પંજાબ (ભારત) : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ રાજ્ય આશરે 29o 32′ થી 32o 30′ ઉ. અ. અને 73o 53′ થી 77o 0′ પૂ. રે. વચ્ચેના લગભગ 50,362 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીર, પૂર્વમાં હિમાચલ પ્રદેશ તથા હરિયાણા, દક્ષિણમાં હરિયાણા તથા રાજસ્થાન તેમજ પશ્ચિમમાં પાકિસ્તાનના સીમાવિસ્તારો આવેલા છે. આ રાજ્યની પશ્ચિમે ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તરેલી હોવાથી વ્યૂહાત્મક દૃષ્ટિએ તેનું મહત્વ અનેકગણું છે. ચંડીગઢ તેનું પાટનગર છે. આ રાજ્યની વસ્તી 2011 મુજબ 2,77,04,236 જેટલી છે અને તે 22 જિલ્લાઓમાં વહેંચાયેલું છે.

ભૂપૃષ્ઠ : પ્રાકૃતિક રચનાના સંદર્ભમાં આ રાજ્ય મુખ્ય બે કુદરતી વિભાગોમાં વહેંચાયેલું છે : (1) પહાડી પ્રદેશ : રાજ્યની પૂર્વ સીમા તરફ ગુરદાસપુર અને હોશિયારપુર જિલ્લાઓના થોડાક ભાગોમાં હિમાલયના ભાગરૂપ શિવાલિકની ટેકરીઓના દક્ષિણ ઢોળાવોનો પટ્ટો વિસ્તરેલો છે, જે સમુદ્રસપાટીથી લગભગ 300 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ પ્રદેશ અસમતળ છે અને તેમાં ઊંડાં કોતરો, ગોળાકાર ટેકરીઓ અને વિશાળ પાષાણખંડો તેમજ ગચ્ચાં જેવાં ભૂમિસ્વરૂપો જોવા મળે છે.

(2) મેદાનો : ઉત્તર ભાગમાં રાવી અને બિયાસ, મધ્ય ભાગમાં સતલજ અને દક્ષિણમાં ઘગ્ગર જેવી મુખ્ય નદીઓએ તેમના ખીણવિસ્તારોમાં નિક્ષેપજન્ય ફળદ્રુપ મેદાનો રચ્યાં છે; જે કાંપ, રેતી અને માટીના જાડા સ્તરોથી બનેલાં છે. આ મેદાનો દક્ષિણ તરફ ઢળતાં છે અને સમુદ્રની સપાટીથી લગભગ 150 મીટરની ઊંચાઈ ધરાવે છે. દક્ષિણે રાજસ્થાનના સીમાવર્તી ભાગોનાં મેદાનો મોટે ભાગે રાજસ્થાનના રણની અસર હેઠળ ભાગ પવનનિર્મિત છે અને ત્યાં રેતીના ઢૂવા પથરાયેલા છે.

આબોહવા : આ રાજ્યમાં મોસમી પ્રકારની આબોહવાની અંશત: અસર જોવા મળે છે, તેમ છતાં તે સમુદ્રથી દૂર ખંડીય ભાગમાં સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું હોવાથી તેમજ નજીકમાં આવેલા રાજસ્થાનના રણની અસર વર્તાતી હોવાથી શુષ્કતાનાં લક્ષણો પણ ધરાવે છે; તેથી તેની આબોહવા સમશીતોષ્ણ, શુષ્ક તેમજ વિષમ એમ મિશ્ર પ્રકારની છે. શિયાળાના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓમાં રાત્રિ દરમિયાન તાપમાન સામાન્ય રીતે ઠારબિંદુ સુધી પહોંચી જાય છે, હિમાલય તરફથી વહેતી શીતલહેરોનો પ્રકોપ ચાલુ હોય ત્યારે તાપમાન ઠારબિંદુથી પણ નીચે જતું રહે છે. દિવસ દરમિયાનનું તાપમાન 7o સે.થી વધુ ઊંચે જતું નથી. ઉનાળાની ઋતુમાં એપ્રિલથી જૂન માસના અંત સુધી રાજ્યના મોટાભાગમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળે છે, ત્યારે વહેલી સવારનું તાપમાન પણ 35o સે. જેટલું હોય છે, જે દિવસ દરમિયાન વધીને 40o  સે.થી વધુ ઊંચે જાય છે અર્થાત્ ઠંડી-ગરમીનું પ્રમાણ વર્ષ દરમિયાન વિષમ રહે છે.

