કૅન્સર, લોહીનું : લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશીનું કૅન્સર. તેને રુધિરકૅન્સર (leukaemia) કહે છે. લોહીમાં ત્રણ પ્રકારના કોષો હોય છે : રક્તકોષ, શ્વેતકોષ અને ગંઠનકોષ (platelets). તેમને સંયુક્ત રીતે રુધિરકોષો (blood cells) કહે છે. શ્વેતકોષો વિવિધ પ્રકારના હોય છે : 3 પ્રકારના કણિકાકોષો (granulocytes), લસિકાકોષો (lymphocytes) અને એકકેન્દ્રી કોષો (monocytes). તેમને ઉત્પન્ન કરતી પેશી હાડકાના પોલાણમાં આવેલી હોય છે. તેને અસ્થિમજ્જા (bone marrow) કહે છે. લોહીનું કૅન્સર અસ્થિમજ્જામાંના કોષોમાં ઉદભવે છે. તે મુખ્યત્વે બે પ્રકારનું છે – ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic). ઉગ્ર કૅન્સર તરતનું ઉદભવેલું હોય છે અને તે ઝડપથી વિકસે છે, જ્યારે દીર્ઘકાલી કૅન્સર ધીમે ધીમે વિકસે છે. ઉગ્ર રુધિર-કૅન્સરમાં અપક્વ અથવા અવિભેદિત (undifferentiated) કોષોની સ્વાયત્ત (autonomous) અને અમર્યાદ સંખ્યાવૃદ્ધિ થાય છે, જ્યારે દીર્ઘકાલી રુધિરકૅન્સરમાં અપક્વ તથા પક્વકોષોની અનિયંત્રિત સંખ્યાવૃદ્ધિ થાય છે. લોહીના કૅન્સરને કોષોના પ્રકારને આધારે બે જૂથમાં વિભાજિત કરવામાં આવે છે : લસિકાકોષીય (lymphatic) અને બિનલસિકાકોષીય (nonlymphatic). લસિકાકોષો બનાવતા કોષોમાં ઉદભવતા લોહીના કૅન્સરને લસિકાકોષીય રુધિરકૅન્સર કહે છે જ્યારે તે સિવાયના કોષો (રક્તકોષો, કણિકાકોષો અને ગંઠનકોષો) બનાવતા કોષોમાં ઉદભવતા કૅન્સરને બિનલસિકાકોષી અથવા મજ્જાભકોષી રુધિરકૅન્સર (myeloid leukaemia) કહે છે. લસિકાકોષીય રુધિરકૅન્સરને લસિકાબીજકોષી (lymphoblastic) અથવા લસિકાભ (lymphoid) રુધિરકૅન્સર પણ કહે છે. તેવી રીતે બિનલસિકાકોષીય રુધિરકૅન્સરને મજ્જાબીજકોષી (myeloblastic) અથવા મજ્જાભકોષી (myeloid) રુધિરકૅન્સર પણ કહે છે. આમ રુધિરકૅન્સરના મુખ્ય ચાર પ્રકારો છે : (1) ઉગ્ર લસિકાબીજકોષી રુધિરકૅન્સર (ALL), (2) ઉગ્ર બિનલસિકાકોષી રુધિરકૅન્સર (ANLL) અથવા ઉગ્ર મજ્જાભકોષી રુધિરકૅન્સર (AML); (3) દીર્ઘકાલી મજ્જાભકોષી રુધિરકૅન્સર (CML) અને (4) દીર્ઘકાલી લસિકાકોષી રુધિરકૅન્સર (CLL).

સારણી 1 : લોહીના કૅન્સરના પ્રકારો

ગુજરાતી નામ

અંગ્રેજી નામ

ટૂંકી સંજ્ઞા

1. ઉગ્ર લસિકાબીજકોષી
રુધિરકૅન્સર
acute lymphoblastic
leukaemia
ALL
2. ઉગ્ર બિનલસિકાકોષી
(મજ્જાભકોષી)
રુધિરકૅન્સર
acute nonlymphocytic
(myeloid) leukaemia
ANLL

(AML)

3. દીર્ઘકાલી મજ્જાભકોષી
રુધિરકૅન્સર
chronic myeloid
leukaemia
CML
4. દીર્ઘકાલી લસિકાકોષી
રુધિરકૅન્સર
chronic lymphatic
leukaemia
CLL

વસ્તીરોગવિદ્યા : ભારતમાં લોહીના વિવિધ પ્રકારનાં કૅન્સરનો દર 0.6થી 5.4 / 100000 જેટલો છે. બધાં કૅન્સરમાં લ્યૂકીમિયા લિમ્ફોમાનો સંયુક્ત દર ઘણો વધુ છે (પુરુષોમાં 12 % અને સ્ત્રીઓમાં 6 %). આમ તે અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન ધરાવે છે. માયેલૉઇડ લ્યૂકીમિયાનું પ્રમાણ વધુ છે (0.01થી 2.8 / 100000). અમદાવાદમાં લોહીનું કૅન્સર 3.34થી  4.64 / 100000(4.67 %થી 5.01 %)ના દરે થાય છે જેમાં 2.30 % માયેલૉઇડ લ્યૂકીમિયાને કારણે છે.

કારણવિદ્યા : ઉગ્ર રુધિરકૅન્સર થવાનું જોખમ કેટલીક પરિસ્થિતિઓમાં વધે છે, જેમકે આયનકારી વિકિરણન (કિરણોત્સર્ગ, radiation), બેન્ઝિન, કૅન્સરવિરોધી દવાઓ (અલ્કાયલેટિંગ ઔષધો), ધૂમ્રપાન તથા માતા દ્વારા મદ્યપાન વગેરે વિષકારક પરિબળોનો સંસર્ગ. માનવ ટી-લસિકાકોષી રુધિરકૅન્સર વિષાણુનો ચેપ ALL સર્જે છે, તો મજ્જાદુર્વિકસનીય સંલક્ષણ (myelodysplastic syndrome), ઉત્ક્રાંત નિશાકાલી લોહવર્ણકમેહ (paroxysmal nocturnal haemoglobinuria), અજ્ઞાતમૂલ બહુરુધિરકોષિતા (polycythaemia vera), અતિમજ્જાપ્રસર્જી વિકારો (myeloproliferative disorders), અજ્ઞાતમૂલ મજ્જાતંતુતા (ideopathic myelofibrosis), અપસર્જી પાંડુતા (aplastic anaemia) વગેરે અનેક રોગોમાં રુધિરકૅન્સર થાય છે. તેવી રીતે અનેક રંગસૂત્રીય અને જનીની સંલક્ષણો(syndromes)માં પણ તે થાય છે. લસિકાર્બુદ (lymphoma), હૉજકિનનો રોગ, સ્તન કે લઘુકોષી કૅન્સર, પ્રજનકકોષી (germ cell) કે અંડપિંડના કૅન્સરમાં ઔષધચિકિત્સા (chemotherapy) પછી AML થાય છે. આ ઔષધો રંગસૂત્ર 5, 7 અને 13ને અસર કરે છે. આવી રીતે અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplant) માટેની ભારે માત્રાની ઔષધચિકિત્સા અથવા પૂર્ણશરીરી વિકિરણન(total body irradiation)ની સારવાર પછી 5 વર્ષ સુધીના 2.6 %ના સંચયી દરે (cumulative rate) જોખમ વધે છે.

પ્રારંભિક સારવાર : ઉગ્ર રુધિરકૅન્સરની પ્રારંભિક સારવારમાં નસ વાટે પ્રવાહી (1.5થી 2 લિટર/દિન), અર્બુદવિલયન સંલક્ષણ (tomour lysis syndrome) અંગેનો પ્રતિરોધ (prophylaxis), રક્તકોષો (હીમોગ્લોબિન) કે ગંઠનકોષો(platelets)ની ઊણપ હોય તો જે તે લોહીનું ઘટક વગેરે અપાય છે. દર્દીને એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ અને બિનસ્ટીરોડી પીડાનાશકો (NSAIDs) જેવાં ગંઠનકોષોના વિરોધી ઔષધો ન લેવાનું સૂચવાય છે. લોહીમાં શ્વેતકોષો ઓછા હોય કે શરીરમાં ચેપ (તાવ, ઝાડા, વગેરે) હોય તો યોગ્ય એન્ટિબાયોટિક (પ્રતિજૈવ ઔષધ) અપાય છે.

લોહીના કોષોનું વધુ પડતું ઉત્પાદન અને નાશ થતો હોય અથવા ઔષધચિકિત્સાથી તેમની સંખ્યા ઝડપથી ઘટતી હોય ત્યારે કેટલાક રાસાયણિક (ચયાપચયી) વિકારો થાય છે. તેને અર્બુદવિલયન સંલક્ષણ (tumour lysis syndrome, TLS) કહે છે. જો દર્દીને શ્વેતકોષોની સંખ્યા વધુ હોય, LDHનું સ્તર વધેલું હોય, યુરિક ઍસિડની રુધિરસપાટી વધેલી હોય અથવા શરીરમાં ઘણી ગાંઠો હોય તો TLSનું જોખમ વધે છે. તે સમયે ક્રિયેટિનિન, યુરિક ઍસિડ અને ફૉસ્ફરસ વધે છે, કૅલ્શિયમ ઘટે છે, અમ્લતાવિકાર (acidoris) થાય છે. લોહી ગંઠાવાની ક્રિયામાં વિકાર થાય છે. સારવારમાં દર્દીને નસ વાટે સોડિયમ બાયકાર્બોનેટવાળું અર્ધનોર્મલ સલાઇન તથા એલોપ્યુરિનોલ અપાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં રુધિરપારગલન (haemodialysis) કરાય છે.

નિદાન : રુધિરકૅન્સરનું નિદાન કરવા માટે દર્દીની તકલીફોનું વૃત્તાંત મેળવાય છે તથા શારીરિક તપાસ કરાય છે. પરિભ્રમણ કરતા લોહીનાં ટીપાંને કાચની તકતી પર પથારીને કરાતા આલેપ(smear)ની કે અસ્થિમજ્જા(bone marrow)માંથી પેશી  મેળવીને તેના કરાયેલા આલેપની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરવામાં આવે છે. છેલ્લી ક્રિયાને અસ્થિમજ્જા પેશીપરીક્ષણ (bone marrow biopsy) કહે છે. લોહીમાં પરિભ્રમણ કરતા કોષોનું કોષમાપન તથા પૂરતી સંખ્યામાં ફરતા કૅન્સરકોષો (જેમને રુધિરકૅન્સરના બીજકોષો – blast cells અથવા blasts – કહે છે.) હોય તો તેમનું સૂક્ષ્મદર્શક વડે અવલોકન એમ એ બે પ્રક્રિયાઓ વડે નિદાન થઈ શકે છે. તેવા સંજોગોમાં પીડાકારક અસ્થિમજ્જા પેશીપરીક્ષણની ક્રિયાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત લોહીના ગંઠાઈને ગુલ્મ બનાવવાની ક્રિયા સંબંધિત પરીક્ષણો (ગુલ્મન કસોટીઓ, coagulation tests) કરાય છે જેમકે પ્રોથ્રોમ્બિન કાળ, પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન કાળ, ડી-ડાઇપર, ફાઇબ્રિનોજન વગેરે. લોહીમાં યુરિક ઍસિડનું સ્તર જાણી લેવાય છે. બીજકોષોનો કોષજનીની (cytogenetic), કોષરાસાયણિક (cytochemical) તથા કોષપ્રવાહમિતિક (flood cytometric) વડે અભ્યાસ કરાય છે. તેના વડે નિદાન કરી શકાય છે. કોષજનીની તપાસ રંગસૂત્રીય અને જનીની વિકૃતિઓ દર્શાવે છે. સુદાન બ્લેક, માયેલોપેરોક્સિડેઝ, ઍસિડ ફૉસ્ફેટેઝ તથા વિશિષ્ટ કે અવિશિષ્ટ ઇસ્ટરેઝ સંબંધિત અભિરંજનો (staining) વડે કોષરાસાયણિક કસોટીઓ કરાય છે. જો દર્દીમાં અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplantation) અંગે વિચારાતું હોય તો માનવ શ્વેતકોષી પ્રતિજનો (human lencocyte antigen, HLA) અંગેનું પરીક્ષણ કરાય છે. આ ઉપરાંત દર્દીમાં યકૃતશોથ-બી (hepatitis-B) સાયટોમેગેલોવિષાણુ, હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ, માનવ ટી-કોષી રુધિરકૅન્સર વિષાણુ તથા માનવ પ્રતિરક્ષા ઊણપકારી વિષાણુ (HIV) અંગે પણ તપાસ કરાય છે. સારણી 2માં વિવિધ રંગસૂત્રીય વિકૃતિઓ અને રુધિરકૅન્સરવાળા દર્દીઓને ઉદભવતા જોખમને દર્શાવાયું છે.

સારણી 2 : ઉગ્ર રુધિરકૅન્સરના દર્દીમાં જોખમ કરતી જનીનીય વિકૃતિઓ

રુધિરકૅન્સર

જોખમ

જનીનીય/રંગસૂત્રીય વિકૃતિઓ

AML ઓછું

 

સામાન્ય

 

વધુ

t(15; 17), inv (16), del (16q),

t(6; 16), t(8; 21), del (9q)

કોઈ વિકૃતિ નહિ અથવા જોખમ કરતી વિકૃતિઓ

સિવાયની વિકૃતિઓ

-5, -7, inv (3), t (3; 3), t (9; 22), 11q23ની

વિષમતા, 3 કે વધુ વિકૃતિઓ, t (6; 9)

ALL ઓછું

 

વધુ

8q24 પ્રતિસ્થાપન (translocation)

t (12; 21), t (10; 14), t (7; 10)

t (9; 22), t (4; 11), t (1; 19) વગેરે

નોંધ : t = પ્રતિસ્થાપન (translocation) – કૌંસમાં આપેલા ક્રમાંકનાં રંગસૂત્રો વચ્ચે; inv = કૌંસમાં દર્શાવેલા રંગસૂત્રમાં જનીનપટ્ટાઓનો ક્રમ ઊંધો થયેલો હોય, del = કૌંસમાં દર્શાવેલા રંગસૂત્રની ભૂજાના જે તે સ્થાનેથી રંગસૂત્રનો આંશિક લોપ, 5 અને 7 = 5 અને 7 રંગસૂત્રનો લોપ

(1) ઉગ્ર લસિકાકોષી રુધિરકૅન્સર અથવા એક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યૂકીમિયા (ALL) : બાળકોમાં થતા રુધિરકૅન્સરના 90 % દર્દીઓને ALL થાય છે. પુખ્તવયે તેનું પ્રમાણ ઘણું ઓછું (20 %) હોય છે. પુરુષોમાં તેનો સહેજ વધુ દર જોવા મળે છે. વિકિરણન (radiation) પછી તથા ઍટેક્સિયા ટેલેન્જિઍક્ટેસિયા, ડાઉનનું સંલક્ષણ, ફાન્કોની ઍનિમિયા વગેરે વિકારોમાં તે થતું જોવા મળ્યું છે. એક જ ફલિતાંડ(zygote)માંથી જન્મતાં જોડિયાં બાળકોમાં તે 20 %ના દરે થતું જોવા મળ્યું છે. બર્કિટના લિમ્ફોમામાં જોવા મળતી જનીનીય વિકૃતિ t (8; 14) ટ્રાન્સલોકેશન પણ ALLના ઉદભવ સાથે સંકળાયેલી છે. આ વિકૃતિમાં C-myc પ્રકારનો કૅન્સરકારક જનીન (oncogene) 8મા રંગસૂત્ર પરથી 14મા રંગસૂત્ર પર જાય છે. અન્ય જનીની (genetic) વિકૃતિઓને કારણે ALL થાય છે. દા.ત., t (9; 22) અને t (4; 11) વિકૃતિઓ પણ જોવા મળે છે. જનીની વિકૃતિઓ 50 % કિસ્સામાં થાય છે. ક્યારેક ફિલાડેલ્ફિયા રંગસૂત્રીય વિકૃતિ (17 %થી 25 %) જોવા મળે છે. જનીનીય વિકૃતિ હોય ત્યારે સારવારનું પરિણામ સારું હોતું નથી. માનવ ટી-લસિકાકોષી રુધિરકૅન્સર વિષાણુના ચેપમાં ALL થાય છે.

(1) ALLનું નિદાન : અચાનક થાક, અશક્તિ, હાડકાંમાં દુખાવો (ખાસ કરીને છાતી મધ્યમાં આવેલા વક્ષાસ્થિ  sternum), પરસેવો થવો, લોહી પડવું, ચામડીમાં લોહીના ડાઘા પડવા વગેરે લક્ષણો થઈ આવે છે. T-પ્રકારના ALLમાં ખાસ, છતાં અન્ય ALLમાં પણ ઘણી વખત મગજ અને તેની તાનિકાઓ(meninges)માં ફેલાયેલો રોગ માથાનો દુખાવો, ઊલટી, વિવિધ પ્રકારના લકવા વગેરે કરે છે (5%થી 10 %). ફીકાશ, ચામડીમાં લોહીના નાનામોટા ડાઘા, મોટી થયેલી લસિકાગ્રંથિઓ(lymphnodes)ની ગાંઠો, બરોળ (spleen) અને યકૃત(liver)ના કદમાં વધારો વગેરે જોવા મળે છે. T-ALLમાં છાતીના મધ્યભાગ  મધ્યવક્ષ(mediastinum)ની (પુખ્તવયે, 15 %) અને બર્કિટ-સમ (L3) પ્રકારના ALLમાં પેટની લસિકાગ્રંથિઓ ઘણી મોટી થાય છે. આ બંને પ્રકારના રોગમાં સારવારનું પરિણામ ઘણી વખત સારું આવતું નથી. ALLનો ઊથલો મારે ત્યારે ઘણી વખત શુક્રપિંડ અસરગ્રસ્ત થઈને મોટાં થાય છે. જો શ્વેતકોષોની સંખ્યા 50,000થી વધે તો ક્યારેક કેશવાહિનીઓમાં કૅન્સરકોષો જામી જાય છે. તેવું AMLમાં પણ બને છે. તેવે સમયે શ્વેતકોષગાળણ (leukapharesis) કરાય છે તથા કોષોની સંખ્યા ઘટાડવા હાઇડ્રોક્સિયુરિયા કે નસ વાટે સાઇક્લોફૉસ્ફેમાઇડ અપાય છે.

કોષોનો દેખાવ અને પ્રતિરક્ષાલક્ષી (immunological) કસોટીઓને આધારે FAB વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તે પ્રમાણે ALLના ત્રણ પ્રકાર છે  L1, L2, L3. L1 પ્રકાર બાળકોમાં થાય છે અને તેમાં એકસરખા (homogenous) નાના લસિકાબીજકોષો (lymphoblasts) હોય છે. તેનાં કોષકેન્દ્રો (nuclei) એકસરખાં અને કોષકેન્દ્રિકાઓ (nucleoli) મોટી હોય છે. પુખ્તવયે સૌથી વધુ L2 પ્રકાર જોવા મળે છે. તેના કોષો મોટા અને વિવિધ કદના (heterogenous) હોય છે. તેમનાં કોષકેન્દ્રો અનિયમિત હોય છે. કોષકેન્દ્રિકાઓ 1 કે 2 અને અસ્પષ્ટ હોય છે તથા કોષરસ પુષ્કળ હોય છે. L3 પ્રકારના કોષો બર્કિટના કોષોને મળતા આવે છે, તે મોટા હોય છે, તેમનો કોષરસ ગાઢા ભૂરા રંગે અભિરંજિત થાય છે. તેમાં રસધાનીઓ હોય છે અને કોષકેન્દ્રિકાઓ સ્પષ્ટ દેખાઈ આવે છે. ALL અને AML વચ્ચે કોષોના દેખાવથી તફાવત પાડી શકાય એમ ન હોય ત્યારે ખાસ પેશી-રાસાયણિક (histochemical) કસોટીઓ કરવામાં આવે છે. ALLના કોષોમાં PAS નામનું દ્રવ્ય હોય છે તથા TdT નામનો ઉત્સેચક (enzyme) હોય છે. આ બંને દ્રવ્યો દર્શાવવાથી ALLનું નિદાન થઈ શકે છે. પ્રતિરક્ષાલક્ષી પદ્ધતિએ પણ ALLનું વર્ગીકરણ કરાય છે. સપાટી પરનાં સૂચક દ્રવ્યો(markers)ને આધારે તેમને T-કોષી (T-cell) ALL (5 %થી 20 %), B-કોષી ALL (2 %થી  7 %) તથા Null-કોષી ALL અથવા નહિ-T-નહિ -B ALL (75 %થી 80 %) એમ વિભાજિત કરાય છે. Null-ALLના કોષના કોષરસમાં સૂચક દ્રવ્યોની હાજરી હોય તો તેમને પૂર્વ-B (pre-B) ALL કહે છે. લગભગ  પ્રકારના ALLમાં સર્વસામાન્ય ALL પ્રતિજન (common ALL antigen) હોય છે અને તેમને ‘CALL A +ve’ પ્રકાર તરીકે ઓળખાય છે. B-કોષી અને T-કોષી ALLની સારવારનું પરિણામ સારું હોતું નથી જ્યારે Null-ALLની સારવારનું સુંદર પરિણામ આવે છે (સારણી 3).

WHOના વર્ગીકરણમાં ALLને પૂર્વગ-B-કોષી (precursor-B-cell), પૂર્વગ-T-કોષી અને બર્કિટ-કોષી રુધિરકૅન્સર તરીકે વર્ગીકૃત કરાય છે. બી-કોષી કૅન્સરમાં CD19, CD20, CD10, TdT અને ઇમ્યુનોગ્લોબ્યુલિન; ટી-કોષી કૅન્સરમાં TdT, CD2, CD3, CD4, CD5 અને CD7નાં સૂચક દ્રવ્યો (markers) હોય છે. બર્કિટના રુધિરકૅન્સરમાં રંગસૂત્ર 8 અને 14 અથવા 2 અને 22 વચ્ચે પ્રતિસ્થાપન (translocation) થાય છે.

સારણી 3 : ALLનું પ્રતિરક્ષાલક્ષી (immunological) વર્ગીકરણ

ઉપપ્રકાર

પૂર્વગ-B કોષી B-કોષી

T-કોષી

દર 75 %થી 80 % 2 %થી 7 % 15 %થી 20 %
ચિહનો અને લક્ષણો વિશેષ
લક્ષણો નહિ
પેટમાં ગાંઠો,
મગજમાં
ફેલાવો
છાતીના
પોલાણમાં
ગાંઠો,
મગજમાં
ફેલાવો
FAB વર્ગીકરણ L1 – L2 L3 L1–L2
બાળકોમાં સરેરાશ
ઉંમર (વર્ષ)
4.4 8.7 % 7.5 %
LDHનું સરેરાશ
પ્રમાણ (IU / L)
450 1600 1624
પુરુષ/જાતિ (%) 55 75 68
છાતીના પોલાણમાં
ગાંઠ (%)
1 0 55
CALL A ‘+ve’ (%) 90 47 30
રંગસૂત્રોની સંખ્યા
50થી વધુ (%)
18થી 30 0 5
જનીનીય વિકૃતિઓ (%) 35થી 59 100 40
સારવારનું પરિણામ સારું સારું નહિ સારું નહિ

લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે (પાંડુતા, anaemia), શ્વેતકોષોની સંખ્યા વધીને 1,00,000 / ડેલિ. થાય છે અને ભ્રમણ કરતા લોહીમાં ઘણા બીજકોષો (blasts) જોવા મળે છે. અસ્થિમજ્જામાં 30 %થી વધુ કોષો લસિકાબીજકોષો (lymphoblasts) હોય છે. તટસ્થ કણિકાકોષો (neutrophils) ઘટે છે અને તેથી ચેપ લાગવાનો ભય થાય છે અને ગંઠનકોષો (platelets) ઘટે છે અને લોહી વહેવાનો ભય ઉત્પન્ન થાય છે. લોહીમાં લૅક્ટિક ડિહાઇડ્રોજીનેઝ અને યુરિક ઍસિડનું પ્રમાણ વધે છે. અસ્થિમજ્જાનું જીવપેશીપરીક્ષણ (bone marrow biopsy) વડે નિદાન કરાય છે.

(1) ALLની સારવાર અને પરિણામ : બાળકોને થતું ALL લગભગ 50 % કિસ્સામાં મટે છે. પુખ્તવયે થતા ALLના દર્દીઓનો 5 વર્ષથી વધુ જીવવાનો દર 35 %થી 45 % છે. નાની (2થી 9 વર્ષની) ઉંમરની છોકરી જેને નિદાન સમયે 15થી 30,000 / ડેલિ. શ્ર્વેતકોષો હોય, 4થી ઓછાં અઠવાડિયાંનો  પ્રારંભિક ઉદભવકાળ (induction period) હોય, L1 પ્રકાર, ‘CALL A positive’ પ્રકાર અને જનીનીય વિકૃતિઓની ગેરહાજરી હોય, લોહીમાં ઓછા બીજકોષો, નાની બરોળ તથા ચેતાતંત્રમાં રોગ પ્રસરેલો ન હોય, ગંઠનકોષો ઘટ્યા ન હોય તેમજ છાતીના પોલાણના મધ્યભાગમાં ગાંઠો ન હોય તો સારવારનું પરિણામ ઘણું સારું આવે છે (60 %થી 70 %).

ALLની મુખ્ય સારવાર દવાઓ વડે થાય છે. વિવિધ પ્રકારનાં ઔષધોને જુદી જુદી ચોક્કસ રીતે આપવામાં આવે છે. તેનો સંશોધનાત્મક અભ્યાસ પણ થાય છે. તેને ઔષધચિકિત્સા(chemotherapy)ના પ્રોટોકૉલ કહે છે. 90 % ઉપરની પુખ્ત વ્યક્તિઓ અને 95 %થી 97 % બાળકોમાં પ્રારંભિક સારવારને અંતે કાબૂમાં આવે છે. પ્રારંભિક સારવારને રોગનિયંત્રણ (remission-induction) કહે છે. ત્યારબાદ તેને કાબૂમાં રાખવા માટે સતત 2.5થી 3 વર્ષ દવાઓ અપાય છે. વચ્ચે વચ્ચે દર 1થી 3 મહિને ફરીથી પ્રારંભિક સારવારની દવાઓ અપાય છે, જેથી વચ્ચે ઉદભવતો ઉગ્ર વિકાર કાબૂમાં રહે. પ્રારંભિક સારવાર માટે 3 અથવા 4 દવાઓ વપરાય છે : ડૉક્સોરુબિસિન, વિન્ક્રિસ્ટિન, પ્રેડ્નિસોલોન અને એલ-ઍસ્પારજીનેઝ. પ્રારંભિક સારવારને અંતે રોગ કાબૂમાં આવી જાય તો કેન્દ્રીય ચેતાતંત્ર(CNS)માં તે દેખા ન દે તે માટે મગજ પર પ્રતિરોધક (prophylactic) વિકિરણન-સારવાર (radiotherapy) અને મગજ અને કરોડરજ્જુની આસપાસના પ્રવાહી(cerebro-spinal fluid, CSF)માં મિથોટ્રેક્ઝેટ કે સાયટોસિન એરાબિનોસાઇડ અને ડેક્ઝામિથેઝોન અપાય છે. તે સમયે 6 મર્કેપ્ટોપ્યુરિન વડે લોહીમાંનો રોગ કાબૂમાં રખાય છે. ત્યારબાદ રોગને કાબૂમાં રાખવા માટે મિથોટ્રેક્ઝેટની ગોળી પણ ઉમેરાય છે. વચ્ચે વચ્ચે (1થી 3 મહિને) પ્રારંભિક સારવારમાં વપરાતી દવાઓ અપાય છે. વિશ્વમાં વિવિધ સ્થળે વપરાતા પ્રોટોકૉલ્સ, NCI, UKALL, હાઇપર (- VAD) વગેરે નામે ઓળખાય છે. તેઓ ઉપર જણાવેલ દવાઓને સહેજ અલગ અલગ રીતે આપવાની પદ્ધતિઓ અજમાવે છે. હીમોગ્લોબિન તથા ગંઠનકોષોની ઊણપ માટે રક્તકોષો અને ગંઠનકોષો નસ વાટે અપાય છે. યુરિક ઍસિડનું પ્રમાણ ઘટાડવા અને મૂત્રપિંડનું રક્ષણ કરવા એલોપ્યુરિનૉલ અપાય છે. જરૂર પડ્યે ઍન્ટિબાયૉટિક દવા અપાય છે. પેશાબને આલ્કલાઇન કરાય છે. સારવારમાં એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો (monoclonal antibodies), દા.ત, રિટુક્સિમેબ, એલેમ્ટુઝમેબ અને જેમ્ટુઝુમેબ વગેરેને વાપરવાના પ્રયોગો થઈ રહ્યા છે.

પુખ્તવયે થતા ALLમાં 50 % ઉપરના દર્દીઓમાં રોગ ઊથલો મારે છે, તે ઉપર જણાવેલી દવાઓથી મોટેભાગે કાબૂમાં આવે છે. અગાઉના સમયે બીજા ઊથલા પછી સ્વજનીની (autologous) અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplantation, BMT) કરાતું હતું પણ વધુ જોખમવાળા દર્દીમાં રોગ જ્યારે પહેલી વખત કાબૂમાં આવે ત્યારે તે કરવાનું સૂચવાય છે. તેમાં દર્દીની પોતાની જ અસ્થિમજ્જાનો ઉપયોગ કરાય છે.

દવાઓ નિષ્ફળ જાય ત્યારે રોગ ઊથલો મારે છે. તે સમયે અસ્થિમજ્જા અને ભ્રમણ કરતા લોહીમાં બીજકોષો (blasts) વધે છે. મગજ કે કેન્દ્રીય ચેતાતંત્ર(CNS)માં કે શુક્રપિંડમાં ALLના કોષોની સંખ્યા વધે છે. CNSમાં થતા ઊથલાની સારવાર રૂપે વિકિરણન તથા કમરમાં ઇન્જેક્ષન વડે CSFમાં દવાઓ અપાય છે. દવાઓથી વિવિધ તકલીફો થાય છે, જેમ કે વાળ ખરવા, ક્યારેક મોંમાં ચાંદાં પડવાં, વિવિધ પ્રકારના ચેપ લાગવા, લોહી વહેવાની તકલીફ થવી વગેરે. લાંબા ગાળાની પણ કેટલીક મહત્વની તકલીફો છે. દા.ત., મગજમાં શ્વેતદ્રવ્યવિકાર (leucoencephalopathy), ખેંચ આવવી, બુદ્ધિકક્ષા ઘટવી, છોકરાઓમાં  વંધ્યતા (sterility) આવવી, બીજું કૅન્સર થવું, કેટલાક અવયવો(થાઇરૉઇડ, યકૃત, હૃદય)ની કાર્યક્ષમતામાં વિકાર થવો વગેરે. જોકે આવી આનુષંગિક તકલીફોની એટલી બધી તીવ્રતા હોતી નથી કે જેને કારણે દવા બંધ કરવી પડે.

(2) ઉગ્ર અલસિકાકોષી અથવા મજ્જાભ રુધિરકૅન્સર  એક્યૂટ નૉનલિમ્ફોસાયટિક અથવા માયેલૉઇડ લ્યૂકીમિયા(ANLL અથવા AML)નાં કારણો : દર 1 લાખ અમેરિકને 2.3ને AML થાય છે અને તે 30 વર્ષની ઉંમર પછી 1/100000ના દરે વધે છે, તેથી 75 વર્ષની વયે તેનો દર 14 / 100000 થાય છે. પુખ્તવયના રુધિરકૅન્સરના 80 % AML હોય છે (ટોચ નવસંભાવ્ય દર 6069 વર્ષ વચ્ચે). લોહીના ઉગ્ર કૅન્સરના દર્દીઓમાં થતા મૃત્યુનું મુખ્ય કારણ AML છે. વિકિરણન દવાઓ અને ઔષધોનો સંસર્ગ AML કરે છે. એક્સ-રે-વિદ્ તબીબો(radiologists)માં તેનું પ્રમાણ નવગણું વધારે છે. જાપાનમાં પરમાણુવિસ્ફોટ પછી જીવતી રહેલી વ્યક્તિઓમાં તે વ્યાપકપણે જોવા મળ્યું હતું. બેન્ઝિન, અલ્કાયલેટિંગ દવાઓ, ક્લોરેમ્ફેનિકોલ અને ફિનાયલબ્યુટેઝોન પણ AML કરે છે. મેલ્ફલાન, સાઇક્લોફૉસ્ફેમાઇડ, ક્લોરેમ્બ્યુસિલ, બુસલ્ફાન, થાયો-ટેપા તથા CCNU કૅન્સરવિરોધી અલ્કાયલેટિંગ દવાઓ છે. તે પણ AML કરે છે. કેટલાંક જન્મજાત સંલક્ષણો અને વિકારો પણ AML કરે છે. લોહીના કેટલાક રોગો, દા.ત., પૉલિસાયથિમિયા વેરા, પ્રાયમરી થ્રૉમ્બોસાયટોસિસ, ઍગ્નોજેનિક માયેલૉઇડ મેટાપ્લેઝિયા, માયેલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમ, પેરૉક્સિઝમલ નોક્ચર્નલ હીમોગ્લોબિનુરિયા વગેરે રોગોમાં પણ AML થાય છે. કૅન્સરની સારવાર પછી AML થાય છે. સામાન્ય રીતે તે હૉજકિનનો રોગ, લસિકાર્બુદ (lymphoma), સ્તન કે અંડપિંડનું કૅન્સર કે લઘુકોષી (small cell) કે પ્રજનકકોષી (germ cell) કૅન્સરની સારવારમાં વપરાતા અલ્કાયલેટિંગ ઔષધો (દા.ત, સાઇક્લોફૉસ્ફેમાઇડ) કે સિસ-પ્લૅટિન પછી લાંબા ગાળે થાય છે. તેવી રીતે ટોપોઆઇસોમરેઝ-II જૂથનાં ઔષધો પણ મજ્જાદુ:સર્જી સંલક્ષણ (myelodysplastic syndrome) તથા AML કરે છે.

(2) AMLનું નિદાન : ALLની જેમ દર્દીને થાક લાગે, અશક્તિ લાગે, વજન ઘટે, શ્વાસ ચડે, તાવ આવે, લોહી વહેવાની પ્રકૃતિ થાય, વારંવાર ચેપ લાગે, લસિકાગ્રંથિઓ, બરોળ અને યકૃતમાં કૅન્સરકોષોનો ભરાવો થવાથી તે મોટા થાય વગેરે જોવામાં આવે છે. મૉનોસાયટિક ઉપપ્રકાર(M5)માં અવાળુ, ચામડી અને અન્ય અવયવોમાં કોષોનો ભરાવો થાય છે. પ્રોમાયેલોસિટિક ઉપપ્રકાર(M3)માં DIC નામનો બધા ભાગમાંથી લોહી વહેવાનો વિકાર થાય છે. માંડ 2 % દર્દીઓમાં મગજ અને કેન્દ્રીય ચેતાતંત્ર(CNS)માં રોગ ફેલાય છે. તે સમયે માથાનો દુખાવો, ઊબકા, ઊલટી, વિવિધ પ્રકારના લકવા તથા મગજના કાર્યમાં વિક્ષેપ થાય છે. કોઈ અવયવ કે પેશીમાં બીજકોષો જમા થઈને નીલા (ભૂરાશ પડતા લીલા) રંગની ગાંઠ બનાવે છે તેને નીલાર્બુદ (chloroma) અથવા કણિકાકોષીય માંસાર્બુદ (granulocytic sarcoma) કહે છે. જન્મજાત લ્યૂકીમિયા મોટેભાગે AML પ્રકારનું હોય છે. તેને રુધિરકૅન્સરસમ પ્રતિક્રિયા(leukaemoid reaction) નામના એક વિકારથી અલગ તારવવું મુશ્કેલ પણ જરૂરી ગણાય છે.

