લાસ્ટમૅન, પીટર (Lastman, Pieter)
January, 2004
લાસ્ટમૅન, પીટર (Lastman, Pieter) (જ. 1583, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ; અ. 1633, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ) : ગ્રેકો-રોમન પુરાકથાઓ અને ખ્રિસ્તી ધર્મની કથાઓનું બરોક-શૈલીમાં ચિત્રણ કરનાર ડચ ચિત્રકાર. મહાન ચિત્રકાર રેમ્બ્રાંના ગુરુ હોવા બદલ એમને અપૂર્વ નામના મળેલી.
મૅનરિસ્ટ શૈલીના ચિત્રકાર કોર્નેલિસ ફાન હાર્લેમ પાસેથી તેમણે ચિત્રકલાની તાલીમ મેળવી. એ ઉપરાંત હાર્લેમ નગરના બીજા એક ચિત્રકાર હેન્રિક ગૉલ્ટ્ઝયસનો પ્રભાવ પણ તેમણે ગ્રહણ કર્યો. 1603થી 1607 સુધી તેમણે રોમમાં નિવાસ કર્યો. રોમમાં જર્મન નિસર્ગ-ચિત્રકાર ઍડમ એલ્શીમરનો પ્રભાવ પણ ઝીલ્યો. હવે તેમણે સિદ્ધ કરેલી પક્વ બરોક-શૈલીમાં તીવ્ર પ્રકાશ અને પડછાયાથી કુદરતના ઘટકો અને માનવ-આકૃતિઓ અંકિત થતી. આ શૈલી પ્રખ્યાત ઇટાલિયન બરોક-ચિત્રકારો કૉરેજિયો તેમજ કારાવાજિયોને ખૂબ જ મળતી આવે છે. વળી તેમાં માનવ-આકૃતિઓની નાટ્યાત્મક ગોઠવણીને કારણે ચિત્ર ખૂબ જ પ્રભાવક બને છે. આ જ શૈલી લાસ્ટમૅને પોતાના શિષ્ય રેમ્બ્રાંને શિખવાડી. રેમ્બ્રાંએ એ શૈલીને સંપૂર્ણતયા હસ્તગત કરી; તેટલું જ નહિ, તેમણે વધારામાં તેમાં માનવ-આકૃતિઓના મનોગતમાં ચાલતાં મંથનો ચહેરા અને અંગભંગીઓ પર સ્ફુટ કર્યાં.
લાસ્ટમૅને ચીતરેલા ‘એન્જલ ઍન્ડ ધ પ્રૉફેટ બેલામ’ ઉપરથી રેમ્બ્રાંએ પણ એ જ વિષયનું ચિત્ર કરેલું. આ ઉપરાંત લાસ્ટમૅનનાં વિખ્યાત ચિત્રોમાં ‘કોરિયોલેનુસ ઍન્ડ ધ રોમન વુમન’ તથા ‘બૅપ્ટિઝમ ઑવ્ ધ ચેમ્બરલેઇન’નો સમાવેશ થાય છે.
આજે એક ચિત્રકાર કરતાં મહાન ચિત્રકાર રેમ્બ્રાંના ગુરુ તરીકે તેમની પ્રતિષ્ઠા વધુ મોટી છે.
અમિતાભ મડિયા