ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) :

February, 2011

ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) : ગુજરાતના સાહિત્ય તથા સંસ્કારના વિકાસને વરેલી દોઢ સદીથી વધુ જૂની સંસ્થા. ઈ.સ. 1846માં ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સ આસિસ્ટન્ટ જજ નિમાઈ અમદાવાદમાં આવ્યા હતા. ઇતિહાસમાં તેમને જીવંત રસ હતો. જૂના ઇતિહાસ અને સાહિત્યનાં લખાણો અને સાધનો કોઈ એક સ્થાને સાચવી-જાળવી શકાય તો ઇતિહાસલેખન માટે એક સુવિધા ઊભી થાય. આ શુભ આશયથી પ્રેરાઈને એમણે 26 ડિસેમ્બર 1848ના રોજ કેટલાક મિત્રોની સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી.

સોસાયટીનો ઉદ્દેશ આ પ્રમાણે હતો : ગુજરાતી ભાષા-સાહિત્યનો ઉત્કર્ષ કરવો, ઉપયોગી જ્ઞાનનો પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.

આ ઉદ્દેશ ચરિતાર્થ કરવા માટે વર્તમાનપત્રનું પ્રકાશન, પુસ્તકાલયની સ્થાપના, કન્યાશાળાની સ્થાપના, બુદ્ધિપ્રકાશ સામયિકનું પ્રકાશન, હસ્તપ્રતોનો સંગ્રહ વગેરે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. આ બધા કાર્યક્રમોના આયોજન માટે ફૉર્બ્સના અથાગ ઉત્સાહ અને પ્રયત્ન હતા. એમની સાથે એ સમયે બધા સભ્યો અંગ્રેજો હતા. છેક 1852માં એક ગુજરાતી ગૃહસ્થ તરીકે ઇંગ્લિશ સ્કૂલના હેડમાસ્તર ભોગીલાલ પ્રાણવલ્લભદાસનું નામ મળે છે.

સોસાયટીએ નક્કી કરેલા કાર્યક્રમો અમલમાં આવે તે માટે વિદ્યા અને સંસ્કારની પરબ જેવી અનેક સંસ્થાઓ સ્થાપી હતી. ગુજરાતનું પહેલવહેલું ‘બરતમાન’ સાપ્તાહિક સોસાયટી તરફથી 1849માં શરૂ થયું. તે દર બુધવારે પ્રગટ થતું હતું, તેથી લોકો તેને ‘બુધવારિયું’ તરીકે પણ ઓળખતા હતા. પ્રજાને બહારની દુનિયાની જાણકારી મળે, લોકમત વ્યક્ત થાય અને પ્રજામાં વાચનનો શોખ વધે એવો હેતુ સાધવામાં એ ‘વર્તમાનપત્ર’ સફળ થયું હતું. એ જ પ્રમાણે સોસાયટીએ 1849માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના પણ કરી. અલબત્ત એમાં અંગ્રેજી પુસ્તકો વધારે હતાં અને અંગ્રેજી સભાસદો જ મુખ્યત્વે આ પુસ્તકાલયનો લાભ મેળવતા હતા. આ નેટિવ લાઇબ્રેરી 1857માં હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં ફેરવાઈ ગઈ. એ પુસ્તકાલયનું મકાન બાંધવામાં નગરશેઠ હિમાભાઈએ મોટી રકમનું દાન આપ્યું હતું.

સોસાયટી સ્થપાઈ એ અરસામાં વિદ્યાભ્યાસ માટે અનેક મંડળ સ્થપાયાં હતાં. એમાં ‘બુદ્ધિપ્રકાશ’ નામના એક મંડળે 1850માં 15 મેના રોજ ‘બુદ્ધિપ્રકાશ’ નામનું ચોપાનિયું પ્રગટ કર્યું. પણ તે દોઢેક વર્ષમાં બંધ પડ્યું. એની કિંમત દોઢ આનો હતી. એ પખવાડિક હતું અને લિથોમાં છપાતું હતું. એ સામયિક ફરી વાર માસિક રૂપે 1854માં બીજા એક મંડળ દ્વારા પ્રકાશિત થવા માંડ્યું હતું. એનો પહેલો અંક એપ્રિલમાં બહાર પડ્યો હતો. આ માસિકનું સંચાલન ટૂંક સમયમાં જ સોસાયટીને ઉપાડી લેવાની ફરજ પડી અને તેનું સંપાદનકાર્ય, સહાયક મંત્રી હરિલાલ મોહનલાલને સોંપાયું. એ પછી થોડો વખત ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન પ્રસિદ્ધ ઇતિહાસલેખક મગનલાલ વખતચંદે સંભાળી લીધું. છેવટે ફૉર્બ્સની ઇચ્છાથી કવિ દલપતરામે સોસાયટીમાં સહાયક મંત્રી તરીકે નોકરી સ્વીકારીને ‘બુદ્ધિપ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. ત્યારથી જ વ્યવસ્થિત રીતે આજ સુધી ‘બુદ્ધિપ્રકાશ’ પ્રગટ થતું રહ્યું છે. સાહિત્ય અને સંસ્કારના માસિક તરીકે ગુજરાતના પ્રજાજીવનમાં તેણે પોતાની આગવી ભાત પાડી છે અને ઉમાશંકર જોશી જેવા ગુજરાતના નામાંકિત વિદ્વાનોએ આ માસિકનું તંત્રીપદ શોભાવીને એની પ્રતિષ્ઠા વધારી છે. આજે એનું સંપાદનકાર્ય મધુસૂદન પારેખ અને રમેશ શાહ સંભાળી રહ્યા છે.

