ગુજરાત કૉલેજ : ગુજરાત પ્રદેશની જૂનામાં જૂની કૉલેજ. સ્થાપના 13 જુલાઈ 1861. 1855ના મે માસના સરકારી ગેઝેટમાં મુંબઈ સરકારે અમદાવાદમાં કૉલેજ સ્થાપવાની જાહેરાત કરેલી. 1856માં મુંબઈ સરકારે ઉત્તર વિભાગના શિક્ષણ નિરીક્ષક તરીકે થિયોડોર હોપની નિમણૂક કરી હતી. 1856ના એપ્રિલની બીજી તારીખે થિયોડોર હોપના પ્રયત્નથી અમદાવાદમાં કૉલેજ સ્થાપવાના પ્રશ્નની ચર્ચા કરવા માટે, અદાલતના મકાનમાં મોટી સભા મળી. તેમાં દલપતરામ કવિએ ભાષણ કરેલું. સભામાં રૂ. 39,500નો ફાળો થયો. પછી 1861ના જુલાઈની 13મીએ ગુજરાત પ્રોવિન્શિયલ કૉલેજ શરૂ થઈ. અમદાવાદમાં હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સામે એક બંગલો ભાડે રાખવામાં આવ્યો. બે પ્રોફેસરો નીમ્યા. કાયદો અને ન્યાય માટે નાનાભાઈ હરિદાસ અને ઇજનેરી માટે શેઠ મંચેરજી કાવસજી. સાહિત્ય, ચિત્રકળા અને ગણિત પણ તેના અભ્યાસક્રમમાં હતાં. 1857માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટી સાથે તે જોડાયેલી ન હતી. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ ગઈ. પરિણામે 1872માં કૉલેજ બંધ કરવામાં આવી.

ગુજરાત કૉલેજ

1878માં મુંબઈ ઇલાકાના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલે વર્ષે રૂ. 16,000 જેટલો ખર્ચ થાય તેવી સામાન્ય કક્ષાની કૉલેજ અમદાવાદમાં સ્થાપવાનું જાહેર કર્યું. નાગરિકો 8000 રૂ. એકત્ર કરે તો સરકાર પણ એટલી રકમ આપશે એમ કહ્યું. આ ઉપરથી અમદાવાદની નગરપાલિકાએ રૂ. 2 લાખનું ભંડોળ એકત્ર ન થાય ત્યાં સુધી કૉલેજના નિભાવ માટે વાર્ષિક રૂ. 3000નું અનુદાન આપવાનું સ્વીકાર્યું. તેને પરિણામે બંધ પડેલી સંસ્થા 1879ના માર્ચ માસમાં ગુજરાત કૉલેજ રૂપે પુનર્જીવિત થઈ. કૉલેજને યુનિવર્સિટીની માન્યતા ઇન્ટર સુધીની જ હતી. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હતી. 1880માં આ કૉલેજમાં માત્ર 7 વિદ્યાર્થીઓ હતા.

કેન્દ્ર સરકારે નીમેલું એજ્યુકેશન કમિશન 1882માં અમદાવાદની મુલાકાતે આવ્યું ત્યારે તેની સમક્ષ ગુજરાત કૉલેજનું સંચાલન કરતી સમિતિએ મુશ્કેલીની રજૂઆત કરી. કમિશને સમિતિના સભ્યોને સધિયારો આપ્યો કે સરકાર કૉલેજ ચલાવવામાં મદદ કરશે. તેને પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યા 7માંથી 23 થઈ. મુંબઈ યુનિવર્સિટીએ ગુજરાત કૉલેજને બી.એ. સુધીનો શિક્ષણક્રમ શીખવવા માટેની માન્યતા માર્ચ 1884માં આપી. 1889માં   કૉલેજ હાઈસ્કૂલના મકાનમાં ચાલતી હતી તેને મિરજાપુર રોડ પરના એક બંગલામાં લઈ જવામાં આવી. આ કૉલેજમાંથી કુ. કૉર્નેલિયા સોરાબજી બી.એ. પાસ થયાં. તે ગુજરાત કૉલેજ તેમજ ગુજરાતનાં પ્રથમ મહિલા ગ્રૅજ્યુએટ ગણાય. તેમને દક્ષિણા ફેલો તરીકે નિયુક્ત કરેલાં. પછી 1900માં વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા અને યશોદાબાઈ હિર્લેકર આ કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયાં હતાં.

