લાલ, દેવેન્દ્ર
January, 2004
લાલ, દેવેન્દ્ર (જ. 14 ફેબ્રુઆરી 1929, વારાણસી, ઉત્તર પ્રદેશ) : ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાણસીમાં લીધું. ત્યારબાદ 1947માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એસસી., 1949માં આ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને 1960માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. 1959–60 દરમિયાન કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, સાન ડિયાગો ખાતે પોસ્ટડૉક્ટરલ સંશોધન કર્યું.
1949–72 સુધી તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં તેમણે વિજ્ઞાની (scientist) તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ અમદાવાદ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળામાં વરિષ્ઠ પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 1967માં કૅલિફૉર્નિયા(સાન ડિયાગો)માં પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી. 1972–83 સુધી અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાના નિયામક તરીકે રહ્યા. ત્યારબાદ 1983–89 સુધી આ જ સંસ્થામાં વરિષ્ઠ પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1989માં તેઓ આ જ સંસ્થાના ફેલો તરીકે રહ્યા.
ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો, ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ઉપપ્રમુખ, ઇન્ડિયન જિયૉફિઝિકલ યુનિયનના ઉપપ્રમુખ, 1979માં રૉયલ સોસાયટી ઑવ્ લંડનના ફેલો, ઇન્ડિયન સોસાયટી ઑવ્ પ્રીહિસ્ટૉરિક ઍન્ડ ક્વૉટર્નરી સ્ટડીઝના ફેલો, યુ.એસ. નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના ફેલો (1975) અને રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી(1984)ના ફેલો તરીકે કામગીરી બજાવી.
1965માં કૃષ્ણન્ ચંદ્રક, 1967માં શાંતિસ્વરૂપ ભટનાગર પારિતોષિક, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી માનદ ડી.એસસી., 1971માં ‘પદ્મશ્રી’, 1974માં એફ. આઇ. સી. સી. આઇ. પદક, 1986માં નહેરુ પદક, 1997માં રામન બર્થ સેન્ટીનરી પદક તથા આ જ વર્ષે ગોલ્ડશ્મિટ (Goldschmidt) ચંદ્રક મળ્યો.
તેમણે ન્યૂક્લિયર પાયસ(emulsion)નો સંસૂચક તરીકે ઉપયોગ કરીને બ્રહ્માંડ-વિકિરણ(cosmic radiation)ના ક્ષેત્રે સંશોધનકાર્ય કર્યું. સમકાલીન અને પૌરાણિક બ્રહ્માંડ-વિકિરણના બંધારણ તથા ઊર્જા વર્ણપટના ક્ષેત્રે તેમણે મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે કાલ- નિર્ધારણ (dating) માટે, ભૂભૌતિકીના પ્રશિક્ષણ માટે, ગ્રહીય (planetary) પિંડોની ઉત્ક્રાંતિના ઇતિહાસને લગતા અભ્યાસ માટે કેટલીક ટૅકનિક વિકસાવી. તેમણે 200થી વધુ સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમણે ‘અર્થ ઍન્ડ પ્લૅનેટરી સાયન્સીઝ લેટર્સ’ના વિભાગીય સંપાદક તરીકે પણ કામગીરી બજાવી છે.
પ્રહલાદ છ. પટેલ