લિડગેટ, જૉન (જ. 1370 ?, લિડગેટ, અડ્રોક, ઇંગ્લૅન્ડ; અ. 1450, બેરી સેંટ એડ્મન્ડ્ઝ) : અંગ્રેજ કવિ. લાંબાં નીતિબોધ અને ધાર્મિક કાવ્યોના રચયિતા. તેઓ કદાચ જેફ્રી ચૉસરના ગાઢ પરિચયમાં હોય તેમ લાગે છે, કારણ કે તેમના સમયના બંને અત્યંત લોકપ્રિય કવિઓ હતા. 1385માં બેરી સેંટ એડ્મન્ડ્ઝના બેનીડિક્ટાઇન ઍબીમાં દીક્ષિત થયા. 1397માં ત્યાં જ પાદરી (priest) થયા. કેટલોક સમય તેઓ લંડન અને પૅરિસમાં રહ્યા હતા. 1421 –32 દરમિયાન ઇસેક્સના હૅટફીલ્ડ બ્રૉડ ઓકમાં હતા. જોકે 1415થી મોટેભાગે બેરીમાં જ રહ્યા હતા.
લિડગેટની બરોબરી કરી શકે તેવાં સુદીર્ઘ કાવ્યોના લખનારા કવિઓ પ્રમાણમાં જૂજ છે. તેમણે રચેલાં કાવ્યોની લગભગ 1,45,000 પંક્તિઓ ઉપલબ્ધ છે. ‘ધ સર્પન્ટ ઑવ્ ડિવિઝન’ (1422) જૂલિયસ સીઝરના જીવન પર ગદ્યમાં લખાયેલી કૃતિ છે. ‘ધ ટ્રૉય બુક’ અને ‘ધ ફૉલ ઑવ્ પ્રિન્સિઝ’ સુદીર્ઘ કાવ્યો છે. ‘રીઝન ઍન્ડ સેન્સ્યુઍલિટી’ (1408 ?) પવિત્રતા વિશેનું કપ્લેટમાં લખાયેલું રૂપકગ્રંથિ-કાવ્ય છે. ‘ગીદો દેલ કૉલોનના ઇસ્ટોરિયા ટ્રૉયાના’ પર આધારિત ‘ધ ટ્રૉય બુક’ (1412–1421), પ્રિન્સ ઑવ્ વેલ્સ(પાછળથી હેનરી પાંચમા)ના આદેશથી રચાયું હતું. ‘ધ સીજ ઑવ્ થીબ્ઝ’ પણ એક અપ્રાપ્ય ફ્રેન્ચ પ્રેમકથા પરથી લખાયું છે. આ કાવ્ય પર બોકેશિયોની અસર સ્પષ્ટ છે.
લિડગેટ તેમના પુરોગામી અંગ્રેજ કવિ જિયો જેફ્રી ચૉસરના પ્રશંસક હતા. તેમણે ચૉસરની શૈલીનું અનુકરણ કર્યું છે. તેમણે ગિયોમ દ દેગિલેવિલના ‘લ પેલરિનાઝા દ લા વી હિમેં’નો ‘ધ પિલગ્રિમેજ ઑવ્ ધ લાઇફ ઑવ્ મૅન’ નામે અનુવાદ કર્યો, તેમાં 24,000 પંક્તિઓ છે. આ એક સાંગોપાંગ રૂપકગ્રંથિ પ્રકારનું કાવ્ય છે. 1431થી 1438નો સમય તેમણે ‘ધ ફૉલ ઑવ્ ધ પ્રિન્સિઝ’ કાવ્યની 36,000 પંક્તિઓના સર્જનમાં ગાળ્યો હતો. આ કાવ્ય ‘ચૉસેરિયન રાઇમ રૉયલ’ છંદમાં લખ્યું હતું. તેમણે પ્રેમકથાઓ નિમિત્તે રૂપકગ્રંથિ કાવ્યો લખ્યાં છે; જેવાં કે, ‘ધ કમ્પ્લેન્ટ ઑવ્ ધ બ્લૅક નાઇટ’ અને ‘ધ ટેમ્પલ ઑવ્ ગ્લાસ’. તેમણે સંતોનાં જીવનચરિત્રો, ઈસપકથાઓ અને પ્રસંગવિશેષોને અનુલક્ષીને કાવ્યો રચ્યાં છે. ઊર્મિકાવ્યોમાં પણ તેમનું પ્રદાન છે. કવિ ચૉસર પછી બે સદીઓ સુધી અંગ્રેજી પરંપરાના કાવ્યનું પોત નબળું પડે છે, પરંતુ તેના અનુકરણમાં પણ લિડગેટ જેવા કવિઓએ પોતપોતાના સર્જનમાં અસરકારક પંક્તિઓ લખી છે. લિડગેટની અસર એક સૈકા સુધી અંગ્રેજી કવિતા પર રહી છે. ડી. એ. પિયરસૉલે ‘જૉન લિડગેટ’(1970)માં તેમની કાવ્યશક્તિની પ્રશંસા કરી છે. એ. રેન્વાર, ડબ્લ્યૂ. એફ. શિર્મર અને જે. નૉર્ટન સ્મિથ જેવા વિવેચકો અને સંપાદકોએ લિડગેટનું પુનર્મૂલ્યાંકન કર્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી