સામયિકો : નિયત સમયે પ્રકાશિત થતાં પત્રો. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશે’ ‘સામયિક’ એટલે ‘નિયતકાલીન / નિયત સમયે પ્રકટ થતું છાપું’ એવી વ્યાખ્યા કરી છે. અંગ્રેજીમાં તેને મૅગેઝિન અથવા ‘પિરિયૉડિકલ’ કહે છે. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’માં મૅગેઝિન અથવા પિરિયૉડિકલની વ્યાખ્યા નિબંધ, લેખ, વાર્તા, કવિતા વગેરેના પ્રકાશિત સંગ્રહ એ રીતે આપવામાં આવી છે તો ‘કોલંબિયા એનસાઇક્લોપીડિયા’ની વ્યાખ્યા પ્રમાણે સામયિકોનો હેતુ કળા, સાહિત્ય વિશે પ્રકાશન કરવાનો હોય છે અથવા પ્રમાણમાં ઓછા જાણીતા લેખકો દ્વારા સામાજિક વિષયો ઉપર લખવામાં આવતું હોય તે પ્રકાશન.

મુદ્રણ-માધ્યમની શરૂઆત સામયિકોથી થઈ હશે તેમ કહેવું યોગ્ય રહેશે; કેમ કે, આવા કોઈ માધ્યમ દ્વારા સમાચાર લોકો સુધી પહોંચાડવા તે એક પ્રકારે પ્રયોગાત્મક બાબત હતી અને પ્રારંભમાં તે દૈનિક સ્વરૂપે ન આપતાં સામયિક સ્વરૂપે જ અપાતા હશે. ગુજરાતી ભાષામાં તો આ બાબતનું ચોક્કસ પ્રમાણ મળે જ છે કે, દૈનિક સમાચારપત્રના પ્રારંભ પહેલાં સામયિક મારફત જ સમાચાર વિતરણની શરૂઆત થઈ હતી. મુંબઈથી પ્રકાશિત થતું ગુજરાતી ભાષાનું સૌથી જૂનું દૈનિક ‘મુંબઈ સમાચાર‘ (મૂળ નામ ‘શ્રી મુમબઈના શમાચાર’) 1 જુલાઈ, 1822થી 2 જાન્યુઆરી, 1832 સુધી સાપ્તાહિક રૂપે પ્રગટ થતું હતું, અને 3 જાન્યુઆરી, 1832થી તે દૈનિક થયું. ફરદૂનજી મર્ઝબાન નામના પારસી સદગૃહસ્થે 1812માં ગુજરાતી છાપખાનાનો પ્રારંભ કર્યો હતો અને ત્યારપછીનાં 10 વર્ષે ગુજરાતી ભાષામાં સામયિકની શરૂઆત થઈ હતી જેને આજે (2006માં) 184 વર્ષ થયાં છે. અંગ્રેજી ભાષામાં પણ છેક 1840માં ‘ધ ડાયલ’ નામે સામયિક પ્રકાશિત થતું હતું.

સામયિકના પ્રકાર અને કદ : પ્રારંભિક વર્ષોમાં સામયિકના પ્રકાર અને કદમાં ખાસ વૈવિધ્ય નહોતું. મુખ્યત્વે સાહિત્ય-કળા, સંસ્થા, મંડળ કે જ્ઞાતિને લગતા સમાચાર સામયિક દ્વારા પહોંચાડવામાં આવતા. આ સામયિકો મુખ્યત્વે સાપ્તાહિક કે માસિક સ્વરૂપે હતાં. ધીમે ધીમે તેના સમયગાળામાં ઘણું વૈવિધ્ય આવ્યું અને ઘણા પ્રકાર ઉમેરાયા. જેમ કે, સાપ્તાહિક ઉપરાંત દ્વિસાપ્તાહિક, પખવાડિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, છ-માસિક તેમજ વાર્ષિક અંક સ્વરૂપે સાપ્તાહિકો પ્રકાશિત થવાં લાગ્યાં. આ ઉપરાંત અમુક સંખ્યામાં દ્વિવાર્ષિક અને ત્રિવાર્ષિક સામયિકો પણ જોવા મળે છે. સાપ્તાહિકોનાં કદમાં પણ હવે તો ડેમીથી માંડીને ટૅબ્લૉઇડ (મુખ્ય પ્રવાહના અખબારનાં કદ કરતાં અડધું કદ એટલે ટૅબ્લૉઇડ) વગેરે અલગ અલગ કદનાં સામયિકો પ્રકાશિત થાય છે.

સામયિકનું વિષયવૈવિધ્ય : સામયિક પ્રકાશનના પ્રારંભનાં વર્ષોમાં ખાસ કોઈ વિષયવૈવિધ્ય નહોતું. મહદ્અંશે ચોક્કસ વર્ગ કે સમુદાય કે જ્ઞાતિ માટે સામયિક પ્રકાશિત થતાં. આ પછી કળા, સાહિત્યની પ્રવૃત્તિની નોંધ લેતાં સામયિકો પ્રકાશિત થવાં લાગ્યાં. વર્તમાન સમયમાં સામયિકનું વિષયવૈવિધ્ય એટલું બધું વ્યાપક થઈ ગયું છે કે કયા વિષયનું સામયિક નહિ હોય તે જ કહેવું મુશ્કેલ છે. હાલ મુખ્યત્વે સિનેમા, વેપાર, શિક્ષણ, ખેલકૂદ, ફૅશન, કલા, મહિલા, બાળકો, સાહિત્ય, ધર્મ, ફિલસૂફી, અર્થકારણ, વૈચારિક, હાસ્ય વગેરે વિષયનાં સામયિકો તો દરેક ભાષામાં પ્રકાશિત થાય જ છે; પરંતુ તે ઉપરાંત બીજા અસંખ્ય વિષયનાં સામયિકો પણ પ્રગટ થાય છે. સાહિત્યની જ વાત કરતાં તેમાં વાર્તા, કવિતા, નાટકનો આવરી લેતાં સામયિકો પ્રકાશિત થાય છે; અર્થાત્, વાર્તાના સામયિકમાં માત્ર વાર્તા વિશે, કવિતાના સામયિકમાં માત્ર કવિતા વિશે તો નાટકના સામયિકમાં માત્ર નાટક વિશે જ વાત કરવામાં આવતી હોય છે. તે જ રીતે કળાક્ષેત્રમાં પણ માત્ર ચિત્રકળા, હસ્તકળા કે નૃત્યકળા વિશે જ માહિતી – સમાચાર આપવામાં આવતાં હોય છે. ઉપરાંત હાલના સમયે કમ્પ્યૂટર, પર્યાવરણ, તસવીરકલા (ફોટોગ્રાફી), કોમી સંવાદિતા, કૃષિ, પાણી, રોજગાર, પ્રાણી-પશુને લગતાં સામયિકો જોવા મળે છે તો બ્યૂટી પાર્લર, ઇમિગ્રેશન, જ્યોતિષને લગતાં સામયિકો પણ પુષ્કળ પ્રમાણમાં પ્રકાશિત થઈ રહ્યાં છે. ટૂંકમાં, એટલું ચોક્કસ કહી શકાય કે દરેક ક્ષેત્રને તેના વિચારના ફેલાવા માટે માધ્યમની જરૂર પડી તેમ તેમ તે વિષયના – તે ક્ષેત્રનાં સામયિક પ્રગટ થતાં ગયાં.

સામયિક-પ્રકાશનના ક્ષેત્રમાં સંસ્થા-સમાચાર જે અંગ્રેજીમાં હાઉસ-મૅગેઝિન તરીકે ઓળખાય છે તેનું પણ એક વિશેષ સ્થાન છે. એક કરતાં વધુ શાખા ધરાવતી મોટી સંસ્થાઓ, મોટાં ઉદ્યોગગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ સંસ્થાના વહીવટીતંત્ર અને કર્મચારીઓ વચ્ચે સેતુ બંધાયેલો રહે તે હેતુથી સંસ્થાસમાચાર – હાઉસ-મૅગેઝિન પ્રકાશિત કરતાં હોય છે. સામાન્ય રીતે દરેક શૈક્ષણિક સંસ્થા પણ વર્ષમાં એક વખત તેની શૈક્ષણિક ઉપરાંત સાંસ્કૃતિક, સાહિત્યિક, રમતગમત, પ્રવાસ અને વિદ્યાર્થીઓની સિદ્ધિને લગતી માહિતી વાર્ષિક અંક રૂપે નિયમિત પ્રકાશિત કરતી હોય છે. સંસ્થાસમાચાર – હાઉસ-મૅગેઝિનનો આ પ્રવાહ મોડેથી પ્રકાશનની કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓમાં પણ જોવા મળે છે; જેમાં દૈનિક ભાસ્કરનું ‘સંવાદ‘ નોંધપાત્ર ઘટના છે, તે જ રીતે ગુજરાત વિશ્વકોશ દ્વારા પ્રકાશિત ‘વિશ્વવિહાર’ની પણ નોંધ લેવી ઘટે. અગાઉ જણાવ્યું તેમ, ગુજરાતી ભાષાનું સૌથી જૂનું દૈનિક ‘મુંબઈ સમાચાર‘નો પ્રારંભ સાપ્તાહિક સ્વરૂપે થયો હતો તે જ રીતે તળ ગુજરાતનાં પણ ઘણાં મુખ્ય અખબાર તેના પ્રારંભકાળમાં સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત થતાં હતાં. તેમાં મુખ્યત્વે ‘ગુજરાતમિત્ર’, ‘ફૂલછાબ’ વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

સામયિકોની સંખ્યા અને ફેલાવો : ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સામયિકો ખૂબ મોટી સંખ્યામાં છે અને તેનો ફેલાવો (સરક્યુલેશન) પણ ઘણો વ્યાપક છે. વિવિધ અખબારી જૂથ ઉપરાંત સામાજિક સંસ્થા-મંડળ, ઉદ્યોગગૃહ, સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ), પર્યાવરણ-સંસ્થાઓ સામયિકો પ્રકાશિત કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ માહિતીલક્ષી સામયિકોનું પ્રકાશન કરે છે. ડિસેમ્બર, 2005ના તાજા સત્તાવાર આંકડા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળી કુલ 60 કરતાં વધુ સામયિકોનું પ્રકાશન કરે છે. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત અંગ્રેજી ભાષાના રોજગારલક્ષી સામયિક ‘ઍમ્પલૉયમૅન્ટ ન્યૂઝ‘નો ફેલાવો 5,47,486 નકલોનો હતો. રાષ્ટ્રીય સ્તરે સામયિકોમાં હિન્દી માસિક ‘ઋષિ પ્રસાદ’ 11,37,050 નકલો સાથે ટોચ ઉપર હોવાની નોંધ છે જ્યારે બીજા નંબરે છે દિલ્હીથી પ્રકાશિત હિન્દી પખવાડિક ‘સારસ સલિલ’, જેનો ફેલાવો 10,53,119 નકલ હોવાનો દાવો કરવામાં આવે છે. (સામયિકોની સંખ્યા તથા તેના ફેલાવાના આંકડામાં આંશિક તફાવત હોઈ શકે છે તે સ્પષ્ટતા અહીં કરવી જરૂરી છે.) કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં છેલ્લે (માર્ચ, 2006) સુધી ગુજરાતમાંથી નોંધાયેલાં સામયિકોની કુલ સંખ્યા 3,132 હતી; જેમાં 1,300 કરતાં વધુ સાપ્તાહિક (અઠવાડિક), 500 કરતાં વધુ પાક્ષિક તથા 200 કરતાં વધુ દ્વિમાસિક અથવા ત્રિમાસિક સામયિકોનો સમાવેશ થતો હતો. બાકીનાં 1,000 કરતાં વધુ અન્ય સામયિકો અલગ અલગ પ્રકાશન-સંસ્થા, વેપારી-મંડળો, સામાજિક સંગઠનો તેમજ જ્ઞાતિનાં મંડળો દ્વારા પ્રકાશિત થાય છે. સર્વગ્રાહી રીતે જોતાં આખા ભારતમાં સાપ્તાહિકનું પ્રકાશન સૌથી વધુ 25,760 છે. ત્યારપછી બીજા ક્રમે માસિકોની સંખ્યા 25,056 છે. દેશમાં 10,558 પખવાડિક પ્રગટ થાય છે તો તેની સામે સપ્તાહમાં બે વખત પ્રગટ થતાં પત્રોની સંખ્યા માત્ર 311 છે. ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યમાંથી 5,911 ત્રિમાસિક પ્રકાશિત થાય છે તો દ્વિમાસિક, છ માસિક અને વાર્ષિક પત્રોની સંખ્યા અનુક્રમે 1,505, 815 તથા 1,902 છે. આ ઉપરાંત અત્યંત જૂજ સંખ્યામાં દ્વિવાર્ષિક (24) અને ત્રિવાર્ષિક (34) સામયિકો પણ પ્રકાશિત થાય છે. કોઈ સમય નિર્ધારિત કર્યા વિના, અર્થાત્, ચોક્કસ સમયગાળા વિના પ્રકાશિત થતાં અનિયતકાલીન સામયિકોની સંખ્યા 330 કરતાં વધુ છે. 31-3-2005 સુધીમાં ભારતમાં કાર્યરત 28 વિદેશી દૂતાવાસનાં કુલ 111 પ્રકાશન હતાં. આ પૈકી મોટાભાગે દિલ્હીમાં નોંધાયાં છે જ્યારે બાકીનાં સામયિકો મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પણ પ્રકાશિત થાય છે.

મુખ્ય પ્રવાહના કેટલાક અંગ્રેજી તેમજ ગુજરાતી સહિત વિવિધ ભાષાનાં સામયિકો તો હવે તેના વાચકોને ઈ-સામયિક(ઇન્ટરનેટ મારફત કમ્પ્યૂટર પર વાંચી શકાય તેવાં)ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે; તેમાં ‘ઇન્ડિયા ટુડે’, ‘ડાઉન ટુ અર્થ’, ‘ચિત્રલેખા’ વગેરેનો ઉલ્લેખ કરી શકાય. ‘હૂત’ (Hoot) નામે એક ઈ-સામયિક દેશમાં માધ્યમોને લગતા સમાચારોનું નિ:શુલ્ક પ્રસારણ કરે છે. તે જ રીતે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના નેજા હેઠળ દેશની વસ્તીને લગતા સેન્સસના આંકડા પણ ઈ-સામયિક રૂપે તેની વેબસાઇટમાં નોંધણી કરાવનારને ઈ-મેઇલ મારફત નિ:શુલ્ક પહોંચાડવામાં આવે છે.

સામયિકોનો ઉદ્દેશ : પ્રારંભિક ગાળામાં સામયિકનો ઉદ્દેશ મુખ્યત્વે સમાચાર અથવા માહિતીના આદાન-પ્રદાનનો હતો; પરંતુ પાછળથી તેમાં વ્યવસાયી હેતુ ભળતાં સમાચાર, જાહેરાત, માહિતી, લેખ વગેરે મિશ્રણવાળાં વેપારી ધોરણે ચાલતાં સામયિકો પણ મોટા પ્રમાણમાં પ્રકાશિત થવા લાગ્યાં. બીજી તરફ માત્ર માહિતી કે સાહિત્ય-કળાને લગતાં સામયિકો પણ બિન-વ્યવસાયી ધોરણે યથાવત્ ચાલુ રહ્યાં. રાજ્ય અને કેન્દ્ર સરકાર સંચાલિત સામયિકોનો ઉદ્દેશ તો દેખીતી રીતે સરકારની વિવિધ યોજનાઓની માહિતી ફેલાવવાનો જ છે; પરંતુ એક બાબતની ખાસ નોંધ લેવી જોઈએ કે, સાહિત્ય, કળા, પર્યાવરણ વગેરે વિષયને લગતાં સામયિકોના ફેલાવાથી જે તે વિષયને નોંધપાત્ર પ્રોત્સાહન મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો સાહિત્ય બાબતે સામાન્ય લોકોમાં રસ-રુચિ કેળવાય તેમાં શુદ્ધ સાહિત્યને વરેલાં સામયિકોનો ફાળો નોંધપાત્ર હોય છે, તે જ રીતે વિવિધ કળા પ્રત્યે કે પછી પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ કેળવાય તેમાં આ વિષયને સમર્પિત સામયિકો સારી કામગીરી બજાવતાં હોય છે. એ જ પ્રમાણે કોમી એખલાસ માટેનાં વિશેષ સામયિકો પણ ગુજરાતી, અંગ્રેજી સહિત વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થાય છે અને તેને પરિણામે સમાજમાં આ દિશામાં એકમત ઊભો થાય છે. જે તે ધર્મનાં ધાર્મિક સામયિકો પણ તે ધર્મના ફેલાવામાં અને તેના પ્રત્યેની શ્રદ્ધા મજબૂત કરવામાં ફાળો આપતાં હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મુખ્યત્વે વાર્ષિક અંક સ્વરૂપે પ્રકાશિત થતાં સામયિકોમાં જે તે સંસ્થાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની નોંધ લેવામાં આવી હોય છે એ તો ખરું જ, પરંતુ ક્યારેક આવાં સામયિકો દ્વારા જ સમાજને કોઈ પ્રતિભાવાન લેખક, કવિ કે કલાકાર પ્રાપ્ત થતા હોય છે.

સામયિકના મુખ્ય વિષયો તથા નોંધપાત્ર સામયિકો : સિનેમા : સિનેમા ઘણો લોકપ્રિય વિષય છે અને તેથી તેને લગતાં સામયિકો પણ ખાસાં લોકપ્રિય રહ્યાં છે. ગુજરાતીમાં આ વિષયનાં સામયિકોની સંખ્યા લગભગ નહિવત્ છે, પરંતુ હિન્દી અને અંગ્રેજીમાં સિનેમાને લગતાં સામયિકો સારો એવો ફેલાવો ધરાવે છે. ગુજરાતીમાં ‘ચિત્રલેખા’ જૂથના ‘જી’ સિનેમા સામયિકની નોંધ લઈ શકાય. આ સિવાય લગભગ તમામ ગુજરાતી અખબાર સપ્તાહમાં એક વખત મહદ્અંશે શુક્રવારે સિનેમાને લગતી વિશેષ પૂર્તિ આપે છે. ખાસ કરીને અંગ્રેજીમાં સિનેમાનાં દળદાર સામયિકો હોય છે; જેમાં ‘સિને બ્લિટ્ઝ’ (તંત્રી-સંચાલક ડૉ. વિજય માલ્યા), ‘સ્ટારડસ્ટ’, ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ જૂથનું ‘ફિલ્મફેર’ (હવે વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ.), ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જૂથનું ‘સ્ક્રીન’, ‘મૂવી’, ‘ટાઇમ્સ’નું ‘માધુરી’ (હિન્દી), હિન્દી ફિલ્મી સામયિકોમાં દિલ્હીથી પ્રકાશિત ‘કલિયાં’, ‘ફિલ્મી દુનિયા’ વગેરેનો સમાવેશ થાય છે.

વેપાર : વેપારના મુખ્ય સામયિકોમાં ‘અર્થ સંકલન’ (માસિક), ‘આર્થિક વિકાસ’ (માસિક), ‘ગુજરાત માર્કેટ’ (ત્રિમાસિક) તથા ‘જન્મભૂમિ’ જૂથના ‘વ્યાપાર’(અર્ધ સાપ્તાહિક)નો સમાવેશ થાય છે.

શિક્ષણ : શિક્ષણક્ષેત્રે પણ હાલ નોંધપાત્ર સામયિક પ્રકાશિત થાય છે; જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળનું મુખપત્ર ‘શ્રી માધ્યમિક સંદેશ’ (માસિક, તંત્રી-પ્રકાશક ઘનશ્યામભાઈ બી. પટેલ  શિક્ષક ભવન, રીલિફ રોડ), ‘પ્રગતિશીલ શિક્ષણ’ (માસિક, તંત્રી પુરુષોત્તમ ગો. પટેલ, પરામર્શક : ગુણવંત શાહ તથા રવીન્દ્ર દવે, ગૂજરાત વિદ્યાપીઠ સામે, આશ્રમ રોડ) તેમજ ‘અચલા’ (માસિક, તંત્રી ડૉ. મફતભાઈ પટેલ, મેમનગર) વગેરેનો સમાવેશ થાય છે.

ખેલકૂદ : ખેલકૂદના ક્ષેત્રમાં ગુજરાતીમાં એક પણ નોંધપાત્ર સામયિક નથી, પરંતુ અંગ્રેજીમાં કેટલાંક પ્રતિષ્ઠિત સામયિકો છે. ‘સ્પૉર્ટ્સ સ્ટાર’માં તમામ રમતોને લગતા સમાચાર અને માહિતી આવરી લેવામાં આવે છે જ્યારે બાકીનાં બે ‘ક્રિકેટ’, ‘ક્રિકઇન્ફો’માં માત્ર ક્રિકેટની રમતને લગતા સમચારો તેમજ અન્ય માહિતી આપવામાં આવે છે. હિન્દીમાં પણ ક્રિકેટને લગતું ‘ક્રિકેટસમ્રાટ’ નોંધપાત્ર સામયિક છે.

ફૅશન : ફૅશનના વિષયને આવરી લેતાં મુખ્ય અંગ્રેજી સામયિકોમાં ‘હાય બ્લિટ્ઝ’ (Hi Blitz), ‘કૉસ્મૉપોલિટન સોસાયટી’ વગેરે નોંધપાત્ર છે.

કલા : માત્ર કલાનાં વિવિધ પાસાંને આવરી લેતું હોય તેવું કોઈ વિશેષ સામયિક નથી; પરંતુ સાહિત્ય, મહિલા, ફૅશન ઉપરાંત અન્ય વ્યવસાયી સામયિકોમાં સમયાંતરે ચિત્રકળા, નૃત્ય, તસવીરકળા, હસ્તકળા વગેરેની નોંધ લેવામાં આવતી હોય છે. કળાનાં વિવિધ પાસાંની સૌથી વધુ નોંધ આપણા કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા સ્થાપિત ‘કુમાર’ સામયિકમાં લેવાય છે.

મહિલાઓ : લગભગ તમામ ભાષામાં મહિલાઓ માટે ખાસ સામયિકો પ્રકાશિત થાય છે. ગુજરાતીમાં મુખ્યત્વે ‘ગૃહશોભા’ (માસિક), ‘માવતર’ (માસિક), ‘સંદેશ’ જૂથનું સ્વ. લીલાબહેન પટેલ દ્વારા પ્રસ્થાપિત ‘સ્ત્રી’ સાપ્તાહિક છેલ્લાં લગભગ 44 વર્ષથી પ્રકાશિત થાય છે. આ ઉપરાંત ‘જયહિન્દ’નું ‘સખી’ (માસિક) તથા ‘સ્ત્રીજીવન’ (સંપાદકો : વસંત જોધાણી અને વાડીલાલ જોધાણી)ની નોંધ લઈ શકાય. આ ઉપરાંત મુખ્ય પ્રવાહનાં અન્ય ગુજરાતી અખબારો પણ નિયમિત રીતે સપ્તાહમાં એક વખત મહિલાઓને લગતી વિશેષ પૂર્તિ પ્રકાશિત કરે છે. અંગ્રેજી ભાષામાં સુપ્રસિદ્ધ અભિનેત્રી હેમા માલિનીના તંત્રીપદ હેઠળ ‘ન્યૂ વુમન’, આન્દ્રિયા કોસ્તાબિર(Andrea CostaBir)ના તંત્રીપદ હેઠળ ‘સાવી’, એમી ફર્નાન્ડિસના તંત્રીપદ હેઠળ ‘ફેમિના’ ઉપરાંત હિન્દીમાં ‘સખી’, ‘ગૃહશોભા’, ‘વનિતા’, ‘મેરી સહેલી’, ‘ગૃહલક્ષ્મી’, ‘મેરી સંગિની’, ‘ગૃહનંદિની’ વગેરે ઉલ્લેખનીય છે.

બાળકો : બાળકો માટે દરેક અખબારમાં સમયાંતરે વિશેષ પૂર્તિ પ્રકાશિત થાય છે તે ઉપરાંત ‘ચંદન’, ‘ચંપક’, ‘ચાંદાપોળી’, ‘ચાંદામામા’, ‘બાલરંજન’ (તમામ માસિક) તથા ‘ફૂલવાડી’ (સાપ્તાહિક) વગેરેનો સમાવેશ થાય છે. ‘ચંપક’ સામયિક ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી સહિત અન્ય ભારતીય ભાષાઓમાં પણ પ્રકાશિત થાય છે.

