સામાજિક કલ્યાણ : સમાજમાં રહેતા જુદા જુદા ઘટકોનું કુલ કલ્યાણ. આ વિભાવના સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર (Macroeconomics) સાથે સંબંધ ધરાવે છે. જુદા જુદા ઉપભોક્તાઓ જે જે વસ્તુઓ અને સેવાઓની વપરાશ કરે છે તે તે વસ્તુ કે સેવામાંથી તેમને મળતા તુષ્ટિગુણ દ્વારા વ્યક્તિગત કલ્યાણની માત્રા માપવી શક્ય છે; અલબત્ત, તુષ્ટિગુણ એ એક આત્મલક્ષી ખ્યાલ હોવાથી વ્યક્તિગત કલ્યાણ માપવું પણ મુશ્કેલ તો છે જ; તેમ છતાં આલ્ફ્રેડ માર્શલ જેવા અર્થશાસ્ત્રીઓ સૂચવે છે કે કોઈ વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવા માટે આપેલ સંજોગોમાં ઉપભોક્તા જે કિંમત ચૂકવવા તૈયાર થાય છે તેના દ્વારા, એટલે કે નાણાં દ્વારા વ્યક્તિગત કલ્યાણ માપી શકાય; પરંતુ સમાજમાં રહેતા બધા જ નાગરિકો જે જે વસ્તુઓ અને સેવાઓની વપરાશ કરે છે તેમાંથી તે દરેકને મળતા તુષ્ટિગુણનો સરવાળો કરી શકાય નહિ. તેમ છતાં પૅરેટો અને એ. સી. પીગુ જેવા અર્થશાસ્ત્રીઓ માને છે કે ‘વળતરના સિદ્ધાંત’ (compensation principle) દ્વારા ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાંથી કઈ પરિસ્થિતિ વધુ લાભદાયક છે તે જાણવાથી સામાજિક કલ્યાણના સ્તરનો ખ્યાલ કરી શકાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે