કૅરેક્સ પ્રજાતિ (Genus Carex) : એકદલાની શ્રેણી ગ્લુમેસીના કુળ સાયપરેસીની પ્રજાતિ. તેની બે જાતો જેમાંની C. fedia Nees દક્ષિણ ગુજરાતમાંથી અને બીજી C. myosupus Nees તારંગા બાલારામ પટ્ટી ઉપર હોવાનું નોંધાયેલ છે.

સાયપરેસી કુળની આ પ્રજાતિ બરછટ ઘાસ જેવી બહુવર્ષાયુ 1500 જાતિઓ ધરાવે છે, જે વિશ્વના તમામ સમશીતોષ્ણ પ્રદેશોમાં અને ઉષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે પહાડી પ્રદેશોમાં થાય છે. C. baccans Nees સિક્કિમ, આસામ અને મલબારના પહાડી પ્રદેશોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં અને તારંગા બાલારામ પટ્ટીમાં થાય છે. ઢોરના ખોરાક તરીકે તેનો ઉપયોગ થઈ શકે, પરંતુ તેનાં પર્ણો ખરબચડાં અને કઠણ હોય છે. C. cernua, Boott. આસામમાં થતી ઝેરી જાતિ છે.

અમેરિકામાં કૅરેક્સની જાતિઓનો ઉપયોગ સાદડીઓ કે ક્રેક્સના રેસા બનાવવામાં થાય છે. કેટલીક જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે મહત્વ ધરાવે છે.

આ પ્રજાતિમાં પુષ્પો એકલિંગી, શલ્કનિપત્રની ગેરહાજરી, કાષ્ઠફળ નૌકાકાર અને યુટ્રિકલમાં આવરિત વગેરે ચાવીરૂપ લક્ષણો જોવા મળે છે.

બળદેવભાઈ પટેલ