સાહિત્ય : ગુજરાતીમાં સાહિત્યનાં સામયિકો નોંધપાત્ર સંખ્યામાં અને લોકપ્રિય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરબ’, ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) દ્વારા પ્રકાશિત ‘શબ્દસૃષ્ટિ’, ડૉ. રમણલાલ જોશીના તંત્રીપદ હેઠળ ‘ઉદ્દેશ’, કવિ સુરેશ દલાલના તંત્રીપદ હેઠળ પ્રકાશિત ‘કવિતા’, ફાર્બસ ગુજરાતી સભાનું ત્રૈમાસિક (સંપાદક  મંજુ ઝવેરી), ‘શબ્દસર’ (તંત્રી  કિશોરસિંહ સોલંકી), ‘પ્રત્યક્ષ’ (તંત્રી  રમણ સોની, વડોદરા), ‘ખેવના’ (સુમન શાહ), ‘તાદર્થ’ (સ્થાપક  મફત ઓઝા, તંત્રી  સવિતાબહેન ઓઝા), ‘સમીપે’ (શિરીષ પંચાલ, વડોદરા), ‘તથાપિ’ (જયેશ ભોગાયતા, વડોદરા), ‘એતદ્’ (જયંત પારેખ, નીતિન મહેતા), ‘કવિલોક’, ‘કુમાર’, દલિત સાહિત્યકારોનું ‘હયાતી’ (હરીશ મંગલમ્ અને મોહન પરમાર), ‘નાટક’ (હસમુખ બારાડી), ‘નાન્દીકાર’ (શૈલેષ ટેવાણી, રાજકોટ).

ધર્મ : ‘સાધના’, ‘કલ્યાણયાત્રા’, ‘ગાયત્રીવિજ્ઞાન’, ‘ધર્મધારા’, રાજકોટસ્થિત શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત ‘રામકૃષ્ણ જ્યોત’, ‘ગીતાધર્મ’, ‘વિશ્વ હિન્દુ સમાચાર’, શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું ‘પ્રબુદ્ધ જીવન’, ‘અંતરધારા’ (અગાઉનું નામ ‘ધર્મધારા’), ‘અક્રમ વિજ્ઞાન’, ‘જનકલ્યાણ’, ‘યુગશક્તિ ગાયત્રી’, ‘વિશ્વ વાત્સલ્ય’, ‘સ્વામિનારાયણ સંપ્રદાય’, મેમનગર ગુરુકુળ દ્વારા પ્રકાશિત ‘સદવિદ્યા’ વગેરે અનેક ધાર્મિક સામયિકો પ્રકાશિત થાય છે.

ફિલસૂફી : ઓશો(આચાર્ય રજનીશ)ના અનુયાયીઓ દ્વારા પ્રકાશિત ‘ઓશો ટાઇમ્સ’ ધાર્મિક તેમજ ફિલસૂફી બંને ક્ષેત્રનું સામયિક ગણી શકાય.

વૈચારિક : ‘નિરીક્ષક’, ‘બુદ્ધિપ્રકાશ’ (સંપાદકો  મધુસૂદન પારેખ તથા રમેશ શાહ), ગુજરાત સર્વોદય મંડળની યજ્ઞ પ્રકાશન સમિતિ, વડોદરા દ્વારા પ્રકાશિત પાક્ષિક ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ (તંત્રી  અરુણા મહેતા તથા ઇન્દુકુમાર જાની), સેન્ટર ફૉર સોશિયલ સ્ટડિઝ, સૂરતનું ‘અર્થાત્’, ‘વિશ્લેષણ’ (ત્રિમાસિક), ‘માનવ’ જેવાં સામયિકો ગુજરાતના બૌદ્ધિકોમાં લોકપ્રિય છે.

અર્થકારણ : અર્થકારણમાં મુખ્યત્વે ‘ફૉર્ચ્યુન ઇન્ડિયા’, ‘ઇન્વેસ્ટર ઇન્ડિયા’, ‘ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ’, ‘બિઝનેસ વર્લ્ડ’, ‘બિઝનેસ ટૂડે’, ‘બિઝનેસ ઇન્ડિયા’, ‘આઉટલૂક બિઝનેસ’, ‘બૉમ્બે માર્કેટ’, ‘દલાલ સ્ટ્રીટ’ વગેરે સામયિકો નોંધપાત્ર છે.

અલકેશ પટેલ