પરીખ, ઊર્મિ રસિકલાલ (. 29 માર્ચ 1948, અમદાવાદ, ગુજરાત, . 8 એપ્રિલ 2007, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતનાં મહિલા ચિત્રકાર. ગુજરાતના અગ્રગણ્ય ચિત્રકાર રસિકલાલ પરીખનાં એ પુત્રી. બાળપણથી જ કલાશિક્ષક પિતા પાસેથી ચિત્રની તાલીમ લેવી શરૂ કરી. મૅટ્રિક પછી અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં ચિત્રકળાના ડિપ્લોમા માટે અભ્યાસ કર્યો. અભ્યાસ પછી ત્યાં જ તેઓ ચિત્રકળાનું શિક્ષણ આપતાં હતાં.

ઊર્મિ આરંભમાં પરંપરાગત ભારતીય ચિત્રશૈલી અને રસિકભાઈની અસર નીચે રહ્યાં; પરંતુ પ્રયોગશીલ રહેવાને કારણે અમૂર્ત કળા પણ પ્રયોજી અને છેવટે પીંછીના લસરકે માનવપાત્રોનાં બિન-અલંકૃત સ્વરૂપો સર્જતી રચનાશૈલી પર તે સ્થિર થયાં, જેમાં તેમનું મુખ્ય પ્રદાન હતું. આ રચનાશૈલી અમૃતા શેરગીલની ચિત્રશૈલીની ઘણી નજીકની છે. કરુણા નીતરતી આંખોવાળાં માનવપાત્રો, ઘેરા અને કાળા રંગોના સમન્વયથી ઊભું થતું દિવ્ય વાતાવરણ તથા એ બધાંના સહયોગથી થતું શાંત રસનું ઉદ્દીપન – એ ઊર્મિની મુખ્ય લાક્ષણિકતા છે.

ઊર્મિ પરીખે દોરેલું આત્મચિત્ર

તેમની બીજી લાક્ષણિકતા છે પોતાની જાત સાથેનું વળગણ. આનું પરિણામ સંખ્યાબંધ આત્મચિત્રો(self-portraits)માં આવ્યું છે. આત્મચિત્રો અપરિણીત ઊર્મિની એકલતા રજૂ કરે છે. આત્મચિત્રોની આટલી વિશાળ શ્રેણી અન્ય કોઈ ગુજરાતી ચિત્રકારે આપી નથી.

અન્ય પાત્રોનાં વ્યક્તિચિત્રોમાં તે માનવપાત્રને ઓરડાના દૂરના ખૂણામાં બેસાડી માત્ર અણસાર લીધા પછી એ પાત્રને બાજુ પર રાખી બાકીનું સર્જનકાર્ય મૌલિક સંવેદનાથી કરે છે. આથી ચિત્રમાં ફોટોગ્રાફીના આલેખન જેવી રુક્ષતા નથી આવતી, પણ પીંછીનું મૃદુ સંચાલન નજરે પડે છે. તરુણાવસ્થાથી જ લાગુ પડેલા સ્નાયુગત ગાત્રશોષના રોગે  એટલું ગંભીર સ્વરૂપ લીધું  કે ચિત્રકાર્ય 1980 પછી લગભગ બંધ પડ્યું. ઊર્મિના કહેવા મુજબ આ રોગને કારણે ઊભો થતો ઉદ્વેગ પણ તત્કાલીન ચિત્રોમાં પ્રતિબિંબિત થયો હતો,  વાતો કરતી સહેલીઓ, ચેસ કે પત્તાં રમતી સફેદ વસ્ત્રધારી સ્ત્રીઓનાં ચિત્રો દ્વારા ઊર્મિ અમૃતા શેરગીલની ચિત્રશૈલી વડે ગુજરાતી વાતાવરણમાં ગુજરાતી માનવીઓને આલેખતાં જણાય છે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ હ્યુમન રિસોર્સીઝે 1993-94ના વર્ષ માટે તેમને ચિત્રસર્જનમાં સહાય કરવાના હેતુથી ફેલોશિપ આપી હતી. 1996માં ગુજરાત લલિતકલા અકાદમીએ ‘ગૌરવ પુરસ્કાર’ દ્વારા તથા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ઍવૉર્ડ દ્વારા ઊર્મિને સન્માન્યાં હતાં. ઊર્મિનાં ચિત્રો ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા ગુજરાત પ્રવાસન નિગમ ખાતે તેમ જ દેશ-વિદેશના કલા અને સૌંદર્યના શોખીનોના અંગત સંગ્રહોમાં છે. તેમની કૃતિઓનાં વૈયક્તિક તેમ જ સમૂહગત પ્રદર્શનો યોજાયેલાં છે. તેઓ જીવનભર અપરિણીત રહ્યાં હતાં.

અમિતાભ મડિયા