પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ (. 12 ડિસેમ્બર, 1912, આંતરસૂબા, જિ. ખેડા; . 23 જૂન, 1985) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર જીવનના આગેવાન, ગુજરાત રાજ્યના માજી મંત્રી. પ્રાથમિક શિક્ષણ આંતરસૂબામાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને 1929માં મૅટ્રિક. તે પછી વિલ્સન કૉલેજમાં દાખલ થઈ ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દરમિયાન 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં વિદ્યાર્થી-પ્રવૃત્તિની આગેવાની સંભાળી. 1932માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં દાખલ થઈ 1934માં ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીમાં બી.એસસી. અને 1936માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પસાર કરી. 1941માં મુંબઈ યુનિવર્સિટીની એલએલ.બી.ની પરીક્ષા પસાર કરીને તેમણે અમદાવાદમાં વકીલાત શરૂ કરી. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં તેમણે વકીલાતનો ત્યાગ કર્યો. અમદાવાદમાં બી. કે. મજમુદાર, જયંતીભાઈ ઠાકોર, કાંતિલાલ ઘિયા વગેરે સાથે ભૂગર્ભ પ્રવૃત્તિનું આયોજન કરી, તેમણે કૉંગ્રેસ-પત્રિકાઓ દરરોજ લખવાની જવાબદારી સ્વીકારી. તે માટે ઉત્સવભાઈ વિવિધ સ્રોતો દ્વારા સમાચાર મેળવતા તથા યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરક અને ઉશ્કેરણીજનક લખાણ પોતે લખતા હતા. તેમણે મહિનાઓ સુધી કૉંગ્રેસ-પત્રિકા લખી. આ દરમિયાન બી. કે. મજમુદાર સાથે ઉત્સવભાઈએ ચળવળના સંગઠન માટેની આંતરરાજ્ય ગુપ્ત પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મુંબઈમાં હાજરી આપી હતી. ઑગસ્ટ, 1942થી માર્ચ, 1943 સુધી તેઓ અમદાવાદમાં જ ઝવેરી કુટુંબમાં અને કેશુભાઈ નવાબને ઘેર વધારે વખત તથા અન્યત્ર પણ ગુપ્ત રહ્યા હતા.

ઉત્સવભાઈ શંકરલાલ પરીખ

અમદાવાદની મિલોની હડતાળ ચાલુ રખાવવામાં તેમણે સાથ આપ્યો હતો. ‘જનતા કર્ફ્યુ’ તેમનો વિચાર હતો અને ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન સૌપ્રથમ વાર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ‘શહેર-સૂબા’ શબ્દ સૌપ્રથમ તેમણે આપ્યો હતો. માર્ચ, 1943 બાદ ઉત્સવભાઈ, અમદાવાદથી કાંતિલાલ ઘિયા સાથે નીકળીને વડોદરા, મુંબઈ તથા દક્ષિણ ભારતનાં કેટલાંક શહેરોમાં તેમના પરિચિતોને ઘરે ગુપ્ત રહ્યા હતા. 1943માં તેમણે શ્રી અરવિંદનાં દર્શન કર્યાં અને તેમનાથી પ્રભાવિત થયા. એ જ વરસે તેમણે સમલાયામાં અશ્વિન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની શરૂ કરી. ત્યાર બાદ 1949થી 1952 સુધી મુંબઈની વિધાનસભાના સભ્ય, 1953થી 1958 સુધી ખેડા જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ, 1957થી 1961 સુધી અમદાવાદની વિભાગીય વિકાસ સમિતિના માનાર્હ મંત્રી; ચાર વર્ષ માટે ખેતીવિષયક ઉત્પાદન બજાર સમિતિ, કપડવંજના અધ્યક્ષ અને ચાર વર્ષ માટે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કના ડિરેક્ટર તરીકે મહત્ત્વની સેવાઓ આપી. આ દરમિયાન 1956થી 1962 સુધી તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરની સેનેટ અને સિન્ડિકેટના સભ્ય તરીકે; 1961માં ગુજરાત રાજ્યની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના સભ્ય અને વૉટર યુટિલાઇઝેશન કમિટીના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી. 1962થી 1967 સુધી તેમણે ગુજરાત રાજ્યના ખેતી, મહેસૂલ અને ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે સેવા આપી. આ દરમિયાન 1965માં રોમ ખાતે યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર(U.N.)ના અન્ન અને ખેતીવિષયક સંગઠનની પરિષદમાં વૈકલ્પિક નેતા તરીકે ભાગ ભજવ્યો હતો. 1967થી 1972 સુધી તેમણે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર સેવા આપી. માર્ચ, 1968માં તેઓ બૅન્ક ઑવ્ બરોડાના ડિરેક્ટર તરીકે જોડાયા. આ ઉપરાંત તેમણે યંગ ફાર્મર્સ ઍસોસિયેશન ન્યૂ દિલ્હીના પ્રમુખ, ભારત કૃષક સમાજની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય, સ્કેર્સિટી સર્વે કમિટીના ચૅરમૅન, ઇન્ડસ્ટ્રિયલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ગુજરાત શાખાના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ રાજકારણ તથા અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસી હતા. તેમને વાચનનો પણ ઘણો શોખ હતો.

જયકુમાર ર. શુક્લ