લાઉ, મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન

January, 2004

લાઉ, મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન [જ. 9 ઑક્ટોબર 1879,  ફૅફેનડૉર્ટ (Pfaffendort), ફે બ્લેન્ઝ પાસે; અ. 24 એપ્રિલ 1960, બર્લિન] : સ્ફટિક વડે એક્સ-કિરણોના વિવર્તનની શોધ કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. એક્સ-કિરણોના વિવર્તનથી એક્સ-કિરણોની તરંગ-પ્રકૃતિ નિશ્ચિત થઈ શકી. આ શોધ માટે તેમને 1914માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન લાઉ

ફૉન લાઉએ યુનિવર્સિટી ઑવ્ સ્ટ્રાસબર્ગ અને ગોટિંગન ખાતે રહીને ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પાછળથી તેમણે બર્લિન યુનિવર્સિટીમાંથી 1903માં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. પ્રારંભમાં તેમણે બર્લિનમાં રહીને શિક્ષણકાર્ય કર્યું અને ત્યારબાદ 1909માં મ્યૂનિક ગયા. અહીં એક્સ-કિરણોના શોધક રૉંટજન કાર્ય કરતા હતા, જેમની સાથે કાર્ય કરવાની તેમને તક મળી. તેઓ 1912–14 સુધી ઝૂરિક અને 1914–19 સુધી ફ્રૅન્કફર્ટની વિદ્યાશાખાઓ સાથે સંકળાયેલા રહ્યા. છેલ્લે તેમણે 1943 સુધી મૅક્સ પ્લાન્ક જોડે રહીને બર્લિનમાં સંશોધનકાર્ય કર્યું.

રૉંટજને એક્સ-કિરણોની શોધ કરી ત્યાં સુધી એવું મનાતું હતું કે સ્ફટિકના લાક્ષણિક ગુણધર્મોને કારણે પરમાણુ નિયમિત સંરચના ધરાવે છે. આ સમયે સ્ફટિકોનું ભૌતિક બંધારણ જાણીતું ન હતું. આ પછી મૅક્સ ફૉન લાઉએ સૂચન કર્યું કે જો આ ધારણા બરાબર હોય તો એક્સ-કિરણો સ્ફટિકમાં દાખલ થયા બાદ વિવર્તન ગ્રેટિંગ ઉપર આપાત થતાં પ્રકાશની જેમ વર્તન કરવું જોઈએ, તેમણે કૉપર સલ્ફેટના સ્ફટિક ઉપર પ્રયોગ કર્યો ત્યારે સ્ફટિક પાછળ મૂકેલ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર નિયમિત રીતે ગોઠવાયેલાં અપ્રકાશિત ટપકાં મળ્યાં.

સ્ફટિકના કિરણિત (irradiate) કરતાં આ પ્રમાણે થાય છે. આને લાઉઆની આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. સ્ફટિક વડે એક્સ-કિરણોનું વિવર્તન થતાં તેની વિદ્યુત-ચુંબકીય પ્રકૃતિ નિશ્ચિત થઈ એટલે કે એક્સ-કિરણો વિદ્યુતચુંબકીય તરંગો છે. જ્ઞાત સંરચનાવાળા સ્ફટિક વડે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર મળતી ભાત ઉપર એક્સ-કિરણોની કિરણાવલીની તરંગલંબાઈ નક્કી કરી શકાઈ.

આનંદ પ્ર. પટેલ