ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું તાલુકામથક અને તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન 29° 01′ ઉ. અ. અને 73° 02′ પૂ. રે. આ તાલુકાનું ક્ષેત્રફળ 846.3 ચોકિમી. છે અને 2001માં તેની વસ્તી 2,23,497 હતી. આ તાલુકામાં એક શહેર અને 136 ગામો છે. તાલુકાનો ઉત્તર અને પૂર્વનો રાજસ્થાનને સીમાવર્તી ભાગ ડુંગરાળ છે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમ તરફનો ભાગ સપાટ છે. હરણાવ, કોસામ્બી અને ભીમાક્ષી નદીઓ આ તાલુકામાંથી વહે છે અને તેમનો ત્રિવેણી સંગમ ખેડબ્રહ્મા પાસે થાય છે. આ તાલુકામાં મકાઈ, કપાસ, સાઠી તરીકે ઓળખાતી ડાંગર, તેલીબિયાં વગેરે થાય છે. ખનિજમાં ચૂનાખડકોની ખાણો છે. સાગ, વાંસ, મહુડો વગેરે વૃક્ષો મહત્વનાં છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

ખેડબ્રહ્મા શહેર હરણાવ નદીના જમણા કાંઠે આવેલું છે. 2001માં તેની વસ્તી 25,547 હતી. આ શહેર અમદાવાદ-ખેડબ્રહ્મા મીટરગેજ રેલવેનું અંતિમ મથક છે. હિંમતનગર-અંબાજી માર્ગ ઉપર ખેડબ્રહ્માથી હિંમતનગર 55 કિમી., ઇડર તેની દક્ષિણે 48.03 કિમી. અને અમદાવાદ 142.4 કિમી. દૂર છે.

ખેડબ્રહ્મામાં સહકારી જિન, સિમેન્ટના પાઇપનું કારખાનું, લાકડાં વહેરવાની મિલ, કપાસ સંશોધન કેન્દ્ર, બીજ કેન્દ્ર, ખેતીવાડી શાળા, આશ્રમશાળા, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અને કૉલેજ છે.

મારવાડ, મેવાડ, શિરોહી અને તળ ગુજરાતના લોકો આ સ્થળની યાત્રાએ આવે છે. અહીં કોટેશ્વર, પંખેશ્વર કે પક્ષેન્દ્રનાથ અને નાના અંબાજીનાં મંદિરો આવેલાં છે. અગાઉ સૌરાષ્ટ્રના વેપારીઓ અફીણ, કાપડ, તાંબાનાં વાસણો, ગાંધિયાણું અને ઘોડા વેચવા માટે અહીં પંદરેક દિવસોનો પડાવ નાખતા હતા. કાર્તિકી, ચૈત્રી અને ભાદરવી પૂનમને દિવસે અહીં મેળો ભરાય છે. ખેડબ્રહ્માથી થોડેક દૂર ભૃગુઋષિનો આશ્રમ તથા ક્ષીરામ્બાનું મંદિર છે. મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લે છે. આદિવાસી વિકાસઘટકને કારણે તાલુકાનો વિકાસ થયો છે.

ઇતિહાસ : ‘ખેડ’ કે ‘ખેટક’ નાના શહેર માટે વપરાતો શબ્દ છે. પ્રાકૃત કોશકાર ‘ખેડ’નો ‘ધૂળિયા કોટવાળું નગર’ કે ‘ગામ’ એવો અર્થ ઘટાવે છે. અહીં બ્રહ્માનું પ્રખ્યાત મંદિર હોવાથી આ શહેર ખેડબ્રહ્મા કે બ્રહ્માની ખેડ એમ કહેવાય છે. પદ્મપુરાણના ‘સાભ્રમતી માહાત્મ્ય’ અને અદિતિ વાવના શિલાલેખમાં તેનાં જુદાં જુદાં નામો જણાવાયાં છે. તે સત્યયુગમાં બ્રહ્મપુર, ત્રેતામાં અગ્નિખેટ, દ્વાપરમાં હિરણ્યપુર અને કલિયુગમાં તુલખેટ તરીકે જાણીતું હોવાનો ઉલ્લેખ છે. હિરણ્યા કે હરણાવ નદી ઉપર આવેલું હોવાથી આ સ્થળ હિરણ્યપુર અને બ્રહ્માના મંદિરને કારણે બ્રહ્મપુર તરીકે જાણીતું હશે.

ચોથી સદીમાં પ્રચલિત ગધૈયા સિક્કા મળી આવ્યા હોવાથી તથા ગુપ્તકાલીન મોટી ઈંટો મળી આવવાથી આ સ્થળ ઈ. સ. ચોથી સદી જેટલું પ્રાચીન હશે. પદ્મપુરાણ પ્રમાણે શહેરને સુવર્ણદુર્ગ અને 25 દરવાજા હતા. મંદિરની બાંધણી જોતાં તે બારમી સદીનું સોલંકી કાળ જેટલું પ્રાચીન હશે (ઈ. સ. 942-1297). કેટલાક તે સત્તરમી સદીમાં બંધાયું હોવાનું માને છે. અદિતિ વાવના શિલાલેખ પ્રમાણે તેરમી સદીમાં આ શહેર સમૃદ્ધ હતું.

ગુજરાતમાં બ્રહ્માજીનું અહીં આવેલું આ એક માત્ર મંદિર છે. રાજસ્થાનમાં અજમેર પાસે પુષ્કરજીમાં બ્રહ્માનું મંદિર છે. ખંભાત પાસે નગરમાં અને તળખંભાતમાં ત્રણ છૂટી મૂર્તિઓ છે.

અનુશ્રુતિ પ્રમાણે આ સ્થળે બ્રહ્માજીએ ભૃગુને લાત મારવાના પાપથી મુક્ત થવા વિષ્ણુના સૂચનથી યજ્ઞ કર્યો હતો અને તે માટે 1,000 બ્રાહ્મણો અને 20,000 વૈશ્ય સેવકોને વસાવ્યા હતા. ખેડબ્રહ્મા અને આસપાસ વસતા બ્રાહ્મણો ખેડવા બાજ તરીકે ઓળખાય છે. યજ્ઞના પ્રસંગે જેમણે રાજાની દક્ષિણા લીધી નહિ અને કિલ્લાની દીવાલ કૂદી બહાર નીકળી ગયા તે ‘બાહ્ય’ કહેવાયા અને અંદર રહીને દાન સ્વીકારનાર ‘ભીતરા’ ખેડાવાળ કહેવાયા. ‘બાહ્ય’નું ‘બાજ’ રૂપ થયું છે.

શિવપ્રસાદ રાજગોર