સામન્તરાય, નટવર (જ. 1918, દેલંગે, જિ. પુરી, ઓરિસા) : ઊડિયા વિવેચક અને સંશોધક. કૃષિકારના નીચલા મધ્યમ વર્ગના પરિવારમાં તેમનો જન્મ. કપરી નાણાભીડને કારણે ઉચ્ચ અભ્યાસ માટે અને નોકરી માટે તેમને ઠેર ઠેર ભટકવું પડેલું. આખરે તેમણે ખાનગી રીતે બી.એ. અને બી.એડ.ની ડિગ્રીઓ મેળવી. શાળાના શિક્ષકની નોકરી દરમિયાન તેમણે ઊડિયામાં એમ.એ.ની પદવી મેળવી અને સ્વાધ્યાય તથા સંશોધનના બળે તેઓ ઊડિયા સાહિત્યમાં પ્રાધ્યાપકપદે પહોંચ્યા.
તેમણે પીએચ.ડી.ની ડિગ્રી માટે ‘ઊડિયા સાહિત્યાર ઇતિહાસ, 1803-1920’ વિષય પર શોધ-પ્રબંધ તૈયાર કર્યો. તેમનો આ અભ્યાસ પુરાણાં અલભ્ય સામયિકો, સરકારી રેકર્ડ અને ઘણા જ અપ્રચલિત દસ્તાવેજો પર આધારિત હતો. ‘ડગરા’ અને ‘ઝંકાર’ જેવાં સાહિત્યિક સામયિકો દ્વારા અને વિશ્વમિલન જેવી સાહિત્યિક સભા વગેરે દ્વારા તેઓ પ્રથમ કક્ષાના વિવેચક અને મૌલિક સંશોધક તરીકે પ્રતિષ્ઠિત થયા. તેમને તેમના ગ્રંથ ‘ઊડિયા સાહિત્યકાર આર્તવલ્લભંકા દાના’ બદલ ઓરિસા સાહિત્ય અકાદમી દ્વારા ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો.
તેઓ ઉચ્ચ કક્ષાના નિબંધકાર અને અદ્યતન ઊડિયા સાહિત્ય પરના વિશેષજ્ઞ ગણાય છે. વળી તેમણે પ્રાચીન અને મધ્યયુગની કવિતાના અર્થઘટનમાં મહત્ત્વનું અને મૂલ્યવાન પ્રદાન કર્યું છે. મૌલિકતા, વૈજ્ઞાનિક પૃથક્કરણ, વ્યાપક સંદર્ભો અને સત્યની ખોજ માટેની ઉત્કંઠા તેમનાં લખાણોનાં ધ્યાનપાત્ર લક્ષણો છે.
‘વ્યાસ કવિ ફકીર મોહન’ (1957), ‘આધુનિક ઊડિયા સાહિત્યાર દિગ્દર્શન’ (1959), ‘ઊડિયા વૈષ્ણવ સાહિત્ય’ (1959), ‘ચિલિકા કાવ્ય’ (1960), ‘ગલ્પ નુહેં સમાલોચના’ (1963), ‘આધુનિક ઊડિયા સાહિત્યાર ભિત્તિ ભૂમિ’ (1964), ‘ઊડિયા સાહિત્યાર ઇતિહાસ’ (1964), ‘સાખહિન પંચ સાખ’ (1975), ‘ઊડિયા સાહિત્યાર સ્વરેર પરિવર્તન’ (1976) અને ‘ઊડિયા સાહિત્યાર સમીક્ષા-ઓ-સંગ્રહ’ તેમના નોંધપાત્ર ગ્રંથો છે.
બળદેવભાઈ કનીજિયા