આંજણી (style) : પાંપણના મૂળ પર આવેલી એક ઝીસ (zeis) કે મોલ (moll) જેવી ઝીણી ગ્રંથિનો ચેપ (જુઓ ‘આંખ’, આકૃતિ-2.). શરૂઆતમાં આ ગ્રંથિ મોટી અને કઠણ થઈ જાય છે અને તેમાં ખૂબ દુખાવો થાય છે. તેની આજુબાજુનો પાંપણનો ભાગ પણ સૂજી જાય છે, ત્યારબાદ ત્યાં પરુ ભેગું થાય છે. આ પરુ નીકળી જાય ત્યાં સુધી દુખાવો ચાલુ રહે છે. મીબોમિયન ગ્રંથિનો આવો ચેપ પાંપણની અંદર થાય છે. આંજણીને પાંપણની બાહ્ય સપૂયગડ (external hordelum) અને મીબોમિયન ગ્રંથિના ચેપને અંત:સપૂયગડ (internal hordeolum) પણ કહે છે.

આંજણી થવાનું મુખ્ય કારણ ગોલાણુ (staphylococcus) પ્રકારના જીવાણુઓનો ચેપ છે. મોટી ઉંમરે મધુપ્રમેહને કારણે તથા નાની ઉંમરે ચશ્માંની જરૂરિયાત હોય ત્યારે તે વારંવાર થઈ આવે છે. ક્યારેક તેની સાથે શરીરમાં બીજી જગ્યાએ પણ ગડગૂમડ નીકળે છે. આંજણી ઉગ્ર સ્વરૂપે હોય ત્યારે ગરમ પાણીનો શેક કરવાથી દુખાવામાં રાહત રહે છે અને પરુ ભેગું થવામાં એ મદદરૂપ થાય છે. આ વખતે આંખમાં ઍન્ટિબાયૉટિક મલમ અને ટીપાં નાખવાથી તથા મુખ વાટે તેની ગોળીઓ લેવાથી જીવાણુઓનો નાશ કરવામાં મદદ થાય છે. ઍન્ટિબાયૉટિક તરીકે મૅક્રોલાઇડ જૂથની દવાઓ ઉપયોગી છે; જેમ કે, ઍરિથ્રોમાયસિન, એઝિથ્રોમાયસિન વગેરે. ક્યારેક અન્ય ઍન્ટિબાયૉટિક દવાઓ, જેવી કે જેન્ટામાયસિન, લિવોફ્લૉક્સાસિન વગેરે પણ વપરાય છે. પાંપણનો વાળ ખેંચી નાંખવાથી અથવા એક નાનો ચીરો મૂકવાથી પરુ કાઢી નાખી શકાય છે.

શિલીન નં. શુક્લ

નીતિન ત્રિવેદી