લાઝિયો (Lazio) : પશ્ચિમ મધ્ય ઇટાલીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 42° 00´ ઉ. અ. અને 12° 30´ પૂ. રે. તિરહેનિયન સમુદ્રની સામે આવેલા પ્રદેશમાં રોમ, ફ્રોસિનોન, લૅટિના, રિયેતી અને વિતેર્બોના પ્રાંતોનો સમાવેશ થાય છે. આ પ્રદેશનો કુલ વિસ્તાર 17,203 ચોકિમી. જેટલો છે. રોમન ભાષામાં આ લાઝિયો લેટિયમ તરીકે ઓળખાય છે.
તેની પૂર્વમાં રિયેતિની, સાબિની, સિમ્બ્રુની અને એર્નિસી નામની મધ્ય ઍપેનાઇનની ગિરિમાળાઓ આવેલી છે. તેર્મિનિલો પર્વત ખાતે તેની ઊંચાઈ 2,213 મીટર જેટલી છે. આ પર્વતો મુખ્યત્વે તો ચૂનાખડકોથી બનેલા છે. તેના તળેટી-વિભાગો અગાઉના (પ્રી-ઍપેનાઇન) સમયના છે અને ફળદ્રૂપ છે. આ વિસ્તારના પશ્ચિમ ભાગમાં કિનારાનું મેદાન આવેલું છે, જે ઉત્તર તરફ વિસ્તરેલું છે. અગ્નિ તરફ પંકપ્રદેશ છે અને તે પછી મેદાની ભાગ છે. રોમના વાયવ્ય અને અગ્નિભાગોમાં ચાર પ્રાચીન જ્વાળામુખી પર્વતજૂથ આવેલાં છે – વૉલ્સિની, સિમિની, સબાતિની અને આલ્બેની. પ્રત્યેકમાં એક કે તેથી વધુ જ્વાળામુખ સરોવરો પણ રચાયેલાં છે. તે પૈકી બોલ્સેના, વિકો, બ્રેસિયાનો, આલ્બેનો અને નેમી સરોવરો મુખ્ય છે. આલ્બેની પર્વતજૂથથી અગ્નિ તરફ પણ પર્વતવિસ્તાર છે, જે લાઝિયો પ્રદેશની દક્ષિણ હદ સુધી વિસ્તરેલો છે. ઓગણીસમી સદીના અંત સુધી જે અહીંનો રોગિષ્ઠ ગણાતો પંકપ્રદેશ હતો તેને વીસમી સદીમાં નવસાધ્ય કરી, વસ્તીલાયક અને ખેતીલાયક બનાવાયો છે. ગોચરોમાં વિચરતી જાતિઓ હવે ઓછી થઈ ગઈ છે. નીચાણવાળા ખેતીલાયક ભાગોમાં ઘઉં, મકાઈ, શાકભાજી, ફળો, માંસ તથા ડેરીપેદાશોનું ઉત્પાદન લેવાય છે. પર્વતોના ઢોળાવો પર ઑલિવનાં ઝુંડ અને પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષની વાડીઓ આવેલી છે. કિનારા પર માછીમારીની પ્રવૃત્તિનો વિકાસ થયો છે.
રોમની દક્ષિણે નવાં વિકસેલાં નગરોમાં હલકા ઉદ્યોગો નંખાયા છે. રોમ તેને માટેનું વ્યાપારી અને નાણાકીય મથક છે. આ પ્રદેશના કેટલાક જુદા જુદા ભાગોમાં રસાયણો, ઔષધો, ખાદ્યસામગ્રી, કાગળ, યંત્રસામગ્રી તેમજ કાપડના ઔદ્યોગિક એકમો આવેલા છે. ઑલિવ અને દારૂ પણ અહીં થાય છે. આજુબાજુના ભાગો અને સાર્ડિનિયા સાથે તેનો વેપાર ચાલે છે.
લાઝિયો આશરે ઈ. પૂ. 1000થી લૅટિનોનું વતન રહેલું. ઈ. પૂ. 400 પછીથી તેના પર રોમનોનું વર્ચસ્ હતું. રોમ અને વૅટિકન અહીંનાં મુખ્ય પ્રવાસન-મથકો છે. નજીકની ટેકરીઓ પર પ્રવાસી વિહારધામો વિકસાવાયાં છે. આ વિસ્તારનું પરિવહનક્ષેત્ર રોમ હસ્તક છે. તે રેલ-સડકમાર્ગોનું સ્થળ પણ છે. યુરોપનું વ્યસ્ત રહેતું હવાઈ મથક અહીં આવેલું છે. આ પ્રદેશની વસ્તી 1998 મુજબ 52,55,028 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા