લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માણ-વર્ષ : 1973. નિર્માણ-સંસ્થા : પી.ઇ.એ. સિનેમેટોગ્રાફિકા (રોમ) અને લે આર્ટિસ્ટ્સ એસોસિઝ (પૅરિસ). નિર્માતા : આલ્બર્ટો ગ્રિમાલ્ડી. દિગ્દર્શક : બર્નાર્ડો બર્તોલુસી. પટકથા : બર્નાર્ડો બર્તોલુસી, ફ્રૅન્કો આર્કાલી. કથા : બર્નાર્ડો બર્તોલુસીની વાર્તાના આધારે.  છબિકલા : વિત્તોરિયો સ્ટોરારો. સંગીત : ગેટો બાર્બિયરી. મુખ્ય કલાકારો : માલૉર્ન બ્રાન્ડો, મારિયા સ્નેઇડર, ઝાં-પૉલ લ્યૂડ, મેસિમો ગિરોટ્ટી, મારિયા મિચી, વેરોનિકા લાઝારેગિટ મેગરિની, કૅથેરિન બ્રિલાટ, લૉરા બેટ્ટી.

મધ્ય વયનો એક અમેરિકન પૉલ અને એક ફ્રેન્ચ યુવતી જિની પૅરિસના એક ફ્લૅટમાં સંયોગવશ મળી જાય છે. બંનેને પોતપોતાની સમસ્યાઓ છે. પૉલની પત્નીએ તાજેતરમાં જ આપઘાત કર્યો છે અને જિનીનાં લગ્ન બેએક અઠવાડિયાં પછી થવાનાં છે. તેનો પતિ નવોદિત ફિલ્મસર્જક છે. તે એક ચિત્ર બનાવવા ઇચ્છે છે અને જિની તેમાં કામ કરી રહી છે; પણ જિની ચિત્રનિર્માણની પ્રક્રિયાથી અને તેના ભાવિ પતિથી કંટાળી જાય છે. બંને જુદાં જુદાં કારણોસર પણ લગભગ એકસરખી મનોદશા અનુભવતાં હોય છે તે સમયે મળે છે. પૉલના આગ્રહથી બંને વચ્ચે જાતીય સંબંધ બંધાય છે. આ સંબંધ સિવાય તેમને એકમેકમાં કશો રસ નથી. કોઈ પણ જાતની લાગણી વિનાનો આ સંબંધ માત્ર એકમેકની જાતીય જરૂરિયાતો સંતોષવા પૂરતો છે. તેમ છતાં બંનેને લાગે છે કે તેમને જેનો અભાવ હતો તે આ સંબંધમાંથી તેઓ મેળવી રહ્યાં છે. તેઓ એકમેકનું નામ જાણવાનો પણ પ્રયાસ કરતાં નથી. પણ અંતે પૉલ આ સંબંધને એક નામ આપવા ઇચ્છે છે અને તે જિની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. નિષ્ઠુર સંબંધો અને ખુલ્લં-ખુલ્લાં યૌન દૃશ્યોને કારણે આ ચિત્ર ખૂબ જ વિવાદાસ્પદ બન્યું હતું. સામાન્ય કથા-ચિત્રોમાં જાતીયતાનાં દૃશ્યોનો કઈ રીતે સમાવેશ કરી શકાય એ યુક્તિઓ પણ આ ચિત્રે જ શોધી કાઢી હતી. આ ચિત્રના પ્રદર્શન સામે ઘણી સંસ્થાઓએ વાંધો ઉઠાવ્યો હતો. વિવાદોને કારણે આ ચિત્રને વ્યાવસાયિક ફાયદો ઘણો થયો હતો. ચિત્રમાં માલૉર્ન બ્રાન્ડોનો અભિનય તેની ચરમસીમા પર છે. જોકે વ્યાવસાયિક રીતે સફળ આ ચિત્રના ટીકાકારો એમ કહે છે કે ચિત્રમાં વૈવિધ્ય નથી. માનવજીવનમાં માત્ર એકાકીપણું અને ક્રૂરતા જ નથી, બીજું ઘણું છે; પણ આ બાબત ઠસાવવામાં આ ચિત્ર નિષ્ફળ રહ્યું છે. કેટલાક સમીક્ષકોએ આ ચિત્રને ‘પુખ્ત વયનાં પ્રેક્ષકો માટેનું કળાચિત્ર’ ગણાવ્યું હતું. આ ચિત્ર માટે માલૉર્ન બ્રાન્ડોને શ્રેષ્ઠ અભિનેતાનું અને બર્નાર્ડો બર્તોલુસીને શ્રેષ્ઠ દિગ્દર્શકનાં ઑસ્કર નામાંકન મળ્યાં હતાં.

હરસુખ થાનકી