાટણમાં કેન્દ્રિત થયેલા છે. અહીં 1,16,000 ચોમી. વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત છે, તેમાં 17 જેટલા શેડ છે. અહીં હળવાં ઇજનેરી તથા યાંત્રિક સાધનોનાં અને ઇસબગૂલ તૈયાર કરવાનાં કારખાનાં છે. પાટણમાં સાબુનાં, લાકડાં અને સ્ટીલનું રાચરચીલું બનાવવાનાં, દાળનાં, તેલમિલનાં, આટામિલનાં, સિમેન્ટ પાઇપનાં, ઑઇલ એન્જિન અને પંપ-રિપૅરિંગનાં કારખાનાં ઉપરાંત ચશ્માંની ફ્રેમ બનાવવાનું કારખાનું આવેલાં છે.

અહીં હાથસાળ ઉપર મશરૂ, રેશમી પટોળાં તથા સુતરાઉ કાપડ વણાય છે. સોલંકી રાજ્યકાળમાં અહીં પટોળાંના 700 જેટલા કારીગરો હતા. મશરૂ અને પટોળાં વણવાનું કામ ખત્રી કોમના તેમજ મુસ્લિમ કોમના માત્ર ગણ્યાગાંઠ્યા કુશળ કારીગરો સંભાળે છે. પટોળાં તૈયાર કરનાર હવે માત્ર બે જ કુટુંબો રહ્યાં છે. આખા વર્ષમાં માત્ર ત્રણથી ચાર પટોળાં જ તૈયાર થઈ શકે છે; તેમાં વણાટ વખતે સિંહ, હાથી વગેરે જેવા આકારો તથા અન્ય ભૌમિતિક આકૃતિઓ ઉપરાંત નારીકુંજર, પાતભાત, ફૂલવાડી, ચોકડીભાત અને પશુપક્ષીઓની આકૃતિઓ ઊપસતી આવે છે. આવા એક પટોળાની કિંમત સામાન્ય વ્યક્તિની ખરીદશક્તિની બહાર હોય છે. મશરૂ બનાવવામાં તાણો કૃત્રિમ રેશમનો અને વાણો સૂતરનો હોય છે. 1940માં અહીં મશરૂની 500 જેટલી સાળ હતી. પાટણની ખત્રી અને શેખ કોમ તેનું વણાટકામ કરે છે. અગાઉ પાટણમાં કિનખાબ પણ તૈયાર થતું હતું. પાટણના કુંભારો માટીની કોઠી તથા અન્ય વાસણો ઉપરાંત માટીનાં રમકડાં પણ બનાવે છે. અહીંનાં સૂડી-ચપ્પુ પણ વખણાય છે.

સહસ્રલિંગ તળાવ, પાટણ

મહેસાણા જિલ્લાના ઊંઝા અને વિસનગરને બાદ કરતાં પાટણ ખાતે અનાજનું મોટું પીઠું પણ છે. પાટણ, હારીજ, ચાણસ્મા અને સમી તાલુકાઓમાંથી અહીં અનાજ, એરંડા, જીરું, સરસવ, રાયડો વગેરે વેચાવા આવે છે. અહીં લગભગ 15,000 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે. વળી તાલુકામાં વાણિજ્ય-બૅંકો અને સહકારી બૅંકો છે. અહીં ધીરધારનો વ્યવસાય કરનારા પણ ઠીકઠીક પ્રમાણમાં છે.

પરિવહન : પાટણ તાલુકામાં પાકા અને કાચા રસ્તા છે. મહેસાણા-પાટણ-કાકોશી મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. રેલમાર્ગનો એક ફાંટો રણુંજથી હારીજ સુધી પણ જાય છે. તાજેતરમાં આ માર્ગનું ગેજ પરિવર્તન થઈ રહ્યું છે.

લોકો : પાટણ જિલ્લાની વસ્તી 13,42,746 2011 મુજબ હતી. પાટણમાં 70 % જેટલા લોકો અક્ષરજ્ઞાન ધરાવતા હતા.

શિક્ષણ : પાટણ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ,  માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. પાટણમાં પ્રાથમિક શિક્ષણ નગર શિક્ષણ સમિતિ હસ્તક છે. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(સ્થાપના : 1985)નું મથક છે. તેનું નામ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે તથા અહીં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાનની કૉલેજો, માધ્યમિક શિક્ષક-તાલીમી કૉલેજ, બે અધ્યાપન-મંદિરો, પૉલિટૅકનિક અને ટૅકનિકલ શાળા છે. તાલુકામાં બાલમંદિરો, બાલવાડી, ગ્રામ-ગ્રંથાલયો, એક તાલુકા પુસ્તકાલય અને પ્રૌઢ-શિક્ષણકેન્દ્રો છે. પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ગ્રંથભંડારમાં અનેક હસ્તલિખિત ગ્રંથો છે. પાટણના ગ્રંથભંડારોએ ગુજરાતના ઇતિહાસની જાળવણી કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. દુનિયાભરમાં બહુ ઓછાં સ્થળે અને ઓછા પ્રમાણમાં મળે એવાં 800-900 વર્ષ પહેલાંનાં પુસ્તકો અહીંના જ્ઞાનભંડારમાં જળવાયાં છે. એક જ્ઞાનમંદિરમાં 15,000થી વધુ જૂનાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે, જે પૈકીનાં કેટલાંક તાડપત્ર પર લખાયેલાં છે. પાટણમાં 11 મોટા ગ્રંથભંડારો છે. આ સમૃદ્ધિ સાચવવા માટે ‘હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર’ની સ્થાપના કરવામાં આવી છે.

જોવાલાયક સ્થળો : પાટણમાં સહસ્રલિંગ તળાવના અવશેષો, ખાન સરોવર, રાણી(ભીમદેવની રાણી ઉદયમતી)ની વાવ, બારોટની વાવ, ગૂમડા મસ્જિદ, શેખ મસ્જિદ; ગઝની મસ્જિદ; શેખ ફરીદની મસ્જિદ; મહેબૂબસાહેબની, પીર સુલતાન દાજીહુદની, બાવા હાજીની અને મીર મુખ્તમ શાહની દરગાહો, ગેબનશાહ અને કાળુ પીરનાં સ્થાનકો; બહાદુરશાહનો કૂવો; દામાજીરાવ બીજાની છત્રી અને મંદિર; હેમચંદ્ર જ્ઞાનમંદિર, મહાવીરસ્વામી તથા શાંતિનાથ-નેમિનાથનાં મંદિરો, ગૌતમસ્વામીનું મંદિર, પંચાસરા પાર્શ્ર્વનાથનું નવું મંદિર; જસમા ઓડણની દેરી; રાજગઢીનો ભાગ; રાણીનો મહેલ, કાલિકા માતાનું(કાલિકા, ભદ્રકાળી તથા અંબાજીની મૂર્તિઓવાળું) મંદિર, સિંધવાઈ માતાનું મંદિર, હરિહરેશ્વરનું જૂનું મંદિર, દેરાણી-જેઠાણીનો કૂવો, કિલ્લો વગેરે જોવાલાયક સ્થળો છે. અન્ય જોવાલાયક ઇમારતોમાં જાફરમાંનો સરકારવાડો, ઇસ્પિતાલ, કાઝીખાન, કાઝી ડોસામિયા, જમાલદીન ઇસફ, મહમદ સોદાગર, ફતેહખાન જમાદાર, અને ગન્ધરબ સુલતાનની હવેલીઓનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત સિદ્ધપુર અતિ પ્રાચીન તીર્થ છે, તેનું બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. જ્યારે સોલંકી યુગના ખંડિયેર શિલ્પો અને રુદ્રમાળા વધુ પ્રસિદ્ધ છે. ઊંઝા  ખાતે ઉમિયામાતાનું મંદિર આવેલું છે. શંખેશ્વર જૈનોનું તીર્થધામ જાણીતું છે.

અહીં શાંતિનાથનું જે મંદિર હતું તે મસ્જિદમાં ફેરવી નાખવામાં આવેલું; આ મસ્જિદ આજે શેખ ફરીદના રોજા તરીકે ઓળખાય છે. એક મંતવ્ય મુજબ અહીંનું સહસ્રલિંગ તળાવ મૂળ ‘દુર્લભ સરોવર’ તરીકે ઓળખાતું હતું. તે સિદ્ધરાજ જયસિંહના પૂર્વજ રાજા દુર્લભરાયે બંધાવેલું. તેની પૂર્વમાં દામાજીરાવ ગાયકવાડે 1766-67માં એક શિવમંદિર બંધાવેલું, તે આજે પણ હયાત છે. હરિહરેશ્વરના મંદિરની નજીક ‘બ્રહ્મકુંડ’ નામથી જાણીતું બનેલું અષ્ટકોણીય જળાશય આવેલું છે. આ બ્રહ્મકુંડની પાસે અમદાવાદના સર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટના કુટુંબનાં પૂર્વજ સતી પ્રાણકુંવરબાઈની સમાધિ આવેલી છે. તેમણે ઈ. સ. 1799(વિ. સં. 1855)માં અહીં સતી તરીકે સમાધિ લીધેલી.

હેમચંદ્ર જ્ઞાનમંદિર, પાટણ

ઇતિહાસ : પાટણનો ઇતિહાસ એ ગુજરાતના મધ્યકાળનો ઇતિહાસ છે. પાટણની સાથે તેના સ્થાપક વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડનું નામ સંકળાયેલું છે. ‘અણહિલવાડ’, ‘અણહિલપુર પાટણ’, ‘અણહિલ પાટક (કે વાટક)’, ‘અણહિલ પત્તન’, ‘અણહિલવાડ પત્તન’ તથા પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં ‘અણહિલવાડ (કે વાડ્ય)’, ‘અણહિલ પટ્ટણ’ જેવાં નામોનો ઉલ્લેખ મળે છે. મુસ્લિમ ઇતિહાસકારો તેને નહરવાલા (કે નહેરવાલા) તરીકે ઓળખાવે છે, જે સરસ્વતીની નહેર સાથેનો સંબંધ સૂચવે છે. અનુશ્રુતિ પ્રમાણે વિ. સં. 802(ઈ. સ. 746, 28 માર્ચ)ના વૈશાખ સુદ ત્રીજ(સોમવાર)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી. તીર્થકલ્પમાં જણાવ્યા પ્રમાણે લક્ખારામ (કે લક્ષારામ) નામના પ્રાચીન ગામના સ્થળે તે વસાવવામાં આવેલું. લક્ખારામમાં અરિષ્ટનેમિ ચૈત્યનો ધ્વજારોપણ મહોત્સવ ઈ. સ. 446(વિ. સં. 502)માં થયો હતો. અહીં એક અગ્રહાર હતો, જે હાલ ‘અઘાર’ ગામ તરીકે ઓળખાય છે.

ગુજરાતને ‘ગુજરાત’ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું. પાટણ તેની સ્થાપના બાદ 14મી સદી સુધીનાં લગભગ 650થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું; એટલું જ નહિ, તે ગુજરાતનું રાજકીય અને વિદ્યાકીય ઉપરાંત સંસ્કૃતિનું કેન્દ્ર પણ હતું. સહસ્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. રાજસ્થાન, સિંધ, માળવા અને ઉત્તર ભારતના સાર્થવાહોના માર્ગોનું તે કેન્દ્ર રહેલું. ભીમદેવ પહેલો, કર્ણદેવ, સિદ્ધરાજ અને કુમારપાળના શાસન દરમિયાન તે સમૃદ્ધિની ટોચે હતું, ત્યારે પાટણનો ઘેરાવો 30 કિમી. જેટલો હતો. 84 ચૌટાં અને 84 ચોક હતાં. તે વખતે પાટણની વસ્તી પણ ઘણી હતી. તેની વસ્તીનું પ્રમાણ દર્શાવવા ત્યારે ‘નરસમુદ્ર’ જેવો શબ્દપ્રયોગ પણ થતો. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે તેને ધર્માગાર તો કનૈયાલાલ મુનશીએ તેને સામર્થ્ય અને સમૃદ્ધિમાં તથા વિદ્યા અને રસિકતામાં યોગ્ય રીતે જ અયોધ્યા અને પાટલિપુત્ર, રોમ, ઍથેન્સ અને પૅરિસ સાથે સરખાવેલ છે.

જૂનું પાટણ અનાવાડા ગામ નજીક આવેલું હતું. કાલિકા માતાનાં મંદિરો, રાણીની વાવ, હિંગળાજ ચાચરનો ઓવારો, ફાટીપાળ દરવાજો વગેરે જૂના પાટણના ભાગરૂપ હતાં. ઈ. સ. 1411માં અમદાવાદ ગુજરાતની રાજધાની બનતાં પાટણની જાહોજલાલીમાં ઓટ આવી. તેનાં દેવમંદિરો તથા વિદ્યાલયોનું મહત્વ ઘટતું ગયું. મુઘલકાળ દરમિયાન હિસામુદ્દીન બાબી પાસેથી દામાજીરાવ બીજાએ તે જીતી લીધું અને 1766માં દામાજીરાવે વડોદરાથી રાજધાની પાટણમાં ખસેડી હતી. પરંતુ દામાજીરાવના અવસાન બાદ ફરી પાછી વડોદરા ખાતે તે ખસેડી લેવામાં આવી. કર્નલ ટોડે પ્રાચીન પાટણનું વર્ણન તેના પ્રવાસગ્રંથમાં કરેલું છે. કુમારપાળના રાસાને આધારે પ્રાચીન પાટણની શોધ થઈ હતી. હાલનું પાટણ મુસ્લિમ કાળનું છે.

શિવપ્રસાદ રાજગોર