દેવી, ગણેશ નારાયણદાસ (જ. 1 ઑગસ્ટ 1950, સાંગલી, મહારાષ્ટ્ર) : જાણીતા વિવેચક અને પ્રાધ્યાપક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘આફ્ટર એમ્નીસિયા : ટ્રેડિશન ઍન્ડ ચેંજ ઇન ઇન્ડિયન લિટરરી ક્રિટિસિઝમ’ (1992)માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પિતા નારાયણદાસ દેવી અને માતા પ્રેમીલાબહેન દેવી. શાળાનું શિક્ષણ સાંગલી, મહારાષ્ટ્રમાં.
ઉચ્ચ શિક્ષણ શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર તથા લીડ્ઝ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાં મેળવ્યું છે. 1979માં તેમણે શિવાજી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને 1986–87 દરમિયાન તેઓ લીડ્ઝ યુનિવર્સિટીમાં કૉમનવેલ્થ એકૅડેમિક સ્ટાફ ફેલો તરીકે જોડાયા. તેમણે સ્પેન, જર્મની, ઇટાલી અને આયર્લૅન્ડમાં પણ વ્યાખ્યાનો આપ્યાં છે. 1991માં તેમને ઍસોસિયેશન ઑવ્ કૉમનવેલ્થ યુનિવર્સિટી દ્વારા ‘ટી.એચ.બી. સાઇમન ફેલોશિપ’ પ્રાપ્ત થઈ. 1980થી તેઓ પ્રારંભે એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક થયા અને ત્યારે તેમણે આદિવાસી અકાદમી તેજગઢની સ્થાપના કરી અને સ્થાપક નિયામક બન્યા. 2014માં કેન્દ્ર-સરકારે સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે એમના ઉત્તમ કામને બિરદાવીને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો. એમને સાર્ક રાઇટર્સ ફાઉન્ડેશનનો ઍવૉર્ડ મળ્યો છે. 2003માં એમને પ્રિન્સ કલાઉસ ઍવૉર્ડ મળ્યો છે. એમના વાનપ્રસ્થ એ મરાઠી પુસ્તકને છ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. એમાં દુર્ગા ભાગવત ઍવૉર્ડનો સમાવેશ થાય છે. મરાઠી ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતીમાં પણ એમનાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. 1998થી આદિવાસી ચેતનાનું સામયિક ‘ઢોલ’, 2003થી આદિવાસી બાળકોનું ‘બાલ’ સામયિકનું સંપાદન તેઓ કરે છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘આફ્ટર એમ્નીસિયા : ટ્રેડિશન ઍન્ડ ચેંજ’માં ભારતીય વિવેચનમાંના મહત્ત્વના મુદ્દાઓની છણાવટ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ત્રિદીપ સુહ્રદે ‘સ્મૃતિભ્રંશને પગલે પગલે’ નામથી 2006માં પ્રગટ કર્યો છે. ભારતીય સાહિત્યના ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં, આપણી બહુભાષી વિરાસતની ખોવાયેલ નિરંતરતાને પુન:પ્રાપ્ત કરવાની કોશિશ, આપણી ભાષાપરંપરાઓનું વિચારોત્તેજક પુન:સ્મરણ અને તલસ્પર્શી વિવેચનની સરળતા પ્રગટ કરાઈ હોવાને કારણે આ ગ્રંથ ભારતીય વિવેચનસાહિત્યમાં એક મહત્ત્વનું પ્રદાન ગણાય છે. તેમણે વિવેચનાત્મક સાહિત્યસંગ્રહ ‘ક્રિટિકલ થૉટ’(1987)નું તથા ‘સેતુ’ નામના સાહિત્યિક સામયિકનું સુરેશ જોષી સાથે સંપાદન પણ કર્યું છે. ‘પીપલ્સ લિન્ગવિસ્ટીક સર્વે ઑફ ઇન્ડિયા’ના તેઓ મુખ્ય સંપાદક છે. જેના 50 વોલ્યૂમ છે.
બળદેવભાઈ કનીજિયા