લાપ્લાસ, પિયર સાયમન દ
January, 2004
લાપ્લાસ, પિયર સાયમન દ (જ. 28 માર્ચ 1749, નૉર્મન્ડી; અ. 5 માર્ચ 1827, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતી અને ભૌતિકશાસ્ત્રી. 1799થી 1825 દરમિયાન ખગોલીય યાંત્રિકી અંગે પ્રગટ થયેલા પાંચ ગ્રંથો માટે જાણીતા છે.
લાપ્લાસની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી હતી. તેઓ ઓગણીસ વર્ષના હતા, ત્યારે દ’ એલમ્બર્ટ ઇકોલના મિલીટેરમાં પ્રાધ્યાપક થવા માટેનું નિમંત્રણ તેમના માટે લાવ્યા હતા. 1773માં પૅરિસની વિજ્ઞાન અકાદમીમાં સહાયક બન્યા અને 1785માં નિવૃત્ત થયા. ફ્રેન્ચ ક્રાન્તિના સમયગાળા દરમિયાન મેટ્રિક પદ્ધતિ પ્રચલિત કરવામાં તેમણે ફાળો આપેલો. ઇકોલના નૉર્માલેમાં તેમણે કલનશાસ્ત્ર શીખવ્યું હતું.
1796માં તેમણે તૈયાર કરેલ ગ્રંથ ‘Exposition of the System of the World’માં તેઓ સૈદ્ધાંતિક આદિનિહારિકા(nebula)થી શરૂ કરે છે. તે માનતા હતા કે લેન્સ આકારનું વિરાટ વાદળ ભ્રમણ કરે છે, ઠંડું પડે છે, સંકોચાય છે અને તે ગ્રહો તથા ઉપગ્રહોને ફેંકે છે. આ બધું થયા બાદ જે દ્રવ્ય વધ્યું તેમાંથી સૂર્યનું નિર્માણ થયું. લાપ્લાસની આ નિહારિકા આધારિત પરિકલ્પના લાંબા સમય સુધી સ્વીકારાઈ; પણ તાજેતરમાં તેને સ્થાને બીજા સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા છે. આમ છતાં પૃથ્વી કેવી રીતે અસ્તિત્વમાં આવી તે બાબતને લગતી સમસ્યાનો ઉકેલ વિજ્ઞાનીઓ મેળવી શક્યા નથી.
1812માં લાપ્લાસે ‘Analytic Theory of Probabilities’ ગ્રંથ પ્રગટ કર્યો. આ ગ્રંથની બીજી આવૃત્તિમાં ‘A Philosophical Essay on Probability’(1814)ની પ્રસ્તાવના કરવામાં આવી છે. આ આવૃત્તિ આમ વાચક માટે તૈયાર કરવામાં આવી છે.
લાપ્લાસે ખાસ કરીને વિભવ(potential)ના ખ્યાલને વિકસાવ્યો. તેની સાથે સંકળાયેલાં લાપ્લાસનાં સમીકરણો લાપ્લાસનો વિકલકારક (differential operator) કહેવામાં આવે છે. વળી લાપ્લાસનાં રૂપાંતરણ (transforms) પણ જાણીતાં છે. તેમણે ઍન્ટની લેવોઝિયર સાથે કેશિકા-ક્રિયા અને વિશિષ્ટ ઉષ્ણતા-પ્રયોગો પર કામ કર્યું હતું. પ્રકાશિકી(optics)માં તેમણે ટૉમસ યંગના પ્રકાશ અંગેના સિદ્ધાંતનો વિરોધ કર્યો. તેમણે વિદ્યુત અને ચુંબકત્વને ગાણિતિક આધાર આપ્યો છે.
નેપોલિયનના આશ્રય નીચે સેનેટના સભ્ય તરીકે તે જોડાયા અને પાછળથી સેનેટના ચાન્સેલર થયા. 1805માં નેપોલિયને તેમને ‘લીજિયન ઑવ્ ઑનર’ અને 1806માં ‘કાઉન્ટ ઑવ્ એમ્પાયર’નો ખિતાબ આપ્યો. છેવટનાં વર્ષોમાં તે આરક્યુએલ(Arcueil)માં રહ્યા અને સોસાયટી ઑવ્ આરક્યુએલની સ્થાપના કરી ઊગતા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું.
અરુણ વૈદ્ય
પ્રહલાદ છ. પટેલ