ત્રિવેદી, ઉત્તમલાલ (જ. 16 ડિસેમ્બર 1872, અમદાવાદ; અ. 9 ડિસેમ્બર 1923) : ગુજરાતી સાહિત્યમાં ‘પંડિતયુગ’ના એક સત્વશીલ વિવેચક, ચિંતક અને અનુવાદક. પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ સદાલક્ષ્મી. જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં. પિતા સૌરાષ્ટ્રના લીંબડી રાજ્યમાં દીવાન હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ લખતરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1887માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા અને 1891માં બી.એ.ની એ પરીક્ષા પસાર કરી. એ પછી એલએલ.બી. થવા તે મુંબઈ ગયા અને એ પરીક્ષા પસાર કરી. ત્યાર પછી તેમણે રાજકોટમાં વકીલાત શરૂ કરી. વકીલાતના વ્યવસાયમાં તેમને સુંદર સફળતા મળી. લોકોમાં તેઓ પ્રીતિપાત્ર બન્યા. વચ્ચે ચારેક મહિના ગુજરાત કૉલેજમાં આનંદશંકર ધ્રુવની ગેરહાજરી દરમિયાન તેમણે સંસ્કૃતના વર્ગો લીધા હતા. ગોવર્ધનરામની સલાહથી 1904માં તેઓ મુંબઈ આવ્યા અને વકીલાત શરૂ કરી પણ થોડા સમય બાદ તે પોતાની જ્ઞાતિના કેટલાક ગૃહસ્થોની સાથે વ્યાપારમાં પડ્યા અને દુર્દૈવવશાત્ આ વ્યાપારમાં તેમને મોટી આર્થિક ખોટ ગઈ. મુંબઈમાં રહ્યાં રહ્યાં અનેક સંસ્થાઓમાં એમણે સક્રિય રસ લીધો હતો. કેળવણીમંડળ, સાહિત્ય પરિષદ, નાગરમંડળ જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી તરીકે પણ થોડો સમય રહ્યા હતા. જાહેરજીવનમાં ઉત્તમલાલનું સ્થાન ઊંચું હતું. રાજકારણવિષયક લેખો અને મુદ્દાસર ચર્ચાપત્રો લખવા ઉપરાંત રાજકારણમાં તેમણે સક્રિય રસ પણ લીધો હતો. લોકમાન્ય ટિળકના ગ્રંથ ‘ગીતારહસ્ય’નું તેમણે ગુજરાતીમાં ભષાંતર કરેલું. ટિળકના પરિચયમાં પણ તેઓ આવેલા. ટિળકને તેમની બુદ્ધિશક્તિ માટે માન હતું. રાજકારણમાં એમના વિચારોનો ઝોક રાષ્ટ્રીય પક્ષ તરફ હતો. મુંબઈની ગિરગામ જિલ્લા કૉંગ્રેસ સમિતિના તેઓ સભ્ય થયા હતા. તેઓ સ્વદેશીના પૂરા હિમાયતી હતા, એટલું જ નહિ, પણ શુદ્ધ ખાદીના આગ્રહી હતા.
તેમનામાં વિદ્યાની લગની હતી. અનેક વિષયો ઉપર તે કલમ ચલાવતા. એમના લેખો મુખ્યત્વે ‘વસંત’ અને ‘સમાલોચક’માં પ્રગટ થતા. ‘સમાલોચક’નું તંત્રીપદ પણ તેમણે થોડો સમય સંભાળ્યું હતું. આ ઉપરાંત ‘પારસી અને પ્રજામિત્ર’ ‘સાંજ વર્તમાન’ અને ‘હિન્દુસ્તાન’માં પણ તેઓ લખતા. અનેક વખત તેમણે ‘ગુજરાતી’ પત્રના અંગ્રેજી અને ગુજરાતી અગ્રલેખો લખ્યા હતા. અંગ્રેજી ભાષા ઉપર પણ તેમનું પ્રભુત્વ હતું. ‘ઇન્ડિયન રિવ્યૂ’(Indian Review)માં પણ તેમના લેખો પ્રગટ થતા. 1919માં થોડો સમય ‘ડેઈલી મેલ’(Daily Mail)ના તંત્રી તરીકેની કામગીરી પણ કરેલી.
ગુજરાતી સાક્ષરોમાં ગોવર્ધનરામ, આનંદશંકર, નરસિંહરાવ અને કેશવ હર્ષદ ધ્રુવ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ હતો. આ સૌમાં ગોવર્ધનરામ માટે એમને પક્ષપાત. ગોવર્ધનરામ અને એમની કૃતિઓ વિશે તેમણે નિબંધો લખ્યા છે. ગોવર્ધનરામના આજ સુધીના વિવેચકોમાં ઉત્તમલાલનું સ્થાન અનન્ય છે. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચન્દ્ર’ વિશેનાં વિવેચનાત્મક લખાણોમાં ઉત્તમલાલનાં લખાણો કર્તાના આશયને સમસંવેદનાપૂર્વક સમજવા–સમજાવવાના સંનિષ્ઠ પ્રયાસરૂપ છે. ‘‘ચિંતનની પ્રૌઢિ, વિચારોની સ્પષ્ટતા, વ્યાપક સંદર્ભયોજના, સ્વકીય ર્દષ્ટિબિંદુ, ઝીણી માર્મિક વિશ્લેષણશક્તિ અને કૃતિના હાર્દમાં પ્રવેશવાની સહજ કુશળતાથી આ લેખો વિશિષ્ટતા ધારણ કરે છે. ‘સરસ્વતીચંદ્ર અને આપણો ગૃહસંસાર’ ની લેખમાળા ગુજરાતી સમાજની સાંસારિક પરિસ્થિતિના સંદર્ભમાં ‘સરસ્વતીચંદ્ર’-માંનાં મુખ્ય કુટુંબો, એનાં પાત્રો, પાત્રોના વિકાસ, માનસિક અને વ્યાવહારિક સંઘર્ષો અને એમાં પ્રતીત થતી કર્તાની જીવનર્દષ્ટિનો એક સુરેખ આલેખ આપે છે. વસ્તુસંકલનાની માર્મિક તપાસ પણ તેઓ તેને અનુષંગે કરે છે.
‘સ્વ. ગોવર્ધનભાઈ : એક નિરીક્ષણ’ એ લેખ ગોવર્ધનરામનું સમગ્ર મૂલ્યાંકન આપતો તત્ત્વપરામર્શનો લેખ છે. ગોવર્ધનરામના સમકાલીન ચિન્તક મણિલાલ નભુભાઈના કાર્ય અને ઉદ્દેશની ગોવર્ધનરામથી ભિન્નતા પણ તેમણે આડવાતમાં તારવી આપી છે. ગોવર્ધનરામનાં આચારસૂત્રોનું ઉત્તમલાલે કરેલું ભાષ્ય પણ સુંદર છે. આ ઉપરાંત ‘જી. એમ. ત્રિપાઠી : અ હિંદુ આઇડિયાલિસ્ટ’ – એ લેખ તેમણે ‘સમાલોચક’ના ગોવર્ધનરામ સ્મારક અંકમાં લખેલો છે.
એમના અંગ્રેજી નિબંધોમાં ‘અ હિસ્ટૉરીકલ સર્વે ઑવ્ નૅશનલ ઇન્ડિયન પોલિટિક્સ’ અને ‘કૉન્સ્ટિટ્યૂશનલ થિયરી ઑવ્ હિન્દુ લૉ’ જાણીતા છે.
ઉત્તમલાલનું વિવેચન એક વિચારકના ર્દષ્ટિબિંદુથી થયેલું છે. તેમની ચિંતનશીલતાનો એમના વિવેચનને મબલક લાભ મળ્યો છે. તો તેમનાં ચિંતનાત્મક લખાણોમાં સાહિત્યની સુષમા સહજ રૂપે પ્રવેશેલી છે.
‘બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ’ (1990), ‘અકબર’ (1923) વગેરે અનુવાદો પણ તેમણે આપેલા છે.
‘સમાલોચક’, ‘વસંત’ વગેરે સામયિકોએ તેમને ભાવભરી અંજલિ આપેલી.
ઉત્તમલાલના ગુજરાતી લેખોનું સંપાદન શ્રી રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશીએ ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ નામે કરેલું છે જે ગુજરાતી સાહિત્ય પરિષદે 1971માં પ્રગટ કરેલું છે.
રમણલાલ જોશી