આકાશવાણી : બિનતારી રેડિયો કાર્યક્રમ પ્રસારણને આકાશવાણી નામાભિધાન મૈસૂર કેન્દ્ર પરથી ડૉ. ગોપાલસ્વામીએ 1935માં આપ્યું. પરંતુ ભારતમાં રેડિયો-પ્રસારણની શરૂઆત તો ‘ઇન્ડિયન સ્ટેટ્સ ઍન્ડ ઇસ્ટર્ન એજન્સી લિ.’ દ્વારા 1922માં તત્કાલીન હિંદ સરકારને પ્રસારણ સેવા શરૂ કરવા જણાવાયું ત્યારથી થઈ. 1923ના નવેમ્બરમાં બંગાળની ‘રેડિયો ક્લબ’ને સથવારે કલકત્તામાં એક કેન્દ્ર શરૂ થયું. 1924ના જૂનમાં મુંબઈની ‘રેડિયો ક્લબ’ના સહકારમાં માર્કોની કંપનીએ આપેલા ટ્રાન્સમીટર દ્વારા કાર્યક્રમો શરૂ થયા. વ્યવસ્થિત કાર્યક્રમ પ્રસારણ સેવા 1924ના જુલાઈની 31મીએ શરૂ થઈ. કુલ દોઢ કિલોવૉટ્સના મિડિયમ વેવ ટ્રાન્સમિટર દ્વારા 48 કિમી.ના પ્રસારણ-વિસ્તારમાં કુલ સાડા ત્રણ હજાર જેટલા રેડિયો સેટ હતા. એ હતી ‘ઇન્ડિયન બ્રૉડકાસ્ટિંગ કંપની’ની શરૂઆત. ‘ભારત જેવા મોટા દેશની અનેક ભાષા-સંસ્કૃતિઓ વચ્ચે કાર્યક્ષમ પ્રત્યાયન(communication)ની મુશ્કેલી નિવારવા રેડિયો માધ્યમની ક્ષમતા, સમાચારો, શિક્ષણ અને મનોરંજન વગેરે’ પ્રત્યે ઇન્ડિયન બ્રૉડકાસ્ટિંગ કંપનીના અધ્યક્ષ સર રહિમતુલ્લાએ એ વખતે જ રેડિયો-પ્રસારણ સેવાના ઉદ્દેશો તરીકે ધ્યાન દોરેલું. એ કંપનીમાં ભાવનગરના એક પ્રજાજન, પણ મુંબઈનિવાસી, સર સુખનાથ ચિતઈ મુખ્ય હતા. મુંબઈના ઑપેરા હાઉસની બાજુના મકાનમાં આ કંપની કામ કરતી હતી. એના પ્રારંભકાળના કલાકારોમાં જાણીતા ગઝલકાર ‘શયદા’ પણ હતા. ગુજરાત ને કાઠિયાવાડમાં મહાવિનાશી પૂર વખતે પૂરા એક અઠવાડિયા સુધી બહારના જગત સાથેનો એમનો સંપર્ક મુંબઈનાં રેડિયો કેન્દ્ર દ્વારા જ શક્ય બન્યો હતો એવું આ કંપનીની તવારીખમાં નોંધાયું છે. ત્રણ વર્ષમાં આ કંપની ફડચામાં ગઈ, અને સરકારી ખર્ચે 1930ના એપ્રિલની 1લી તારીખે, ‘ઇન્ડિયન સ્ટેટ બ્રૉડકાસ્ટિંગ સર્વિસ’ને નામે રેડિયો-પ્રસારણ-સેવા ચાલુ થઈ. 1933ના વાયરલેસ ટેલિગ્રાફી ઍક્ટ અને 1935ના સરકારી કાયદા મુજબ એને કાનૂની રૂપ અપાયું ત્યારે દેશમાં અગિયાર હજાર રેડિયો સેટ હતા. ઑગસ્ટ 1935માં બી. બી. સી. (બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કંપની)ને નજર સામે રાખીને એને વિકસાવવા લાઇનલ ફિલ્ડેનને મહાનિર્દેશક તરીકે બોલાવવામાં આવ્યા. ભારતની આજની પ્રસારણ-સેવાનું અંગ્રેજી નામ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ તેમણે 1936માં આપ્યું. એ પહેલાં 1935ના 10મી સપ્ટેમ્બરે શરૂ થયેલા મૈસૂર કેન્દ્ર પરથી એનું અન્ય ઉચિત નામાભિધાન ‘આકાશવાણી’ થયું હતું. 1938 સુધીમાં દેશમાં ચોસઠ હજાર રેડિયો સેટ હતા. આ દરમિયાન જ મિડિયમ વેવની સાથોસાથ શૉર્ટવેવ ટ્રાન્સમિટરો વપરાવા માંડ્યાં હતાં અને મુંબઈ અને દિલ્હી કેન્દ્રો પરસ્પર કાર્યક્રમો પ્રસારિત કરતાં થઈ ગયાં હતાં. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતી ભાષાના કાર્યક્રમો 1933થી રજૂ થવા માંડ્યા હતા. વડોદરા બ્રૉડકાસ્ટિંગ કંપનીની શરૂઆત 1939થી થઈ હતી.

Akashvani Bhavan

સંસદ માર્ગ ખાતે આવેલ આકાશવાણી ભવન, નવી દિલ્હી

સૌ. "Akashvani Bhavan" | CC BY-SA 2.0

દેશના સ્વાતંત્ર્યને સંપૂર્ણપણે અવગણનાર  આ પ્રસારણ સેવા અંગે જોકે રાષ્ટ્રીય નેતાઓ સજાગ હતા અને 1938માં જવાહરલાલના  અધ્યક્ષપદે તત્કાલીન કૉંગ્રેસ પક્ષની રાષ્ટ્રીય આયોજન સમિતિ નીમવામાં આવી હતી. રેડિયો પ્રસારણ માટે ‘સમાચાર, માહિતી, પ્રૌઢશિક્ષણ, અજ્ઞાનનિવારણ, મનોરંજન’ વગેરે ઉદ્દેશો તારવી આપી, આધુનિક વિકાસ માટે એને અનિવાર્ય સાધન ગણાવવામાં આવ્યું હતું. દેશના વિભાજન વખતે કુલ 9 કેન્દ્રોમાંથી 6 કેન્દ્રો ભારતમાં રહ્યાં. પણ 1950 સુધીમાં એ વધીને 25 થયાં.  1999ના અંત સુધીમાં 109 પ્રાદેશિક કેન્દ્રો, 74 સ્થાનિક કેન્દ્રો અને 9 રિલે કેન્દ્રોથી દેશનો 90 ટકા વિસ્તાર રેડિયો-પ્રસારણ-સેવા દ્વારા આવરી લેવામાં આવ્યો હતો. વસ્તીના 97 ટકા એમાં રહે છે, જેમની પાસે કુલ 32 કરોડ રેડિયો-સેટ છે. 2020માં રેડિયો સ્ટેશનની સંખ્યા વધીને 420 કરતાં વધુ થઈ છે. કાર્યક્રમ-નિર્માણનાં સાધનો અને ધ્વનિમુદ્રણનાં યંત્રો આજે વધુ કાર્યક્ષમ અને જંગમ બન્યાં છે, એ જ રીતે ટ્રાન્ઝિસ્ટર રેડિયોની ક્રાંતિએ રેડિયો સેટને પણ સસ્તા, હળવા અને જંગમ બનાવ્યા છે. રેડિયો એ ઘર ઘરનું સાધન બની શકે એમ છે, જોકે 32 કરોડ રેડિયો-કુટુંબો ગણીએ તોયે દેશની અર્ધીથીય ઓછી વસ્તી ખરેખર તો રેડિયો-પ્રસારણ-સેવાનો લાભ લઈ શકે છે. નિર્માણયંત્રો જંગમ અને સરળ બનવા છતાં સ્ટુડિયોની બહાર, લોકોની વચ્ચે, કાર્યક્રમોનું નિર્માણ નહિવત્ રહ્યું છે. અત્યારે દેશભરમાં આકાશવાણીનાં કુલ 183 નિર્માણ-પ્રસારણ કેન્દ્રો છે, મિડિયમવેવ ટ્રાન્સમિટરો 145 અને શૉર્ટવેવ ટ્રાન્સમિટરો 55 અને એફ. એમ. સેવા માટે 103 ટ્રાન્સમિટરો છે.

