લાગરલોફ, સેલ્મા (ઑટ્ટિલિયા લૉવિસા) (જ. 20 નવેમ્બર 1858, ઑસ્ટ્રા ઍમ્ટરવિક, વૉર્મલૅન્ડ, મૉર્બાકા, સ્વીડન; અ. 16 માર્ચ 1940, મૉર્બાકા) : સ્વીડિશ નવલકથાકાર. સ્વીડિશ સાહિત્યની તત્કાલીન જીવતીજાગતી દંતકથા અને પેઢી દર પેઢીની ‘સાગા’(saga)નું સ્વરૂપ બની ગયેલ અને સાહિત્ય માટેનું 1909ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર સ્વીડનની પ્રથમ સન્નારી. જગતની તમામ લેખિકાઓમાં આ ઇનામ મેળવનાર પ્રથમ સન્નારી પણ તેઓ જ છે. શૈશવકાળ સુખી હતો; જોકે માંદગીને લીધે થોડો સમય પગે લકવો થઈ ગયેલો. તેમનો અભ્યાસ ઘરઆંગણે જ થયેલો. પાછળથી સ્ટૉકહૉમમાં શિક્ષિકા બનવા માટે તાલીમ લીધેલી. 1885માં તો લૅન્ડસ્ક્રોનામાં શિક્ષિકા થયેલાં. ‘ગોસ્ટા બર્લિંગ્ઝ સાગા’ બે ભાગમાં (1891, અં. અનુ. 1898, 1918) લખાયેલી મહાનવલ છે. લેખિકાના માદરે વતનના ઇતિહાસની પરાકાષ્ઠાના સમયની એ વાત છે. પોલાદના ઉદ્યોગની ચડતીના એ દિવસો હતા. કથાનાયકોમાં 12 દરબારી નરબંકાઓ (cavaliers) છે. ગોસ્ટા બર્લિંગ નામના પાદરી તેમના સર્વોચ્ચ છે, જે દેખાવે તો અત્યંત સોહામણા પરંતુ ચારિત્ર્યના ઢીલા છે. નવલકથાની શૈલી કાવ્યાત્મક છે અને તેમાં કરુણ સભર ભર્યો છે. તેના પર ટૉમસ કાર્લાઇલનો પ્રભાવ છે. આ પુસ્તકે સ્વીડિશ સાહિત્યમાં ભાવનાપ્રધાન પુનરુજ્જીવનની હિલચાલ(romantic revival)ને પાયાનું બળ પૂરું પાડ્યું હતું. ‘ઓસિંલિગા-લાન્કર’ (1894) (‘ઇનવિઝિબલ લિંક્સ’, 1899) નવલકથા છે. આ વર્ષે તેમને અન્ય લેખિકા સોફી ઍલ્કાનનો પરિચય થયો જે જીવનભરની અતૂટ મૈત્રીમાં પરિણમ્યો. ‘ઍન્ટિક્રિસ્ટ્સ મિરેક્લર’ (1897) (‘ધ મિરેકલ્સ ઑવ્ ઍન્ટિક્રાઇસ્ટ’, 1899) સિસિલીની પશ્ચાદભૂમિકામાં સમાજવાદી દૃષ્ટિબિંદુએ લખાયેલી નવલકથા છે. ‘ઍન એર્ગાર્દસ્સાજેન’ (1899) (‘ટેલ્સ ઑવ્ અ મૅનૉર’, 1922) સેલ્માની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘જેરૂસલેમ’ (1901–1902) બે ભાગમાં લખાયેલી તેમની ખ્યાતનામ નવલકથા છે. સ્વીડનનાં કોઈ માતાપિતા સંજોગવશાત્ જેરૂસલેમમાં જઈને વસ્યાં હતાં અને તેમને 1900માં લેખિકા રૂબરૂ મળ્યાં હતાં તેની આ વાત છે. આ નવલકથાએ તેમને સ્વીડનના સર્વોચ્ચ નવલકથાકારોની હરોળમાં મૂકી દીધાં. તેનો અંગ્રેજી અનુવાદ ‘ધ હોલી સિટી’ના નામે 1915માં થયો હતો. ‘ઍર આર્નેસ પેનિંગર’ (1904, અં. અનુ. 1923) ઐતિહાસિક વાર્તા છે. ‘નિલ્સ હૉગરસ્સોન્સ અન્ડરબારા રેસા જેનૉમ સ્વેરિજ’ (1906–1907) (‘ધ વન્ડરફુલ એડવેન્ચર્સ ઑવ્ નિલ્સ’, 1907), (ફર્ધર એડવેન્ચર્સ ઑવ્ નિલ્સ) (1911) અત્યંત લોકપ્રિય સાહસકથાઓ છે. મૂળ તો પ્રાથમિક શાળાનાં બાળકો માટે એ લખાયેલી, પરંતુ તે આબાલવૃદ્ધ સૌ માટેની માનીતી વાર્તાઓ બની ગઈ.
પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતાએ સેલ્માને લગભગ હતપ્રભ દશામાં મૂકી દીધાં. કેટલાંક વર્ષો સુધી તેમની કલમ ચાલી જ નહિ. જોકે યુદ્ધને અંતે લખાયેલી ‘બેન્નલિસ્ટ’(1918)માં યુદ્ધકાળના પાપાચારની વાત છે. પછી ‘મૉર્બાકા’ (1922; અં. અનુ. 1924), ‘ઍન બાર્ન્સ મેમૉરર’ (1930; ‘મેમ્વાર્સ ઑવ્ માઇ ચાઇલ્ડહુડ’, 1934) અને ‘દેગબૉક ફૉર સેલ્મા લાગરલોફ’ (1932) (‘ધ ડાયરી ઑવ્ સેલ્મા લાગરલોફ’, 1936)માં કલાત્મક રીતે તેમણે પોતાના બાળપણના દિવસોને યાદ કર્યા છે. ‘લૉવેનસ્કૉલ્દસ્કારિંજન’ (1925) (‘ધ રિંગ ઑવ્ ધ લૉવેનસ્કૉલ્દઝ’, (1931); ‘શાર્લોત લૉવેનસ્કૉલ્દ’ (1925) અને ‘ઍના સ્વાર્દ’ (1928) તેમની અન્ય નવલકથાઓ છે. મૉર્બાકાના વારસાગત મકાનને લેખિકા વારંવાર યાદ કરે છે. પોતાના પિતાના અવસાન બાદ, જેમાં તે એકંદરે 23 વર્ષ સુધી રહેલી તે ઘરને પિતાના દેવાદારોને ઋણ ચૂકવવા વેચી નાંખવામાં આવેલું; પરંતુ નોબેલ પારિતોષિકની રકમમાંથી તે એમણે પુન: ખરીદી લીધું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆતમાં લાગરલોફે નાઝીઓના ત્રાસમાંથી મુક્ત થવાની ઇચ્છા રાખનાર જર્મન બુદ્ધિજીવીઓને જર્મનીમાંથી જીવ બચાવવા અન્યત્ર ભાગી જવા માટે આર્થિક મદદ કરેલી. રશિયાએ ફિનલૅન્ડ પર ચડાઈ કરી ત્યારે પણ પોતાના નોબેલ પારિતોષિકના ભાગરૂપે મળેલ સુવર્ણચંદ્રકનું દાન તેમણે તે દેશના સ્વાતંત્ર્ય-સંગ્રામ માટે કર્યું હતું. એ માટેની તેમની તીવ્ર લાગણીના પ્રત્યાઘાતે થયેલ હૃદયરોગનો હુમલો તેમના માટે જીવલેણ સાબિત થયો. 1909માં સેલ્માએ નોબેલ પારિતોષિક સ્વીકારતી વખતે આપેલ આભારદર્શક પ્રવચન, ગદ્યમાં વ્યક્ત થયેલ ઊર્મિસભર લાગણીનો અજોડ નમૂનો છે.
વિ. પ્ર. ત્રિવેદી