લિટવિનૉવ, મૅક્સિમ માક્સિમૉવિચ (જ. 17 જુલાઈ 1876, બિયાલિસ્ટોક, પોલૅન્ડ; અ. 31 ડિસેમ્બર 1951, મૉસ્કો) : સોવિયેત મુત્સદ્દી, વિદેશખાતાના વડા અને નિ:શસ્ત્રીકરણની નીતિના સમર્થક. તેમનું મૂળ નામ મીર વાલેચ હતું અને રશિયન પોલૅન્ડના યહૂદી હતા. કારકિર્દીના પ્રારંભે તેમણે રશિયન શાહી સૈન્યમાં સેવાઓ આપવાની પસંદગી દર્શાવી. તે દરમિયાન માર્કસવાદથી પ્રભાવિત થયા અને 1898માં રશિયન ડેમૉક્રેટિક વર્કર્સ પાર્ટીમાં જોડાયા. 1901માં ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ તેમાંથી છટકીને 1902માં બ્રિટન પહોંચ્યા. તે પછી તેઓ બૉલ્શેવિક જૂથો સાથે સંકળાયેલા હતા અને સમગ્ર યુરોપમાં ચાલતી પક્ષની પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવતા હતા.
ઑક્ટોબરની રશિયન ક્રાંતિ પછી જ્યારે 1917માં બૉલ્શેવિકોએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારે તેમની નિમણૂક વિદેશ-વિભાગના પ્રતિનિધિ તરીકે લંડન ખાતે કરવામાં આવી. ત્યાં તેઓ સોવિયેત સંઘના પ્રચારકાર્યમાં સંકળાયેલા માલૂમ પડતાં ઑક્ટોબર, 1918માં તેમની ધરપકડ કરવામાં આવી. આથી રશિયામાંના બ્રિટિશ પત્રકાર, જે ખાસ કામગીરી માટે રશિયા ખાતે નિમણૂક પામ્યા હતા તે જનરલ બ્રૂસ લોકાર્ટની ધરપકડ કરવામાં આવી અને પરસ્પરના વિનિમય રૂપે તેમને છોડાવવામાં આવ્યા. તેઓ સોવિયેત સંઘમાં પાછા ફર્યા અને વિદેશ-વિભાગના નાયબ વડા બન્યા. 1927–30માં લીગ ઑવ્ નેશન્સ દ્વારા વર્લ્ડ ડિસઆર્મામેન્ટ કૉન્ફરન્સ બોલાવવામાં આવેલી તેમાં તેમણે રશિયન પ્રતિનિધિમંડળને નેતૃત્વ પૂરું પાડ્યું અને વ્યાપક નિ:શસ્ત્રીકરણ કાર્યક્રમની દરખાસ્ત મૂકી.
1930માં તેઓ વિદેશ-વિભાગના વડા નિમાયા. 1932માં જિનીવા ખાતે યોજાયેલી વર્લ્ડ ડિસઆર્મામેન્ટ કૉન્ફરન્સમાં સોવિયેત સરકારના મુખ્ય પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધો. 1933માં તેમણે લંડન ખાતેની વર્લ્ડ ઇકૉનૉમિક કૉન્ફરન્સમાં સોવિયેત પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. 1934માં અમેરિકા સાથે મુત્સદ્દીગીરી અંગેના સંબંધો સ્થાપિત કરવામાં તેમનો હિસ્સો મહત્વનો હતો.
આ જ અરસામાં વિશ્વમાં નાઝી જર્મની વિરુદ્ધ પશ્ચિમી સત્તાઓના નિ:શસ્ત્રીકરણની અને સંયુક્ત સલામતીની તેમણે પ્રખર હિમાયત કરી. બીજા વિશ્વયુદ્ધની પૂર્વેનાં વર્ષોમાં નાઝી જર્મનીનાં રાજકીય પગલાં યુરોપના અન્ય દેશો માટે ભયજનક બનવા લાગ્યાં ત્યારે તેમણે જર્મની વિરુદ્ધ સામૂહિક પ્રતિકારનું આયોજન કર્યું. 1935માં જર્મની વિરુદ્ધ ફ્રાન્સ અને ચેકોસ્લોવૅકિયાની સરકારો સાથે સોવિયેત સંઘે જે સંધિઓ કરી તેમાં એમણે મુખ્ય ભાગ ભજવ્યો. જર્મની અને સોવિયેત સરકાર વચ્ચે બિનઆક્રમણના કરાર આકાર ધરી રહ્યા હતા ત્યારે તેમની સરકારે પોતાની નીતિઓ બદલી. તેમને યહૂદી હોવાને નાતે હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા.
1941માં તેમને હોદ્દા પર પુન: નીમવામાં આવ્યા. 1941થી ’43 તેઓ સોવિયેત સંઘના અમેરિકા ખાતેના એલચી રહ્યા અને 1943 પછી સોવિયેત સંઘના વિદેશ-વિભાગના નાયબ અધ્યક્ષ રહ્યા. 1946માં તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી.
રક્ષા મ. વ્યાસ