સંચાલક સમિતિએ રૂપિયા બે લાખની મૂડી એકત્ર કરી, એટલે 1884માં મુંબઈ સરકારે ગુજરાત કૉલેજનું સંચાલન પોતાને હસ્તક લીધું. 1887માં સરકારે સોસાયટી ફૉર પ્રમોશન ઑવ્ હાયર એજ્યુકેશન, ગુજરાત એ નામની સંસ્થાને કૉલેજ સોંપી દીધી. 1897માં કૉલેજ મિરજાપુર રોડ પરથી આજે તે સાબરમતી નદીની પશ્ચિમે જે સ્થળે છે ત્યાં લાવવામાં આવી.

ત્યારપછી ચીનુભાઈ માધવલાલે ગુજરાત કૉલેજના વિકાસ માટે રૂ. 10 લાખનું દાન, સરકાર તે ચલાવે તે શરતે આપ્યું. દાનની રકમમાંથી માધવલાલ રણછોડલાલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું મકાન બંધાયું. એ વખતે ગુજરાત કૉલેજ વિનયન અને વિજ્ઞાન એમ બે વિદ્યાશાખાઓ ધરાવતી મુંબઈ ઇલાકાની એકમાત્ર કૉલેજ હતી.

તે પછી કૉલેજનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. 1899થી 1916 દરમિયાન કૉલેજના વિશાળ પટાંગણમાં જરૂરિયાત મુજબ છાત્રાવાસના ચાર બ્લૉક બાંધવામાં આવ્યા. પ્રિન્સિપાલ અને રેક્ટરના નિવાસો કૉલેજ કંપાઉન્ડમાં જ હતા. સિડનહેમ લાઇબ્રેરી 1917માં અને જૉર્જ ધ ફિફ્થ હૉલ 1920માં બંધાયેલ. 1946ના જૂનમાં પ્રથમ વર્ષ વિજ્ઞાનમાં અતિશય સંખ્યાવૃદ્ધિ થવાથી સવારના વર્ગો લેવાતા. વિજ્ઞાન વર્ગોની વ્યવસ્થા આર્ટ્સ બિલ્ડિંગમાં કરવી પડી. 1947–48 દરમિયાન ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન વિભાગ માટે નવા વ્યાખ્યાનખંડો અને પ્રયોગશાળાઓ બાંધવામાં આવ્યાં. એમ. આર. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના મકાનમાં રસાયણ વિભાગ બેસતો. આ જ અરસામાં વાચનાલયનું મકાન ઉમેરવામાં આવ્યું. 1956માં વિનયન વિભાગના દરેક વિષયના અધ્યાપકો માટે અલગ ખંડ સાથે ટ્યૂટોરિયલની વ્યવસ્થાવાળું ટ્યૂટોરિયલ બિલ્ડિંગ જૉર્જ ધ ફિફ્થ હૉલની પશ્ચિમે બાંધવામાં આવ્યું. 1970માં જૉર્જ હૉલનું નામ બદલીને ગાંધી હૉલ આપવામાં આવ્યું. 1971માં નવો નહેરુ હૉલ બાંધીને તેમાં નાટ્યવિભાગ શરૂ કરવામાં આવ્યો.

1897માં કૉલેજને મિરજાપુર રોડ ઉપરના બંગલેથી હાલ જે સ્થળે છે ત્યાં લાવવામાં આવી તે વખતે તેને માટે 12 હેક્ટર જમીન લીધેલી. તેમાં કૉલેજના અંગ્રેજ પ્રિન્સિપાલો માટે ગોલ્ફની રમતનું એક વિશાળ મેદાન તૈયાર કરાવેલું. વિવિધ કક્ષાના ખેલાડીઓ માટે કુલ છ અને અધ્યાપકો માટે એક એમ કુલ સાત ટેનિસ કૉર્ટની જોગવાઈ કરવામાં આવી હતી.