અહીં સામાન્ય રીતે વર્ષમાં બે વાર વરસાદ પડે છે. શિયાળાની મોસમમાં ઈશાની મોસમી પવનો ડિસેમ્બરના અંતભાગથી ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા ક્યારેક માર્ચની અધવચના ગાળામાં થોડોક વરસાદ આપી જાય છે. ચોમાસાની ઋતુમાં દરિયા તરફથી વાતા નૈર્ઋત્યના મોસમી પવનો જૂનના અંતભાગથી મધ્ય સપ્ટેમ્બર સુધીના ગાળા દરમિયાન પ્રમાણમાં વધુ વરસાદ આપે છે. વરસાદનું પ્રમાણ રાજ્યમાં સ્થાનભેદે જુદું જુદું રહે છે. પૂર્વના પહાડી પ્રદેશો 3,500 મિમી., જ્યારે નજીકનાં મેદાનો 2,500 મિમી. કે તેથી ઓછો વરસાદ મેળવે છે. પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ એકદમ ઘટી જઈ 600 મિમી. કે તેથી પણ ઓછું થઈ જાય છે. કોઈક વાર માર્ચ-એપ્રિલ માસમાં ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતા તોફાની ચક્રવાતો અહીં વરસાદ આપી જાય છે, આ વરસાદ સાથે ક્યારેક કરા પણ પડે છે.

કુદરતી વનસ્પતિ : પૂર્વના પહાડી પ્રદેશો થોડાંક જંગલો ધરાવે છે, તેમાં સાલવૃક્ષોનું પ્રમાણ વિશેષ છે. મેદાનોમાં શુષ્ક આબોહવામાં થતી વનસ્પતિ વધુ જોવા મળે છે. પડતર જમીનોમાં બાવળની કેટલીક જાતો ઉપરાંત છૂટાછવાયા કેરડા, ખીજડા અને વરખડા(પીલુ)નાં વૃક્ષો; નદીકિનારાના ભાગોમાં સીસમ, બાવળ, શેતૂરનાં વૃક્ષો; નહેરોના કાંઠા પર તેમજ સડકમાર્ગો પર આંબા તથા અન્ય વૃક્ષો જોવા મળે છે.

સિંચાઈ અને ખેતી : રાજ્યના મોટાભાગના પ્રદેશોમાં ખેતી માટે વરસાદ અપૂરતો અને અવિશ્વસનીય ગણાય છે. આ કારણે અહીં સિંચાઈનાં સાધનોનો વિકાસ કરવો અનિવાર્ય બન્યો છે. પંજાબમાં નહેરો જાળની જેમ પથરાયેલી છે, વળી સંખ્યાબંધ પાતાળકૂવાઓ દ્વારા પણ સિંચાઈની સુવિધા છે.

આ રાજ્યમાં આવેલું ભાકરા-નાંગલ સંકુલ એ સતલજ નદી પરની બહુહેતુક યોજના છે; તેમાં ભાકરા અને નાંગલબે બંધો, ભાકરાની નહેરો, નાંગલ જળવિદ્યુત-નહેર તેમજ ગંગુવાલ અને કોટલાબે જળવિદ્યુતમથકોનો સમાવેશ થાય છે. તે દુનિયાની સૌથી મોટી સિંચાઈ-યોજનાઓમાં બીજા ક્રમે આવે છે. તેમાંથી કાઢવામાં આવેલી નહેરોથી પંજાબ ઉપરાંત હરિયાણા અને રાજસ્થાનની લાખો એકર સૂકી જમીનને સિંચાઈ દ્વારા હરિયાળી બનાવવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાં નદીઓને નદીઓ સાથે જોડતી નહેરો તેમજ ચોમાસામાં આવતાં પ્રચંડ પૂરને ખાળવા માટે પણ અહીં બંધોનું આયોજન કરવામાં આવેલું છે.

પંજાબ રાજ્ય (ભારત)

ભારતમાં આ રાજ્ય ખેતીપ્રધાન ગણાય છે. રાજ્યની આશરે 70 % વસ્તી ખેતીપ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. રાજ્યના કુલ વિસ્તારના લગભગ 84 % ભૂમિભાગમાં ખેતી કરવામાં આવે છે, હવે તો ખેતીમાં વ્યાપક પ્રમાણમાં યંત્રો, સુધારેલાં બિયારણો અને ખાતરોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઈ, સસ્તી વીજળી તથા જરૂરી અન્ય સગવડો ઘટાડેલા દરે પૂરી પાડતી હોવાથી ખેત-ઉત્પાદનમાં ભારે વધારો નોંધાયો છે. આ રાજ્ય દેશના આશરે 71 % ઘઉં અને 48.5 % ચોખાનું ઉત્પાદન કરે છે. અન્ય ખાદ્યાન્નોમાં મકાઈ, બાજરી, ચણા અને બીજાં કઠોળોનો ઉત્પાદનક્રમ આવે છે. કપાસ, તેલીબિયાં, શેરડી અને બટાટા એ મુખ્ય રોકડિયા પાકો છે. અહીં વિવિધ પ્રકારનાં ફળો તેમજ શાકભાજીનું મબલક ઉત્પાદન લેવાય છે અને તેની અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. વળી અહીં ખેતીની સાથે સાથે પશુપાલન-પ્રવૃત્તિનો પણ સારો વિકાસ થયો છે. આ રાજ્ય દેશનું આશરે 10 % દૂધ ઉત્પન્ન કરે છે. મરઘાં-પાલનપ્રવૃત્તિ દ્વારા ઈંડાંનું પણ ઉત્પાદન થાય છે.

ખનિજસંપત્તિ : મુલતાની માટી (fuller’s earth), સૉલ્ટ પીટર ( KNOor NaNO3), સિલિકાધારક રેતી જેવાં ખનિજો તથા ચૂનાખડક અને બાંધકામ માટેના પથ્થરો આ રાજ્યમાંથી મળે છે. ગુરદાસપુર અને સોહાણા ખાતે દ્રાવ્ય ક્ષારો ધરાવતા ઝરાઓ પણ આવેલા છે. આ પેદાશો તેના સંકલિત ઉદ્યોગ માટેનો કાચો માલ પૂરો પાડે છે.

ઊર્જાસ્રોત : ઊર્જાની ઉપલબ્ધિ માટે આ રાજ્યમાં જળવિદ્યુત અને તાપવિદ્યુતની ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. તે પૈકી ભાકરા ડાબા-કાંઠા-નહેર, ભાકરા જમણા-કાંઠા-નહેર, ગંગુવાલ, કોટલા,  શાનાન, ભટિન્ડા, નાંગલ તાપવિદ્યુત એકમ, ડેહર (Dehar) વિદ્યુત-પ્લાન્ટ પોન્ગ વિદ્યુત પ્લાન્ટ (બિયાસ યોજના એકમ-1), (બિયાસ યોજના એકમ-2), આનંદપુર સાહિબ, સિયુલ (Siul) જળવિદ્યુત, સલાલ જળવિદ્યુત, બથિન્ડા (Bathinda) ખાતેનું ગુરુ નાનક તાપવિદ્યુતમથક તેમજ રૂપડ (Roper) ખાતેનું ગુરુ ગોવિન્દસિંહ તાપવિદ્યુતમથક વગેરે મુખ્ય યોજનાઓ છે; જે ખેતી તથા ઉદ્યોગોમાં સંચાલનશક્તિની જરૂરિયાતો પૂરી પાડે છે. અન્ય વિદ્યુત યોજનાઓમાં ડમસાલ(Damsal), પર્ચ (Perch) અને ચોહલ (Chohal) બંધોનું કામ પૂર્ણ થયું છે. વળી રણજિતસાગર (600 મે.વૉ.), સાલેરન અને મિર્જાપુર બંધોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બિનપરંપરાગત ઊર્જાસ્રોતો પૈકીનું એક એકમ જલખેરી (Jalkheri) ખાતે આવેલું છે, જ્યાં ડાંગરના પરાળમાંથી તાપવિદ્યુત (10 મે.વૉ.) પેદા કરવામાં આવે છે.

ઉદ્યોગો : પંજાબમાં ગામેગામ તેમજ શહેરોમાં નાના પાયા પરના ઔદ્યોગિક એકમોનું પ્રમાણ વિશેષ છે. આવા એકમોની સંખ્યા અંદાજે 2 લાખ (2011) જેટલી છે, જે આશરે 7.50 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે; જ્યારે મોટા અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોની સંખ્યા 410 (1993) જેટલી છે, તેના દ્વારા બે લાખથી વધુ લોકો રોજી મેળવે છે. અહીં ઉદ્યોગોના વિકાસમાં ‘પંજાબ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ’નો ફાળો નોંધપાત્ર રહ્યો છે.

પંજાબમાં મુખ્યત્વે સાઇકલ, રમતગમતનાં સાધનો, તબીબી ઉપકરણો, ઑટોમોબાઇલ્સના ભાગો, વિદ્યુત-સાધનો, વીજાણુ-ઉપકરણો, હોઝિયરી, કાપડ, હાથવણાટની ચીજવસ્તુઓ, પ્લાસ્ટિક, ચામડાં, પગરખાં, લોખંડ-પોલાદનો સરસામાન, ખાંડ, ખાદ્યતેલ, રાચરચીલું, સીવણસંચા, રસાયણો, ખાતરો, સ્ટાર્ચ, યાંત્રિક ઓજારો, કૃષિ-ઓજારો, નટ-બોલ્ટ્સ, પાઇન-ઑઇલ અને બીજી અનેક વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો આગળ પડતા છે.

પરિવહન : આ રાજ્યમાં રેલ અને સડકમાર્ગોની જાળ પથરાયેલી છે, તે રાજ્યનાં મુખ્ય નગરોને સાંકળે છે. આ રાજ્ય આશરે 3,636.19 કિમી. લંબાઈના રેલમાર્ગો અને 38,723 કિમી. લંબાઈના સડકમાર્ગો ધરાવે છે. ધોરી માર્ગોની લંબાઈ 988 કિમી. જેટલી છે. અમૃતસર, ભટિન્ડા, લુધિયાણા અને ચંડીગઢ ખાતે અહીંનાં મુખ્ય હવાઈ મથકો આવેલાં છે.

જોવાલાયક સ્થળો : આ રાજ્યમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતાં છૂટાંછવાયાં કેટલાંક સ્થળો આવેલાં છે. રૂપડ (Roper) એ સિંધુ-સંસ્કૃતિના અવશેષો ધરાવતું સ્થાન છે. અમૃતસરમાં શીખોનું સુવર્ણમંદિર અને ભારતની આઝાદી માટેની ચળવળની યાદ આપતો જલિયાંવાલા બાગ, આનંદપુરસાહિબનાં ઐતિહાસિક સ્મારકો, ભટિન્ડાનો પ્રાચીન કિલ્લો, કપૂરથલાનાં પ્રાચીન સ્મારકો, પાટનગર ચંડીગઢ, ભાકરા-નાંગલ બંધસંકુલ, પતિયાળાના બાગબગીચા, જલંધરનું સોડલ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.

પંજાબની લોકકલાનું આગવું પાસું : ભાંગડા નૃત્ય

વસ્તી-વસાહતો : આ રાજ્યની વસ્તી 2,02,81,969 (1991) જેટલી છે. દર ચોકિમી. મુજબ અહીં સરેરાશ વસ્તીગીચતાનું પ્રમાણ 401 વ્યક્તિઓનું છે. રાજ્યમાં શિક્ષણ-પ્રમાણ 57.14 % નું છે. અહીં પંજાબી ભાષા બોલાય છે. પંજાબીઓ (ગુજરાતીઓની જેમ) આખા દેશમાં તેમજ પરદેશમાં પથરાયેલા છે. તેઓ દેશની ખાણોમાં, લોખંડ-પોલાદનાં કારખાનાંમાં, તેલક્ષેત્રમાં ટેકનિશિયનો તરીકે, સિને-ઉદ્યોગના નિર્માતા તરીકે, કલાકારો તરીકે અને ટૅક્સી-ડ્રાઇવર કે ટ્રક-ડ્રાઇવર તરીકે તેમની સેવાઓ આપી રહ્યા છે. પંજાબ તેનાં જીવંત અને જોશીલાં ભાંગડા અને ગિકા લોકનૃત્યો માટે દુનિયાભરમાં જાણીતું છે.

આ રાજ્ય 14 જિલ્લાઓમાં વહેંચાયેલું છે. શહેરી વસ્તીનું વધુ પ્રમાણ ધરાવતો જલંધર જિલ્લો સૌથી વધુ ગીચ વસ્તી(દર ચોકિમી. 507)વાળો છે; એટલું જ નહિ, તે વધુ વરસાદ મેળવે છે અને સિંચાઈની સુવિધાઓ પણ ધરાવે છે. વધુ વસ્તીવાળા અન્ય જિલ્લાઓમાં લુધિયાણા (468), અમૃતસર (426) અને ગુરદાસપુર(422)નો સમાવેશ થાય છે, તેની તુલનામાં દક્ષિણ તથા પશ્ચિમમાં આવેલા ભટિન્ડા, ફીરોજપુર અને મનસા જિલ્લાઓમાં વસ્તીની ગીચતા ઓછી છે, કારણ કે ત્યાં શુષ્ક આબોહવા પ્રવર્તે છે.

રાજ્યમાં ચંડીગઢ, લુધિયાણા, જલંધર, બટાલા, અમૃતસર, ફીરોજપુર, પતિયાળા, પઠાણકોટ, મોગા વગેરે અગત્યનાં શહેરો છે. રાજધાની ચંડીગઢ (વસ્તી 5,75,000-1991) વિશ્વવિખ્યાત સ્થપતિ અને કલાકાર લા કાર્બુઝિયેની કલ્પનામાંથી આકાર પામેલું સોહામણું નગર છે. સચિવાલય, વિધાનસભાગૃહ, હાઈકૉર્ટ-ભવનો, આવાસો વગેરે અદ્યતન સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂનારૂપ હોઈ જોનારને નિતાંત આકર્ષતાં રહે છે. અહીં સંખ્યાબંધ બાગબગીચા ઉપરાંત સ્ટેડિયમ, ક્લબ, હૉસ્પિટલ તથા યુનિવર્સિટી છે અને તેને સંલગ્ન કૉલેજો આવેલી છે. ઔદ્યોગિક વિભાગની વ્યવસ્થા શહેરના છેડે અલગ રાખવામાં આવેલી છે.

