હેપતુલ્લા, નજમા (જ. 13 એપ્રિલ 1940, ભોપાલ, મધ્યપ્રદેશ) : સાંસદ, રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ અને મહિલા રાજકારણી. કેમ્બ્રિજ સ્કૂલ, ભોપાલમાં શિક્ષણ મેળવી તેઓ પ્રાણીશાસ્ત્ર વિષય સાથે વિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતક થયાં અને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને રહ્યાં. 22 વર્ષની વયે તેમણે કાર્ડિયાક એનૅટોમી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.
નજમા હેપતુલ્લા
મૌલાના અબુલ કલામ આઝાદ – સ્વતંત્ર ભારતના સૌપ્રથમ શિક્ષણમંત્રી અને જાણીતા સ્વાતંત્ર્યસેનાની – તેમના દાદા હતા. રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારના સભ્ય હોવા છતાં રાષ્ટ્રવાદી પરંપરામાં તેમનું ઘડતર થયું અને એથી તેઓ ઉચ્ચ શિક્ષણ પણ મેળવી શક્યા. કારકિર્દીના પ્રારંભે અધ્યાપક બન્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યાં. રાષ્ટ્રવાદી ભૂમિકાને કારણે નહેરુ પરિવાર સાથે તેઓ પારિવારિક અને ઘનિષ્ઠ સંબંધો ધરાવતાં હતાં.
મુંબઈના વહોરા મુસ્લિમ પરિવારના અકબર આદમજી હેપતુલ્લા સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્નનાં ત્રણ વર્ષ બાદ તેઓ રાજકારણના ક્ષેત્રે સક્રિય બન્યાં. તેઓ ત્રણ પુત્રીઓનાં માતા છે.
પ્રારંભે તેમણે મહિલાઓ માટે કામ કરવા માંડ્યું. મુંબઈમાં બે મહિલા પોસ્ટ-ઑફિસો શરૂ કરાવવામાં તેમની રાજકીય સક્રિયતા કારણભૂત હતી. મહિલા સમસ્યાઓમાં રસ લેવા સાથે તેઓ માનવઅધિકારના સમર્થક પણ છે. ત્યાર બાદ મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સંયુક્ત મંત્રી અને પછીથી ઉપપ્રમુખ તરીકે તેઓ વધુ સક્રિય બન્યાં. 1980માં તેઓ રાજ્યસભા(ભારતની સંસદનું ઉપલું ગૃહ)ના સભ્ય બન્યા અને 1985માં રાજીવ ગાંધીના સમર્થનને કારણે રાજ્યસભાનાં ઉપસભાપતિ બન્યાં. પ્રારંભે જાન્યુઆરી 1985થી જાન્યુઆરી 1986ના એક વર્ષના ગાળા માટે અને ત્યાર બાદ 1988થી 2004નાં વર્ષો દરમિયાન તેઓ રાજ્યસભાના ઉપસભાપતિ રહ્યાં. આ ગૃહના સંચાલનનું કાર્ય તેમણે કશાયે પક્ષપાત વિના કાર્યક્ષમતાપૂર્વક પાર પાડ્યું હતું. જૂન 2004માં તેમણે કૉંગ્રેસ પક્ષ છોડ્યો અને તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયાં.
તેમણે કૉંગ્રેસ પક્ષનાં મંત્રી, રાષ્ટ્રીય એકતા સમિતિનાં સભ્ય, ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશનની કારોબારીનાં સભ્ય જેવા વિવિધ રાજકીય હોદ્દાઓમાં સક્રિય કામગીરી બજાવી છે. એવી જ રીતે વિદેશોમાં અને યુનોમાં પણ તેમણે વિવિધ હોદ્દાઓ પર કામગીરી બજાવી છે. 1993માં સ્થપાયેલા પાર્લમેન્ટેરિયન્સ ફોરમ ફૉર હ્યુમન ડેવલપમેન્ટના તેઓ સ્થાપક સભ્ય અને પ્રમુખ છે. કૉમનવેલ્થનાં સંસદીય સંગઠનોના વિવિધ એકમોમાં તેઓ મહત્વના હોદ્દા ધરાવે છે. કૉમનવેલ્થ પાર્લમેન્ટરી ઍસોસિયેશનની મહિલા સાંસદોની કારોબારી સમિતિના તેઓ સૌપ્રથમ મહિલા ઉપપ્રમુખ ચૂંટાયાં હતાં. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટ(UNDP)માં તેઓ સક્રિય છે. 1995ના બેજિંગ ખાતે મળેલી ચોથી વર્લ્ડ કૉન્ફરન્સ ઑન વિમેનમાં તેમણે સક્રિય ભૂમિકા નિભાવી હતી.
ભારતના 13મા ઉપરાષ્ટ્રપ્રમુખના પદ માટે તેઓ ઑગસ્ટ 2007માં ઉમેદવાર હતાં. કૉંગ્રેસ પક્ષ તથા અન્ય પક્ષોના સમર્થન સાથે હમીદ અન્સારી પણ આ હોદ્દાના ઉમેદવાર હતા, જેમાં 233 મતથી તેઓ હમીદ અન્સારી સામે પરાજિત થયાં હતાં.
તેમણે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો છે. ‘રિફૉર્મ ફૉર વુમન : ફ્યુચર ઑપ્શન્સ’ (1992); ‘ઇન્ડો વેસ્ટ એશિયન રિલેશન્સ – ધ નહેરુ એરા’ (1992); ‘એન્વાયર્ન્મેન્ટ પ્રોટૅક્શન ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ’ (1993); ‘હ્યુમન સોશ્યલ સિક્યોરિટી ઍન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ (1995) જેવાં પુસ્તકો તેમણે આપ્યાં છે.
રક્ષા મ. વ્યાસ