રમતગમત, ખેલકૂદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કૉલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેતા. એની વ્યવસ્થા વિદ્યાર્થીઓ જાતે જ કરે તે માટે 1927માં કૉલેજના પ્રિન્સિપાલ તરીકે જોડાયેલ જી. ફિન્ડલે શિરાઝે લોકશાહી બંધારણ ધરાવતી વિદ્યાર્થી પ્રતિનિધિ સભા(Student’s Representative Council – SRC)ની રચના કરી. એ સભામાં દરેક વર્ગે ચૂંટેલા પ્રતિનિધિઓ ઉપરાંત સમગ્ર વિદ્યાર્થી સમુદાયે ચૂંટેલા એક પ્રમુખ અને રમતોના પ્રત્યેક વિભાગ માટે એક એક મંત્રી હતા. આ વ્યવસ્થા 1927થી 1939 દરમિયાન પ્રિ. શિરાઝ રહ્યા ત્યાં સુધી (1939) અને તે પછી પણ 1941ના અંત સુધી ચાલુ રહી હતી. ગુજરાત યુનિવર્સિટીનો પહેલો દીક્ષાન્ત સમારંભ 1952માં ગુજરાત કૉલેજના જૉર્જ હૉલમાં રાખવામાં આવ્યો હતો.

મુંબઈ યુનિવર્સિટીએ નક્કી કરેલા બી.એ.ના ઑનર્સ અને પાસ અભ્યાસક્રમો પૈકી ગુજરાત કૉલેજમાં અંગ્રેજી, ફ્રેન્ચ, સંસ્કૃત, ગુજરાતી, અર્ધમાગધી, ફારસી, ઉર્દૂ વગેરે ભાષાઓ અને ઇતિહાસ તથા અર્થશાસ્ત્ર જેવા અન્ય વિષયોમાં પાસ અને ઑનર્સ અભ્યાસક્રમો શીખવવાની જોગવાઈ હતી. પછી (1947–48) સ્પેશિયલ અને જનરલ અભ્યાસક્રમોની વ્યવસ્થા થઈ. તે ગુજરાત યુનિવર્સિટીમાં પણ ચાલુ રહી હતી. 1951–52ના અરસામાં મનોવિજ્ઞાન દાખલ કર્યું. સમગ્ર ગુ. યુ. વિસ્તારમાં તે વિષય શીખવનાર ગુજરાત કૉલેજ પ્રથમ હતી. 1970–71માં પ્રિ-મેડિકલ વર્ગ અને તે પછી માઇક્રોબાયૉલૉજી વિભાગ શરૂ થયો. 1982માં કૉલેજને વાણિજ્યનો અભ્યાસક્રમ શીખવવા માટે ગુજરાત યુનિવર્સિટીએ માન્યતા આપી. આજે (1994) ગુજરાત કૉલેજમાં વિનિયન, વાણિજ્ય અને વિજ્ઞાન એમ ત્રણ વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાય છે.

1936માં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલે ગુજરાત કૉલેજની મુલાકાત લીધેલી અને વિદ્યાર્થીઓને જૉર્જ ધ ફિફ્થ હૉલમાં સંબોધેલા. બીજી કૉલેજોની જેમ ગુજરાત કૉલેજ પણ વાર્ષિકોત્સવ ઊજવતી આવી છે. તેણે ઊજવેલા ઉત્સવોમાં ત્રણ તેને ખાસ ગૌરવ અપાવે તેવા હતા. 1938ના ડિસેમ્બરની 12થી 14 તારીખ દરમિયાન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની નિશ્રામાં કૉલેજની વિ. પ્ર. સભા અને અધ્યાપકોએ કૉલેજનો હીરક મહોત્સવ (Diamond Jubilee) ઊજવ્યો હતો. 1939ના ડિસેમ્બરમાં વાર્ષિકોત્સવનાં મુખ્ય મહેમાન સરોજિની નાયડુ હતાં. 1983ના ફેબ્રુઆરીમાં કૉલેજનો શતાબ્દી મહોત્સવ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંગ અને ગવર્નર શ્રીમતી શારદા મુખરજીની ઉપસ્થિતિમાં ઊજવાયો હતો.