‘આકાશવાણી’નાં મહત્વનાં અંગોમાં એનો ‘સમાચાર વિભાગ’ જગતમાંથી સૌથી મોટો છે. દરરોજ 27 ભાષાઓમાં 88 રાષ્ટ્રીય સમાચાર પ્રસારણો, 66 ભાષાઓ અને બોલીઓમાં 137 પ્રાદેશિક સમાચાર પ્રસારણો, આદિવાસી બોલીઓમાં 33 પ્રસારણો અને વિદેશો માટે 8 ભારતીય ભાષાઓ અને 24 વિદેશી ભાષાઓમાં 65 સમાચાર-પ્રસારણો થાય છે. ઘરઆંગણાની પ્રસારણ સેવામાં ‘વિશેષ શ્રોતાઓ માટેના કાર્યક્રમો’માં ગ્રામજનો, સ્ત્રીઓ, બાળકો, યુવકો, આદિવાસીઓ, ઔદ્યોગિક કામદારો, સંરક્ષણ દળો, વિદ્યાર્થીઓ વગેરેનો સમાવેશ થાય છે. ભારતના પ્રથમ માહિતી અને પ્રસારણ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અનેક કેન્દ્રોની શરૂઆત, 1957માં ડૉ. બી. વી. કેસકરના નેતૃત્વ હેઠળ ‘કાર્યક્રમનિર્માતા’ઓની નિમણૂકો, શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કર્મચારીઓની કાર્યસ્થિતિમાં સુધારો વગેરે આકાશવાણીના વિકાસના નોંધપાત્ર તબક્કાઓ હતા. 1957થી અખિલ ભારતીય સંગીત, નાટક, વાર્તાલાપો અને દસ્તાવેજી રૂપકોનું પ્રસારણ શરૂ થયું. દેશની એક ભાષા કે પ્રદેશની સંસ્કૃતિનો પરિચય એ દ્વારા સમગ્ર દેશને થાય એવો એમાં પ્રયત્ન છે.

મનોરંજન માટેની ‘વિવિધ ભારતી’ કુલ 303 નાનાંમોટાં ટ્રાન્સમિટરોથી લગભગ આખા દેશને આવરી લેતી, રાષ્ટ્રીય કહી શકાય એવી સેવા છે. વિજ્ઞાપનો લેવાં, અને એનો સામાજિક સંદર્ભ ખ્યાલમાં રાખવો વગેરે નીતિનિયમો જાળવી, ‘વિવિધ ભારતી’માં મોટેભાગે ફિલ્મી ગીતો અને ફિલ્મ-આધારિત કાર્યક્રમો અપાય છે. આજે દેશમાં વિવિધ ભારતીના કાર્યક્રમોનું આયોજન અને વિજ્ઞાપનોની નોંધણી આકાશવાણીના સમગ્ર તંત્રની માફક એકકેન્દ્રી છે. વિજ્ઞાપનોમાંથી થતી આવક આકાશવાણીની બધી સેવાઓના ચાલુ ખર્ચાઓને પહોંચી વળી શકે છે.

દેશના રેડિયો-પ્રસારણના આ મહત્વના માધ્યમમાં અનેક કલાકારો, પત્રકારો, વ્યવસ્થાપકોએ ફાળો આપ્યો છે. લાઇનલ ફિલ્ડેન પછી પ્રસારણના માધ્યમને સમજીને પ્રયોજનારાઓમાં બુખારીબંધુઓ નોંધપાત્ર હતા. સમાચાર અને દસ્તાવેજી રૂપકોમાં મેલ્વિલ ડી’મેલો સિદ્ધહસ્ત નિર્માતા હતા.

લોકમાધ્યમ તરીકે વિકસી શકે તેવી આ પ્રાસરણ-સેવાને બી.બી.સી.ની જેમ સ્વાયત્ત નિગમ બનાવવાનું ખુદ નેહરુએ 1948ના માર્ચની પંદરમી તારીખે બંધારણસભામાં સ્વીકાર્યું હતું. એ માટે 1964માં ચંદા સમિતિની રચના કરવામાં આવેલી. એના અહેવાલ વિશે છેક 1970માં પ્રતિભાવ આપતાં ઇંદિરા ગાંધીએ સ્વાયત્ત નિગમની દરખાસ્ત નકારી કાઢેલી. 1975ની ‘કટોકટી’ દરમ્યાન તો આકાશવાણીએ પ્રચારનો છુટ્ટો એકમાર્ગી દોર ચાલુ કર્યો હતો. સ્વાયત્તતાની મથામણના બીજા તબક્કામાં 1978ના ફેબ્રુઆરીનો વર્ગીઝ સમિતિનો અહેવાલ મહત્વનો છે. ‘આકાશભારતી’ નામે ‘નૅશનલ બ્રૉડકાસ્ટ ટ્રસ્ટ’ની રચના કરવાની આ અહેવાલમાં ભલામણ હતી. દેશની 90 % વસ્તીને આવરી લેતાં રેડિયો પ્રસારણોને ખ્યાલમાં રાખી વર્ગીઝે એ વખતે દૂરદર્શન કરતાં પણ આકાશવાણીને મહત્વનું સ્થાન આપવાની ભલામણ કરી હતી. એ પછી પી. સી. જોશી અને પાર્થસારથી સમિતિઓની ભલામણો પણ ધ્યાનમાં લેવામાં નહોતી આવી. 1991માં સંસદે પ્રસાર ભારતી કાનૂન મંજૂર કર્યો તે છતાં 1997 સુધી એનો અમલ ન થયો. અનેક મુશ્કેલીઓ પાર કરીને પ્રસાર ભારતીનું તંત્ર લોકપ્રસારણની પોતાની જવાબદારી અદા કરી રહ્યું છે. આકાશવાણીની સાથોસાથ હવે ખાનગી એફ. એમ. કેન્દ્રો પણ પ્રસારણ કરી રહ્યાં છે.

સમૂહ પ્રત્યાયનના આ મહત્વના જનમાધ્યમની એક વિશેષ ભાષા છે, વ્યાકરણ છે, સંગીત છે. એ ‘પ્રસારણ’નું, ‘બનન્તી’ (happening)નું માધ્યમ છે. લોકભાગીદારી એના કેન્દ્રમાં હોય, સામાજિક પ્રગતિ એનું ધ્યેય હોય, સર્વપક્ષી, સર્વઅંગી સંવાદ એની ફલશ્રુતિ હોય.

આકાશવાણી, ગુજરાતમાં : પ્રસારણના ઉદય પછીથી ગુજરાતમાં રેડિયો સ્ટેશનની સ્થાપના ઘણાં વર્ષો પછીથી થઈ. ગુજરાતમાં રેડિયો સ્ટેશનની સ્થાપનાની અગાઉ રેડિયો લાઇસન્સ ધરાવનાર ગુજરાતીઓની સંખ્યા સારા પ્રમાણમાં હતી. ગુજરાતના વિકાસ માટે અને તેનાં તળ ગામડાંની પ્રજા સુધી પહોંચવા માટે રેડિયો કેન્દ્રની આવશ્યકતા સમજાઈ હતી. ભારતની મુખ્ય ભાષાઓને આવરી લે તેવા દરેક મુખ્ય સ્થળે રેડિયો સ્ટેશન કરવાનું વિચારાયું હતું. ગુજરાતમાં અમદાવાદ કેન્દ્રની પસંદગી થઈ તે પૂર્વે પ્રસારણની સેવામાં પ્રથમ ગુજરાતી તરીકે સંકળાયેલા મહેતા ચંદ્રવદન (‘સી.સી.’) હતા. તેઓ મુંબઈ કેન્દ્ર પર કાર્ય કરતા હતા. ગુજરાતમાં રેડિયો સ્ટેશન સ્થપાવું જોઈએ તે માટેની પૂર્વચર્ચા માટે તેઓ બુખારી સાથે અમદાવાદ આવ્યા હતા. ગુજરાત વિદ્યાસભામાં ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રમુખસ્થાને સભા યોજાઈ હતી, જેમાં અગ્રગણ્ય નાગરિકોએ હાજરી આપી હતી.

