લાઉડ-સ્પીકર (loudspeaker) / સ્પીકર : ધ્વનિના પુનરુત્પાદનમાં, એક પ્રયુક્તિ કે સાધન; જેના વડે વિદ્યુત-ઊર્જાનું ધ્વનિ-ઊર્જામાં રૂપાન્તર થઈ શકે. તેમાંથી નીકળતો અવાજ ખુલ્લામાં હવાના માધ્યમથી પ્રસરે છે. તેમાં પ્રવેશતી વિદ્યુત-ઊર્જા વિદ્યુત-સંકેત(signal)ના સ્વરૂપમાં હોય છે. આ સંકેતની આવૃત્તિ સામાન્ય શ્રાવ્ય અવધિ એટલે કે 20 હર્ટ્ઝથી માંડીને 20,000 હર્ટ્ઝ સુધીની હોય તો સ્પીકરનો અવાજ સાંભળી શકાય. વળી, જો મૂળ વિદ્યુત-સંકેતનું પ્રવર્ધન (amplification) કરવામાં આવે તો સ્પીકરમાંથી મોટો અવાજ સંભળાય છે. સ્પીકરને શંકુ-આકારના ભૂંગળા (horn) અથવા પેટીમાં મૂકીને યોગ્ય દિશામાં ગોઠવવામાં આવે છે.
સ્પીકરની સરખામણીએ માઇક્રોફોન અથવા માઇક એ એવી પ્રયુક્તિ છે કે જેમાં ધ્વનિનું રૂપાંતર વિદ્યુત-સંકેતમાં થાય છે. આમ, સ્પીકર તેમજ માઇક બંને જુદા જુદા પ્રકારના ટ્રાન્સડ્યુસર (transducer) ગણાય છે. એક પ્રકારની ઊર્જાનું બીજા પ્રકારની ઊર્જામાં રૂપાંતર કરનાર પ્રયુક્તિને ટ્રાન્સડ્યુસર કહે છે. લાઉડસ્પીકર ઘણુંખરું ઇલેક્ટ્રો-મૅગ્નેટિક અથવા ડાયનેમિક (dynamic) પ્રકારનાં હોય છે. તેમાં એક ધ્વનિ-ગૂંચળું (voice-coil) એક કાયમી ચુંબકના ક્ષેત્રમાં મૂકેલું હોય છે. જ્યારે ગૂંચળામાંથી વિદ્યુત-સંકેત પ્રવાહ રૂપે પસાર થાય છે ત્યારે તે ચુંબકીય ક્ષેત્રમાં દોલન કરવા લાગે છે. તે દોલનોને અનુરૂપ એક પડદો (diaphragm) પણ હલવા લાગે છે અને હવામાં ધ્વનિ-તરંગો પેદા થાય છે. આ ધ્વનિ-તરંગોમાં મૂળ સંકેતની બધી લાક્ષણિકતાઓ જળવાઈ રહે એ જરૂરી છે. એક જ સ્પીકરના ઉપયોગથી મૂળ અવાજની તમામ આવૃત્તિઓને સક્ષમતાપૂર્વક પુનરુત્પન્ન (reproduce) કરી શકાય નહિ. તેથી સ્પીકરને આવૃત્તિના સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ધ્વનિ-વર્ધકો(amplifier systems)માં બે કે વધુ અલગ અલગ પ્રકારના સ્પીકરનો ઉપયોગ થતો હોય છે. કદમાં મોટું સ્પીકર કે જે નીચી આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરે છે, તેને વૂફર (woofer) કહે છે, જ્યારે નાના સ્પીકર કે જે ઊંચી આવૃત્તિ ઉત્પન્ન કરે છે, તેને ટ્વીટર (tweeter) કહે છે. વધુ સક્ષમ ધ્વનિ-તંત્ર(sound system)માં મધ્ય-અવધિ(mid range)નું સ્પીકર પણ લગાડવામાં આવે છે. મોટા સભાગૃહોમાં એક વૂફર, એક મધ્ય અવધિ સ્પીકર અને બે કે ત્રણ ઉચ્ચ આવૃત્તિ ટ્વીટર ગોઠવીને વધુ સારું ધ્વનિ-ઉત્પાદન મેળવવામાં આવે છે.
પ્રવીણચંદ્ર ડાહ્યાભાઈ પટેલ