ડૉ. રાધાકૃષ્ણન 1938માં અતિથિવિશેષ તરીકે આવેલા તે વખતે કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આનંદશંકર ધ્રુવ, ગ. વા. માવળંકર, જીવણલાલ દીવાન, પ્રો. વીરમિત્ર દિવેટિયા, પ્રો. એસ. એમ. શાહ અને પ્રો. ફિરોઝ કા. દાવરે, ડૉ. રાધાકૃષ્ણનને મળીને તેમને ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળનું ઉદઘાટન કરવા વિનંતી કરી. જોકે આ મંડળ 1927થી ચાલતું હતું. વચ્ચે નિષ્ક્રિય થઈ ગયું હશે તેથી આ નિમિત્તે પુનર્જીવિત થયું. શતાબ્દી મહોત્સવ શાનદાર રીતે ઊજવાયો હતો.

ગુજરાત કૉલેજ વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ગુજરાતની શૈક્ષણિક જ નહિ, રાજકીય અને સાંસ્કૃતિક જાગૃતિનું પણ એક મહત્વનું કેન્દ્ર બની હતી. છેલ્લાં સો વર્ષમાં આ સંસ્થામાંથી વિદ્વાન અધ્યાપકો, વિચક્ષણ રાજકીય કાર્યકરો, સન્નિષ્ઠ સમાજસેવકો અને ર્દષ્ટિમંત ઉદ્યોગપતિઓ ઉપરાંત ઉત્તમ કોટિના રમતવીરો અને કલાકારો પણ બહાર પડ્યા છે, જેનું ઉત્પત્તિસ્થાન કૉલેજમાં ચાલતી શિક્ષણપૂરક પ્રવૃત્તિઓ ગણાય. તેમાં રમતગમત, ચર્ચામંડળ અને નાટ્યસંગીતમંડળની પ્રવૃત્તિઓ મુખ્ય હતી. ત્રણેમાં નાટ્યસંગીત-મંડળ વધુ પ્રભાવક હતું.

સંગીત અને નૃત્યનું ધોરણ ગુજરાતમાં એ વખતે સરેરાશ હતું તેના કરતાં ગુજરાત કૉલેજના કાર્યક્રમોમાં હંમેશાં ઊંચું રહેતું. ક્ષેમુ દિવેટિયા, અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ, હર્ષદા રાવળ, નવીન ગજ્જર, હંસા દવે, મીનળ મહાદેવિયા, અરુણ ઠાકોર, રશીદા કાદરી વગેરેએ આ કૅાલેજમાંથી નીકળીને તે ક્ષેત્રની પહેલી હરોળ સાચવી છે.

સમગ્ર ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ઉત્તમ કોટિની સુવિધા અને ગુણવત્તામાં ગુજરાત કૉલેજનું સ્થાન શ્રેષ્ઠ રહ્યું છે. ક્રિકેટ, ટેનિસ અને હૉકીમાં ગુજરાત કૉલેજના ખેલાડીઓ હંમેશાં આગળ રહ્યા છે. ગુજરાત કૉલેજે રમણ પટેલ, જશુ પટેલ, દીપક શોધન, સુરેશ મશરૂવાલા, ગુણવંત દેસાઈ, જે. જી. પટેલ, ડૉ. નારાયણ દલાલ, પઠાણ, છીપા વગેરે ઉત્તમ કોટિના ક્રિકેટ ખેલાડીઓ આપ્યા છે. નવનીત શોધન, અરવિંદ નરોત્તમ શેઠ, સુરેશ મશરૂવાળા અને નાગોરી જેવા ટેનિસ ખેલાડીઓ આપ્યા છે. હૉકીના પ્રશિક્ષણ માટે મામાના નામથી ઓળખાતા કિશન કર્વેની સેવાઓ કૉલેજે લીધી હતી. મહિલા હૉકીની શરૂઆત ગુજરાત કૉલેજથી થયેલી.

યુનિવર્સિટી ટ્રેનિંગ કોર(UTC)નો પ્રારંભ ગુજરાત કૉલેજથી થયો હતો. ગુજરાત કૉલેજના વિદ્યાર્થી નૌશીર બીલીમોરિયાને લશ્કરી તાલીમ માટે સૅન્ડહર્સ્ટ કૉલેજમાં પ્રવેશ મળ્યો હતો અને લશ્કરમાં મેજરને પદે પહોંચ્યા હતા. વિજ્ઞાન વિભાગના વિદ્યાર્થી રુસ્તમ ફરામજી ખંભાતાએ મેજર જનરલની પદવી સુધી પહોંચીને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM) રાષ્ટ્રપતિને હસ્તે પ્રાપ્ત કર્યો હતો. જનરલ માણેકશાના મિલિટરી સેક્રેટરી તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. મેજર દિનકર દેસાઈ (નિવૃત્ત) પણ ગુજરાત કૉલેજના વિદ્યાર્થી હતા. પાકિસ્તાન સાથેના છેલ્લા યુદ્ધમાં તેમણે સક્રિય ભાગ લીધેલો.

