અમરાવતી (2) : મહારાષ્ટ્ર રાજ્યની ઉત્તર સરહદે મધ્યમાં આવેલો જિલ્લો તથા તેજ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 200 32´થી 210 46´ ઉ. અ. અને 760 38´થી 780 27´ પૂ. રે. વચ્ચેનો 12,210 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો ઘણોખરો ભાગ તાપીના થાળામાં અને પૂર્વ સરહદ તરફનો ભાગ વર્ધા નદીના થાળામાં આવેલો છે, જ્યારે તેનો મધ્ય ભાગ પૂર્ણા નદીના થાળામાં આવેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશના નિમાડ અને બેતુલ જિલ્લાઓ, પૂર્વમાં નાગપુર અને વર્ધા જિલ્લાઓ, દક્ષિણમાં યવતમાળ અને અકોલા જિલ્લાઓ તથા પશ્ચિમે અકોલા અને બુલ્દાણા જિલ્લાઓ આવેલા છે. જિલ્લાનું નામ તેના જિલ્લામથક અમરાવતી પરથી અપાયેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાને બે કુદરતી વિભાગોમાં વહેંચી શકાય છે : (1) અમરાવતી, અચલપુર, મોર્શી, દર્યાપુર અને ચંદુર તાલુકાઓને આવરી લેતાં મેદાનો. (2) મેલઘાટ તાલુકાનો સમાવેશ કરતો વાયવ્ય તરફનો મેલઘાટ વિભાગ. મેદાની વિભાગમાં માફકસરનો વરસાદ પડે છે. પૂર્ણા અને વર્ધા નદીઓના કિનારાના પ્રદેશોમાં કાળી ફળદ્રૂપ જમીનો આવેલી છે; પરંતુ મેલઘાટ વિભાગ પહાડી ભૂપૃષ્ઠવાળો અને જંગલ-આચ્છાદિત છે, ત્યાં આછા આવરણવાળી રાતી જમીનો પથરાયેલી છે, અહીં ભારે વરસાદ પડે છે. આ જિલ્લામાં સાતપુડા હારમાળા અને તેની શાખાઓ આવેલી છે. જિલ્લાના વાયવ્ય ભાગમાં મેલઘાટ તાલુકાને વીંધીને સાતપુડા ઘાટના એક ભાગરૂપ ગૌલીગઢ ટેકરીઓ આવેલી છે. આ ઉપરાંત બીજી એક હારમાળા અમરાવતીની નજીકમાં ડેક્કન ટ્રૅપની ટેકરીઓથી બનેલી છે, તે ચંદુર રેલમાર્ગને વટાવીને અમુક અંતર સુધી પૂર્વ તરફ વિસ્તરેલી છે.

જળપરિવાહ : ગૌલીગઢ ટેકરીઓમાંથી નીકળતી પૂર્ણા નદી જિલ્લાની મુખ્ય નદી છે. તે જિલ્લાના મધ્ય ભાગમાંથી પસાર થાય છે અને અચલપુર-અમરાવતી તાલુકાઓમાં થઈને વહે છે. તે પછી તે પશ્ચિમ તરફનો વળાંક લઈ દર્યાપુર અને અકોલા જિલ્લાના મૂર્તિરાજપુર તાલુકા વચ્ચેની સરહદ રચે છે. ચંદ્રભાગા, શાહપુર અને બોરડી એ પૂર્ણાની સહાયક નદીઓ છે. જિલ્લાની અન્ય નદીઓ તાપી અને વર્ધા છે. તાપી જિલ્લાની વાયવ્ય સરહદે અને વર્ધા પૂર્વ સરહદે વહે છે. કામદા, કાપ્રા, સિપના અને ગર્ગા તાપીની તથા ચામુંડામણિ, બેલ અને માતુ વર્ધાની સહાયક નદીઓ છે.

ખેતી : ઘઉં, જુવાર, કપાસ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લાની કુલ ખેડાણયોગ્ય જમીનો પૈકી માત્ર 5 % ભાગને જ સિંચાઈ ઉપલબ્ધ થાય છે, તેથી નદીઓ અને તળાવો અને કૂવાઓનાં પાણી ઉપયોગમાં લેવાય છે. ગાયો અને ભેંસો અહીનાં મુખ્ય પાલતુ પશુઓ છે. લોકો નદીઓ અને તળાવોમાં માછલી-ઉછેર કરે છે. મત્સ્ય-સંવર્ધન માટે અહીં સહકારી મંડળીઓ કામ કરે છે. સરકાર મત્સ્ય-સંવર્ધન વગેરે માટે ધિરાણ અને તગાવીના રૂપમાં સહાય કરે છે અને મત્સ્યઉછેર માટે જળાશયો અને તળાવોના પરવાના અપાય છે.

ઉદ્યોગો : આ જિલ્લામાંથી કોઈ મહત્ત્વનાં ખનિજો મળતાં નથી, પરંતુ અચલપુર નજીક જળકૃત ઉત્પત્તિજન્ય માટી મળે છે, તેનો માટી ઉદ્યોગમાં માટીનાં પાત્રો, ઈંટો, પાઇપો વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેટલાંક સ્થળોએથી પથ્થરો, રેતી, ગ્રૅવલ વગેરેનું મર્યાદિત પ્રમાણમાં ખનન કરવામાં આવે છે. કપાસ અને તેલીબિયાંમાંથી તેલ મેળવાય છે. અહીં નાના પાયા પરના ઉદ્યોગો પૈકી 894 જેટલા એકમો કાર્યરત છે, તેમાં ઇજનેરી, જિનિંગ-પ્રેસિંગ, દાળ મિલો, સિરૅમિક, ઇમારતી બાંધકામ દ્રવ્યો, તેમજ કૃષિ-આધારિત, રસાયણ-આધારિત, સુતરાઉ કાપડ પર આધારિત અને ખનિજદ્રવ્યો પર આધારિત એકમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં 345 જેટલા હસ્તકૌશલ્યના એકમો પણ છે, તેમાં અનાજ અને દાળપ્રક્રમણ, સુથારી, લુહારી કામના, ચામડાં કમાવવાના, નેતર-વાંસના એકમોનો સમાવેશ થાય છે. કેટલાક લોકો બેકરી પેદાશો, પાપડ, રાચરચીલું, કૃષિઓજારો, પગરખાં વગેરે બનાવે છે.

વેપાર : અમરાવતી અને અચલપુર જેવાં મોટાં નગરોમાં સાપ્તાહિક હાટડીઓ ભરાય છે. અચલપુરમાં સરકારી અને ખાનગી લાટીઓ આવેલી છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ સાગી લાકડાં, લાકડાનું રાચરચીલું, રૂની ગાંસડીઓ, જુવાર, નાગરવેલનાં પાન તથા નારંગીની નિકાસ થાય છે; જ્યારે ખાંડ, ગોળ, ઘઉં, મગફળી, રૂ, કાપડ, સાગનાં લાકડાં તથા લોખંડ-પોલાદની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : અમરાવતી એ મુંબઈ મધ્યવિભાગીય રેલમાર્ગમાંથી ફંટાતી એક રેલશાખાનું અંતિમ રેલમથક છે. જિલ્લામથક અમરાવતી મહારાષ્ટ્રનાં લગભગ બધાં જ મુખ્ય શહેરો સાથે માર્ગોથી જોડાયેલું છે. અમરાવતીથી 155 કિમી. અંતરે આવેલું નાગપુર આ જિલ્લા માટે નજીકનું હવાઈ મથક છે.

