અંગવિન્યાસ અને હલનચલન (posture and locomotion) : શરીરની સ્થિર સ્થિતિ તે અંગવિન્યાસ અને ક્રિયા કરવાની સ્થિતિ તે નાનું મગજ અથવા હલનચલન. શરીર સ્થિર હોય ત્યારે માથું, ગળું, ધડ અને હાથપગ જે રીતે ગોઠવાયેલાં રહે તેને અંગવિન્યાસ (posture), દેહસ્થિતિ અથવા મુદ્રા કે છટા (stance) કહે છે. હલનચલન કરતી વખતે ચાલવાની ઢબ(style)ને ચાલ (gait) કહે છે. અંગવિન્યાસ અને ચાલનું અવલોકન કરવાથી અમુક રોગોનું પ્રાથમિક નિદાન થઈ શકે છે. અંગવિન્યાસના ચાર પ્રકાર છે : ઊભેલી સ્થિતિ, બેઠેલી સ્થિતિ, ચત્તા (સવળા) સૂતેલી સ્થિતિ અને ઊંધા (અવળા) સૂતેલી સ્થિતિ.
અંગવિન્યાસ અને ચાલનું નિયમન મોટા મગજમાં આવેલી તલગંડિકાઓ (basal ganglia), મોટા મગજ અને કરોડ વચ્ચે આવેલું મસ્તિષ્ક પ્રકાંડ (brain stem), નાનું મગજ અથવા અનુમસ્તિષ્ક (cerebellum) અને કરોડરજ્જુ અથવા મેરુરજ્જુ (spinal cord) અનૈચ્છિક રીતે કરે છે. તેમાં મોટા મગજ(મસ્તિષ્ક)ના ચાલક બહિ:સ્તર(motor cortex)ની સ્વૈચ્છિક ક્રિયાની ખાસ જરૂર પડતી નથી. આમ અંગવિન્યાસનું નિયમન અંગવિન્યાસી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ અથવા ચેતાપરાવર્તી ક્રિયાઓ (reflexes) દ્વારા થાય છે. ચામડી, સ્નાયુઓ અને સાંધાઓમાંથી સંવેદનસંકેતો (sensory impulses) સંવેદનચેતા (sensory nerve) દ્વારા મેરુરજ્જુ, મસ્તિષ્ક પ્રકાંડ, અનુમસ્તિષ્ક અને તલગંડિકાઓ સુધી પહોંચે છે. ત્યાંથી વળતા આવતા સંકેતો (ચેતા-આવેગો) સ્નાયુઓને યોગ્ય સ્થિતિમાં ગોઠવે છે. ઊંઘમાં પણ આ અંગોને અન્ય કોઈ સ્થિતિમાં મૂકવામાં આવે તો તે તરત જ પાછા આપોઆપ કુદરતી સ્થિતિમાં આવી જાય છે. દર્દી ગાઢ બેભાન અવસ્થા(coma)માં હોય તો અંગવિન્યાસી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કામ કરતી નથી. તલગંડિકાના રોગથી સ્નાયુઓની દુ:સજ્જતા (dystonia) નામનો રોગ થાય છે, જેમાં શરીરનાં અંગો કૃત્રિમ સ્થિતિમાં રહે છે. મેરુરજ્જુ અને મસ્તિષ્ક પ્રકાંડની ઈજાના પ્રમાણ અનુસાર શરીર અલગ અલગ મુદ્રા ધારણ કરે છે.
હલનચલન માટે પણ મોટા મગજના ચાલક(પ્રેરક) બહિ:સ્તર કરતાં તલગંડિકાઓ, અનુમસ્તિષ્ક અને મેરુરજ્જુનું પ્રદાન વિશેષ હોય છે. કાનખજૂરા(centipede)નું કે ગરોળી(lizard)નું માથું કપાઈ જાય તો પણ તે શરીર તથા પગના હલનચલનની ક્રિયા બરાબર કરે છે. ચાલવાની ક્રિયા દરેક પ્રાણીમાં ખૂબ જટિલ હોય છે. ચાલતી વખતે એકલા પગ નહિ, પણ ધડ, હાથ અને ગળાના સ્નાયુઓ સંકલનથી કામ કરતા હોય છે. જમણો પગ ઊપડે ત્યારે ડાબો હાથ આગળ જાય અને ડાબો પગ ઊપડે ત્યારે જમણો હાથ આગળ જાય. સાથે કરોડના સ્નાયુઓ કરોડનો વળાંક જરૂર પ્રમાણે બદલે છે. આ બધી ક્રિયાઓ શરીરના મધ્યબિંદુને સ્થિર રાખવા માટે થતી હોય છે. ધડ ઉપર પ્લાસ્ટર-જૅકેટ પહેરાવી દેવાય તો ચાલવાનું મુશ્કેલ બને-કારણ કે સંતુલન (balance) સચવાય નહિ.
દરેક વ્યક્તિની ચાલ અનોખી હોય છે. સંધ્યાકાળે આછા અજવાળામાં પણ દૂરથી આવતા માણસને ચાલ પરથી ઓળખી
શકાય છે. ચાલ પરથી માણસની ખાસિયતોની પણ ખબર પડે છે. બીકણ સ્વભાવ, શરમાળ પ્રકૃતિ, આત્મવિશ્વાસ, વ્યવસાયનું નિદર્શન ઘણી વાર ચાલ પરથી નક્કી થાય છે; દા.ત., લશ્કરના જવાનની અને વેપારીની ચાલ તદ્દન ભિન્ન હોય. ચેતાતંત્ર(nervous system)ના અમુક રોગ ચાલ પરથી ઓળખાય છે. અનુમસ્તિષ્ક(cerebellum)નો રોગ, પાર્કિન્સનનો રોગ, એક બાજુના હાથપગનો લકવો (પક્ષાઘાત, hemiplegia), બંને પગનો લકવો (દ્વિપાદાઘાત, paraplegia) વગેરે રોગમાં અલગ અલગ પ્રકારની ચાલ હોય છે અને તે નિદાનમાં મદદરૂપ થાય છે.
સૂર્યકાન્ત શાહ
શિલીન નં. શુક્લ