FAB વર્ગીકરણની પદ્ધતિ પ્રમાણે 7 પ્રકારના AML છે – M1થી M7. તેમનાં નામ છે : અવિભેદિત (undifferentiated, M1), વિભેદિત (differentiated, M2), પ્રોમાયેલોસાયટિક (M3), માયેલોમોનોસાયટિક (M4), મૉનોસાયટિક (M5), એરિથ્રોલ્યૂકીમિયા (M6) અને મેગાકેરિયોસાયટિક (M7). M1થી M4 પ્રકારોમાં પેરૉક્સિડેઝ કસોટી હકારાત્મક પરિણામ આપે છે તથા M1થી M3માં સુદાન-બ્લૅક કસોટી હકારાત્મક હોય છે. M3થી M5 અને M7 પ્રકારોમાં સ્પેસિફિક ઈસ્ટરેઝ (SE) અને / અથવા નૉનસ્પેસિફિક ઈસ્ટરેઝ (NSE) હકારાત્મક પરિણામ આપે છે. M6 પ્રકારમાં PAS કસોટી હકારાત્મક હોય છે. આ પાંચે પ્રકારની કસોટીઓને પેશી-રાસાયણિક (histochemical) કસોટીઓ કહે છે અને તે ANLL અને ALLને અલગ પાડવામાં ઉપયોગી બને છે. M6 પ્રકારને એરિથ્રોલ્યૂકીમિયા કહે છે. આ વર્ગીકરણમાં એક્યૂટ મેગાકેરિયોસાયટિક લ્યૂકીમિયાનો પણ M7 ઉપપ્રકાર રૂપે ઉમેરો કરાયો છે.

લોહીમાં હીમોગ્લોબિન અને ગંઠનકોષો (platelets) ઘટે છે, શ્વેતકોષો તથા બીજકોષો (blasts) વધે છે. પરંતુ એક્યૂટ પ્રોમાયેલોસાયટિક લ્યૂકીમિયા(M3)માં બધા જ પ્રકારના કોષો ઘટે છે. અસ્થિમજ્જાનું જીવપેશીપરીક્ષણ (bone marrow biospy) વડે નિદાન કરાય છે. એક્યૂટ પ્રોમાયેલોસાયટિક લ્યૂકીમિયા(M3)માં રુધિરના ગંઠાવાની પ્રક્રિયામાં વિકાર ઉદભવે છે. તેથી પ્રોથોમ્બિન ટાઇમ (PT), પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઇમ (PTT), ડી-ડાઇપર તથા ફાઇબ્રિનોજન વગેરે કસોટીઓ કરાય છે. જે દર્દીમાં અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplantation) કરવાની સંભાવના હોય તેમાં માનવ શ્વેતકોષી પ્રતિજન (human leukocytic antigen, HLA) અંગેની કસોટી પણ કરાય છે. દરેક ઉગ્ર રુધિરકૅન્સરની માફક વિવિધ વિષાણુઓના ચેપની કસોટી કરાય છે. જો M3 લ્યૂકીમિયાની શંકા હોય તો FISH નામની કસોટીથી રંગસૂત્રોની 15 : 17 પ્રતિસ્થાપન (translocation) સંજ્ઞા ધરાવતી વિકૃતિ અંગે જાણકારી મેળવાય છે.

(2) AMLની સારવાર અને પરિણામ : આ સૌથી જોખમી પ્રકારનું લોહીનું કૅન્સર છે. સારવાર વગર 2થી 4 મહિનાનો જીવનકાળ હોય છે. દવા વડે 20 %થી 75 % દર્દીઓમાં રોગ કાબૂમાં આવે છે; પરંતુ શ્રેષ્ઠતમ સારવારની સગવડ હોય તો ફક્ત 20 %થી 25 % દર્દીઓ 5 વર્ષ કે વધુ જીવે છે. જેમને પહેલાં માયેલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમ થયેલો હોય તેમની બાબતમાં પરિણામ ઘણું જ ઓછું સારું હોય છે. M3 અને M4 પ્રકારમાં જો ઈઓસીનરાગી કોષો (eosinophils) વધુ હોય તો લાંબા સમય સુધી રોગ કાબૂમાં રહે છે.

કૅન્સરવિરોધી દવાઓની સારવાર શરૂ કરતાં પહેલાં દર્દીની સ્થિતિને સુધારવામાં આવે છે. લોહી તથા લોહીના ઘટકો વડે તેનું હીમોગ્લોબિન અને પ્લેટલેટ્સની સંખ્યા વધારાય છે. ચેપ લાગ્યો હોય તો ઍન્ટિબાયૉટિક અપાય છે. પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી, એલોપ્યુરિનૉલ અને પેશાબને આલ્કલાઇન કરતાં ઔષધો આપીને લોહીમાં પોટૅશિયમ, ફૉસ્ફેટ, યુરિક ઍસિડના વધેલા પ્રમાણ સામે, ઍસિડોસિસના વિકાર સામે તથા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ઘટેલા પ્રમાણ સામે રક્ષણ અપાય છે.

ડૉક્સોરુબિસિન અને સાયટોસાઇન એરાબિનોસાઇડ (સાયટાર્બિન) અથવા માયટોઝેન્ટ્રોન અથવા આયડારુબિસિનની મદદથી રોગને કાબૂમાં લેવાય છે. તે માટે 60 વર્ષથી ઓછી વયે ભારે માત્રામાં સાયટાર્બિન અથવા ઇટોપોસાઇડ વાપરવાના પ્રયોગો પણ થયેલા છે. સામાન્ય રીતે એન્થ્રાસાઇક્લિન(ડૉક્સોરુબિસિન)ને 3 દિવસ માટે તથા સાયટાર્બિનને 7 દિવસ માટે અપાય છે. તેને ‘3 + 7’ની સારવાર કહે છે. જો 14મા દિવસે અસ્થિમજ્જામાં 5 %થી ઓછા બીજકોષો (blasts) હોય તો લાભવર્ધક સારવાર રૂપે ‘2 + 5’ની સારવારનાં 2 કે 3 આવર્તનો અપાય છે. આમાં એન્થ્રાસાયક્લિન 2 દિવસ અને સાયટાર્બિન 5 દિવસ અપાય છે. જો 14મા દિવસે 40 % – 50 % જેટલા બીજકોષો રહી જાય તો સાયટાર્બિનની ભારે માત્રાનો પ્રયોગ કરાય છે. સારવાર વખતે શ્વેતકોષોની સંખ્યા વધારવા G-CSFનો ઉપયોગ કરાય છે. સાયટાર્બિનની ભારે માત્રાની સારવારમાં આંખોના રક્ષણ માટે ડેક્ઝામિથેઝોનનાં ટીપાં વપરાય છે. ઊથલો મારે ત્યારે સારવાર ફરી શરૂ કરાય છે. રોગ ઊથલો મારે ત્યારે સમજનીની (allogenic) અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplant, BMT) કરવાનું સૂચવાય છે. સ્વજનીની (autologous) BMTના પ્રયોગો પણ થાય છે. લગભગ સમાન જનીનો ધરાવતી અન્ય વ્યક્તિની અસ્થિમજ્જાનો ઉપયોગ કરાય ત્યારે તેને સમજનીની પ્રત્યારોપણ કહે છે. વ્યક્તિની પોતાની જ અસ્થિમજ્જા કે આદિકોષોનો ઉપયોગ કરાય તો તેને સ્વજનીની પ્રત્યારોપણ કહે છે. તે માટે 4 હાઇડ્રો-પેરૉક્સિ-સાઇક્લોફૉસ્ફેમાઇડ વપરાય છે. BMT મેળવેલા દર્દીઓના 31 % 21 મહિનાથી વધુ જીવે છે. 60 વર્ષથી વધુ વયે ઊથલો મારે તો માયેલોટાર્ગ (ઝેમ્ટુઝુમેબ) નામનું ઔષધ ઉપયોગી રહે છે. તે CD-33 વિરોધી પ્રતિદ્રવ્ય છે. AMLની સારવારમાં મુખ્ય સમસ્યા ભારે જોખમી ચેપ લાગવાની, લોહી વહેવાનો વિકાર થવાની તથા કેન્દ્રીય ચેતાતંત્ર(મગજ તથા અન્ય અવયવો)માં કૅન્સરકોષો જમા થવા વિશેની છે. સફળતા માટે વિશેષ સગવડવાળાં કેન્દ્રોમાં જ આ રોગની સારવાર કરી શકાય છે.

