લાલ પત્તી : દ્વિદળી વર્ગના યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Poinsettia pulcherrima Grah. syn. Euphorbia pulcherrima Willd. (અં. Christmas flowers, Lobster flowers; ગુ. લાલ પત્તી, રક્તપર્ણી) છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં મેક્સિકોના વનસ્પતિશાસ્ત્રી પોઇનશેટીએ આ છોડને પ્રચારમાં આણ્યો; તેથી તેનું નામ ‘પોઇનશેટિયા’ પડ્યું છે.
તે મેક્સિકોની મૂલનિવાસી છે અને 3 મીટર સુધીની ઊંચાઈ મેળવતી બહુશાખી મોટી ક્ષુપ-સ્વરૂપ વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, 15થી 20 સેમી. લાંબાં અને 5થી 7 સેમી. પહોળાં, અંડાકાર-ભાલાકાર (ovate-lanceolate) અને અખંડિત કે ખંડિત હોય છે. તેની ટોચ અણીદાર હોય છે. તેની મધ્યશિરા અને પર્ણદંડ રતાશ પડતાં બદામી હોય છે. પર્ણ અને પ્રકાંડ ક્ષીરરસ ધરાવે છે. ટોચ તરફનાં પર્ણો સમ્મુખ હોય છે.
શિયાળામાં તે અગ્રભાગે નાના કટોરિયા (cyathium) પ્રકારના પુષ્પવિન્યાસ ઉત્પન્ન કરે છે. આ વનસ્પતિનું આકર્ષણ પુષ્પો ન હોતાં તેની નીચે આવેલાં નિપત્રો (bracts) છે. તે સફેદ, પીળાં, આછાં ગુલાબી કે સિંદૂરી લાલ રંગનાં; મૂળ પર્ણો કરતાં થોડાંક નાનાં અને વર્તુળમાં ગોઠવાયેલાં હોય છે. કેટલીક જાતોને આવાં ઉપર-નીચે એમ બે વર્તુળો હોય છે. તેને P. plenissima કહે છે. આ જાત પ્રમાણમાં નાની હોય છે. તે રંગીન નિપત્રોને લીધે દૂરથી આકર્ષક લાગે છે.
તેની વૃદ્ધિ ખુલ્લા તડકામાં સારી રીતે થાય છે. તેની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવામાં આવે છે. તે ફળદ્રૂપ ગોરાડુ (loam) જમીનમાં સારી રીતે ઊગે છે અને વધારે પડતી ઠંડી સહન કરી શકતી નથી.
પીળા નિપત્ર ધરાવતી જાત પ્રમાણમાં નાની હોય છે, તેને ‘આલ્બીડા’ કહે છે. ઘેરા ગુલાબી રંગની જાતને ‘રોઝ ક્વીન’ કહે છે.
તેનું પ્રસર્જન કટકારોપણથી થાય છે. રોપતાં પહેલાં તેના કટકાઓને એક-બે કલાક ખુલ્લા રાખવામાં આવે છે; જેથી ક્ષીરરસ સુકાઈ જાય. પુષ્પનિર્માણ પૂરું થઈ ગયા પછી તેનું કૃંતન કરી તેને ઠીક ઠીક નાની કરવામાં આવે છે; જેથી બીજી ઋતુમાં તે પાછી ભરાવદાર થઈ જાય છે. તેને નાનો રાખી કૂંડામાં ઉછેરી શકાય છે. તેથી તેને કેટલાંક સ્થળોએ ‘ક્રિસ્ટમસ પ્લાન્ટ’ કહે છે.
તેનો ક્ષીરરસ ઢોર માટે વિષમય હોય છે. તે પાણી અને જલદ્રાવ્ય પદાર્થો 78.6થી 84.8 % અને કૂચુક (કાચું રબર) 4.9થી 6.9 % ધરાવે છે.
મ. ઝ. શાહ