ગુજરાતમાં પહેલવહેલી કન્યાશાળા સ્થાપવાનો યશ પણ સોસાયટીને જાય છે. આમ સ્ત્રીકેળવણીને ઉત્તેજન આપવાનો પાયો સોસાયટીએ નાખ્યો. ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ થાય એવો હેતુ સોસાયટીએ પ્રથમથી જ રાખેલો હોવાથી ગ્રંથપ્રકાશન એ પણ એની મહત્ત્વની પ્રવૃત્તિ બની રહી હતી. જુદા જુદા વિષયના નિષ્ણાતોને આમંત્રણ આપીને સોસાયટીએ તેમની પાસે ગુજરાતીમાં માનવવિદ્યાઓ અને સામાજિક વિદ્યાઓ ઉપરાંત વિજ્ઞાનનાં પુસ્તકો પણ તૈયાર કરાવ્યાં હતાં. ઉપરાંત અંગ્રેજી ભાષામાંથી કેટલાયે શિષ્ટ અને સમાજોપયોગી ગ્રંથોના અનુવાદો પણ તૈયાર કરાવ્યા હતા. આવાં પ્રકાશનોની સંખ્યા દોઢેક હજારની આસપાસની ગણી શકાય.

સોસાયટી માટે એક ગૌરવની ઘટના કહેવાય કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી અમદાવાદમાં વસવાટ દરમિયાન ‘પેટવડિયે કામ કરનારા શિક્ષક’ તરીકે સોસાયટીના આજીવન સભ્ય થવા માટે રકમ મોકલી હતી પણ સોસાયટીએ વિનયપૂર્વક તેનો અસ્વીકાર કરી તેમને માનાર્હ સભ્યપદ આપ્યું હતું.

ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષરો, વિદ્વાનો ને જાહેરજીવનના અગ્રણીઓએ સોસાયટીના પ્રમુખ તેમજ માનાર્હ મંત્રીઓ તરીકે અમૂલ્ય સેવા આપીને સોસાયટીની વિદ્યાકીય, સામાજિક અને સાંસ્કારિક પ્રવૃત્તિને વેગવાન બનાવી. એમાં ઍલેક્ઝાન્ડર ફૉર્બ્સ જેવા સંનિષ્ઠ અને ગુજરાતપ્રેમી અંગ્રેજથી માંડીને પ્રેમાભાઈ હિમાભાઈ, બેચરદાસ લશ્કરી, રણછોડલાલ છોટાલાલ, લાલશંકર ત્રવાડી, ભાઈશંકર સૉલિસિટર, કેશવ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ, આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, વિદ્યાગૌરી નીલકંઠ અને ગણેશ વાસુદેવ માવળંકર તથા ચિનુભાઈ શેઠની સેવા સવિશેષ ઉલ્લેખપાત્ર છે. આ સર્વ મહાનુભાવોએ સોસાયટીને ગુજરાતની એક અગ્રગણ્ય સંસ્થા તરીકે સિદ્ધિ મેળવી આપી છે. દલપતરામ પછી હીરાલાલ પારેખ અને જેઠાલાલ ગાંધી જેવા આજીવન સેવકો મળ્યા તે પણ સોસાયટીનું સદભાગ્ય ગણાય. આ સોસાયટીનાં આશરે સવાસો જેટલાં ટ્રસ્ટો છે. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ દ્વારા હ. કા. આર્ટ્સ અને હ. કા. કૉમર્સ એમ બે કૉલેજોનું અને એક સંસ્કૃત પાઠશાળાનું સંચાલન કરવામાં આવે છે.

1939માં સોસાયટીના પ્રમુખ આચાર્ય આનંદશંકર ધ્રુવે અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનના વિભાગ માટે આયોજન કર્યું અને શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ તરફથી રૂપિયા બે લાખનું દાન આપવામાં આવ્યું અને આ સંસ્થા 1946થી શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન રૂપે ચાલુ છે. આ સંસ્થાના અધ્યક્ષ તરીકે રસિકલાલ પરીખે જીવનભર સેવા આપી, અને એ સંસ્થામાં માત્ર ગુજરાતમાં જ નહિ પણ ગુજરાતની બહાર પણ પ્રતિષ્ઠા પામી ચૂકેલા વિવિધ ભાષાઓના વિદ્વાનોએ પણ અધ્યાપનકાર્ય કર્યું છે. આ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિ પ્રકાશિત કરવાની યોજના ગુજરાત સરકારની આર્થિક સહાયથી હાથ ધરવામાં આવી છે. આ સંસ્થા તરફથી ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ નવ ગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. સંસ્થામાં 70,000 અમૂલ્ય ગ્રંથો ધરાવતું ગ્રંથાલય તેમજ પુરાતન અવશેષોથી સમૃદ્ધ મ્યુઝિયમ છે. 1984થી આ સંસ્થા તરફથી ‘સામીપ્ય’ નામનું સંશોધન ત્રિમાસિક પ્રગટ થાય છે.

ફૉર્બ્સે સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ 1946થી ‘ગુજરાત વિદ્યાસભા’ નામથી ઓળખાતી રહી છે. 1948માં એ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખપદે ઊજવાયો હતો.

ગુજરાત વિદ્યાસભા આજે તો એક વટવૃક્ષની જેમ ફૂલીફાલી છે અને એની વિદ્યાકીય તેમજ સાંસ્કારિક પ્રવૃત્તિઓ સતત વિકસતી રહી છે. વિદ્યાસભાએ શિક્ષણ-સાહિત્યની પ્રવૃત્તિઓ ઉપરાંત લલિતકળાઓ – નાટકો દ્વારા પણ સામાજિક ચેતનાને ઢંઢોળવાની સેવા બજાવી છે. પત્રકારત્વના વર્ગો પણ સુપેરે ચલાવ્યા છે. ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ તરીકે હાલ (2009) જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી છે.

મધુસૂદન પારેખ