એક્યૂટ પ્રોમાયેલોસાયટિક લ્યૂકીમિયાની સારવાર અલગ પદ્ધતિએ થાય છે. તેમાં t(15; 17) પ્રકારની રંગસૂત્રીય વિકૃતિ હોય છે અને લોહી વહેવાનો જીવનજોખમી વિકાર થાય છે. રંગસૂત્રમાં થતા પ્રતિસ્થાપન(translocation)થી PML-RAR નામનું નવું પ્રોટીન બને છે, જે પ્રોમાયેલોસાઇટ નામના કોષોનું વિભેદન (differentiation) અટકાવીને આ કૅન્સર સર્જે છે. ઓલ-ટ્રાન્સ રેટિનોઇક એસિડ (ATRA) નામનું દ્રવ્ય આ વિભેદનમાંના અટકાવને દૂર કરે છે. તેથી સારવારની શરૂઆતમાં ATRAની મુખમાર્ગી ગોળીઓ અને એન્થ્રાસાઇક્લિન વડે રોગને કાબૂમાં લેવાય છે. લાભવર્ધન (consolidation) માટે એન્થ્રાસાઇક્લિન વપરાય છે જ્યારે રોગને કાબૂમાં રાખવા માટે-ATRA, 6-મર્કેપ્ટોપ્યુરિન અને મિથોટ્રેક્ઝેટ વપરાય છે. પ્રારંભિક સારવાર તથા રોગને કાબૂમાં રાખવા આર્સેનિક ટ્રાયોક્સાઇડના ઇન્જેક્ષનો પણ વપરાય છે. જરૂર પડ્યે અસ્થિમજ્જા-પ્રત્યારોપણ (bone-marrow transplant) પણ કરાય છે.

ઊથલો મારતો કે ઔષધોની અસર ન થાય તેવા AMLની સારવારમાં જેમ્ટુઝુમેબ, ‘3 + 7’ ઔષધચિકિત્સાનો પુન:પ્રયોગ, ફલ્યુટારાબિન + સાયટાર્બિન + G-CSF(FLAG)ની સારવાર, લાયપોસોમલ ડૉક્સોરુબિસિન અને સાયટાર્બિન અથવા ઇટોપોસાઇડ + માયટોઝેન્ટ્રોન ± સાયટાર્બિન(EM અથવા CEM)ની સારવાર કરાય છે. આ વિવિધ ઔષધસમૂહો વડે કરાતી સારવારનું પરિણામ લગભગ સરખું, ઓછું અને ટૂંકજીવી હોય છે.

(2–ઇ) એક્યૂટ અનડિફરન્શિયેટેડ તથા મિક્સ્ડ લાયનેજ લ્યૂકીમિયા : ક્યારેક કૅન્સરકોષો બંને પ્રકારના લ્યૂકીમિયાની કસોટીઓમાં હકારાત્મક પરિણામો આપે છે. હાલ તેના વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. નાનાં બાળકોમાં આવા દર્દીઓને ALLની સારવાર અપાય છે.

આકૃતિ : ફિલાડેલ્ફિયા ક્રોમોસોમ પ્રકારની વિકૃતિ (રંગસૂત્રો 9 અને 22) : 22મા રંગસૂત્રના ‘q’ ભાગમાંથી C-sis નામનો કૅન્સરજનીન (oncogene) 9મા રંગસૂત્રના ‘q’ ભાગમાં જોડાય છે, જ્યારે 9મા રંગસૂત્રના ‘q’માંનો C-alb નામનો કૅન્સરજનીન 22મા રંગસૂત્રના ‘q’ ભાગમાં જોડાય છે.

(3) દીર્ઘકાલી મજ્જાભકોષી રુધિરકૅન્સર અથવા ક્રૉનિક માયેલૉઇડ લ્યૂકીમિયા(CML)નાં કારણો : CMLને ક્રૉનિક માયેલોપ્રોલિફરેટિવ વિકારોના જૂથમાંનો એક રોગ ગણવામાં આવે છે. તેનું કારણ જાણમાં નથી. બેન્ઝીન અને વિકિરણનને તેનાં શક્ય કારણોમાં ગણવામાં આવે છે. 95 % કિસ્સામાં ફિલાડેલ્ફિયા રંગસૂત્ર નામની જનીનીય વિકૃતિ જોવામાં આવે છે. તેમાં 9મા અને 22મા રંગસૂત્રોના ‘q’ ભાગ(મોટી ભુજા)ના ટુકડા છૂટા પડીને એકબીજામાં જોડાય છે. આ રંગસૂત્રીય પ્રતિસ્થાપન(translocation)ને સૂત્રાત્મક રૂપે t(9; 22) (q34.1; q11.21) એમ દર્શાવવામાં આવે છે (જુઓ આકૃતિ). આ પ્રક્રિયામાં 9મા રંગસૂત્રનો ABL કૅન્સરજનીન (oncogene) અને 22મા રંગસૂત્રના BCR વિસ્તાર પર પ્રતિસ્થાપિત થાય છે. તેને કારણે એક નવો BCR-ABL જનીન બને છે. તે P210-BCR-ABL નામનું પ્રોટીન બનાવે છે, જે ટાયરોસિન કાયનેઝ નામના ઉત્સેચક(enzyme)ની સક્રિયતાને અસર કરીને CML કરે છે.

(3) CMLનું નિદાન : CMLના 3 તબક્કા છે. ઉગ્ર અથવા બીજકોષી સંકટ (blastic crisis), દીર્ઘકાલી અથવા સ્થિરસ્થિતિ (stable) અને આક્રમક (accelerated) તબક્કો. શરૂઆતમાં દીર્ઘકાલી તબક્કો હોય છે. થાક, અશક્તિ, ઘટેલી શ્રમક્ષમતા, વજનમાં ઘટાડો, સહેજ તાવ, રાત્રે પરસેવો, ઓછી ભૂખ, હાડકાંમાં દુખાવો અને પેટના ડાબા ઉપલા ભાગમાં ભારેપણું જેવાં લક્ષણો જોવા મળે છે. આ દીર્ઘકાલી તબક્કાનાં લક્ષણો છે. લક્ષણની તીવ્રતા ઓછી હોય છે અને બરોળ થોડીક મોટી થયેલી હોય છે. હીમોગ્લોબિન સામાન્ય કે સહેજ ઓછું હોય છે અને શ્વેતકોષો તથા પ્લેટલેટ્સ વધેલા હોય છે. લ્યુકોસાઇટ આલ્કલાઇન ફૉસ્ફેટેઝ(LAP)ના અંક ઓછા હોય છે. અસ્થિમજ્જા(bone marrow)માં 10 %થી ઓછા અપક્વ કોષો હોય છે અને માયેલૉઇડ કોષશ્રેણીની ટોચ માયેલોસાઇટ્સ (મજ્જાકોષો) બનાવે છે. તેમનામાં બીજકોષી સંકટ સામાન્ય રીતે 3થી 4 વર્ષે આવે છે.

આક્રમક તબક્કામાં લક્ષણોની તીવ્રતા વધે છે, બરોળ વધુ મોટી થાય છે, શ્વેતકોષોની સંખ્યાની વધઘટ થાય છે, હીમોગ્લોબિન અને પ્લેટલેટ્સ (ગંઠનકોષો) ઘટે છે, LAP અંક વધે છે અને લોહીમાં બેઝોરાગી (basophil) કોષો વધે છે. 6 મહિનાથી 2 વર્ષમાં બીજકોષી સંકટ ઉદભવે છે. બીજકોષી સંકટ ઉદભવે એટલે દર્દી એકદમ માંદો થાય છે, બરોળ તથા બીજકોષો(blasts)ની સંખ્યા વધે છે, હીમોગ્લોબિન તથા પ્લેટલેટ્સ ઘટે છે અને શ્વેતકોષો ખૂબ વધી જાય છે અથવા સાવ ઘટી જાય છે. સારવારની અસર થાય તે પછી જીવનકાળ 6 મહિનાથી વધુ લંબાય છે. અન્ય લ્યૂકીમિયાની જેમ લોહી તથા અસ્થિમજ્જાનું પરીક્ષણ નિદાન માટે જરૂરી બને છે. નિદાન નિશ્ચિત કરવા ક્યારેક LAP અંક અને ફિલાડેલ્ફિયા રંગસૂત્ર દર્શાવવાં જરૂરી બને છે. તેમને લ્યૂકીમિયા-સમ પ્રતિક્રિયા(leukaemoid reaction)થી ખાસ અલગ તારવવા પડે છે. બીજકોષી સંકટ થાય ત્યારે TdT અને અન્ય કસોટીઓની લસિકાકોષીય (lymphatic) અથવા મજ્જાકોષીય (myeloid) બીજકોષી સંકટ થયું છે તે શોધી કાઢવું જરૂરી ગણાય છે. બંને પ્રકારની સ્થિતિની સારવાર અને તેમનાં પરિણામ જુદાં જુદાં હોય છે.

(3) CMLની સારવાર અને પરિણામ : 50 % દર્દીઓ 3થી 4 વર્ષ અને 30 % દર્દીઓ 5 વર્ષથી વધુ જીવે છે. બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) વડે પરિણામ સુધારી શકાયું છે. લગભગ 10 %થી 20 % દર્દીઓ દર વર્ષે બીજકોષી સંકટના તબક્કામાં પ્રવેશે છે.

અગાઉ CMLના દર્દીમાં કોષોની સંખ્યાને મર્યાદિત કરીને દર્દીની શારીરિક તકલીફ ઘટાડવા માટે હાઇડ્રૉક્સિયૂરિયા અને બુસલ્ફાન વપરાતું હતું. આ ઉપરાંત મેલ્ફેલોન, સાઇક્લોફૉસ્ફેમાઇડ અને 6-મર્કેપ્ટોપ્યુરિન પણ ઉપયોગી છે. પરંતુ સામાન્ય રીતે તે વપરાશમાં નથી. આ સારવારથી ફિલાડેલ્ફિયા રંગસૂત્રવાળા કોષો પૂરેપૂરા નાબૂદ થતા નથી. હાઇડ્રૉક્સિયૂરિયા ખૂબ ઝડપથી કોષો ઘટાડે છે, જ્યારે બુસલ્ફાન ધીમે ધીમે કાર્ય કરે છે. બુસલ્ફાનની કેટલીક આડઅસરો પણ છે – ફેફસામાં તંતુતા થવી, ઍડિસોનિયન જેવું સંલક્ષણ થવું, શરીર કાળું પડવું તથા ક્યારેક અસ્થિમજ્જાનું અતિશય અવદાબન (suppression) થઈ જવું. તેને કારણે લોહીના કોષોની વારંવાર તપાસ કરવામાં આવે છે. અગાઉના જમાનામાં બરોળને શસ્ત્રક્રિયા વડે દૂર કરાતી અથવા તેના પર વિકિરણન આપવામાં આવતું. હાલ આ સારવારપદ્ધતિઓ ઉપયોગમાં નથી. ઇન્ટરફીરૉનની મદદથી 10 %થી 50 % દર્દીઓમાં 3થી 4 મહિનામાં ફિલાડેલ્ફિયા રંગસૂત્રવાળા કોષોને નાબૂદ કરી શકાય છે એવું કેટલાક સંશોધકોએ દર્શાવ્યું છે. ઇન્ટરફીરૉનની સારવાર ઘણી મોંઘી છે.

હાલ ઇમેટિનિબ મેસિલેટની ઔષધચિકિત્સા મહત્વની સારવાર પદ્ધતિ બની છે. તે દીર્ઘકાલી, આક્રમક કે બીજકોષી સંકટના તબક્કામાં જુદી જુદી માત્રાએ લાભકારક છે. તેનાથી લોહીના કોષોની સંખ્યા તથા કોષજનીની વિકૃતિ નિયંત્રણમાં આવે છે.

CMLના આક્રમક તબક્કામાં દવાની માત્રા વધારવામાં આવે છે. જ્યારે બીજકોષી સંકટના તબક્કામાં ડૉક્સોરુબિસિન, સાયટોસાઇન એરાબિનોસાઇડ, વિન્ક્રિસ્ટિન અને પ્રેડ્નિસોલોન ઉપયોગી છે. AML અથવા ALL એમ બેમાંથી કોઈ એક પ્રકારના કોષોવાળું બીજકોષી સંકટ ઉદભવે છે અને તે પ્રમાણે દવા નક્કી કરાય છે. ALL પ્રકાર(20 %)ના બીજકોષી સંકટનો તબક્કો સારવારથી સહેલાઈથી કાબૂમાં આવે છે. આ તબક્કામાં મિથ્રામાયસિન અને હાઇડ્રૉક્સિયૂરિયા પણ ઉપયોગી દવાઓ છે. જો દર્દી દીર્ઘકાલીન તબક્કામાં પાછો પ્રવેશે તો તેને તે તબક્કાની સારવાર અપાય છે.

(3) બાળકોનું CML : બાળકોમાં બે પ્રકારનાં CML થાય છે : પુખ્તવયની વ્યક્તિ જેવું અને બાળકોનું CML. બાળકોનું CML કેટલીક વિશેષતાઓ ધરાવે છે. નાનાં બાળકોમાં ચામડી પર સ્ફોટ (rash), લસિકાગ્રંથિઓની વૃદ્ધિ, લોહી વહેવું, સતત રહેતો ચેપ, ફેફસાંની તકલીફો, તાવ અને વિકાસનો અભાવ જોવા મળે છે. લોહીમાં એકકેન્દ્રીય કોષો (monocytes) વધે છે. ગર્ભીય (foetal) હીમોગ્લોબિન જોવા મળે છે. ફિલાડેલ્ફિયા રંગસૂત્ર હોતું નથી. તે પુખ્તવયના પ્રકાર કરતાં વધુ ઉગ્ર સ્વરૂપે હોય છે અને તેના પર બુસલ્ફાન કે હાઇડ્રૉક્સિયૂરિયાની અસર થતી નથી. તેમાં ઇમેટિનિબ અપાય છે. જરૂર પડ્યે AML જેવી આક્રમક સારવાર અથવા બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર અપાય છે.

(4) દીર્ઘકાલી લસિકાકોષી રુધિરકૅન્સર અથવા ક્રૉનિક લિમ્ફેટિક લ્યૂકીમિયા(CLL)નાં કારણો અને નિદાન : તે લગભગ સુષુપ્ત અથવા નિરુપદ્રવી (indolent) પ્રકારનું લોહીનું કૅન્સર છે, જેમાં લસિકાકોષો(lymphocytes)ની સંખ્યાની વૃદ્ધિ થાય છે. (15000/ ડેલિ. કે વધુ), લસિકાગ્રંથિઓ (lymphnodes) અને બરોળ (spleen) મોટાં થાય છે અને પ્રતિરક્ષા(immune)લક્ષી પ્રક્રિયા રૂપે રક્તકોષો તૂટે છે અને તેથી રક્તકોષવિલયી પાંડુતા (haemolytic anaemia) થાય છે જેને કારણે લોહીનું હીમોગ્લોબિન ઘટે છે. પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાને કારણે પ્લેટલેટ્સ (ગંઠનકોષો) પણ ઘટે છે. લસિકાકોષોની પ્રતિરક્ષાકીય ક્ષમતા (immuno-competence) ઓછી હોય છે અને તેથી વારંવાર ચેપ લાગે છે. 95 % કિસ્સામાં તે B-કોષીય રોગ છે. જોકે B તથા T કોષ સંબંધિત પ્રતિરક્ષા પ્રક્રિયાઓ અસરગ્રસ્ત હોય છે. CLLનું કારણ નિશ્ચિત નથી. તેને માટે વિકિરણન કે દવાઓ કારણભૂત નથી. તે મોટી ઉંમરે થતો રોગ છે. એક જ કુટુંબની વ્યક્તિઓમાં તેનું પ્રમાણ 16ગણું વધે છે. અન્ય પ્રતિરક્ષાલક્ષી ઊણપવાળા વિકારોમાં તે જોવા મળે છે. તેમાં bcl-2 નામના દ્રવ્યનું અતિવ્યક્તન (overexpression) થાય છે તથા રંગસૂત્ર 12ની ત્રિસૂત્રિતા (trisomy) અથવા રંગસૂત્ર 11 અને 17માં વિકૃતિ અથવા 13q14નો લોપ (deletion) થાય છે. તેના કોષો CD5, CD19, CD20 અને CD23 પણ વ્યક્ત કરે છે. જો તે b2 માઇક્રોગ્લોબ્યુલિન ઉત્પન્ન કરે કે CD23નું વધુ પ્રમાણ હોય કે CD38ની હાજરી હોય તો તે વધુ જોખમી રોગ સૂચવે છે.

રોગને કારણે થાક લાગે, અશક્તિ આવે, વજન ઘટે, શ્ર્વાસ ચડે, રાત્રે પરસેવો થાય અને ક્યારેક લોહી પડે. મચ્છર અને જંતુ કરડવાથી તીવ્ર પ્રતિક્રિયા થાય. વારંવાર ફૂગ, વિષાણુ અને જીવાણુથી ચેપ લાગે. તેમાં હર્પિસ ઝોસ્ટરના ચેપનો ઘણો વ્યાપક દર (20 %) હોય છે. 3 %થી 10 % કિસ્સામાં ખૂબ જ તીવ્ર પ્રકારનો ગુરુકોષી લિમ્ફોમા (large cell lymphoma) થાય છે. રોગનાં લક્ષણો અને ચિહનોને આધારે તેને 3 કે 4 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે (સારણી 4).

સારણી 4 : CLLના તબક્કા : () રોગનું વર્ગીકરણ () આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ

()

તબક્કો

રોગનાં લક્ષણો

જીવનકાળ

(મહિના)

0 ફક્ત લસિકાકોષોની સંખ્યાવૃદ્ધિ (lymphocytosis) 150થી વધુ
1 0 + લસિકાગ્રંથિઓ(lymphnodes)ની વૃદ્ધિ 101
2 0 + બરોળ અથવા / અને યકૃતની વૃદ્ધિ 71
3 0 + 11G %થી ઓછું હીમોગ્લોબિન 19
4 0 + 1,00,000 / ડેલિ.થી ઓછા પ્લેટલેટ્સ 19
()
તબક્કો
રોગનાં લક્ષણો
લસિકાકોષોની સંખ્યાવૃદ્ધિ + 3થી ઓછાં લસિકાગ્રંથીય જૂથોની વૃદ્ધિ
બી લસિકાકોષોની સંખ્યાવૃદ્ધિ + 3 અથવા વધુ લસિકાગ્રંથીય જૂથોની
વૃદ્ધિ
સી લસિકાકોષોની સંખ્યાવૃદ્ધિ + 10G %થી ઓછું હીમોગ્લોબિન અથવા
1,00,000/ડેલિ.થી ઓછી પ્લેટલેટ્સની સંખ્યા
નોંધ : એક લસિકાગ્રંથીય જૂથ એટલે એક બાજુની ગળાની, બગલની
કે ઊરુપ્રદેશ(inguinal region)ની લસિકાગ્રંથિઓ અથવા બરોળ
કે યકૃતના કદમાં વૃદ્ધિ.

(4) CLLની સારવાર અને પરિણામ : શરૂઆતના તબક્કામાં જીવનકાળ 10થી 12.5 વર્ષનો ગણાય છે. સામાન્ય સંજોગોમાં કોઈ સારવાર અપાતી નથી. જો હીમોગ્લોબિન ઘટે તો પ્રેડ્નિસોલોન આપીને પ્રતિરક્ષાલક્ષી વિકારને અંકુશમાં લેવામાં આવે છે. તકલીફો વધે તો ક્લોરેમ્બ્યુસિલ અસરકારક દવાઓ છે. 70 % દર્દીઓમાં રોગ કાબૂમાં આવે છે અને દવા બંધ કરી શકાય છે. આગળ વધેલા તબક્કામાં સાઇક્લોફૉસ્ફેમાઇડ, વિન્ક્રિસ્ટિન અને પ્રેડ્નિસોલોનની સારવાર (CVP પ્રૉટોકૉલ) અપાય છે. ‘સી’ તબક્કામાં ડૉક્સોરુબિસિન ઉમેરવામાં આવે છે. ફ્યુડાર્બિન અને ક્લેડ્રિબિન અસરકારક દવાઓ છે, જે અન્ય દવાઓ નિષ્ફળ જાય ત્યારે અપાય છે. ઇન્ટરફીરૉન અને મૉનોક્લોનલ ઍન્ટિબૉડીઝ(દા.ત., રિટુક્સિમેબ, એલેમ્ટુઝુમેબ)ના ઉપયોગ પર સંશોધન થઈ રહ્યું છે. તેવી જ સ્થિતિ સમગ્ર શરીરને વિકિરણન-સારવાર આપવાની પદ્ધતિની છે. શરીરમાં જ્યારે પણ ચેપ લાગે ત્યારે તેની તરત સારવાર કરાય છે.

(4) CLLના ઉપપ્રકારો : પ્રોલિમ્ફોસાયટિક લ્યૂકીમિયા (PLL), હેરી સેલ લ્યૂકીમિયા (HCL), T-સેલ CLL (TCCLL) અને T-સેલ લ્યૂકીમિયા-લિમ્ફોમા (TCLL) એમ વિવિધ ઉપપ્રકારો જોવામાં આવેલા છે. PLLમાં વધુ શારીરિક તકલીફ થાય. બરોળ ઘણી મોટી થાય છે પરંતુ લસિકાગ્રંથિઓ મોટી થતી નથી. ઘણી વખત લસિકાકોષોની સંખ્યા 10,00,000 / ડેલિ.થી વધુ રહે છે. તે CLL કરતાં વધુ તીવ્રતાવાળું કૅન્સર છે અને સહેલાઈથી અંકુશમાં આવતું નથી. તેમાં CD5 ગેરહાજર હોય છે તથા t(11; 14) પ્રકારની રંગસૂત્રીય વિકૃતિ થાય છે. તેમાં ફ્લ્યુડાર્બિન એકલી અથવા ક્લેડ્રિબિન સાથે અપાય છે. તેની સારવારમાં રિટુક્સિમેબ અને અસ્થિમજ્જા પ્રત્યારોપણ ઉપયોગી છે. જે તે ટી-કોષી વિકાર હોય તો CD3, CD4, CD8 ધરાવે છે અને તેમાં પેન્ટોસ્ટેટિન, એલેમ્ટુઝુમેબ અને અસ્થિમજ્જા પ્રત્યારોપણ ઉપયોગી છે.

HCL એ B-કોષીય વિકાર છે જેમાં લોહીમાં ભ્રમણ કરતા લસિકાકોષો પર વાળ જેવા કોષજલીય પ્રવર્ધો (cytoplasmic processes) હોય છે. બરોળ મોટી થાય છે પણ લસિકાગ્રંથિઓ મોટી થતી નથી. લોહીના બધા જ પ્રકારના કોષોની સંખ્યા ઘટે છે. લસિકાકોષોમાં ટાર્ટ્રેટ-રેઝિસ્ટન્ટ ઍસિડ ફૉસ્ફેટેઝ હોય છે. બોન મૅરો બાયૉપ્સી માટેનો પ્રયત્ન નિષ્ફળ રહે છે. તેને શુષ્ક શોષણ (dry tap) કહે છે. આ તેનું નિદાનસૂચક લક્ષણ છે. તે પુરુષોમાં વધુ થાય છે. તેમાં CD19, CD20, CD21, CD22 વધે છે. મુખ્ય જોખમ ચેપ, વાહિનીશોથ (vasculitis), હાડકાંમાં રોગનો ફેલાવો વગેરે થાય છે. બરોળ દૂર કર્યા પછી લોહીના કોષોની સંખ્યા સામાન્ય બને છે. જોકે 50 % દર્દીમાં રોગ ઊથલો મારે છે. ડીઑક્સિકોફોરમાયસિન (પેન્ટોસ્ટેટિન), ક્લેડ્રિબિન અને/અથવા ઇન્ટરફીરૉન-આલ્ફા નામની દવાઓથી લોહીમાંના કેશીય લસિકાકોષો (hairy lymphocytes) નિયંત્રણમાં આવે છે. બરોળ-ઉચ્છેદન (splenectomy) નામની શસ્ત્રક્રિયા કરીને બરોળ કાઢી નાંખવાથી પણ રોગ લાંબા સમય માટે નિયંત્રણમાં આવે છે.

સીઝરી સિન્ડ્રોમ(SS)માં પણ લોહીમાં લસિકાકોષોની સંખ્યા વધે છે. TCLL અને SSને CLLથી અલગ પાડવાં ઘણી વખતે મુશ્કેલ હોય છે. માયકોસિસ ફંગોઇડીસ (MF) નામના ચામડીના લિમ્ફોમાના રોગમાં જ્યારે લ્યૂકીમિયાનો તબક્કો આવે છે ત્યારે તેને SS કહે છે. તેમાં ચામડીનો ઘણો ભાગ લાલ થઈ જાય છે. રક્તિમ ત્વચા (erythroderma) અને તેના પર અલગ અલગ પોપડાવાળી ચકતીઓ (scaling plaques) બને છે. રોગ જ્યાં સુધી ચામડીમાં હોય ત્યાં સુધી સ્થાનિક દવા અપાય છે. પરંતુ તેના લ્યૂકીમિયા તબક્કામાં લિમ્ફોમાની સારવાર ઉમેરાય છે. TC-CLLમાં બરોળ વધુ મોટી હોય છે. ક્યારેક ચામડીમાં નાની નાની ગાંઠો થાય છે, લોહીના કોષો ઘટે છે. સામાન્ય રીતે આ એક સુષુપ્ત પ્રકારનો રોગ છે. TCLL પુખ્ત વયે થાય છે તેથી તેને એડલ્ટ T-લ્યૂકીમિયા-લિમ્ફોમા (ATLL) પણ કહે છે. TCLL HTLV-1 નામના વિષાણુથી પુખ્ત વયની વ્યક્તિને થતો રોગ છે. પુખ્ત વયે થતો TCLL એ માણસમાં સૌપ્રથમ સાબિત થયેલો વિષાણુજન્ય (HTLV-I) રોગ છે, તેમાં ચામડીમાં ગંડિકાઓ, લસિકાગ્રંથિઓ તથા બરોળ અને યકૃતની વૃદ્ધિ, હાડકામાં વિલયનકારી (lytic) રોગવિસ્તારો તથા લોહીમાં કૅલ્શિયમનું વધેલું પ્રમાણ જોવા મળે છે. તે ઉગ્ર અને તીવ્ર વિકાર છે. આ રોગ સારવારથી અંકુશમાં આવતો નથી.

શિલીન નં. શુક્લ

અશ્વિન ન. પટેલ