કૅરી, (આર્થર) જૉયસ (જ. 7 ડિસેમ્બર 1888, લંડનડેરી, ઉત્તર આયર્લૅન્ડ; અ. 29 માર્ચ 1957, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા અંગ્રેજી નવલકથાકાર. જન્મ ઍંગ્લો-આઇરિશ કુટુંબમાં. આઠ વર્ષના હતા ત્યારે માતા મરણ પામી. શાળાનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં. સોળ વર્ષની વયે એડિનબરોમાં ચિત્રકળાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ પૅરિસમાં ક્લિફ્ટન કૉલેજ અને પછી 1909થી 1912 સુધી ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં અભ્યાસ.
1912-13ના બાલ્કન યુદ્ધ વખતે મૉન્ટેનગ્રીનમાં, બ્રિટિશ રેડક્રૉસમાં તેમણે નોકરી કરી. 1914માં તે સંસ્થાનોની સેવા-(colonial service)માં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે નાઇજીરિયા રેજિમેન્ટમાં નોકરી કરી. યુદ્ધ દરમિયાન ઘવાયા તે પછી નાઇજીરિયામાં સિવિલ ડ્યૂટીમાં જિલ્લા અધિકારી તરીકે નિયુક્ત થયેલા (1917).
લેખક બનવાના નિર્ધાર સાથે 1920માં કૅરી ઑક્સફર્ડમાં સ્થાયી થયા. તે વર્ષે તેમણે ટૉમસ જૉયસના ઉપનામથી ‘સૅટર્ડે ઇવનિંગ પોસ્ટ’ નામના સામયિકમાં દસ ટૂંકી વાર્તાઓ લખી.
‘આઇસા સેવ્ડ’ (1932). આફ્રિકન કન્યાની કથા છે, ‘ઍન અમેરિકન વિઝિટર’ (1933), ‘ધી આફ્રિકન વિચ’ (1936) અને ‘મિસ્ટર જ્હૉન્સન’ (1939), નોંધપાત્ર નવલકથાઓ છે ‘ચાર્લી ઇઝ માય ડાર્લિગ’ (1940). ‘અ હાઉસ ઑવ્ ચિલ્ડ્રન’ (1941) નવલકથાઓને 1941ના વર્ષનું ‘ટેઇટ બ્લૅક મેમૉરિયલ પારિતોષિક’ મળ્યું હતું.
તેમાંની ‘હરસેલ્ફ સરપ્રાઇઝ્ડ’ (1941) ‘ટુ બી અ પિલ્ગ્રિમ’ (1942) અને ‘ધ હૉર્સિઝ માઉથ’(1944) કથાત્રયી છે. આ જ રીતે તેમની બીજી કથાત્રયી રાજનીતિ વિશે છે. ‘અ પ્રિઝનર ઑવ્ ગ્રેસ’(1952), ‘એક્સેપ્ટ ધ લૉર્ડ’ (1953) છે અને ‘નૉટ ઑનર મોર’(1955) કથાત્રયી છે. – ‘ધ કૅપ્ટિવ ઍન્ડ ધ ફ્રી’ (1959) મરણોત્તર પ્રકાશન છે.
કૅરીની ટૂંકી વાર્તાઓ ‘સ્પ્રિંગ સૉંગ’(1960)માં સંગ્રહાયેલી છે. તેમના કાવ્યસંગ્રહો ‘માર્ચિંગ સોલ્જર’ (1945) તથા ‘ધ ડ્રંકન સેઇલર’(1947)માં કૅરીએ રાજનીતિ, કળા અને વાસ્તવ વિશે પણ લખ્યું છે.
કથાત્રયીઓ કૅરીની સિદ્ધિ છે. કથાત્રયીના દરેક ગ્રંથમાં ત્રણ કથાનાયકોમાંના એક એક નાયક કથક બને છે. આ રીતે દરેક ગ્રંથમાં, તે ગ્રંથના નાયકનું પોતાનું ચિત્રણ તેમજ બાકીના બે નાયકોની પ્રતિચ્છવિ(mirror-image)નું ચિત્રણ પણ મળે છે. આમ કરવાથી તે ચરિત્રચિત્રણમાં એક જુદું જ પરિમાણ ઉમેરી શકે છે, સંકલનમાં વિવિધતા આણી શકે છે અને અનેક ર્દષ્ટિકોણથી વિષયના કેન્દ્ર પર પ્રકાશ પાડી શકે છે.
યોગેશ જોશી