સુવર્ણમંદિર, અમૃતસર

લુધિયાણા (જિલ્લાની વસ્તી : 34,87,882) દેશનું અગત્યનું અને સૌથી મોટું હોઝિયરીનું કેન્દ્ર છે. અહીં ખાદ્યપ્રક્રમણ તથા ઇજનેરી ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. અહીં ખેતીવાડીની કૉલેજ પણ આવેલી છે. અમૃતસર (વસ્તી : 7,09,456)  રેલમાર્ગ તથા સડકમાર્ગોનું અગત્યનું  કેન્દ્ર છે. અહીં ખાદ્યપ્રક્રમણ, સુતરાઉ કાપડની મિલ, ઇજનેરી તથા છાપકામની યંત્રસામગ્રી જેવા ઉદ્યોગો આગળ પડતા છે. અહીં ગુરુ નાનકદેવ યુનિવર્સિટી અને ખૂબ જાણીતું બનેલું શીખોનું ત્રણ માળનું પવિત્ર સુવર્ણમંદિર આવેલું છે. જલંધર (જિલ્લાની વસ્તી : 21,81,753) રમતગમતનાં સાધનોનું મોટું નિકાસ-બજાર તેમજ ઇજનેરી સરસામાન(કૉક્સ અને વાલ્વ વગેરે)નું એશિયાનું સૌથી મોટું બજાર ધરાવે છે. અહીં રબર અને પ્લાસ્ટિકના માલસામાનનું ઉત્પાદન પણ થાય છે. પતિયાળા (જિલ્લાની વસ્તી : 18,92,282) જૂના સમયના રજવાડાનું કેન્દ્ર હતું અને હાલમાં તે હસ્તઉદ્યોગની રંગબેરંગી ચીજો(સોના-ચાંદીના તારનું ભરતકામ, સ્ત્રીઓનાં ઘરેણાં વગેરે)ના ઉત્પાદન માટે જાણીતું છે. વળી તે પંજાબ યુનિવર્સિટીનું મથક છે. અહીં થાપર ઇજનેરી અને ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ આવેલી છે. હોશિયારપુર (જિલ્લાની વસ્તી : 15,82,793) તેના સફેદ પ્લાસ્ટિક-વાળા (white inlay work) રાચરચીલા માટે પ્રખ્યાત બનેલું છે. આ પ્રકારના રાચરચીલાની યુ. એસ. ખાતે માંગ રહેતી હોવાથી ત્યાં નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત પઠાણકોટ, મોગા, અબોહર, બટાલા  વગેરે બીજાં અગત્યનાં નગરો છે. રાજ્યનાં કુલ નગરોની સંખ્યા 157 જેટલી છે.

ઇતિહાસ : પ્રાચીન કાળથી ભારત પર ચડી આવતા વિદેશીઓનાં ધાડાંને સૌપ્રથમ પંજાબના પ્રદેશને પાર કરવાનો રહેતો હતો, તેથી આ પ્રદેશ ધનધાન્યથી સમૃદ્ધ હોવા છતાં એક રણભૂમિ સમાન બની ગયો હતો. ગઢ કે દુર્ગ સમાન ગણાતા ભારતના આ પ્રદેશમાં જ નિર્ણયાત્મક લડાઈઓ ખેલાતી અને તેના પરિણામ પર સમગ્ર દેશનું કે તેના ભાગનું રાજકીય ભાવિ નિશ્ચિત થતું. અહીં જેલમને કાંઠે જ ઍલેક્ઝાન્ડરને રાજા પુરુ તથા અન્ય ગણરાજ્યોએ આગળ વધતો અટકાવ્યો હતો, પરંતુ ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે તે પછીના સમયમાં પણ આ પ્રદેશની નબળી સત્તાનો ગેરલાભ ઉઠાવીને મુસલમાનો અને મુઘલો ફાવી ગયા અને તેમણે ભારત પર લાંબા સમય સુધી શાસન કર્યું.

