આંચકી (convulsions) : લયબદ્ધ આંચકા સાથે સ્નાયુઓનું ખેંચાવું તે. તેને ખેંચ પણ કહે છે. સ્નાયુઓની ખેંચ ઉપરાંત/અથવા વિષમ સંવેદનાઓ (abnormal sensations) કે વર્તન(behaviour)માં વિષમતા પણ થઈ શકે છે. મગજનું બહિ:સ્તર અથવા બાહ્યક (cortex) વિષમ વીજ-આવેગો(electric impulses)થી ઉત્તેજિત થાય છે અને તેનું સામાન્ય કાર્ય તે વીજ-આવેગોના પૂર્ણ અંકુશમાં આવી જાય છે; તેથી આંચકી માટેનો શાસ્ત્રીય શબ્દ અભિગ્રહણ (seizure) છે. અભિગ્રહણની પરસ્પરવિરોધી અસરો થાય છે; જેમ કે, એક તરફ આંચકી કે ખેંચ, ઝણઝણાટી કે અન્ય વિષમ સંવેદનાઓ થાય તો બીજી તરફ બેભાન-અવસ્થા અથવા તો ભાન આવ્યા બાદ ટૉડ(Tood)નો લકવો જેવી તકલીફ ઊભી થાય છે. અભિગ્રહણ અથવા આંચકી અનેક રોગોનું એક ચિહન છે, જ્યારે અપસ્માર (epilepsy) આંચકીના રોગનું નામ છે. આંચકીનાં કારણો સારણી-1માં દર્શાવ્યાં છે :

સારણી 1 : આંચકી(અભિગ્રહણ)નાં કારણો

જૂથ ઉંમર (વર્ષ)   મુખ્ય કારણો
૦-2થી ઓછી (1) જન્મ-સમયે માથાને થયેલી ઈજા
(2) જન્મ પછી લોહીમાં પ્રાણવાયુની ઊણપ કે
ચેપ(infection)ને કારણે મગજને થયેલું નુકસાન
2-12 (1) કોઈ પણ સ્પષ્ટ કારણ વગર (અજ્ઞાતમૂલ,

idiopathic)

(2) મગજને ઈજા કે ચેપ
(3) મૂત્રપિંડની અપર્યાપ્તતા
(4) ઉગ્ર તાવ
12-18 (1) અજ્ઞાતમૂલ
(2) મગજને ઈજા કે ચેપ
(3) વ્યસનરૂપ દવાઓ કે દારૂ લાંબા સમય

સુધી લઈને અચાનક બંધ કરવા જતાં.

(4) મગજની નસોની કુરચના
18-35 (1) મગજની ગાંઠ
(2) માથાને ઈજા
35 થી વધુ (1) મગજની ગાંઠ
(2) મગજની નસોમાં લોહીના ભ્રમણનો અવરોધ
(3) મૂત્રપિંડની અપર્યાપ્તતા
(4) દારૂનું અતિશય સેવન

વિવિધ પ્રકારની આંચકીનાં વર્ણન, નિદાન તથા ચિકિત્સા અન્યત્ર આપેલાં છે (જુઓ અપસ્માર.). મગજની વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram, EEG) નામની તપાસ વડે દર્દીને આંચકીઓ આવે તેવો કોઈ મગજમાં વિકાર કે રોગ છે કે નહિ તેનું નિદાન કરી શકાય છે. નિદાન માટે દર્દીની ઉંમર અગત્યની છે. અઢારથી વીસ વર્ષની ઉંમર પછી આવતી આંચકી સામાન્ય રીતે મગજના કોઈ રોગનું ચિહન હોય છે. ઉગ્ર તાવને કારણે આવેલી આંચકી સામાન્યત: અપસ્મારનો રોગ થશે એવું સૂચવતી નથી. આંચકીની સારવાર માટે ડાયાઝેપામ નસ વાટે અપાય છે. તે આંચકીના ઉગ્ર હુમલામાં ઉપયોગી છે. તેના કારણે ક્યારેક લોહીનું દબાણ ઘટે છે. વારંવાર આંચકી આવતી હોય તેવી સ્થિતિમાં (દા.ત., અપસ્મારનો રોગ, મગજમાં ગાંઠ, માથાને ઈજા વગેરે) આંચકી આવતી રોકવા માટે મૂળમાર્ગી ઔષધો અપાય છે; દા.ત., ફિનોવાર્બીદોન, ડાયફિનાયલ સોડિયમ, સોડિયમ વેલ્પ્રોએટ વગેરે. જો સતત આંચકી આવ્યાં કરે અને આંચકીના હુમલા વચ્ચે દર્દી ભાનમાં પાછો ન આવે તો તેને અપસ્મારી સંકટસ્થિતિ (status epilepticus) કહે છે. તેવે સમયે દર્દીને સ્નાયુશિથિલકો વડે સારવાર કરાય છે. ત્યારે કૃત્રિમ શ્વસન-હાલની જરૂર પડે છે.

શિલીન નં. શુક્લ

શ્રીપ્રકાશ ત્રિવેદી