ગાંધીનગર (શહેર)
January, 2024
ગાંધીનગર (શહેર) : ગુજરાતનું પાટનગર અને દેશની નામાંકિત ઉદ્યાનનગરી (garden city). ભૌગોલિક સ્થાન : 23° 08’ ઉ. અ. અને 72° 40’ પૂ. રે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સાથે 1 મે, 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની જરૂરત ઉપસ્થિત થઈ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ 19 માર્ચ, 1960ના રોજ એવી જાહેરાત કરી કે ગુજરાત રાજ્યનું નવું પાટનગર થશે અને તે ગાંધીજીના નામથી ગાંધીનગર તરીકે ઓળખાશે. 1969માં નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવેલા ગાંધીનગરનું આયોજન ગણનાપાત્ર લેખાય છે.
તેનું આયોજન હરિયાળી ઉદ્યાનનગરી તરીકે કરવામાં આવ્યું છે. અમદાવાદથી ઉત્તરે 30 કિમી. દૂર તે 4,290 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું છે અને 1 ચો.કિમી.નો એક એવા 30 સેક્ટરમાં તેનું વિભાજન કરવામાં આવ્યું છે; આમાંથી 25 સેક્ટરનો વિકાસ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ગાંધીનગરથી 18 કિ.મી.ના અંતરે છે. ગાંધીનગરમાં 7 ઊભા રસ્તા છે અને તે ગુજરાતી વર્ણમાલા પરથી ક, ખ, ઘ, ગ, ચ, છ અને જ એ ક્રમે ઓળખાય છે, જ્યારે 7 આડા રસ્તા માટે અંકની ઓળખ પ્રયોજવામાં આવી છે; એટલે કે 1, 2, 3, 4, 5, 6, તથા 7. દરેક સેક્ટરના વસાહતીની અવરજવર વગેરેની સુવિધા માટે દરેક સેક્ટરમાં પાકા રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગાંધીનગરમાં કુલ 342 કિમી.ના રસ્તા છે. મુખ્ય માર્ગોને ચાર લેનના કરાયા છે, છમાર્ગી કરવાની યોજના છે.
દરેક સેક્ટરમાં પ્રાથમિક સુવિધા રૂપે પૂછપરછ કચેરી, પ્રાથમિક શાળા, દવાખાનું, પોલીસચોકી, રંગમંચ તથા બગીચા બનાવવામાં આવ્યાં છે. ટૂંકમાં, દરેક સેક્ટર એક નાના વસાહતી એકમ તરીકે વિકસાવાયું છે. સરકારી કર્મચારીઓ માટે જુદી જુદી કક્ષાનાં કુલ 16,246 રહેણાકનાં મકાનો બાંધવામાં આવ્યાં છે. વળી ખાનગી પ્લૉટ પાડીને તેના વેચાણ મારફત ખાનગી વસાહતોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ગાંધીનગરના પૂર્વ છેડે રાષ્ટ્રીય ધોરી માર્ગ 8-Cને અડીને મંત્રીઓનાં નિવાસસ્થાન તથા રાજભવન બાંધવામાં આવ્યાં છે.
આ શહેરના સેક્ટર 10ના મુખ્ય ‘ચ’ માર્ગ ઉપર વિધાનસભા તથા સચિવાલય સંકુલ આવેલાં છે. સચિવાલયના કુલ 14 બ્લૉકમાં રાજ્ય સરકારના વિવિધ વહીવટી વિભાગો આવેલા છે. ખાતાંના વડાની કચેરીઓનું સંકુલ ડૉ. જીવરાજ મહેતા ભવન નામે ઓળખાય છે. અન્ય કચેરીઓમાં રાજ્યનું ઉદ્યોગભવન સ્થાપત્યની દૃષ્ટિએ સુંદર ઇમારત છે. આ ઉપરાંત પાટનગર યોજના ભવન, ખાદી ગ્રામોદ્યોગ તાલીમ કેન્દ્ર, બ્યૂરો કચેરી, પંચાયત ભવન ઉલ્લેખનીય છે. કેન્દ્ર સરકાર હસ્તકની કચેરીઓ પૈકી અદ્યતન ટેલિકૉમ બિલ્ડિંગ, સરવે ઑવ્ ઇન્ડિયાની કચેરી તથા ઍરફોર્સનું નાનું સબસ્ટેશન વગેરે સેક્ટર 9માં આવેલાં છે. બધી જ રાષ્ટ્રીયકૃત બૅન્કોની શાખાઓ પણ આ શહેરમાં છે.
ગાંધીનગરની સમગ્ર વસ્તીની પાણીની જરૂરત માટે ફતેપુરા ગામ પાસે ફ્રેંચ વેલ, જૅક વેલ તેમજ ચરેડી ખાતે પાણીની ટાંકી મારફત પાણીપુરવઠો અપાય છે. આનંદપ્રમોદ માટે સેક્ટર 28માં બાલોદ્યાન, સેક્ટર 9માં સરિતાઉદ્યાન તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ 8-C પર ઇન્દ્રોડા ગામ પાસે હરણઉદ્યાન તેમજ તેનાં ડાયનોસૉર વિભાગ વિકસાવાયા છે. આ ઉપરાંત સેક્ટર 17માં અદ્યતન ટાઉનહૉલ તથા સેક્ટર 16માં સિનેમાથિયેટર પણ છે. અમદાવાદ સાથેના ધોરી માર્ગ પર ‘ફન વર્લ્ડ’ નામની મનોરંજન-નગરીનું નવું આકર્ષણ થયું છે. શૈક્ષણિક સુવિધા તરીકે દરેક સેક્ટરમાં પ્રાથમિક શાળા, જુદા જુદા સેક્ટરની માધ્યમિક શાળાઓ, સેન્ટ્રલ સ્કૂલ તેમજ ખાનગી સંસ્થાઓના સંચાલન હેઠળની શાળાઓ છે. ઉચ્ચશિક્ષણ માટે આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ તથા કાયદાની કૉલેજ અને મહિલા કૉલેજ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI)ની પણ સગવડ છે. સેક્ટર 25માં ઇલેક્ટ્રૉનિક એસ્ટેટનું આયોજન કરાયું છે. સેક્ટર 15માં કેન્દ્ર સરકાર તરફથી વિશાળ અને ઘણી સુવિધા સાથેનું રમતગમત સંકુલ (sports complex) ઊભું કરવામાં આવ્યું છે; તેમાં સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ તથા સ્પૉર્ટ્સ હૉસ્ટેલની સુવિધા મુખ્ય છે. આ ઉપરાંત ખાનગી સંચાલન હેઠળ બે જિમખાનાં પણ રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. આરોગ્યલક્ષી સેવા માટે સેક્ટરવાર દવાખાનાં ઉપરાંત સેક્ટર 12માં સિવિલ હૉસ્પિટલ અને સેક્ટર 22માં આયુર્વેદિક હૉસ્પિટલ છે. બહારથી આવતા પ્રવાસીઓ તથા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનાં નિવાસ-ભોજનની સગવડ ખાતર સર્કિટ હાઉસ, વિશ્રામગૃહ તથા પથિકાશ્રમની જોગવાઈ ઊભી કરાઈ છે. ખાનગી માલિકીની લક્ઝૂરિયમ હોટલ પણ બની છે. મહાત્મા ગાંધીજીને સમર્પિત મહાત્મા મંદિર પણ ગાંધીનગરના સેક્ટર 13માં બનાવાયું છે. ગાંધીનગર આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ મહાત્મા મંદિરની મુલાકાત લે છે. મહાત્મા મંદિર 34 એકર જેટલા વિસ્તારમાં બન્યું છે અને એ ભારતનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર પણ ગણાય છે. અહીં વિવિધ સરકારી ઇવેન્ટ્સ થાય છે. ગાંધીનગરના નાગરિકોની ઉપાસના વગેરેની સગવડ ખાતર જુદા જુદા દરેક મુખ્ય ધર્મનાં ઉપાસના-સ્થાનો પણ જે તે ધર્મસંસ્થા તરફથી રચવામાં આવ્યાં છે. આમાં સ્વામિનારાયણ સંપ્રદાય નિર્મિત અક્ષરધામ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણરૂપ નીવડ્યું છે.
ગાંધીનગર આવવા માટે એસ.ટી. તંત્ર તરફથી શહેરી બસ સર્વિસ રૂપે આખા દિવસ દરમિયાન ટ્રિપનું સંચાલન થાય છે. સેક્ટર 11માં આવેલા અદ્યતન બસસ્ટૅન્ડ પરથી દરેક જિલ્લામાં જવાની બસ-વ્યવસ્થા સુલભ છે. સેક્ટર 14માં રેલવેસ્ટેશન છે અને તે અમદાવાદ સ્ટેશન સાથે સંકળાયેલું છે. તે સિવાય ગાંધીનગર-અમદાવાદને જોડતી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે.
ગાંધીનગરને હરિયાળું બનાવવા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવે છે. પરિણામે ગાંધીનગર લીલુંછમ અને હરિયાળું વર્તાય છે. આ શહેર ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવવાનું માન પામે છે. ગાંધીનગરના બહુમુખી વિકાસ માટે રૂ. 160 કરોડનો ખર્ચ થયો હતો. ગાંધીનગર એશિયાનું ગ્રીન કૅપિટલ તરીકે બહુમાન મેળવે છે. ગાંધીનગરના કુલ વિસ્તારમાંથી 50 ટકા જેટલો વિસ્તાર વૃક્ષોથી આચ્છાદિત થયો છે. ગાંધીનગરનો ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સમાવેશ થાય છે. ગાંધીનગરને દેશનું સૌથી ચોખ્ખું પાટનગર પણ માનવામાં આવે છે.
ગુજરાત મ્યુનિસિપલ અધિનિયમ 1963 હેઠળ ગાંધીનગરને નિર્દિષ્ટ વિસ્તાર (notified area) જાહેર કરવામાં આવ્યો હતો. કલેક્ટરને એક વ્યક્તિની સમિતિ જાહેર કરી તેને ગાંધીનગરનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેરની હદથી 8 કિમી. સુધીના ચારે બાજુના આશરે 225 ચો.કિમી. વિસ્તારને પેરિફરી કન્ટ્રોલ ઍક્ટ, 1960 હેઠળ મૂકી ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન – ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની રચના 16મી માર્ચ, 2010માં થઈ હતી. આ સિવિક બૉડીના હાથમાં શહેરનું સંચાલન છે. ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની પ્રથમ ચૂંટણી એપ્રિલ-2011માં થઈ હતી. 33 બેઠકો ધરાવતી આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત 18 બેઠકો સાથે કૉંગ્રેસને બહુમતી મળી હતી. અને ભાજપને 15 બેઠકો મળી હતી. મહેન્દ્રસિંહ રાણા ગાંધીનગરના પ્રથમ મેયર બન્યા હતા. 2016ની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેને 16-16 બેઠકો મળી હતી, ત્યારબાદ ભાજપના હાથમાં સત્તા આવી હતી. 2021ની ચૂંટણી વખતે બેઠકો 44 થઈ હતી. એમાંથી ભારતીય જનતા પાર્ટીએ 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો. હિતેશ મકવાણા મેયર છે. આઈએએસ ડૉ. ધવલ પટેલ મ્યુનિસિપલ કમિશનર છે.
ગાંધીનગર જિલ્લો – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદમાં ગુજરાતના પાટનગરને ગાંધીનગર નામ અપાયું છે.
ભૌગોલિક સ્થાન – વિસ્તાર અને સીમાઓ : તે 23°-12’ ઉ. અ. અને 72°-38’ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 81 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની ઉત્તરે અને વાયવ્યે મહેસાણા જિલ્લો, ઈશાને સાબરકાંઠા જિલ્લો, પૂર્વે અરવલ્લી જિલ્લો, નૈઋત્યે ખેડા અને દક્ષિણે અમદાવાદ જિલ્લો સીમા ધરાવે છે. જિલ્લાનું ક્ષેત્રફળ 649 ચો.કિમી. છે. ગાંધીનગર, કલોલ, દહેગામ અને માણસા – એમ ચાર શહેરોના બનેલા જિલ્લામાં 4 શહેરો અને 216 ગામો છે. આ જિલ્લામાં સાબરમતી અને ખારી નદીનું વહન ઉત્તરથી દક્ષિણ તરફનું છે. ઉનાળામાં આ નદી લગભગ સુકાઈ જાય છે.
જિલ્લાની રચના : 1–12–1964થી અસ્તિત્વમાં આવેલો આ જિલ્લો એ વખતના મહેસાણા જિલ્લાના કલોલ તાલુકાનાં કેટલાંક ગામો અને અમદાવાદ જિલ્લાના સિટી, દહેગામ અને દસક્રોઈ તાલુકાનાં કેટલાંક ગામડાંના જોડાણથી બન્યો હતો. ઇન્દ્રોડા, બોરિજ, ધોળાકૂવા અને આદિવાડા ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ છે.
આબોહવા : આ જિલ્લામાં સરેરાશ 630 મિમી. વરસાદ પડે છે. પશ્ચિમથી પૂર્વ તરફ જતાં વરસાદનું પ્રમાણ વધતું જાય છે. વરસાદી દિવસોની સરેરાશ સંખ્યા 30 છે અને જુલાઈ અને ઑગસ્ટ માસમાં અનુક્રમે મોસમનો કુલ 45% અને 25% વરસાદ પડે છે. આ જિલ્લામાં સરેરાશ ગુરુતમ તાપમાન 41° સે. અને સરેરાશ લઘુતમ તાપમાન 26° સે. રહે છે. ક્યારેક મે માસમાં સૌથી વધુ તાપમાન 48° સે. થઈ જાય છે. જૂનના મધ્યભાગથી તાપમાનમાં ઘટાડો થાય છે, પણ ઑક્ટોબરમાં તે ફરી વધે છે. જાન્યુઆરી માસમાં સૌથી ઓછું તાપમાન રહે છે. શિયાળામાં સરેરાશ ગુરુતમ તાપમાન 29° સે. રહે છે.
જમીન ગોરાડુ અને કાંપવાળી છે. નદીના ભાઠાની જમીન વધુ ફળદ્રૂપ છે. કેટલીક જમીન ઝીણી રેતીવાળી પણ છે. સાબરમતી નદી ગાંધીનગર જિલ્લાના મધ્ય ભાગમાંથી વહે છે. આ જિલ્લામાં તેનો પ્રવાહ 34 કિમી. છે. જિલ્લામાંથી નર્મદા નહેર પસાર થાય છે.
ખનિજો : આ જિલ્લામાં કલોલ, વાવોલ અને ઇન્દ્રોડા નજીકના સ્તરોમાંથી તેલ અને ગૅસ મળે છે. તે ટર્શિયરી યુગના ડેક્કન ટ્રૅપ ઉપર આવેલા સ્તરોમાંથી મળે છે. આ સ્તરોની જાડાઈ 3000–3200 મી.થી માંડીને 750 મી. છે.
જંગલો : આ જિલ્લામાં 7700 હેક્ટરમાં જંગલો આવેલાં છે. આ સિવાય રસ્તાની બે બાજુએ તથા કોતરોમાં જમીનનું ધોવાણ અટકાવવા વૃક્ષોનું વાવેતર કરાયેલ છે. આ જંગલ સૂકાં ખરાઉ વૃક્ષો પ્રકારનું (dry desiduous) છે.
પ્રાણીઓ અને પક્ષીઓ : આ જિલ્લામાં શિયાળ, જંગલી બિલાડી, માંકડાં, શેળો, ચામાચીડિયાં, વાગોળ, ખિસકોલી, જંગલી ઉંદર (કોળ), નોળિયો, શાહુડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે. પક્ષીઓમાં વિવિધ બગલાં, બતક, સમડી, ગીધ, ઘુવડ, ચીબરી, મોર, તેતર, લાવરી, કુંજ, સારસ, કબૂતર, કાબર, પોપટ, નીલકંઠ, ટીલવો વગેરે જોવા મળે છે. કેટલાંક પક્ષીઓ શિયાળો ગાળવા અહીં આવે છે.
ખેતી અને પશુપાલન : આ જિલ્લામાં 52,685 હેક્ટરમાં ખેતી થાય છે. 72% જમીનમાં વાવેતર થાય છે. ડાંગર, ઘઉં, બાજરી, કપાસ, શાકભાજી, કઠોળ, મરચાં, મગફળી વગેરે મુખ્ય પાકો છે. 24,000 હેક્ટરમાં કૂવા અને પાતાળ કૂવા દ્વારા સિંચાઈ થાય છે. આ જિલ્લામાં 300 પાતાળ કૂવા અને 360 કૂવા છે. 15,086 ખાતેદારો (ખેડૂતો) છે. છાલા અને વાસણા ખાતેની નહેરોને હાથમતી બંધમાંથી પાણી પૂરું પાડવા યોજના કરાઈ છે. ઇન્દ્રોડા નજીક સાબરમતી નદી ઉપર બંધ બાંધવા માટે પ્રાથમિક સર્વેક્ષણ કરાયું છે. 61% લોકોની આજીવિકાનો આધાર ખેતીવાડી ઉપર છે. પશુપાલન ગૌણ ઉદ્યોગ છે. કાંકરેજ ઓલાદની ગાય અને બળદ તથા મહેસાણી ઓલાદની ભેંસો છે. ગાંધીનગરમાં સહકારી ધોરણે ડેરી ઊભી કરાઈ છે.
ઉદ્યોગો : આ જિલ્લામાં લઘુઉદ્યોગોના 1393 એકમો છે તે દ્વારા 11,300 લોકો રોજી મેળવે છે. આ ઉદ્યોગોમાં રૂ. 126 કરોડનું રોકાણ થયું છે. મધ્યમ કક્ષાના 29 ઔદ્યોગિક એકમોમાં રૂ. 200 કરોડનું રોકાણ થયું છે. તે દ્વારા 4,282 લોકો રોજગારી મેળવે છે.
અમદાવાદ–ગાંધીનગર રાજ્ય ધોરી માર્ગ ઉપર તૈયાર કપડાં માટેનો ગારમેન્ટ ઝોન છે. તેમની સહકારી મંડળી છે. ભાટ ગામે જીઆઈડીસી દ્વારા ઔદ્યોગિક વસાહત સ્થપાઈ છે. સોનાચાંદીનાં ઘરેણાં બનાવવાનો તથા હીરાનો ઉદ્યોગ અહીં શરૂ થયો છે. પેથાપુર ખાતે રંગાટીકામ માટેનાં બીબાં બનાવવાનો ઉદ્યોગ છે. TCS જેવી IT કંપનીઓ, ફર્નિચર અને બાંધકામને લગતી કંપનીઓ છે.
ટ્રાયસેમ યોજનાનુસાર બેરોજગાર ખેતમજૂરોને તથા સીમાંત ખેડૂતોને ભરતગૂંથણ, સિલાઈ તથા સાબુ, પાપડ, અથાણાં, મસાલા બનાવવાની અને હોઝિયરી, મિકૅનિક વગેરેની તાલીમ અપાય છે. સરઢવ મુકામે પછાત વર્ગની મહિલાઓને હાથસાળ ચલાવવાની તાલીમ અપાય છે. પેથાપુરમાં બીબાં ઉપરાંત બાંધણી વગેરે રંગાટીકામ તથા તાળાં, ચપ્પુ અને સૂડી બનાવવાનો ઉદ્યોગ; ઉનાવા અને રાંધેજામાં બીડી ઉદ્યોગ અને દોલારાણા વાસણામાં હાથસાળ ઉદ્યોગ, ગૃહઉદ્યોગ તરીકે ચાલે છે.
વાહનવ્યવહાર : આ જિલ્લામાં 140 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો અને 21 કિમી.ના અન્ય જિલ્લા માર્ગો આવેલા છે. ગાંધીનગર-કોબા-સાબરમતી તેમજ કોબા-ઍરોડ્રોમ રસ્તો અમદાવાદ–ગાંધીનગરને જોડતો રસ્તો છે. અંદાજે 50 મીટરની પહોળાઈ ધરાવતો સરદાર પટેલ રીંગરોડ આ જિલ્લામાંથી પસાર થાય છે. અમદાવાદ–દિલ્હી રાષ્ટ્રીય ધોરી માર્ગ નાના ચિલોડા પાસેથી પસાર થાય છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રેલવે બંધાઈ છે. ગાંધીનગર પાટનગર રેલવે સ્ટેશન 14 સેક્ટરમાં આવેલું છે. પશ્ચિમ વિભાગની ઘણી ટ્રેનો ગાંધીનગર થઈને પસાર થાય છે. પાંચ ટ્રેનો ગાંધીનગર રેલવેસ્ટેશનથી ઉપડે છે. બે મેમૂ(MEMU) ટ્રેનનો પ્રારંભ થયો છે. મુખ્ય ટ્રેનોમાં જયપુર-બાન્દ્રા ગરીબ રથ, હરદ્વાર મેલ, શાંતિ એક્સપ્રેસ છે.
અમદાવાદ–અજમેર–દિલ્હી, અમદાવાદ–ખેડબ્રહ્મા અને કલોલ–વિજાપુર–આંબલિયાસણની 3 રેલવે લાઇન આ જિલ્લામાંથી પસાર થાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે 18 કિમી. દૂર છે.
મેટ્રો વિભાગ – 2 જેનું કાર્ય પૂર્ણ થયું છે. જે મોટેરાથી મહાત્મા ગાંધી મંદિર(ગાંધીનગર)ને સાંકળશે. તેની એક શાખા ગિફ્ટ સિટી સ્ટેશન સુધી લંબાવાશે.
શિક્ષણ : ગાંધીનગર જિલ્લાનો સાક્ષરતાનો દર 74.38% હતો. 79.15% પુરુષો અને 69.59% સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં. ગાંધીનગર જિલ્લામાં 140 પ્રાથમિક શાળાઓ, 20 ખાનગી પ્રાથમિક શાળાઓ, 84 માધ્યમિક શાળાઓ, 7 સરકારી અને 26 બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 3 સરકારી અને 2 બિનસરકારી કૉલેજો છે. આ સિવાય આઇટીઆઇ, 2 અધ્યાપન મંદિરો, વ્યાયામ શિક્ષકોનું 1 અધ્યાપન મંદિર છે. 7–11 વયનાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત છે. ગામોનાં પુસ્તકાલયો સમૃદ્ધ છે. મોટાં ગામોમાં બાલમંદિરો આવેલાં છે. અહીં અક્ષરજ્ઞાનનું પ્રમાણ 87 % છે, જે રાજ્યમાં સૌથી અધિક ગણાય છે.
ગાંધીનગર જિલ્લામાં એક સિવિલ હૉસ્પિટલ, એક આયુર્વેદિક હૉસ્પિટલ અને એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. ગામડાંઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સગવડ છે. માતૃબાળ કલ્યાણ યોજના નીચે મલેરિયા-નાબૂદી, શીતળાનાબૂદી, ચેપી રોગવિરોધી રસી આપવી વગેરેની યોજનાઓ છે. આ પ્રવૃત્તિમાં ગાંધીનગર જિલ્લાએ 100% સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ જિલ્લામાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, મારવાડી, સિંધી વગેરે ભાષા બોલાય છે. મુખ્ય ભાષા ગુજરાતી છે.
યાત્રાધામો : ચાંદખેડામાં અંબાજી માતાનું કાચમંદિર અને બ્રહ્માણી માતાનું મંદિર છે. રૂપાલમાં વરદાયિની માતાનું મંદિર છે. નવરાત્રિ દરમિયાન અહીં પલ્લી ભરાય છે. વાસણામાં વૈજનાથ મહાદેવનું જૂનું મંદિર છે. આ મંદિરના ઘૂમટમાં સલાટી શૈલીનાં ચિત્રો છે. ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર છે.
મેળા : આ જિલ્લામાં માઘ માસમાં કૃષ્ણ પક્ષની ચૌદશને દિવસે ગાંધી મેળો ભરાય છે. ડભોડામાં જન્માષ્ટમીના દિવસે હનુમાનજીનો મેળો ભરાય છે. દોલારાણા વાસણામાં જન્માષ્ટમીના દિવસે બોરિયા મહાદેવનો મેળો ભરાય છે. છાલામાં આસોની પૂર્ણિમાને દિવસે દશરથ મહાદેવનો મેળો ભરાય છે.
જોવાલાયક સ્થળો : ગાંધીનગર જિલ્લામાં સરિતાઉદ્યાન, બાલોદ્યાન, ટાઉનહૉલ, વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ, ફન વર્લ્ડ, ઇન્દ્રોડામાં જૂનો કિલ્લો અને હરણઉદ્યાન, ડાઇનોસૉરના પૂરા કદનાં શિલ્પો તથા 1499માં બંધાયેલ અડાલજની ઉત્કૃષ્ટ સ્થાપત્યવાળી વાવ જોવાલાયક છે. વલાદમાં પ્રાચીન વાવ, માત્રી માતાનું મંદિર, અન્ય મંદિરો તથા જાબાલિ ઋષિની ગુફા જોવાલાયક છે. વાસણિયા મહાદેવના (વૈજનાથ) મંદિરમાં 11 શિવલિંગો અને 13 શિખરો છે. મંદિરની સામે હનુમાનજીની ઘણા ઊંચા કદની મૂર્તિ છે. મોટેરામાં ગાયત્રી ઉપાસના ખંડ અને સંત આશારામજીનો આશ્રમ છે. કોબામાં સાબરમતીકિનારે કુંભેશ્વર મહાદેવ અને કોટેશ્વરમાં આ જ નામના મહાદેવનાં જૂનાં મંદિરો છે. ઈસનપુરમાં 1500–1515 દરમિયાન બંધાયેલી જૂની મસ્જિદ છે.
ઇતિહાસ : ભાષાના મુદ્દે મુંબઈ રાજ્યમાંથી બે રાજ્યો નિર્માણ પામ્યા. ગુજરાત અને મહારાષ્ટ્ર. ગુજરાતની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ. 1-12-1964થી અસ્તિત્વમાં આવેલા જિલ્લામાં એ વખતના મહેસાણા જિલ્લાના, અમદાવાદ જિલ્લાના સિટી, દહેગામ અને દસક્રોઈ તાલુકાના કેટલાક ગામોનો ગાંધીનગર જિલ્લામાં સમાવેશ કરવમાં આવેલ છે.
આ જિલ્લાનો વિસ્તાર 2140 ચો.કિમી. અને વસ્તી 13,91,753 (2011 મુજબ) છે. જેમાં 43 ટકા શહેરી વસ્તી છે.
શિવપ્રસાદ રાજગોર
હર્ષ મેસવાણિયા
નીતિન કોઠારી