પંજાબ વેદકાળની મહાન સંસ્કૃતિનું ઉદભવસ્થાન અને સદીઓથી આર્ય સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. સિંધુતટની સંસ્કૃતિના સર્વપ્રથમ અવશેષો મોહેં-જો-દડો અને હડપ્પામાંથી મળી આવ્યા છે, જોકે આ બંને સ્થળો આજે તો પાકિસ્તાનમાં છે, પણ તેના સમકક્ષ અવશેષોની એક કડી પછીથી ચંડીગઢ નજીકના રૂપડમાંથી પણ મળી આવી છે. સપ્તસિંધુ-સાત નદીઓની ભૂમિ(ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમાની બંને બાજુ)નો પ્રદેશ એટલે જ પંજાબ. આ પૈકીની સિંધુ નદી તો હવે પાકિસ્તાનમાં વહે છે. વૈદિક કાળની નદી સરસ્વતી(હવે લુપ્ત)નું જૂનું વહેણ શોધી કાઢવા માટેનું એક અભિયાન હમણાં જ પૂર્ણ થયું છે. ઉપગ્રહ-તસવીરો લઈને, અન્વેષણો કરીને તેના પર વિશેષ પ્રકાશ પાડી શકાયો છે. જેલમ (વિતસ્તા) અને ચિનાબ (ચંદ્રભાગા) કાશ્મીરમાં થઈ પાકિસ્તાનમાં પ્રવેશે છે; રાવી (ઐરાવતી), સતલજ (શતદ્રુ) અને બિયાસ (વિપાશા) પંજાબમાં વહીને પાકિસ્તાન તરફ જાય છે. આ પાંચ (પંજાબીમાં પંજ) નદીઓનાં પાણી (આબ) ઉપરથી આ સમગ્ર પ્રદેશનું નામ ‘પંજાબ’ પડેલું છે.

અહીં વસતા લોકો લાંબા સમયથી વિદેશી આક્રમણખોરોનો સામનો કરતાં કરતાં રીઢા થઈ ગયા છે. અહીં લશ્કરી ધાડાં આવ્યાં અને ગયાં, અનેક ઊથલપાથલો થઈ અને રાજકીય પરિવર્તનો આવ્યાં; પણ અહીંના લોકો પરિસ્થિતિ સામે સંઘર્ષ કરતા રહ્યા છે, અનુકૂલન સાધતા ગયા છે તેમજ નિરાશાને વશ ન થવાની સમજ કેળવી છે. આવા જ એક આંદોલનમાંથી શીખ પંથ(સંપ્રદાય)નો જન્મ થયો છે, જેનાથી પંજાબના જનજીવનમાં ખૂબ મોટો ફેરફાર થયો છે.

અન્ય હિંદુ સંતોની જેમ ગુરુ નાનકે પણ એકતા અને સદાચારની ભૂમિકા રૂપે જ આ સંપ્રદાયની સ્થાપના કરેલી. તેમના પછી શીખ સંપ્રદાયના બીજા નવ (એ રીતે કુલ દસ) ગુરુઓ થયા. ધર્મઝનૂની બાદશાહો સામે લડતાં લડતાં શીખ સંપ્રદાય પણ ઝનૂની અને લડાયક બન્યો. તેમના દસમા ગુરુ ગોવિંદસિંહે ધર્મની રક્ષા માટે ધાર્મિક જૂથો પાસે રાજકીય સત્તા હોવાની જરૂરત પર ભાર મૂક્યો અને ‘ખાલસા’ એટલે કે પંથના રાજકીય અંગની સ્થાપના કરી. આ પછી શીખોનાં જુદાં જુદાં જૂથોએ રાજકીય સત્તા હાથમાં લીધી અને મહારાજા રણજિતસિંહે લાહોરમાં એક મહાન રાજ્ય પ્રસ્થાપિત કર્યું. આ રાજ્ય ઘણું વિશાળ હતું, જેમાં હાલના જમ્મુ-કાશ્મીરનો પણ સમાવેશ થતો હતો; પરંતુ તેમના મૃત્યુ બાદ શીખોમાં ફાટફૂટ પડી અને અંગ્રેજોએ છળકપટથી તેમને હરાવીને ધીમે ધીમે પંજાબમાં પોતાની સત્તા જમાવી દીધી. આમ રાજકીય સત્તા ગઈ, પણ શીખ પંથની ધાર્મિક અસરો સમાજજીવનમાં ચાલુ રહી.

દેશની સ્વાતંત્ર્ય માટેની લડતમાં પણ પંજાબે આગળ પડતો ભાગ ભજવ્યો હતો. અંગ્રેજોએ 1919માં અમૃતસરમાં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ સર્જ્યો. પંજાબકેસરી લાલા લજપતરાય સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા એક સરઘસની આગેવાની કરતાં મોતને ભેટ્યા. તેનો બદલો લેવા માટે વીર ભગતસિંહ તથા તેમના અન્ય સાથીઓએ શહાદત વહોરી, દેશાભિમાનનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. આ પછી 1929ના ડિસેમ્બરની 31મીની મધ્યરાત્રિએ લાહોરમાં રાવી નદીને કાંઠે ભરાયેલી કૉંગ્રેસમાં દેશના નેતાઓએ ‘પૂર્ણ સ્વરાજ્ય’નો નિર્ધાર કર્યો.

અંગ્રેજોની ગુલામીમાંથી 1947માં દેશ મુક્ત થયો તે સમયે પંજાબના બે ભાગલા પાડવામાં આવ્યા, તેથી અનેક કુટુંબોને ઘરબાર અને જાનમાલની ભારે કિંમત ચૂકવવી પડી. અત્યંત ફળદ્રૂપ અને સિંચાઈવાળા પંજાબના ભાગો સરહદની પેલે પાર પાકિસ્તાનમાં ગયા. આ રીતે દેશના ભાગલાની અગ્નિપરીક્ષામાંથી નવા પંજાબનો જન્મ થયો. ખંત, ચીવટ, હિંમત અને પરિશ્રમ જેવા ગુણોને લીધે પાકિસ્તાન છોડીને આ દેશમાં આવેલા આશરે 45 લાખ લોકોને નવજીવન પ્રાપ્ત થયું. પતિયાળા, નાભા, કપૂરથલા અને બીજાં દેશી રજવાડાંનો સંઘ જે ‘પેપ્સુ’ નામે ઓળખાતો હતો તેનું 1959માં પંજાબ સાથે જોડાણ કરવામાં આવ્યું.

શરૂઆતમાં પંજાબનું રાજ્ય દ્વિભાષી હતું. ઉત્તર ભાગમાં પંજાબીભાષી લોકોનો સમૂહ હતો, તો બાકીના ભાગમાં હિંદીભાષી તથા હરિયાણવીભાષી લોકસમૂહ હતો. પ્રબળ લોકલાગણીને સંતોષવા માટે વિશાળ પંજાબનું 1966માં પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યોમાં વિભાજન કરવામાં આવ્યું.

સ્વતંત્ર ભારતના રક્ષણમાં પણ પંજાબે ઘણો મોટો ફાળો આપ્યો છે. 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાનને મળેલો જડબાતોડ જવાબ પણ પંજાબની ભૂમિ પરથી જ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની હવાઈ હુમલાનો ભોગ પણ પંજાબનાં શહેરો અને ગામડાં જ બન્યાં હતાં, પણ પંજાબના લોકોએ એનો નીડરતાથી સામનો કર્યો.

થોડાંક વર્ષોથી પંજાબમાં વકરેલી સશસ્ત્ર આતંકવાદીઓની પ્રવૃત્તિથી રાજ્યનું જનજીવન ખોરવાઈ ગયું હતું, પણ દેશના લશ્કરની સહાયથી આજે હવે આ પ્રવૃત્તિનો અંત લાવવામાં આવ્યો છે.

બીજલ પરમાર