લિન્ઝડૉર્ફ, એરિક (જ. 4 ફેબ્રુઆરી 1912, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયાના સંગીત-નિયોજક. તેઓ અધિકૃત સંગીત-રચનાઓની ઝીણવટભરી જાણકારી અને નિપુણતા માટે તેમજ સમકાલીન સંગીતના પુરસ્કર્તા તરીકે દેશમાં અને દેશ બહાર બહોળી નામના પામ્યા હતા. 1934માં તેમણે સાલ્ઝબર્ગ ફેસ્ટિવલ ખાતે બ્રૂનો વૉલ્ટર તથા આર્ટુરો ટૉસ્કાનીની પાસે સંગીત-તાલીમ મેળવી; ત્યારબાદ યુરોપિયન ઑરકેસ્ટ્રા સાથે તેમણે સંગીતની રજૂઆત કરી અને એ રીતે કારકિર્દીનું સબળ ઘડતર થયું.
ત્યારબાદ અમેરિકા આવી તેમણે મેટ્રોપૉલિટન ઑપેરા(1938–43)માં આગેવાની સંભાળી તથા વૅગનર તથા જર્મન સંગીત-રચનાઓમાં વિશેષ નિપુણતા દાખવી. તેઓ ક્લીવલૅન્ડ ઑરકેસ્ટ્રામાં નિયામક બન્યા; પછી યુ.એસ. આર્મિઝમાં સેવા આપી; ત્યારબાદ ‘રૉચેસ્ટર ફિલહામૉર્નિક’ (1947–56) અને ‘ધ ન્યૂયૉર્ક સિટી ઑપેરા’(1956–62)માં સંગીત-નિયોજકની કામગીરી પાર પાડી.
‘બોસ્ટન સિમ્ફની’ના સંગીત-નિર્દેશક તરીકેના કાર્યકાળ (1962–69) તથા બર્કશાયર મ્યૂઝિક ફેસ્ટિવલના વડા તરીકે તેમણે ટૅન્ગલવુડ ખાતે વિશ્વના સૌથી આશાસ્પદ નવોદિત સંગીતકારોને રજૂ કર્યા. 1969થી તેમણે અગ્રણી યુરોપિયન અને અમેરિકન ઑરકેસ્ટ્રાના અતિથિ સંગીત-નિયોજક તરીકે 5 ખંડોનો પ્રવાસ ખેડ્યો. તેમની કારકિર્દી દરમિયાન તેમણે સમકાલીન સંગીતને ઉત્તેજન આપવા સંનિષ્ઠ અને સઘન પ્રયાસો કર્યા છે. વીસમી સદીના સંગીત-નિયોજકોની ઑપેરા તથા ઑરકેસ્ટ્રા-રચનાઓની સૌપ્રથમ રજૂઆત પણ તેમણે કરી છે.
‘કૅડેન્ઝા એ મ્યૂઝિકલ કૅરિયર’ (1975) તેમની આત્મકથા છે.
મહેશ ચોકસી