કૅરલ, ઍલેક્સિસ (જ. 28 જૂન 1873, ફ્રાન્સ; અ. 5 નવેમ્બર 1944, પૅરિસ) : ફિઝિયૉલૉજી ઑવ્ મેડિસિન વિદ્યાશાખામાં નોબેલ પારિતોષિક(1912)વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની. તેમના સંશોધનનો વિષય હતો નસોનું સંધાણ અને નસો તથા અવયવોનું પ્રત્યારોપણ (transplantation) . કૅરલે યુનિવર્સિટી ઑવ્ લિયૉમાંથી ડૉક્ટરેટની ડિગ્રી 1900માં મેળવી હતી. તે પછી 1904માં તે યુ.એસ. ગયા અને શિકાગો યુનિવર્સિટીમાં જોડાયા. 1906માં ન્યૂયૉર્કના રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. ત્યાં તેમણે લોહીની નસોને સાંધીને જોડવાના તથા અવયવોનું પ્રત્યારોપણ કરવાના સફળ પ્રયોગો કર્યા. આ તકનીક પ્રશસ્ય લેખાય છે. 1940માં તે ફ્રાન્સ આવ્યા અને 1941માં કૅરલ ફાઉન્ડેશન ફૉર ધ સ્ટડી ઑવ્ હ્યૂમન રિલેશન્સના ડિરેક્ટર થયા અને મૃત્યુપર્યંત તે પદે રહ્યા.
તેમણે શસ્ત્રક્રિયા માટેનાં સાધનો, સોયો વગેરેને જીવાણુરહિત (aseptic) કરવાની રીત વિકસાવી. નવી પ્રત્યારોપણ પદ્ધતિથી મૂત્રપિંડ (kidney) વગેરેને તેની યોગ્ય જગ્યાએ પ્રસ્થાપિત કરીને સ્થાનાંતર પછી પણ તેને કાર્યક્ષમ રાખવામાં તે સફળ નીવડ્યા. રુધિરવાહિની પરની શસ્ત્રક્રિયાના વિકાસમાં આ એક મોટું પ્રસ્થાન ગણાય છે. તેમની તકનીકને પરિણામે જ રુધિર-પ્રતિક્ષેપન (blood transfusion) દ્વારા એક વ્યક્તિનું લોહી બીજી વ્યક્તિને આપવાનું સુગમ થયું.
પ્રથમ વિશ્વયુદ્ધ સમયે તે ફ્રાન્સ પાછા ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તેમણે ઘા રુઝાવવા માટે સતત સિંચન(continuous irrigation)ની નવી પદ્ધતિ શરૂ કરી. તેમણે તે પછી બીજા વિશ્વયુદ્ધ સુધી રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું. 1935માં તેમના સાથી સાથે યાંત્રિક હૃદય (mechanical heart) તૈયાર કર્યું જેનાથી પ્રાણીનું હૃદય અને મૂત્રપિંડ કૃત્રિમ રુધિર-પ્રતિક્ષેપન(artificial transfusion)થી શરીરની બહાર ચાલુ રાખી શકાય. તેમણે શરીરની બહાર પેશીને જીવંત રાખવાની જે પદ્ધતિ શોધી છે તે શસ્ત્રક્રિયાના વિકાસમાં ઉપયોગી થઈ છે.
‘મૅન, ધ અનનોન’ (1935), સી. એ. લિન્ડબર્ગની સાથે લખેલ ‘ધ કલ્ચર ઑવ્ ઑર્ગન્સ’ (1938), ‘રિફ્લેક્શન્સ ઑન લાઇફ’ (1952) તથા ‘ટ્રીટમેન્ટ ઑવ્ ઇન્ફેક્ટેડ વૂન્ડ્ઝ’ જેવાં તેમનાં પુસ્તકો લોકભોગ્ય નીવડ્યાં છે.
હરિત દેરાસરી