અમરાવતીમાં ઘણાં હિન્દુ, જૈન અને મુસ્લિમ ધાર્મિક સ્થળો છે. તે પૈકી 1,000 વર્ષ જૂનું અંબાદેવી મંદિર, એકવીર દેવીમંદિર, સોમેશ્વર મંદિર, નારાયણ મંદિર અને દત્તમંદિર દર્શનીય છે. મુંબઈથી 807 કિમી. અને અમરાવતીથી 87 કિમી. દૂર આવેલું ‘ચિખાલ્દા હિલ રિસૉર્ટ’ અત્યંત રમણીય કુદરતી દૃશ્યોથી ઘેરાયેલું છે, તે સરોવરો, ધોધ અને વનસ્પતિથી સમૃદ્ધ છે. નજીકમાં દેવી પૉઈન્ટ, મંકી પોઈન્ટ, બીર તળાવ, વન ઉદ્યાન, ગૌલીગઢ દુર્ગ વગેરે જોવાંલાયક સ્થળો છે. ‘મેલઘાટ વ્યાઘ્ર પરિયોજના’ માટે જાણીતું બનેલું મેલઘાટ અભયારણ્ય અચલપુરથી 60 કિમી. દૂર આવેલું છે. વાઘ માટેનું તે નિવાસસ્થાન છે. વિવિધ જાતનાં પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. અહીંનાં જંગલોમાંથી લાકડાં તો મળે જ છે, પરંતુ ત્યાં વાઘ, ચિત્તા, ડુક્કર, સાબર-હરણ, ભસતાં હરણ, જંગલી ભેંસો, આખલા, મોટા કદના મોર, મરઘાં-બતકાં તથા સુસ્ત રીંછ પણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં આવેલાં કૌડિન્યપુર‘વિદર્ભ-પંઢરી’ અને રીતપુર (હ્રુધિપુર) મહાનુભાવ પંથ માટેનાં મહત્ત્વનાં સ્થળો છે. ઐતિહાસિક મહત્ત્વ તેમજ પ્રવાસી આકર્ષણ ધરાવતા અચલપુર(જૂનું નામ, એલીચપુર)માં સુંદર કોતરણીવાળી મસ્જિદો અને કબરો જોવા મળે છે. શાહુદ્દૌલા અબ્દુલ રહેમાન ગાઝી ગઝનવીની કબર ઈ.સ. 1340ના વર્ષની છે, અને અચલપુરનાં પ્રાચીન સ્થળો પૈકી ખૂબ જાણીતી છે. એ જ રીતે ગૌલીગઢના દુર્ગનું ઐતિહાસિક મહત્વ પણ એટલું જ અંકાય છે; તે 1425ના અરસામાં ગવલી અથવા આહીર મુખી દ્વારા બાંધવામાં આવેલો. જિલ્લામાં વાર-તહેવારે જુદા જુદા મેળા ભરાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 28,88,677 જેટલી છે. અહીં મરાઠી, હિન્દી, સિંધી, અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં બાલમંદિરથી ઉચ્ચ કક્ષા સુધીના જુદા જુદા તબક્કાઓનું શિક્ષણ અપાય છે. યુનિવર્સિટી તથા કૉલેજો આવેલી છે. જિલ્લામાં પ્રત્યેક દસ ગામો વચ્ચે બે બે તબીબી સેવાસંસ્થાઓ આવેલી છે; તેથી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો, ગ્રામીણ કક્ષાએ ચિકિત્સાલયો, ગ્રામીણ દવાખાનાં શરૂ કરવામાં આવેલાં છે.

ઇતિહાસ : અમરાવતીનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. મહાભારતના સમયમાં આ પ્રદેશ વિદર્ભ (વરાડ) તરીકે ઓળખાતો હતો. તેના પ્રારંભિક અને મધ્યકાલીન ઇતિહાસની માહિતી ઉપલબ્ધ થતી નથી, પરંતુ અશોક(મૌર્ય, ઈ. પૂ. 272થી 231)ના સમયમાં તે તેના સામ્રાજ્યનો એક ભાગ હતો. અહીં જુદા જુદા હિંદુ અને મુસ્લિમ વંશના શાસકોએ રાજ્ય કરેલાં છે. 1883માં વરાડ જિલ્લાને દેવાની ચુકવણી તેમજ ભાવિ સલામતી માટે ઈસ્ટ ઇંડિયા કંપનીને સોંપી દેવામાં આવેલો. તે પછીથી જિલ્લાના ઉત્તર વરાડ (રાજધાની બુલ્દાણા) અને દક્ષિણ વરાડ (મુખ્ય મથક હિંગોલી) એ પ્રમાણેના બે ભાગલા પડ્યા. આજનું અમરાવતી ત્યારે ઉત્તર વરાડમાં હતું, તે સાથે ઉત્તર ભાગનું અકોલા અને બુલ્દાણાનો કેટલોક ભાગ પણ તેમાં જ હતો. ત્યારપછીથી ઉત્તર વરાડના પૂર્વ વરાડ (મુખ્ય મથક અમરાવતી) અને પશ્ચિ વરાડ (મુખ્ય મથક અકોલા) એવા બીજા બે ભાગ પડ્યા. પૂર્વ વરાડમાં આવેલા અચલપુર(એલીચપુર)નો નવો જિલ્લો પણ 1857માં રચવામાં આવેલો. 1905માં આખા પ્રાંતના ભાગોની પુનર્રચના થઈ ત્યારે અચલપુર ફરીથી અમરાવતીમાં ભેળવી દેવાયો, પરંતુ મૂર્તિઝાપુર તાલુકો અમરાવતીમાંથી અકોલામાં મુકાયો. 1911થી 1955 સુધી અમરાવતીની સરહદના કોઈ ખાસ ફેરફારો થયેલા નથી. 1956માં આ જિલ્લાને મધ્યપ્રદેશમાંથી ખેસવીને મુંબઈ રાજ્યમાં મુકાયો. 1960માં દ્વિભાષી મુંબઈ રાજ્યના ભાગલા પડતાં અમરાવતી જિલ્લાને મહારાષ્ટ્ર રાજ્યમાં ગોઠવ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા