કેલાર (રેહ)

January, 2008

કેલાર (રેહ) : કેલાર, રેહ કે ઊસ એ ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની જમીનની સપાટી ઉપર આચ્છાદન સ્વરૂપે જોવા મળતા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્ષારોના ભિન્ન ભિન્ન પ્રમાણ સહિત સોડિયમ કાર્બોનેટ, સલ્ફેટ અને ક્લોરાઇડના મિશ્રણની બનેલી ખારી ફૂગનાં ગામઠી નામ છે. આ ક્ષારોની મૂળ ઉત્પત્તિ પર્વતોના શિલાચૂર્ણના રાસાયણિક વિભંજનમાંથી થયેલી છે, તેનું સ્રવણ થતાં પાણીમાં દ્રાવ્ય બનીને પછીથી સૂકી ગરમ આબોહવામાં કેશાકર્ષણની ક્રિયા દ્વારા સપાટી પર ખેંચાઈ આવે છે. આમ તો કેલારનું આર્થિક પેદાશ તરીકે કોઈ મહત્વ નથી, પરંતુ તેના નુકસાનકારક લક્ષણને કારણે તેનું વર્ણન આવશ્યક બની રહે છે. કેટલીક જમીનોમાં આ ક્ષારો એટલા બધા ભળેલા હોય છે કે તે ખેતીને માટે તદ્દન અયોગ્ય નીવડે છે. ભારતના ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના ઉત્તર ભાગો, જે એક વખતે ફળદ્રુપ અને વસ્તીપ્રધાન હતા, તે આ ક્ષારોને કારણે આજે ખેતીરહિત અને તદ્દન ઉજ્જડ બન્યા છે. જમીનના સપાટીસ્તરમાં અને ઉપસ્તરમાં રહેલા ક્ષારોની આ ભેળવણી પર્વતોમાંથી વહેતી નદીઓ તેમાં તરતી સ્થિતિમાં રહેલાં દ્રવ્યો ઉપરાંત રાસાયણિક રીતે દ્રાવ્ય પદાર્થોનું અમુક પ્રમાણ પોતાની સાથે ખેંચી જવાને કારણે થાય છે. આ રીતે વહન પામતા ક્ષારો મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ વગેરેના અમુક પ્રમાણ સાથે કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના કાર્બોનેટ તેમજ તેના સલ્ફેટ વગેરે હોય છે. નદીઓના મેદાનપ્રદેશમાં ઉપસ્તરમાં અમુક ઊંડાઈ સુધી તેને સંતૃપ્ત કરીને સ્રવણ થતાં નીચે ઊતરે છે. કાંપનાં ગરમ મેદાનોના ઘણા ભાગોમાં, જ્યાં પાણીનું ભૂગર્ભીય પરિવહન થતું નથી ત્યાં, ક્ષારો એકઠા થતા જાય છે અને સમય જતાં સંકેન્દ્રિત થવાથી અગાઉના ક્ષારો સાથેની પ્રક્રિયાને પરિણામે નવા ક્ષારો સંયોજાય છે. નીચે સ્રવણ થતું વરસાદનું પાણી આ પૈકીના વધુ દ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે અને કેશાકર્ષણની ક્રિયા દ્વારા ઉનાળાની ઋતુ દરમિયાન તેમને પાછા સપાટી પર લાવી મૂકે છે, જ્યાં તેમની સફેદ ભેજસ્રાવની પોપડી બંધાય છે. આ ક્ષારોને ખસેડી લઈને આ ઉજ્જડ કેલારભૂમિનું ખેતીયોગ્ય જમીનોમાં પરિવર્તન કરવાથી ભારતની ખેતીની જમીનોમાં લાખો એકરનો ઉમેરો થઈ શકે. એ રીતે જે પ્રદેશો અત્યારે તદ્દન વસ્તીવિહીન છે તેમને ફરીથી ખેતીયોગ્ય બનાવી શકાય.

કેલારના મુખ્ય ઘટકો સોડિયમના કાર્બોનેટ અને સલ્ફેટ, અગાઉ આલ્કલી ક્ષારોના પ્રાપ્તિપદાર્થ તરીકે ઉપયોગમાં લેવાતા હતા અને સ્થાનિક ઉદ્યોગ માટે તેમનું અમુક પ્રમાણમાં ઉત્પાદન કરાતું હતું. ભારતના વિસ્તરતા જતા રાસાયણિક ઉદ્યોગોમાં ઉપયોગ માટે ઔદ્યોગિક વપરાશને પહોંચી વળાય એટલું તેનું ઉત્પાદન કરવાની જરૂર હવે જણાવા લાગી છે.

ક્ષાર-અશુદ્ધિઓવાળી આ જમીનો તેમના હાનિકારક લક્ષણને કારણે અગત્યનો આલ્કલીયુક્ત જમીનસમૂહ રચે છે. ઉત્તર બિહારના સૂકા ભાગો, ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનની જમીનો આ પ્રકારના પટવાળી છે, તેમ છતાં આ જમીનોમાં ઘણા ખડકકણો અને ખનિજકણો વિઘટનરહિત રહેલા હોય છે, જેનું ખવાણ થતાં સોડિયમ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમના ક્ષારો અને ગંધકયુક્ત તેજાબ છૂટા પડે છે. આવી જમીનો નોંધપાત્ર રીતે અછિદ્રાળુ હોય છે અને તેથી જળપરિવાહને અટકાવે છે. એક વખતના વિશાળ ફળદ્રુપ વિસ્તારો કેલારથી અશુદ્ધ બન્યા છે, તેથી જમીનોનું ખેતીવિષયક મૂલ્ય ઘટ્યું છે. આ ક્ષારો કેશાકર્ષણની ક્રિયાથી ઉપર તરફ સ્થાનાંતર પામતા હોવાથી જમીનનાં ઉપરનાં પડો પૂરતાં મર્યાદિત હોય છે. હવે નહેરોનાં પાણી દ્વારા થતી સિંચાઈથી સ્થાનાંતરને ઉત્તેજન મળી શક્યું છે અને ક્ષારયુક્ત બનેલી જમીનોનો ઠીકઠીક મોટો ભાગ 1960 પછી પંજાબના અને અન્ય પ્રદેશોના નહેર-સિંચાઈવાળા વિસ્તારોને યોગ્ય બની શક્યો છે. આ પ્રકારની જમીનો ઉત્તર ભારતમાં ઊસ કે રેહ નામથી, સિંધમાં કેલારના નામથી તો ગુજરાત-મહારાષ્ટ્રમાં ચોપાન નામથી ઓળખાય છે. સિંધુ-ગંગાનાં મેદાનોની ઊસની જમીનોનું પરિવર્તન ઉત્તર ભારતના ખેડવાલાયક વિસ્તારોમાં લાખો એકરનો ઉમેરો કરશે. બિહાર અને પંજાબની નાઇટર અશુદ્ધિવાળી જમીનો ઉપર્યુક્ત જમીનોનો એક પ્રકાર છે. તફાવત માત્ર એટલો જ છે કે ગરમ હૂંફાળી આબોહવાના સંજોગો હેઠળના ગીચ વસ્તીવાળા ખેતીલાયક જિલ્લાઓમાં માનવ-પ્રવૃત્તિઓ દ્વારા જમીનમાં ક્ષાર (પોટૅશિયમ નાઇટ્રેટ) ઉપરની બાજુથી ઉમેરાતો જાય છે.

 વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ  પંડ્યા