આગિયો (firefly) : ઢાલપક્ષ શ્રેણીના લેમ્પિરિડી કુળનું અનાજને નુકસાન કરતું કીટક. તેનું શાસ્ત્રીય નામ Lampyris noctiluca છે. ઇયળ અવસ્થામાં ગોકળગાયના માંસ પર જીવે છે. પુખ્ત કીટક ખોરાક લેતું નથી. પુખ્ત કીટક(લંબાઈ 5થી 25 મિમી.)ના ઉદરપ્રદેશના છઠ્ઠા અને સાતમા ખંડની અને ઇયળોના આઠમા ખંડની નીચે પ્રકાશ પેદા કરનાર અંગ આવેલાં હોય છે. આ અંગ વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે, જેને ફોટોસાઇટ કહે છે. આ કોષો કીટકના બાહ્યાવરણની નીચે આવેલા હોય છે અને તેની પાછળ પ્રકાશનું પરાવર્તન થઈ શકે તેવી યુરેટ ગ્રૅન્યૂલ્સની સપાટી હોય છે. આ જગ્યાએ બાહ્યાવરણ ખૂબ જ પાતળું અને પારદર્શક હોવાથી ફોટોસાઇટમાં થતો પ્રકાશ બહાર આવે છે. લ્યૂસિફરીનનું લ્યૂસિફરેઝ ઉત્સેચકની હાજરીમાં ઉપચયન (oxidation) થવાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલ પ્રકાશ થોડા સમય સુધી રહે છે. પ્રકાશ ઉત્પન્ન થવાનો ગાળો ૦.1થી ૦.2 સેકન્ડ સુધીનો હોય છે. આ રીતે પ્રકાશ ઉત્પન્ન કરી નર-માદા સંભોગ માટે એકબીજાંને આકર્ષે છે. મોટાભાગે ચોમાસું પૂરું થવા આવતાં સાંજના અંધારામાં ઘણા આગિયા ઊડતાં ઊડતાં પ્રકાશના ઝબકારા કરતા જોવા મળે છે.

Photuris lucicrescens

આગિયો

સૌ. "Photuris lucicrescens" | CC BY-SA 2.5

Fireflies, Georgia, US

હવામાં પ્રકાશના ઝબકારા કરતા આગિયાનું એક ર્દશ્ય, જ્યોર્જિયા, યુ. એસ.એ.

સૌ. "Fireflies, Georgia, US" | CC BY-SA 4.0

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