લિટલટન (Lyttelton) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના પૂર્વ કિનારા પરનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 43° 35´ દ. અ. અને 172° 42´ પૂ. રે.. આ બંદર ક્રાઇસ્ટ ચર્ચ અને કૅન્ટરબરી નામના બંને પ્રાંતો માટે મુખ્ય બંદર તરીકે ઉપયોગમાં લેવાય છે. દક્ષિણ ટાપુ માટે તે અત્યંત વ્યસ્ત બંદર બની રહેલું છે. દર વર્ષે અહીંથી 20 લાખ મેટ્રિક ટન જેટલા માલની હેરફેરનો વ્યવહાર થયા કરે છે. શહેરનો મોટો ભાગ પહાડોના ઊભા ઢોળાવો પર બંધાયેલો છે. કિનારા તરફનો નીચાણવાળો ભાગ ત્યાંની ભૂમિને નવસાધ્ય કરીને તૈયાર કરાયેલો છે.
ગિરીશભાઈ પંડ્યા