ગાંધીયુગની રાજકીય જાગૃતિમાં પણ ગુજરાત કૉલેજનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. પ્રો. રામચન્દ્ર આઠવલે, પ્રો. વાલજી ગોવિન્દજી દેસાઈ, પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ અને પ્રો. મહેશ ગોડબોલેએ અસહકારના આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાંથી રાજીનામાં આપ્યાં હતાં. ગાંધીજીની હાકલ સાંભળીને સો જેટલા વિદ્યાર્થીઓએ પણ કૉલેજ છોડી દીધી હતી.

રાજકીય ક્ષેત્રે ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓનો વિશેષ યશસ્વી ફાળો તેમણે 1929ના જાન્યુઆરીની 3જીથી ફેબ્રુઆરીની 10મી સુધી પાડેલી 39 દિવસની હડતાળ છે. 1927ના નવેમ્બરની 8મીએ સાઇમન કમિશન હિંદમાં આવ્યું. આ કમિશનમાં કોઈ હિન્દી સભ્ય નહોતો તેમ તેને નીમતાં પહેલાં કેન્દ્રીય ધારાસભાને પૂછવામાં નહોતું આવ્યું એ બે કારણસર દેશના બધા રાજકીય પક્ષોએ સાઇમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો. કમિશન ફેબ્રુઆરીની 4થીએ મુંબઈ ઊતર્યું તે દિવસે ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. હડતાળની આગેવાની લેનાર મનુભાઈ પરીખને ગુજરાત કૉલેજ છોડી અભ્યાસ અર્થે પૂના જવું પડ્યું. કમિશન 1928ના માર્ચની 31મીએ ઇંગ્લૅન્ડ પાછું ગયું અને એ વર્ષના ઑક્ટોબરની 12મી તારીખે હિંદ પાછું આવ્યું. તે દિવસે કૉલેજની સત્રાન્ત પરીક્ષા ચાલતી હતી. કમિશનના વિરોધમાં 160 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ન બેઠા. પછી રજા પડી. નવેમ્બરની 10મીએ બીજું સત્ર શરૂ થાય તે પહેલાં કૉલેજના પ્રિન્સિપાલ જ્યૉર્જ ફિન્ડલે શિરાઝે પ્રથમ વર્ષ વિનયનના જે વિદ્યાર્થીઓએ હડતાળ પાડી હતી તેમની પરીક્ષા નવેમ્બરની 21મીએ લેવાશે અને દરેકે રૂ. 3 દંડ ભરવો પડશે અને આ પરીક્ષામાં નાપાસ થનાર વાર્ષિક પરીક્ષામાં પાસ થશે તોપણ નાપાસ ગણાશે એ મતલબનો પત્ર વિદ્યાર્થીઓના વાલીઓને લખેલો. બીજા વર્ગોના જે વિદ્યાર્થીઓએ હડતાળ પાડેલી તેમની સામે કશાં પગલાં લેવાયાં નહોતાં.

હડતાળ પાડનાર વિદ્યાર્થીઓ રોહિત મહેતાની સાથે ગણેશ વાસુદેવ માવળંકરને મળ્યા. માવળંકર, હરિપ્રસાદ દેસાઈ અને બળવંતરાય કાનૂગા પ્રિ. શિરાઝને મળ્યા. વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે પરંતુ રૂ. 3 દંડ ન ભરે એ મતલબનું સમાધાન થયું. વિદ્યાર્થીઓએ બીજા સત્રની ફી ભરવી; પરંતુ દંડ ન ભરવો એવો ઠરાવ કર્યો. પણ પ્રિન્સિપાલ ફરી ગયા. તેમણે દંડ આગળથી ભરાશે તો જ વિદ્યાર્થીઓની ફી લેવાશે અને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવી જાહેરાત કરી. મામલો મમતે ચડ્યો. પ્રિ. શિરાઝે ધાકધમકી આપવા માંડી એટલે આખી કૉલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. રાજકીય નેતાઓએ વિદ્યાર્થીઓના જુસ્સાને સમર્થન આપ્યું. ગાંધીજીએ 1929ના જાન્યુઆરીની 20મીના ‘નવજીવન’ના અંકમાં ‘પ્રાણ જાય અરુ વચન ન જાય’ એ શીર્ષકથી લખેલા લેખમાં હડતાળ પર ઊતરેલા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિજ્ઞામાં ર્દઢ રહેવા સમજાવ્યું. 30મી જાન્યુઆરીએ તેમની સભામાં વિદ્યાર્થીઓને સંબોધતાં ગાંધીજીએ કહ્યું : ‘‘તમે આજે નવો યુગ પ્રગટાવો છો.’’ હડતાળને સમગ્ર દેશમાંથી ટેકો મળ્યો. છેવટે મુંબઈ સરકારના શિક્ષણપ્રધાન અમદાવાદ આવ્યા. માવળંકર સાથે મુલાકાત ગોઠવાઈ. તેમણે સમાધાન માટે નીચેની શરતો મૂકી : (1) હડતાળ પર ઊતરેલા વિદ્યાર્થીઓનું બીજું સત્ર માન્ય કરવામાં ગેરહાજરીનો બાધ ગણવો નહિ. (2) પ્રિન્સિપાલે કોઈ વિદ્યાર્થીને હડતાળ પર ઊતરવા બદલ શિક્ષા ન કરવી. (3) પરીક્ષામાં બેસવા માટે ફી કે દંડ રૂપે કશું માગવું નહિ. (4) પ્રિ. શિરાઝની બદલી કરવી. એ શરતો (છેલ્લી સિવાયની) સ્વીકારાઈ અને 39 દિવસની વિદ્યાર્થીઓની હડતાળનો અંત આવ્યો.

બીજી ઘટના 1942ના ઑગસ્ટની 10મીએ બની. રાષ્ટ્રીય કૉંગ્રેસની મહાસમિતિએ 8મીએ સાંજે ‘હિંદ છોડો’નો ઠરાવ કર્યો. 9મીએ સવારે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. તેના વિરોધમાં 10મીએ સવારે બાર વાગ્યાના સુમારે લૉ કૉલેજ પાસેથી વિદ્યાર્થીઓનું એક મોટું સરઘસ નીકળ્યું. સરઘસને મોખરે યુવતીઓ હતી. પોલીસે ટિયર ગૅસ છોડ્યો. એટલે સરઘસનાં યુવકયુવતીઓ ગુજરાત કૉલેજના કંપાઉન્ડમાં ઉત્તર તરફના દરવાજેથી કૂદી પડ્યાં. તેમની પાછળ પોલીસ પણ પ્રવેશી. આર્ટ્સ બિલ્ડિંગના ઉત્તર છેડાની બાલ્કનીમાંથી પ્રિ. પટવર્ધન અને અધ્યાપકોએ આ ર્દશ્ય જોયું. પ્રિન્સિપલે અધ્યાપકોને નીચે જઈને વિદ્યાર્થીઓને શાન્ત પાડવા અને વિખેરાઈ જવા સમજાવવા કહ્યું. એફ. સી. દાવર, એન. એમ. શાહ, બી. એ. સાલેતોર અને ધીરુભાઈ ઠાકર નીચે ટોળામાં ગયા. એટલામાં કોઈકે ઈંટાળો ફેંક્યો તે ગોરા અફસર પર પડ્યો. તેણે દોઢેક મીટર દૂર ઊભેલા વિદ્યાર્થીઓ પર ગોળી છોડવાનો હુકમ આપ્યો. તે વખતે ટોળામાં છેક આગળ આવેલ ધીરુભાઈ ઠાકરે હાથ ઊંચો કરીને તેને ‘પ્લીઝ સ્ટૉપ’ એમ કહ્યું એટલે પાસે ઊભેલા અફસરે તેમના માથામાં જોરથી બૅટનના બે પ્રહાર કર્યા. ધીરુભાઈ પડી ગયા અને તેમને બાજુની બાયૉલૉજી લૅબોરેટરીમાં પ્રાથમિક સારવાર માટે લઈ ગયા. દરમિયાનમાં ગોળીબાર થઈ ચૂક્યો હતો. તેમાં કૉલેજનો ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી વિનોદ કિનારીવાલા શહીદ થયો, બીજા અનેકોને ગોળી વાગી. કોઈને પગમાં, કોઈને હાથમાં, કોઈને પાંસળીમાં, કોઈને પેટમાં. એક ગોળી પ્રો. દાવરના કાન પાસેથી પસાર થઈ ગઈ. આ બનાવથી વાતાવરણમાં એવી ઉત્તેજના આવી કે સમગ્ર લડત દરમિયાન ગુજરાત કૉલેજ વિદ્યાર્થીઓના હુમલાનું લક્ષ્ય બની. કૉલેજના મુખ્ય પ્રવેશદ્વાર આગળ પોલીસ અધિકારી અને અધ્યાપક બેસતા અને દરેક વિદ્યાર્થીનું ઓળખપત્ર તપાસતા. વિદ્યાર્થીઓને ઓળખપત્ર આપવાની પ્રથા આ વર્ષથી દાખલ થઈ હતી.

વિનોદ કિનારીવાલાની સ્મૃતિમાં ઉપરની ઘટના બની તે સ્થળે ખાંભી ઊભી કરવામાં આવેલી છે. જયપ્રકાશ નારાયણે 10 ઑગસ્ટ 1948ના રોજ આ ખાંભીનું અનાવરણ કર્યું હતું. દર વર્ષે 9 ઑગસ્ટને દિવસે રાજ્ય સરકાર તરફથી અને 10 ઑગસ્ટના રોજ ગુજરાત કૉલેજના પરિવાર તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાય છે. ખાંભી ઉપર ખૂંટને વશ કરી રહેલા યુવાનનું શિલ્પ છે અને નીચે લખાણ છે : ‘यारो न भूल जाना दिन खून के हमारे ।’

કૉલેજના લગભગ 150 વર્ષના સમયગાળામાં અનેક નામાંકિત આચાર્યોની સેવા કૉલેજને સાંપડી છે. તેમાં કે. ટી. બેસ્ટ, સી. ડબ્લ્યૂ વેડિંગ્ટન, ટી. જે. વિલિયમ્સ, રેવ. ઈ. ટી. ડેવિસ, ડબ્લ્યૂ. જે ગુડરિક, ડબ્લ્યૂ. એચ. હર્સ્ટ, રેવ. ડબ્લ્યૂ. જી. રૉબર્ટ્સન, એચ. હેમિલ, જી. ફિન્ડલે શિરાઝ જેવા વિદેશી મહાનુભાવો અને જે. એ. દલાલ, એ. બી. ધ્રુવ, વી. બી. દિવેટિયા, એચ.એલ. કાજી, આર. પી. પટવર્ધન, કે. આર. ગુંજીકર, એન. એલ. અહમદ, એસ. એસ. ભાંડારકર, આર. એન. વેલિંગકર, એમ. એસ. શાહ, કે. આર. દીક્ષિત, સી. ડી. દેશપાંડે, વાય. જી. નાયક, જે. બી. સેન્ડિલ, વી. જે. ત્રિવેદી, બી. સી. દેસાઈ, આર. વી. પંડ્યા, બી. એમ. શાહ, વી. બી. પરમાર, મીનાક્ષીબહેન જે. ઓઝા વગેરે ભારતીય વિદ્વાનોનો સમાવેશ થાય છે.

કૉલેજમાં ઉચ્ચ કોટિના વિદ્વાનો અને વિષયનિષ્ણાતોની તેજસ્વી પરંપરા બંધાઈ હતી. તેમાં આનંદશંકર ધ્રુવ, ભૂલાભાઈ દેસાઈ, જેઠાલાલ સ્વામિનારાયણ, ફિરોઝ દાવર, અનંતરાય રાવળ, કે. વી. અભ્યંકર, બી. એ. સાલેતોર, ટી. એન. દવે, જે. એ. અસાના, જે. ડી. ઓઝા, ડી. એસ. નારગુંદ, એન. એમ. શાહ વગેરે ઉલ્લેખપાત્ર છે.

ગુજરાત કૉલેજે જે તેજસ્વી વિદ્યાર્થીઓની હારમાળા ઊભી કરેલી તેમાં પછીથી આચાર્યપદે આવેલા એચ. એલ. કાજી, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરસિદ્ધભાઈ દિવેટિયા, ઉદ્યોગપતિ ડૉ. આર. જી. સરૈયા, સંસ્કૃતના શ્રદ્ધેય વિદ્વાનો ડૉ. પી. એમ. મોદી અને પ્રો. એ. જી. ભટ્ટ, પછીથી આચાર્યપદે આવેલા ડૉ. એમ. એસ. શાહ અને પ્રો. જે. બી. સેન્ડિલ, ભારતી સારાભાઈ, આયોજન મંડળના ઉપાધ્યક્ષ સરદાર તરલોકસિંઘ, પ્રો. આર. કે. ધારૈયા, શ્રી સુરેશભાઈ મોદી, કુ. ઉષા અંબાણી, ડૉ. યોગેન્દ્ર વ્યાસ, કુ. ભારતી જાની, શ્રી જિતેન્દ્ર શાહ વગેરેનો યુનિવર્સિટી ચંદ્રકો અને પારિતોષિકો મેળવનારાંઓમાં સમાવેશ થાય છે. ઉપરાંત અંબાલાલ સારાભાઈ, કસ્તૂરભાઈ અને શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ગણેશ વાસુદેવ માવળંકર, વિક્રમ સારાભાઈ, મદનમોહન મંગળદાસ, વી. સી. ત્રિવેદી, રજનીકાન્ત દેસાઈ, હેમલતા હેગિષ્ટે, નવનીત શોધન, અરવિંદ નરોત્તમ શેઠ, રમણ પટેલ, મધુકુમાર પટેલ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, કંચનભાઈ પરીખ, આર. કે. સૈયદ, ઝેડ. એ. દેસાઈ વગેરે વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ મહાનુભાવો પણ આ કૉલેજના વિદ્યાર્થી હતા.

હાલમાં ગુજરાત કૉલેજના ત્રણ એકમો કાર્યરત છે : (1) બપોરની વિનયન અને વિજ્ઞાન કૉલેજ, જેમાં 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. (2) સવારની વાણિજ્ય કૉલેજમાં 2150 વિદ્યાર્થીઓ છે. (3) સાંજે વિનયન અને વાણિજ્ય કૉલેજમાં 1500 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધેલો છે.

ગુજરાત કૉલેજના આ ત્રણેય એકમોમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીવર્ગની સંખ્યાને જોતાં વિનયન અને વિજ્ઞાન કૉલેજ મોખરે છે. જેમાં 86 અધ્યાપકો અને 74 કર્મચારીવર્ગનો સમાવેશ થાય છે. વાણિજ્ય કૉલેજમાં 15 અધ્યાપકો અને 6 કર્મચારીવર્ગ છે. જ્યારે સાંજની કૉલેજમાં 29 અધ્યાપકો અને 8 કર્મચારીવર્ગ છે.

ગુજરાત કૉલેજ સમૃદ્ધ ગ્રંથાલય ધરાવે છે. તેમાં કુલ પુસ્તકોની સંખ્યા એક લાખની આસપાસ છે. કૉલેજની સિડનહામ લાઇબ્રેરીમાં કેટલાંક દુર્લભ પુસ્તકો સચવાયાં છે.

આ કૉલેજના ભવ્ય ઐતિહાસિક વારસાને 125 વર્ષ પૂર્ણ થયાં ત્યારે ફેબ્રુઆરી 2004માં તે સમયના નાયબ વડાપ્રધાનશ્રી, ગૃહમંત્રીશ્રી માનનીય એલ. કે. અડવાણીજીએ એમની સંસદસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી બાર લાખ રૂપિયા જેટલી માતબર રકમ ક્રિકેટ તથા હૉકીના મેદાનમાં વિશેષ સુવિધાઓ ઊભી કરવા માટે ફાળવી હતી. જે અન્વયે કૉલેજના પૅવેલિયનના નવનિર્માણનું કાર્ય હાથ ધરાયું હતું.

ચી. ના. પટેલ

પૂર્વી ઓઝા