અમદાવાદમાં ઘણી મિલો હોવાને કારણે કામદારોના ઉત્કર્ષ માટે પણ રેડિયો કેન્દ્રની જોગવાઈ જરૂરી હતી. અમદાવાદમાં રેડિયો કેન્દ્રની સ્થાપના થઈ તે અગાઉ વડોદરા રાજ્ય હસ્તક ‘બરોડા બ્રૉડકાસ્ટિંગ’ અસ્તિત્વમાં હતું. આ સ્ટેશન વડોદરાના સલાટવાડા રોડ વિસ્તારમાં ખાસ બાંધવામાં આવ્યું હતું અને એની શક્તિ એક કિલોવૉટ હતી. તેની પ્રસારણ સેવાઓ 30 કિમી.ના વિસ્તારને આવરી લે તેવી હતી. વડોદરા રાજ્યમાં તે વખતના દરબારના ગાયક ઉસ્તાદ ફૈયાઝખાન અને મીરાબાઈ વાડકર હતા. તેમનો લાભ પણ ‘બરોડા બ્રૉડકાસ્ટિંગ’ને મળ્યો હતો. ઉપરાંત ગુજરાતના કલાકારોને નિમંત્રી તેમને ઉત્તેજન આપવાનું કાર્ય ‘બરોડા બ્રૉડકાસ્ટિંગ’ દ્વારા થતું હતું. અમદાવાદ રેડિયો સ્ટેશનની સ્થાપના થતાં અગાઉ જેમ બીજાં રાજ્યોનાં પ્રસારણ કેન્દ્રો ઑલ ઇન્ડિયા રેડિયોમાં ભળી ગયાં તેમ બરોડા બ્રૉડકાસ્ટિંગ કેન્દ્ર તા. 16-12-1948ના રોજ તેમાં ભળી ગયું. થોડો સમય અમદાવાદ પેટા સ્ટેશન અને વડોદરા મુખ્ય સ્ટેશન રહ્યું. અમદાવાદ કેન્દ્રનો આરંભ તા. 16 એપ્રિલ, 1949થી એલિસબ્રિજમાં આવેલા નવનીતલાલ શોધનના નાનકડા બંગલામાં થયો. બંગલાના નીચેના ભાગમાં દફતર બેસતું અને ઉપરના ભાગમાં બે સ્ટુડિયો (એક વાર્તાલાપ માટે અને બીજો સંગીત અને નાટક માટે) હતા. આ ઉપરાંત ઍનાઉન્સર બૂથ અને કંટ્રોલ રૂમની વ્યવસ્થા હતી. પ્રારંભમાં અમદાવાદ કેન્દ્રની શક્તિમર્યાદા એક કિલોવૉટની હતી. કેન્દ્રના પાછળના ભાગમાં મોટું એરિયલ મૂકી રીલે-યોજના પણ વિચારાઈ હતી. અમદાવાદ કેન્દ્રનો પ્રારંભ, તે વખતના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સંદેશાથી થયો હતો. એની પ્રથમ ઉદઘોષણા થઈ ત્યારે અમદાવાદની સાથે વડોદરા કેન્દ્રને પણ સાંકળી લેવામાં આવ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ કેન્દ્ર દ્વારા પ્રસારણની સેવાઓ પ્રાપ્ત થઈ, એને બહોળા જનસમુદાયે આનંદથી વધાવી. આરંભમાં વાર્તાલાપ, ચર્ચા, નાટકો તથા બહેનો-બાળકો અને ગ્રામજનો માટેના કાર્યક્રમો સાથે એક અત્યંત મહત્વનો કાર્યક્રમ હતો તે મજૂરભાઈઓ માટેનો. અમદાવાદ મિલઉદ્યોગનું મુખ્ય મથક હોવાને કારણે આ કામદારોના વિકાસ અર્થે કાર્યક્રમનું મહત્વ સ્વીકારાયું. દરરોજ આ કાર્યક્રમ મિલોના રિસેસના સમયે અડધો કલાક માટે પ્રસારિત થતો. મિલોની બે પાળી હોવાથી સવારના આ સમગ્ર કાર્યક્રમનું પુન:પ્રસારણ થતું. પ્રારંભમાં કાર્યક્રમ રજૂ કરનાર કલાકારોનાં નામ તાણાભાઈ – વાણાભાઈ પાછળથી શાણાભાઈ – શકરાભાઈમાં ફેરવવામાં આવ્યાં. વડોદરાથી ખેડૂતો માટે અને અમદાવાદથી મજૂરભાઈઓ માટે કાર્યક્રમ પ્રસારિત થાય છે.

પ્રારંભમાં વડોદરા અને અમદાવાદ વચ્ચે ટેલિફોન લાઇન દ્વારા બધા કાર્યક્રમો સંયુક્ત રીતે પ્રસારણ પામતા હતા. અમદાવાદના મુકાબલે વડોદરાનું રેડિયો સ્ટેશન પ્રસારણ માટે જ બાંધ્યું હોવાથી વિશેષ વ્યવસ્થિત હતું. અમદાવાદ કેન્દ્રના મકાનનું બાંધકામ 1957માં પૂર્ણ થયું. નવરંગપુરામાં નવું મકાન થતાં અને વધુ શક્તિશાળી ટ્રાન્સમિટર મુકાતાં તેની ટ્રાન્સમિશનની શક્તિ પણ વધી. એને માટેનું ટ્રાન્સમિશન સ્ટેશન કેન્દ્રથી દૂર બારેજા પાસે રાખવામાં આવ્યું. નવા મકાનમાં નાટક, સંગીત, વાર્તાલાપ માટે અલાયદા વિવિધ સ્ટુડિયોનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં અલગ સમાચાર વિભાગની સ્થાપના તા. 15-1-960માં થઈ. ગુજરાતને આવરી લેતા સમાચારો દરરોજ સાંજે દર અઠવાડિયે એક વાર ‘સમાચાર દર્પણ’, એક વાર ‘લોકરુચિ સમાચાર’ અને અઠવાડિયાના ચાર દિવસ ‘જિલ્લા સમાચારપત્ર’ પ્રસારિત થાય છે. ગુજરાત વિધાનસભાની બેઠક ચાલુ હોય ત્યારે રોજેરોજની કાર્યવાહીની દૈનિક સમીક્ષા અને દર અઠવાડિયે એક વાર સાપ્તાહિક સમીક્ષા રજૂ થાય છે. ગુજરાતની મહત્વની ઘટનાના સમાચારો દિલ્હીથી પ્રસારિત થતા રાષ્ટ્રીય સમાચારો માટે મોકલાય છે. આ ઉપરાંત સાંપ્રત બનાવો વિશેના દિલ્હીના સમાચાર વિભાગના રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ગુજરાત વિશેના પ્રસંગોની પણ રજૂઆત એમના દ્વારા કરવામાં આવે છે. આકાશવાણીના સમાચારોને આવરી લેતું મુખપત્ર ‘નભોવાણી’ પણ અનેક વર્ષો સુધી પ્રસિદ્ધ થતું રહ્યું. પ્રસારણનો વિકાસ થતાં ધીમે ધીમે શાળાઓ માટે, વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે એમ કાર્યક્રમોમાં ઉમેરો થતો ગયો. તેના તજજ્ઞો આ કાર્યક્રમનું આયોજન કરવા લાગ્યા. ગુજરાતનું સુગમ સંગીત, ગીત, ગરબા, ભજન વગેરેનું પણ ઉચ્ચ ધોરણ જળવાય એ માટે યત્નો થવા લાગ્યા. વિકાસની દિશામાં આગેકૂચ થતાં સુગમ સંગીત યુનિટની સ્થાપના થઈ, જેમાં ખાસ પ્રકારનાં ગીતો વિશિષ્ટ મહેનત લઈ રેકૉર્ડ કરવામાં આવે છે. ગુજરાતમાં આવા યુનિટની સ્થાપના 1952માં થઈ. ભારતના મહત્વના પ્રશ્નના બહોળા પ્રચાર અર્થે કુટુંબ નિયોજન એકમ તા. 20-4-1967થી અસ્તિત્વમાં આવ્યું.

‘વિવિધ ભારતી’નો આરંભ પણ અમદાવાદ કેન્દ્ર પરથી તા. 2-10-1965થી થયો. પ્રારંભમાં કાર્યક્રમોની સંપૂર્ણ તૈયાર ટેપ આવતી અને તેનું પ્રસારણ થતું. ત્યારબાદ ગુજરાતીમાં જ ગુજરાતના વિશિષ્ટ કાર્યક્રમો પણ ‘વિવિધ ભારતી’ દ્વારા રજૂ થતા ગયા. ‘વિવિધ ભારતી’માં કૉમર્શિયલ બ્રૉડકાસ્ટિંગનો આરંભ તા. 29-11-1970થી થયો. ગુજરાતમાં અમદાવાદ કેન્દ્રમાં ‘વિવિધ ભારતી’ ચૅનલ અને બ્રૉડકાસ્ટિંગ ચૅનલ એમ બે પ્રવાહો તા. 2-10-1965થી શરૂ થયા. શ્રોતાજનોનો મત  અભિપ્રાય વૈજ્ઞાનિક રીતે પ્રાપ્ત કરવા માટે ઑડિયન્સ રિસર્ચની સ્થાપના પણ તા. 7-10-1963થી થઈ. સાબરમતી આશ્રમ એ ગાંધીજીની પ્રારંભની કર્મભૂમિ અને પોરબંદર તેમની જન્મભૂમિ. આકાશવાણી અમદાવાદ પરથી મહત્વના દિવસોએ આ સ્થળેથી સીધું પ્રસારણ થાય છે, તેમજ જન્માષ્ટમીને દિવસે દ્વારકા તેમજ ડાકોરથી કૃષ્ણ જન્મોત્સવનું પ્રસારણ સીધું થાય છે. ગુજરાતની પાસે એનું આગવું સંગીતધન અને સાહિત્યધન છે. આને દફતર(archives)માં સાચવી રાખવામાં આવે છે. પ્રારંભના દિવસોમાં ડિસ્ક રેકૉર્ડિંગ થતાં હતાં, જે ઘણાં ખર્ચાળ હતાં. વિજ્ઞાનના વિકાસ સાથે હાલમાં ટેપ રેકૉર્ડિંગ થાય છે. નવા નવા પ્રયોગો કરવા માટે અદ્યતન સાધનો વસાવવામાં આવ્યાં છે.

આકાશવાણીના જુદા જુદા કાર્યક્રમો માટે સલાહકાર સમિતિ હોય છે, તેમજ મધ્યસ્થ સલાહકાર સમિતિ પણ હોય છે, જેમાં આ માધ્યમના અન્ય અધિકારીઓ ભાગ લે છે. ગુજરાત રાજ્યે માનવસર્જિત તેમજ કુદરતસર્જિત આફતો વખતે મહત્વની સેવાઓ બજાવી છે. કોમી રમખાણો તથા અનામત આંદોલન વખતે અફવાને બદલે સત્ય હકીકતોથી પ્રજાને વાકેફ કરી યુવાન પેઢીને યોગ્ય દિશામાં વાળવાનું ભગીરથ કાર્ય આ માધ્યમ કરે છે. ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, લોહીની જરૂરિયાતવાળા અંગેની જાહેરાત, હવામાનના ફેરફાર અંગેની જાહેરાત વગેરે પ્રજાને ઉપયોગી જાહેરાત-સેવાઓ આ કેન્દ્ર આપે છે. ચૂંટણી વખતે તાત્કાલિક પરિણામોની રાતદિવસ જાહેરાત કરી પ્રજાને સમાચારથી વાકેફ પણ રાખે છે. હાલમાં લગભગ દરેક સ્ટેશન ઉપર દિલ્હીના કાર્યક્રમો ઉપગ્રહ દ્વારા પ્રસારિત થાય છે.

