લાટ : પ્રાચીન કાળમાં જુદા જુદા સમયે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત માટે વપરાયેલ નામ. તેની વ્યુત્પત્તિ માટે ડૉ. એ. એસ. અલતેકરે आनर्त માંથી (आलट्ट દ્વારા) તો ઉમાશંકર જોશીએ नर्तकમાંથી नट्टअ > लट्टअ દ્વારા ‘લાટ’ની સંભાવના કરી છે.

‘લાટ’નો ઉલ્લેખ ટૉલેમીની ભૂગોળ (બીજી સદી) તથા વાત્સ્યાયનના ‘કામસૂત્ર’(ત્રીજી સદી)માં જોવા મળે છે. અભિલેખોમાં આ નામ પાંચમા સૈકાથી જણાય છે. તેમાં આ નામ માલવદેશની પશ્ચિમે, ગુર્જર દેશની દક્ષિણે તથા અપરાન્ત ત્રિકૂટ દેશની ઉત્તરે આવેલા આખા ગુજરાતના પ્રદેશ વાસ્તે ઉપયોગમાં લેવાયું છે. સંસ્કૃત સાહિત્યમાં લાટ દેશના લોકોની ભાષા, શૈલી, રીતભાત, નારીની સુંદર દેહકાંતિ અને વેશભૂષાના ઉલ્લેખો કરેલા છે. સાહિત્યમાં લાટી પ્રાકૃત, લાટી રીતિ તથા લાટાનુપ્રાસ અલંકારનું મહત્વ હતું. લાટ દેશમાં સુરાષ્ટ્ર તથા પશ્ચિમ માલવનો પણ સમાવેશ થતો હતો. ડભોઈની નજીકમાં સ્થિત કારવણની માફક સૌરાષ્ટ્રમાં આવેલા સિહોર(સિંહપુર)ને તથા મહેસાણાની નજીકમાં આવેલા વડનગર(આનંદપુર)ને પણ લાટ દેશમાં ગણવામાં આવતું હતું. ઈસવી સનના આઠમા સૈકા પર્યન્ત લાટ દેશનો વિસ્તાર સમુદ્રતટ પર આવેલા પશ્ચિમદેશ એટલે કે કચ્છ-સૌરાષ્ટ્રથી શરૂ કરીને ઉજ્જૈન સુધી ગણાતો હતો.

કર્ણાટકના રાષ્ટ્રકૂટોએ આ પ્રદેશનો દક્ષિણનો વિસ્તાર કબજે કરી લીધો ત્યારે એમના અંકુશ હેઠળના એટલા પ્રદેશ વાસ્તે ‘લાટમંડલ’ નામ પ્રચલિત થયું. ત્યારબાદ રાષ્ટ્રકૂટોની સત્તા મધ્ય ગુજરાત પર વિસ્તરી ત્યારે, ખેટકમંડલનો લાટદેશમાં સમાવેશ કરવામાં આવ્યો. આમ ‘લાટ’ નામ ઈસવી સનની પહેલી આઠ સદીઓ દરમિયાન, ઘણુંખરું, સમસ્ત ગુજરાત માટે વપરાતું હતું. પરંતુ નવમા સૈકાથી વહીવટી તંત્રમાં એ દક્ષિણ ગુજરાતનો મર્યાદિત અર્થ ધરાવવા લાગ્યું. આ પ્રદેશને માટે અગાઉ ‘આનર્ત’ નામ વપરાતું હતું, તે સમય જતાં ઉત્તર ગુજરાત પૂરતું મર્યાદિત બન્યું.

રામજીભાઈ ઠા. સાવલિયા