અંબાલાલ સારાભાઈ

February, 2001

અંબાલાલ સારાભાઈ (જ. 23 ફેબ્રુઆરી 1890, ચંદ્રસૂરજ મહેલ, ખાનપુર, અમદાવાદ; અ. 13 જુલાઈ 1967) : ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ અને અમદાવાદ શહેરના અગ્રગણ્ય નાગરિક. વ્યક્તિગૌરવ, વ્યક્તિસ્વાતંત્ર્ય તથા વ્યક્તિવિકાસ – આ ત્રણ સિદ્ધાંતોમાં અટળ શ્રદ્ધા અને તેને અનુરૂપ જીવનવ્યવહારની ગોઠવણ કરેલી. સમાજ કે જ્ઞાતિના જે રિવાજો બુદ્ધિગમ્ય ન હોય, વિકાસને રૂંધનારા હોય, બદલાતા સમય સાથે બંધબેસતા ન હોય તો તેનો વિરોધ અને ત્યાગ, તથા પશ્ચિમના જે વિચારો વિકાસને પોષક હોય તે ગમે તે ભોગે અપનાવવાના આગ્રહી. પોતે દશા શ્રીમાળી જૈન જ્ઞાતિમાં જન્મેલા હોવા છતાં અને અહિંસા એ જૈન ધર્મની આચારસંહિતા હોવા છતાં હડકાયાં કૂતરાંને ઠાર કરાવવામાં તથા ગાંધીજીના સૂચનથી બળિયાના રોગથી પીડાતા વાછરડાને ઇંજેક્શન અપાવીને કાયમ માટે મુક્તિ અપાવવામાં જરા પણ હિચકિચાટ અનુભવ્યો ન હતો. 1910માં કામેશ્વરની પોળમાં મગનભાઈ શેઠના દેરાસરનો જીર્ણોદ્ધાર કરી આપનાર અંબાલાલ સારાભાઈએ 1916માં દશા શ્રીમાળી જ્ઞાતિમાંથી તથા 1921માં જૈનસંઘમાંથી રાજીનામું આપેલું.

અંબાલાલ સારાભાઈ

વ્યક્તિ તરીકે ઉમદા ચારિત્ર્ય, દૃઢ સંકલ્પબળ તથા ઉચ્ચ કોટિના રાષ્ટ્રપ્રેમ માટે તેઓ જેટલા પ્રસિદ્ધ હતા તેટલા જ એક વિચક્ષણ અને કુશળ ઉદ્યોગપતિ તથા વાણિજ્યસંચાલક તરીકે ખ્યાતિ પામેલા. નાની ઉંમરે માતા-પિતાને ગુમાવનાર અંબાલાલ સારાભાઈ માત્ર મૅટ્રિક (1908) સુધીનું શિક્ષણ પૂરું કરી શક્યા હતા. તેમના કાકા શેઠ ચિમનલાલ નગીનદાસના અવસાન પછી કૅલિકો (1880) તથા જ્યુબિલી (1897) આ બંને મિલોનું સંચાલન તથા અન્ય એજન્સીઓનો વહીવટ અંબાલાલ સારાભાઈએ સફળ રીતે સંભાળ્યાં હતાં. તેમણે માન્ચેસ્ટર ખાતે કાપડ-ઉદ્યોગનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો હતો. યુગાન્ડા તથા પૂર્વ આફ્રિકામાં તેમણે ભાગીદારીમાં જિનરીઓ શરૂ કરી હતી. કૅલિકો તથા જ્યુબિલી મિલોમાં નવા નવા સાંચા અને ‘ફાઇન કાઉન્ટ’ કાપડની વિવિધ ભાતવાળી બનાવટો દાખલ કરીને તેમણે સુતરાઉ કાપડ ઉદ્યોગમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. તેમના કુશળ સંચાલનને લીધે કૅલિકો મિલની પ્રતિષ્ઠા વધેલી, તેને પરિણામે શેરબજારમાં કૅલિકોના શેરના ભાવ તે જમાનામાં ખૂબ ઊંચા બોલાતા. ગ્રાહકોની અભિરુચિને અનુરૂપ કાપડ બનાવવામાં કૅલિકો મિલ હમેશાં પહેલ કરતી. કાપડની મિલો ઉપરાંત, સ્વસ્તિક ઑઇલ મિલ, સારાભાઈ કેમિકલ્સ, યુગાંડા ટ્રેડિંગ કંપની, બિહાર શુગર મિલ તથા બકુભાઈ અંબાલાલની કંપનીનું તેમણે સફળ સંચાલન કર્યું હતું. સુતરાઉ કાપડ, સિમેન્ટ, ખાંડ, કાચનાં કારખાનાં, બૅંકિંગ, રેલવે વગેરે ક્ષેત્રોમાં કામ કરતી અનેક જાણીતી પેઢીઓના સંચાલક મંડળ (Board of Directors) પર રહીને તેમણે એના ઉત્કર્ષમાં સક્રિય ફાળો આપ્યો હતો. 1918-19 વર્ષ દરમિયાન તેઓ અમદાવાદ મિલમાલિક મંડળના પ્રમુખ બન્યા હતા, પરંતુ પાછળથી તેમણે આ સંસ્થામાંથી રાજીનામું આપેલું. બૅંક ઑવ્ ઇન્ડિયાના વિકાસમાં તેમનો ફાળો નોંધપાત્ર ગણાય છે. 1945માં કૅલિકો મિલના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે અંબાલાલ સારાભાઈ સ્વેચ્છાએ નિવૃત્ત થયા અને 1963માં અન્ય બધી જ કંપનીઓ, પેઢીઓ અને એજન્સીઓમાંથી તેમણે નિવૃત્તિ સ્વીકારી હતી.

ઉદ્યોગવ્યવસાયમાં ગળાડૂબ અંબાલાલ સારાભાઈ અઠંગ નિસર્ગપ્રેમી હતા. દેશવિદેશનાં નિસર્ગરમ્ય સ્થળોના બહોળા પ્રવાસ ઉપરાંત ઝાડપાન, પશુપક્ષી વગેરે વિશેનો પોતાનો શોખ પૂરો કરવા માટે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાન ‘રિટ્રીટ’ના વિશાળ ચોગાનમાં તેમણે એક અત્યંત સમૃદ્ધ અને સૌંદર્યસભર ઉદ્યાન ઊભું કર્યું છે. અમદાવાદ શહેરના સોસાયટી વિસ્તારોમાં ઘરઆંગણે જોવા મળતાં લઘુઉદ્યાનોના તેઓ પ્રણેતા ગણાય. પશુપક્ષીના પાલન અને ઉછેરનો પોતાનો શોખ પૂરો કરવા માટે 1937-42ના અરસામાં તેમણે જાતજાતનાં જળાશયી પક્ષીઓ તથા ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાનાં અપ્રાપ્ય પશુપક્ષીઓનો મોટો કાફલો પાળ્યો હતો. તેમના પશુપક્ષી-સંગ્રહાલયમાંનો પોપટનો સંગ્રહ આખા દેશમાં શ્રેષ્ઠ ગણાતો. વાચનનો પણ તેમને ભારે શોખ. તેમના અંગત ગ્રંથાલયમાં લગભગ પચાસ હજાર જેટલાં પુસ્તકો હતાં. એમ કહેવાય છે કે અમદાવાદમાં પ્રથમ મોટરકાર લાવનાર અંબાલાલ સારાભાઈ હતા.

નિ:સ્પૃહી દાનવીર તરીકે તેમની ખ્યાતિ હતી. પ્રસિદ્ધિની લાલસા વગર સારાં કાર્યો અને સંસ્થાઓને તેઓ છૂટે હાથે સહાય આપતા. મહાત્માજીની પ્રવૃત્તિઓ, તેમનાં કાર્યો, તથા તેમણે ઊભી કરેલી સંસ્થાઓ, ટાગોરની વિશ્વભારતી, બનારસ હિંદુ યુનિવર્સિટી, ગુરુકુલ કાંગડી, સપ્રુ મેમૉરિયલ, દૂન સ્કૂલ જેવી ભારતભરમાં પ્રસરેલી સંસ્થાઓને અંબાલાલ સારાભાઈએ ઉદાર હાથે દાન આપેલું છે. નામ કે તકતીની અભિલાષા ન રાખનાર આ દાનવીર દાન લેનારની પાત્રતાની ઊંડી ચકાસણી કરતા.

શ્રમજીવી વર્ગ માટે તેમના દિલમાં વિશેષ હમદર્દી હતી. શ્રમિક વર્ગના દર્દીઓ માટે અમદાવાદમાં પહેલું બિનસરકારી દવાખાનું, મજૂર સ્ત્રીઓનાં બાળકો માટે ઘોડિયાખાતું તથા બાલમંદિર તેમણે જ શરૂ કર્યાં હતાં. શ્રમિકો તથા હરિજનોના કલ્યાણ માટે થતાં કાર્યોને વેગ મળે તે માટે કાર્યાલયની જરૂર ઊભી થઈ ત્યારે તરત જ તેમણે શહેર વિસ્તારમાં આવેલું પોતાનું મકાન તે કાર્યાલય માટે આપેલું. ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણ ઝુંબેશને તેમણે સક્રિય ટેકો આપેલો તથા હરિજનવાસમાં યોજાયેલ પ્રીતિભોજનમાં તેઓ સજોડે જોડાયા હતા.

1903માં આયોજિત દિલ્હી દરબારમાં, તથા તે જ વર્ષે કૉલકાતા ખાતે યોજાયેલ કૉંગ્રેસ અધિવેશનમાં અને 1921માં અમદાવાદ ખાતે ભરાયેલ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે હાજરી આપી હતી.

અમદાવાદ મ્યુનિસિપાલિટીના તે વખતના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે થયેલ મતભેદોને લીધે 1924માં અંબાલાલ સારાભાઈએ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સ્વતંત્ર પક્ષની સ્થાપના કરેલી અને 1928 સુધી તેનું સંચાલન કર્યું હતું.

1915માં મહાત્મા ગાંધી અમદાવાદ આવ્યા ત્યારથી અંબાલાલ સારાભાઈ કુટુંબ સાથેનો તેમનો પરિચય વધતો ગયો હતો. કસ્તૂરબા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અંબાલાલ સારાભાઈને નીમવાનું સૂચન ગાંધીજીએ જ કરેલું.

ઉદ્યોગ અને વાણિજ્ય ક્ષેત્રે અંબાલાલ સારાભાઈએ કરેલી કામગીરીની કદરરૂપે બ્રિટિશ સરકારે તેમને ‘કૈસરે હિંદ’નો ઇલકાબ એનાયત કર્યો હતો, પરંતુ 1930માં થયેલી ગાંધીજીની ધરપકડનો વિરોધ કરવા માટે અંબાલાલ સારાભાઈએ તે ઇલકાબ પરત કર્યો હતો.

દક્ષિણ ભારતના દેશવિદેશના ઘણા અગ્રણીઓ સાથે તેમને પરિચય થયેલો, જેમાં રોમાં રોલાં, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, સ્વામી રામદાસ, રવીન્દ્રનાથ ટાગોર, ગોસ્વામી ગણેશદત્તજી મહારાજ વિશેષ ઉલ્લેખનીય છે.

અંબાલાલ સારાભાઈ કુટુંબમાંથી દેશને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિજ્ઞાની વિક્રમ સારાભાઈ તથા રાષ્ટ્રીય આંદોલન દરમિયાન અને તે પછી ઘણાં સાહસપૂર્ણ અને રચનાત્મક કાર્યોમાં પરોવાયેલાં મૃદુલા સારાભાઈ મળેલાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે