જ્ઞાનસુધા : પ્રાર્થનાસમાજનું ગુજરાતી મુખપત્ર. આરંભમાં સાપ્તાહિક, પછી પખવાડિક. 1892ના જાન્યુઆરીથી માસિક. 1892 પહેલાંનો તેનો કોઈ અંક ઉપલબ્ધ નથી, એટલે તેની સ્થાપનાનું ચોક્કસ વર્ષ જાણી શકાતું નથી પણ 1887માં રમણભાઈ નીલકંઠને સોંપાયું ત્યારે તે સાપ્તાહિક હતું.

‘જ્ઞાનસુધા’ માસિક 1892થી 1919 સુધી ચાલ્યું હતું. રમણભાઈ નીલકંઠ તેના તંત્રી હતા. રમણભાઈ પ્રાર્થનાસમાજ તેમજ સમાજસુધારાની જાહેરપ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હોવાથી 1916માં તેમણે જાણીતા પ્રકાશક જીવનલાલ અમરશી મહેતાને તે પત્ર સોંપેલું. તેમણે એક વર્ષ ચલાવ્યા પછી 1919 સુધી પ્રાર્થનાસમાજના મંત્રી ગટુલાલ ગો. ધ્રુવે તે ચલાવેલું. ‘જ્ઞાનસુધા’ દ્વારા રમણભાઈએ પ્રાર્થનાસમાજના ધર્મસિદ્ધાંતનું સમર્થન કરવા ઉપરાંત વહેમ તથા અજ્ઞાનનો અને હિન્દુ સમાજના કુરિવાજોનો સખત વિરોધ કર્યો હતો. તે નિમિત્તે તેમણે ‘વહેમખંડન’ અને ‘વ્રત’ જેવી લેખમાળાઓ ચલાવી હતી અને ધર્મ, સમાજ અને સાહિત્યને સ્પર્શતા અનેક વિવાદોને જન્મ આપ્યો હતો.

‘રાઈનો પર્વત’ સિવાયનું રમણભાઈનું લગભગ બધું જ લખાણ ‘જ્ઞાનસુધા’માં પ્રગટ થયું હતું. એ પત્ર ચલાવીને રમણભાઈ ત્રણ દાયકા સુધી ગુજરાતના સાહિત્ય અને સાંસ્કૃતિક જીવન પર છવાઈ ગયા હતા.

‘ભદ્રંભદ્ર’ની ઉત્પત્તિનું સાધન બનીને ‘જ્ઞાનસુધા’એ ઐતિહાસિક મહત્વ પ્રાપ્ત કર્યું છે. રમણભાઈએ રજૂ કરેલો કવિતાસિદ્ધાન્ત, તેમના અને શ્રીમતી વિદ્યાબહેનના હળવા લેખો, દ્વૈત-અદ્વૈતને વચ્ચે રાખીને ‘જ્ઞાનસુધા’– ‘સુદર્શન’ વચ્ચે પોણા દાયકા સુધી ચાલેલો વિવાદ, કાન્તે કરેલું ‘સિદ્ધાન્તસાર’નું પ્રકરણવાર અવલોકન, ન્હાનાલાલ અને આનંદશંકરનો નાટ્યાત્મક સાહિત્યપ્રવેશ દર્શાવતાં ઉભયનાં પ્રથમ ગદ્યપદ્ય લખાણો, પ્રો. બળવંતરાય ઠાકોરનાં ‘પ્રેમનો દિવસ’નાં મહત્વનાં સૉનેટો અને કાન્તનાં ઉત્તમ ઊર્મિ-કાવ્યો, ‘વસન્તોત્સવ’નું પ્રથમ પ્રાગટ્ય, નરસિંહરાવ-ગોવર્ધનરામ વચ્ચે ચાલેલી જોડણીવિષયક ચર્ચા વગેરે ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસમાં કાચા સોના જેવી કીમતી સામગ્રી આપવા બદલ ‘જ્ઞાનસુધા’ સાહિત્યના ઇતિહાસમાં સ્મરણીય સ્થાન પામેલું પત્ર છે.

ધીરુભાઈ ઠાકર