વડોદરાનું નવું નિર્માણ-કેન્દ્ર મકરપુરા રોડ પર 1973માં બાંધવામાં આવ્યું. આ કેન્દ્ર પરથી વિશિષ્ટ કાર્યક્રમો આપવા માટે એક કિલોવૉટનું ટ્રાન્સમિટર તા. 1-4-1975થી શરૂ થયું, જેના પરથી હાલમાં ‘વિવિધ ભારતી’ના વ્યાપારી કાર્યક્રમો રજૂ થાય છે.

ગુજરાતનું ત્રીજું સ્ટેશન રાજકોટ કેન્દ્ર તા. 4-1-1955ના રોજ અસ્તિત્વમાં આવ્યું. સૌરાષ્ટ્ર એટલે લોકગીતોની, ભાતીગળ લોકકથાની ધરતી, ખમીરવંતી પ્રજાની ધરતી. લોકસાહિત્યને ઉત્તેજન આપીને લોકસંસ્કૃતિ જાળવી રાખવાનો યશ સૌરાષ્ટ્રની પ્રજાને જાય છે. કાઠી, આહિર, મેર, ભરવાડ, રબારી વગેરે કોમોનાં ખાસ ગીતો, કથાઓ વગેરેને પ્રાધાન્ય હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત નાટક, વાર્તાલાપ, પરિસંવાદ, ચર્ચા, બહેનો, બાળકો અને યુવાનો માટેનો વિશિષ્ટ કાર્યક્રમ અન્ય કેન્દ્રોની માફક રજૂ થાય છે. વિશેષમાં ખેતી કરતી પ્રજા માટે ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ રજૂ થાય છે. આ કેન્દ્રે આવા કાર્યક્રમોમાં ઘણા નવતર પ્રયોગો કર્યા છે. જેવા કે, ‘‘ચાલો, સાથે મળીને ખેતી કરીએ,’’ જેમાં જૂનાગઢ મુકામે વૈજ્ઞાનિક પ્રયોગો થાય અને તે પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો ખેતીનો વિકાસ કરે તેનું નિદર્શન કરતો કાર્યક્રમ અપાય. જૂનાગઢમાં પ્રયોગ થાય તે પ્રમાણે સવારમાં ખેડૂતે શું શું કરવાનું છે તેની સૂચના તજજ્ઞો રેડિયો દ્વારા આપે. તે પછી ‘કૃષિશિક્ષણ’નો એક નવો પ્રયોગ કરવામાં આવ્યો. જે ખેડૂતો આ શિક્ષણમાં જોડાવા ઇચ્છતા હતા તેઓએ નામ નોંધાવ્યાં. કાર્યક્રમ સાંભળ્યા બાદ તે અંગે કોઈ મુશ્કેલ પ્રશ્નોના જવાબ ઇચ્છતા હોય તો તે પ્રશ્નો લખી મોકલે અને એ પ્રશ્નોનો વિદ્વાન કૃષિકારો જવાબ સમજાવીને આપે. આ સમગ્ર કાર્યક્રમનું પુન:પ્રસારણ થતું. ત્યારબાદ રેડિયો દ્વારા જે કાર્યક્રમો રજૂ થતા હોય તેના આધારે પ્રશ્નો પૂછવામાં આવે. આ પ્રશ્નોના લેખિત જવાબ ખેડૂતો મોકલી આપી. જે ખેડૂતો લખી ના શકે તે પ્રશ્નોના જવાબ લખાવે. યુનિવર્સિટીના પ્રશ્નપત્રના ઉત્તરની માફક આ ઉત્તરોની ચકાસણી થાય. પ્રથમ 10 વિજેતાઓને, ખેડૂતોને ઉપયોગી થાય એવી કિંમતી ભેટો આપવામાં આવે તેમજ દરેક ખેડૂતને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે તેવું પ્રમાણપત્ર આપવામાં આવતું. આ ભેટ અને પ્રમાણપત્રો ખેડૂતો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં ગામડાંમાં અપાતાં. આમ રાજકોટ કેન્દ્રે પ્રસારણના માધ્યમ દ્વારા એક અનોખી ખેડૂતોની વિદ્યાપીઠ જેવું કાર્ય કર્યું. પ્રથમ વાર મગફળીના ઉત્પાદન અંગે અને બીજી વાર ચોખાના ઉત્પાદન માટે પ્રયોગો કર્યા અને લગભગ 30,000 ઉપરાંત ખેડૂતોએ તેમાં ભાગ લીધો. પ્રસારણ માધ્યમની આ અનોખી સિદ્ધિ કહેવાય. 1974 અને 1976ના વાવાઝોડા અને 1978માં મોરબીના પૂર વખતે રાજકોટે 24 કલાક પ્રસારણ કર્યું હતું. રાજકોટ કેન્દ્ર આવા વિશિષ્ટ જુદા જુદા વર્ગોના કાર્યક્રમો કરવા ઉપરાંત ‘વિવિધ ભારતી’નું સંચાલન કરે છે. અત્યારે રાજકોટ કેન્દ્ર પાસે 20 કિલોવૉટનું ટ્રાન્સમિટર છે અને ‘વિવિધ ભારતી’નું 1 કિલોવૉટનું છે. ઉપરાંત દરિયાપાર વસતા ગુજરાતીઓ માટેના કાર્યક્રમો માટે સુપર પાવર ટ્રાન્સમિટર 1,000 વૉટનું જામનગર રોડ પર છે. અમદાવાદ ખાતેના પ્રાદેશિક સમાચાર વિભાગ તથા દિલ્હીથી પ્રસારિત થતા રાષ્ટ્રીય સમાચારોમાં સૌરાષ્ટ્રની મહત્વની ઘટનાના સમાચાર સમાવી શકાય માટે 1978થી એક ન્યૂઝ રિપૉર્ટર કાર્યરત છે, જે સાપ્તાહિક ‘સમાચારદર્પણ’ પણ રજૂ કરે છે.

ભૂજ : કચ્છની ભાષા, કચ્છની સંસ્કૃતિ અને સરહદ વિસ્તાર – આ બધું લક્ષમાં લઈ ભૂજ કેન્દ્રની સ્થાપના તા. 10-10-1965ના રોજ થઈ. ત્યાંથી ગુજરાતી ઉપરાંત કચ્છી તેમજ સિંધી ભાષામાં પણ કાર્યક્રમો રજૂ થાય છે, તેમજ તેનો સમાચાર વિભાગ કચ્છ જિલ્લાના સમાચાર અને ‘સમાચારદર્પણ’ પણ રજૂ કરે છે. સમાચાર વિભાગ દ્વારા સાંપ્રત બાબતો વિશે ‘પ્રાસંગિક’ કાર્યક્રમ પણ રજૂ થાય છે. એની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈ એનું કચ્છી ભાષાંતર પણ પ્રસારિત થાય છે. ટ્રાન્સમિટરની પ્રસારણશક્તિ-10 કિલોવૉટની છે, જે ભૂજ કેન્દ્રથી દૂર કૂકમા ગામ પાસે આવેલું છે. ભારતના પ્રખ્યાત નગારાવાદક સ્વ. સુલેમાન જુમ્મા કચ્છની ધરતીના કલાકાર હતા. સરહદ વિસ્તારનું આ કેન્દ્ર ત્યાંની પ્રજાને સાવધ અને જાગ્રત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આહવા કેન્દ્ર 17 ફેબ્રુઆરી 1994માં શરૂ થયું. તે ઉપરાંત, સૂરત અને ગોધરામાં ‘સ્થાનિક’ ગણાતાં બે રેડિયો કેન્દ્રો છે.

આ કુલ્લે 6 કેન્દ્રો ઉપરાંત ગુજરાતી ભાષામાં મુંબઈ કેન્દ્ર પરથી બૉમ્બે-એ ચૅનલ પરથી કાર્યક્રમો અપાય છે. ઉપરાંત દરિયાપાર આફ્રિકામાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાતીમાં સેવાઓ મુંબઈથી અપાય છે, તેમાં સમાચાર ઉપરાંત વિવિધ કાર્યક્રમો રાત્રિના 10-30થી 11-15 વાગ્યા સુધી રજૂ થાય છે.

ગુજરાતની સંસ્કૃતિ અને તેના સામાજિક વિકાસનું પ્રતિબિંબ ઝીલતાં આ કેન્દ્રો પ્રસારણના માધ્યમને સમજીને સુસજ્જ માનવ પ્રતિભાઓના સથવારે સાર્થક પ્રત્યાયન કરી રહ્યાં છે.

હસમુખ બારાડી

વસુબહેન ભટ્ટ