કૅન્સર – બાળકોનું
January, 2008
કૅન્સર, બાળકોનું : બાળકોમાં થતા કૅન્સરનો રોગ. બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓમાં થતા કૅન્સરમાં કેટલાક ચોક્કસ તફાવતો છે. પુખ્ત વયે થતાં કૅન્સર મોટે ભાગે સપાટી પરના કોષોમાં ઉદભવે છે અને તેથી તે અધિચ્છદીય (epithelial) પ્રકારનાં હોય છે. મુખ્યત્વે વાતાવરણ અને જીવનશૈલીને કારણે વિવિધ પરિબળો સાથે પુખ્તવયની વ્યક્તિ સંસર્ગમાં આવવાથી તે થાય છે. બાળકોમાં મોટે ભાગે લોહી બનાવતી પેશી, ચેતાતંત્ર અને સંધાનપેશી(connective tissue)માં કૅન્સર ઉદભવે છે. શરૂઆતના તબક્કામાં નિદાન પામેલાં બાળકોનાં ઘણા પ્રકારનાં કૅન્સર મટે છે. 5 વર્ષની વય પહેલાં થતાં મુખ્ય કૅન્સરોમાં ન્યુરોબ્લાસ્ટોમા (ચેતાબીજકોષી કૅન્સર), રેટિનોબ્લાસ્ટોમા (ર્દષ્ટિપટલ-બીજકોષી કૅન્સર), રૅબ્ડોમાયોસાર્કોમા (સરેખ-સ્નાયુ-માંસાર્બુદ), યકૃતનું પ્રાથમિક કૅન્સર તથા સેક્રોકૉક્સિજિયલ ટીરેટોમા (ત્રિકાનુત્રિકાસ્થિ ગર્ભપેશીય અર્બુદ) વગેરે છે.
વસ્તીરોગવિદ્યા : અમેરિકામાં 15 વર્ષની વયની નીચે થતા મૃત્યુમાં બીજું મહત્વનું કારણ કૅન્સર છે. ત્યાં 1 લાખ શ્વેત વ્યક્તિઓમાં 12.4ના દરે તથા 1 લાખ હબસીઓમાં 9.8ના દરે બાળકોનું કૅન્સર થાય છે. જુદા જુદા પ્રકારનાં કૅન્સરનું પ્રમાણ વિશ્વના જુદા જુદા ભાગોમાં અલગ અલગ હોય છે.
અમદાવાદ શહેર અને તેની આસપાસનાં કેટલાંક ગામડાંને આવરી લેતા 210 ચોકિમી.ના વિસ્તારને વસ્તીગણતરી(census)ના કાર્ય માટે અમદાવાદ શહેરી સંકુલ વિસ્તાર (Ahmedabad urban agglomeration area) કહે છે. 1990માં તેની વસ્તી 32,97,655 ધારવામાં આવતી હતી. 14 વર્ષ સુધીનાં બાળકોની સંખ્યા 10,34,285 (32.17 %) હોવાનું ગણ્યું હતું, જેમાં 5,45,057 છોકરા (52.7 %) અને 4,89,228 (47.3 %) છોકરી હતી. આ વિસ્તારમાં 1990ના વર્ષમાં કુલ 101 કૅન્સરના બાળદર્દીઓ નોંધાયા છે (0.0098 %), જેમાં 61 છોકરા (60.4 %) અને 40 છોકરીઓ (39.6 %) છે. કૅન્સરના 4.51 % દર્દીઓ 14 વર્ષ સુધીની વયના છે. તેમનું વયજૂથ અને રોગ પ્રમાણેનું વર્ગીકરણ સારણી 1માં દર્શાવ્યું છે. હૉજકિનનો રોગ અને લિમ્ફોમા, લિમ્ફેટિક લ્યૂકીમિયા અને અન્ય લ્યૂકીમિયા તથા મગજનાં કૅન્સર વધુ પ્રમાણમાં થાય છે. હૉજકિનના રોગનો છોકરાનો દર છોકરીઓ કરતાં 5ગણો વધુ નોંધાયો છે.
કારણો : મોટા ભાગનાં કૅન્સર ભ્રૂણપેશી(embryonal tissue)માં ઉદભવે છે. જીવનના પ્રથમ તબક્કામાં હૉજકિનના રોગ કરતાં બિનહૉજકિન લિમ્ફોમા (લસિકાર્બુદ) વધુ જોવા મળે છે. અંડપિંડ, શુક્રપિંડ, હાડકાં અને થાયરૉઇડ ગ્રંથિનાં કૅન્સર કુમાર-અવસ્થા (adolescence) વખતે જોવા મળે છે. ચામડી અને જનનપિંડ- (gonad)ના કૅન્સરને બાદ કરતાં બીજાં બધાં જ કૅન્સર છોકરાઓને વધુ થાય છે (1.2 : 1થી 3 : 1). છોકરાઓને લિમ્ફોમા થવાનું કારણ કદાચ તેમના X રંગસૂત્ર પરનાં વૈકલ્પિક જનીનો(alleles)ને કારણે પ્રતિરક્ષાની ઊણપ (immunodeficiency) ઉદભવે છે તે છે.
સારણી 2 : કેટલાંક જનીનીય સંલક્ષણો (genetic syndromes) સાથે સંકળાયેલાં કૅન્સર
ક્રમ | કૅન્સર | સંલક્ષણ (syndrome) |
1. | લોહીનું કૅન્સર | ડાઉનનું સંલક્ષણ, બ્લૂમનું સંલક્ષણ, ફાન્કોની
ઍનીમિયા, ઍટેક્સિયા ટેલેન્જૅક્ટેસિયા, શ્વાસમૅનનું સંલક્ષણ, ન્યુરોફાઇબ્રોમેટોસિસ, વિસ્કોટ–આલરિચ સંલક્ષણ વગેરે |
2. | લિમ્ફોમા | ફેમિલિયલ એટિપિકલ મોલ–મેલિગ્નન્ટ સંલક્ષણ,
ડંકનનું સંલક્ષણ, બ્રુટોનનું સંલક્ષણ, IgA ઊણપ, વિસ્કોટ–આલરિચનું સંલક્ષણ, ચેડિયાક–હિગાસી સંલક્ષણ વગેરે |
3. | યકૃતનું કૅન્સર | ગૅલેક્ટેસિયા, ટાયરોસિનિમિયા, ગ્લાયકોજન–સંગ્રહ
સંલક્ષણ (પ્રકાર 1), હાયપરમિથિયોનિમિયા, આલ્ફા–1–ઍન્ટિટ્રિપ્સિન ઊણપ, કૌટુંબિક કોલિસ્ટેટિક સિરોસિસ, ફાન્કોની ઍનીમિયા વગેરે |
4. | મગજનું કૅન્સર | નિવૉઇડ બેઝલ સેલ કાર્સિનોમા સંલક્ષણ,
ન્યુરોફાઇબ્રોમેટોસિસ, બ્રુટોનનું સંલક્ષણ, વિસ્કોટ– આલરિચ સંલક્ષણ, પ્રતિરક્ષાઊણપ, ટ્યૂબરસ સ્ક્લેરોસિસ વગેરે |
5. | વિલ્મનું કૅન્સર
(મૂત્રપિંડ) |
ન્યુરોફાઇબ્રોમેટોસિસ, 11p–એનિરિડા સંલક્ષણ, રિનલ
ડિઝપ્લાસિયા, બેક્વિથ–વિડમેન સંલક્ષણ |
6. | શુક્રપિંડનું કૅન્સર | પેટમાં રહી ગયેલો શુક્રપિંડ, 21–હાઇડ્રૉક્સિલેઝ
ઊણપ વગેરે |
માતાનું કૅન્સર ભાગ્યે જ તેના ગર્ભમાં ફેલાય છે. જોકે મિલેનોમા, લિમ્ફોમા તથા ફેફસાંના કૅન્સરમાં આવા દાખલા નોંધાયા છે. ગર્ભાવસ્થા દરમિયાન વિકિરણન(radiation)નો સંસર્ગ થયો હોય તો બાળકોમાં કૅન્સરનું પ્રમાણ વધે છે એમ મનાય છે. જોકે જાપાનમાં પરમાણુ-બૉમ્બના ધડાકા પછી જન્મેલાં બાળકોમાં કૅન્સરનું પ્રમાણ વધેલું જોવા મળ્યું નથી. કેટલીક દવાઓને કૅન્સરના કારણરૂપ માનવામાં આવી છે. સગર્ભા માતાએ ડાયઇથાયલ સ્ટીલ્બેસ્ટેરોલ નામની દવા લીધી હોય તો ત્યાર પછી જન્મતા છોકરામાં સેમિનોમા અને છોકરીઓમાં યોનિનું ગ્રંથિકૅન્સર (adenocarcinoma of vagina) થતું જોવા મળ્યું છે. તેવી જ રીતે હાયડેન્ટોઇનને ન્યુરોબ્લાસ્ટોમા સાથે તથા આલ્કોહૉલને હિપેટોમા (યકૃતનું કૅન્સર) ન્યુરોબ્લાસ્ટોમા તથા એડ્રીનોકોર્ટિકલ કાર્સિનોમા સાથે સાંકળવામાં આવે છે. મોટા ભાગના કિસ્સામાં ગર્ભાવસ્થા સમયે કોઈ કૅન્સરકારક દ્રવ્યના સંસર્ગની માહિતી હોતી નથી. મોટા ભાગના કિસ્સામાં તે વારસાગત પણ નથી. જોકે અમુક કૅન્સરોને કેટલાંક ચોક્કસ સંલક્ષણો (syndromes) સાથે સાંકળવામાં આવેલ છે (સારણી 2).
આ ઉપરાંત વિકિરણનની અસરથી પણ કૅન્સર થાય છે. દા.ત., ચામડી, થાઇરૉઇડ, સ્તન, લાળગ્રંથિ તથા હાડકાં અને મૃદુપેશીનાં કૅન્સર. તેને કારણે મગજનું કૅન્સર તથા લિમ્ફોમા થાય છે તેવું પણ નોંધાયેલું છે. વિવિધ રસાયણો અને વિષાણુઓ પણ કૅન્સર કરે છે. કેટલાંક બાળકોનાં કૅન્સરમાં ચોક્કસ પ્રકારની જનીનીય વિકૃતિઓ જોવા મળી છે. આ જનીનીય વિકૃતિઓ જે તે કૅન્સરના ઉદભવમાં કારણભૂત હોઈ શકે (સારણી 3).
સારણી 3 : ઘન અવયવોના કૅન્સરમાં જોવા મળતી જનીનીય વિકૃતિઓ
કૅન્સર | જનીનીય વિકૃતિ | |
1. | સરેખ સ્નાયુ–માંસાર્બુદ
(rhabdomyosarcoma) |
t (2; 13) (q35; q14) |
2. | વિલ્મનું કૅન્સર (મૂત્રપિંડ) | t/del (11) (p13) |
3. | ઈવિંગનું માંસાર્બુદ (હાડકું) | t (11; 22) (q24; q12) |
4. | મેલિગ્નન્ટ મિલેનોમા (ચામડી) | t/del (1) (p12; p22)
t (1; 19) (q12; p13) t/del (6q) / i (6p) ત્રિસૂત્રતા(trisomy)-7 |
5. | ન્યુરોબ્લાસ્ટોમા (ચેતાતંતુ) | del (1) (p31–p32) |
6. | રેટિનોબ્લાસ્ટોમા (આંખ) | del (13) (q14 /–13 i (6p) |
નોંધ : t = પ્રતિસ્થાપન (translocation), del = લુપ્તન (deletion) પ્રથમ કૌંસમાં રંગસૂત્રના ક્રમાંક અને બીજા કૌંસમાં p તથા q ભૂજા પરનાં અંકિત સ્થાનો |
નિર્દેશન અને નિદાન : ચોક્કસ લક્ષણોની ગેરહાજરીને કારણે બાળકોમાં કૅન્સરનું ઘણી વખત વહેલું નિર્દેશન થતું નથી. લાંબા સમયનો તાવ, કારણ ન સમજાય તેવો દુખાવો, ગાંઠ, વજન ઘટી જવું વગેરે તકલીફોમાં નિદાન-કસોટીઓની જરૂર ગણાય છે. તેમાં જીવપેશીપરીક્ષણ (biopsy) મહત્વનું છે. બાળકોમાં ઘણાં ગોલાકાર-કોષી (round cell) કૅન્સર જોવા મળે છે. ન્યુરોબ્લાસ્ટોમા, રૅબ્ડોમાયોસાર્કોમા, ઈવિંગનું સાર્કોમા, લિમ્ફોમા વગેરે ગોળકોષી કૅન્સર તરીકે જોવા મળે છે. તેમનો નિદાનભેદ (differential diagnosis) જરૂરી છે.
વર્ગીકરણ : બાળકોનાં મુખ્ય કૅન્સર છે લ્યૂકીમિયા (લોહીનું કૅન્સર), લિમ્ફોમા (લસિકાર્બુદ), રૅબ્ડોમાયોસાર્કોમા, ન્યુરોબ્લાસ્ટોમા, વિલ્મનું કૅન્સર, ઈવિંગનું સાર્કોમા, મેડ્યુલોબ્લાસ્ટોમા, હિપેટોબ્લાસ્ટોમા, રેટિનોબ્લાસ્ટોમા, ઑસ્ટિયોસાર્કોમા, જર્મ-સેલ કૅન્સર વગેરે. તેમનું તબક્કા પ્રમાણે વિભાજન કરાય છે. સામાન્ય રીતે પ્રથમ તબક્કો શસ્ત્રક્રિયા વડે દૂર કરી શકાતું કૅન્સર સૂચવે છે. બીજા તબક્કાનું કૅન્સર શસ્ત્રક્રિયા પછી સૂક્ષ્મ રીતે શરીરમાં રહી જાય છે. ત્રીજો તબક્કો અપૂર્ણ શસ્ત્રક્રિયાની શક્યતા સૂચવે છે અને ચોથો તબક્કો વ્યાપકપણે ફેલાયેલું કૅન્સર સૂચવે છે.
સારવાર : શસ્ત્રક્રિયા, વિકિરણનચિકિત્સા (radiotherapy) તથા ઔષધચિકિત્સા (chemotherapy) ઉપરાંત સારવારમાં પ્રેમાળ પરિચારિકાઓ (nurses), મનોચિકિત્સકો, સામાજિક કાર્યકરો, રમતગમતના વ્યવસ્થાપકો વગેરે અનેક વિવિધ વ્યાવસાયિકોની જરૂર પડે છે. ઘણાં કૅન્સરમાં રોગ મટવાનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. સારવારને કારણે વિવિધ તકલીફો ઉદભવે છે તેથી સહાયક સારવારનું મહત્વ પણ ઘણું ગણાય છે. બાળકોનાં કૅન્સરની સારવાર તથા તેના સંશોધનનું મહત્વ સમજીને વિશ્વમાં ઘણે સ્થળે તેને માટે અલગ સંસ્થાઓ સ્થપાયેલી છે. અમદાવાદમાં પણ ગુજરાત કૅન્સર સોસાયટીએ આવું એક કેન્દ્ર સ્થાપ્યું છે.
વિશિષ્ટ કૅન્સર : બાળકોમાં લિમ્ફોમા અને હૉજકિનનો રોગ, લ્યૂકીમિયા, મગજ અને કેન્દ્રીય ચેતાતંત્રનાં કૅન્સર, સરેખ સ્નાયુ-માંસાર્બુદ (rhabdomyosarcoma) નામનું મૃદુપેશીનું કૅન્સર, મૂત્રપિંડનું વિલ્મનું કૅન્સર, હાડકાંનું કૅન્સર, આંખનું રેટિનોબ્લાસ્ટોમા તથા જનનપિંડ(gonad)નું કૅન્સર મુખ્ય છે.
ન્યુરોબ્લાસ્ટોમા : ગર્ભની ચેતા-શિરોરેખા(neural crest)માંથી અધિવૃક્ક (adrenal) ગ્રંથિનો મધ્યક (medula) તથા અનુકંપી ચેતાતંત્ર(sympathetic nervous system)ના ચેતા-કંદુકો (ganglia) વિકસે છે. ચેતા-શિરોરેખાના કોષોમાં ઉદભવતા કૅન્સરને ચેતાબીજકોષી કૅન્સર (neuroblastoma) કહે છે. તે ખૂબ જ મારક (malignant) પ્રકારનું કૅન્સર છે. 3 મહિનાથી નાના શિશુને પણ તે થાય છે, જેનું ઘણી વખત નિદાન થતું નથી. આમ તેનું પ્રમાણ ઘણું વધુ હોવાનું માનવામાં આવે છે. તેના ઘણા દર્દીઓ 1 વર્ષથી નાના (શિશુઓ, infants) હોય છે. શિશુઓના કૅન્સરના 30 % અને પ્રથમ માસના નવજાત શિશુઓ(neonates)નાં 50 % કૅન્સર ન્યુરોબ્લાસ્ટોમા હોય છે. એક જ કુટુંબનાં બાળકોમાં આ રોગ અથવા ચેતા-શિરોરેખા સાથે સંકળાયેલા અન્ય રોગો (દા.ત., ન્યુરોફાઇબ્રોમેટોસિસ, ફિઓક્રોમોસાયટોમા, ટ્યૂબરસ સ્ક્લેરોસિસ, હર્ષસ્પૃંગનો રોગ વગેરે) થયેલા જોવા મળ્યા છે. આફ્રિકાના જે વિસ્તારોમાં બર્કિટનું લિમ્ફોમા થાય છે ત્યાં ન્યુરોબ્લાસ્ટોમા ઓછા પ્રમાણમાં થાય છે.
ન્યુરોબ્લાસ્ટોમાના કૅન્સરકોષો નાના અને ગોળ હોય છે તેથી તેને અન્ય ગોલાકારકોષી (round cell) કૅન્સરથી અલગ પાડવામાં આવે છે. તેમનામાં ગ્લાયકોજન હોતું નથી તેથી પિરિયોડિક ઍસિડ-સ્ફિક (PAS) અભિરંજન-પ્રક્રિયાની તેમના પર અસર થતી નથી. કેટલાક ન્યુરોબ્લાસ્ટોમાના દર્દીમાં પ્રથમ રંગસૂત્રની વિકૃતિઓ જોવા મળી છે, જેવી કે તેની ભુજા છૂટી પડી જાય, તેના જનીનનું ક્રિયાવિસ્તરણ (amplification) થાય, આંશિક એકરંગસૂત્રતા (partial monosomy) થાય વગેરે.
ન્યુરોબ્લાસ્ટોમાના કોષો સામે પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયા(immune reaction)રૂપે લોહી તથા અસ્થિમજ્જા અને ગાંઠમાં લસિકાકોષો-(lymphocytes)ની સંખ્યા વધે છે. કેટલાક દર્દીઓમાં ન્યુરોબ્લાસ્ટોમા સામે પ્રતિદ્રવ્યો (antibodies) પણ ઉત્પન્ન થાય છે. જોકે હજુ કોઈ સફળ પ્રતિરક્ષાલક્ષી સારવાર શોધી શકાઈ નથી.
ન્યુરોબ્લાસ્ટોમાની ગાંઠ અધિવૃક્ક (adrenal) ગ્રંથિમાં (40 %), પેટના પોલાણની પાછળ (retroperitoneal) અને કરોડરજ્જુની બાજુમાં આવેલા અનુકંપી ચેતા-કંદુકો(sympathetic ganglia)માં (25 %), છાતીમાં (15 %), શ્રોણી(pelvis)માં (5 %) અને ડોકમાં (4 %) થાય છે. ક્યારેક તે નાક પાછળના ગળામાં, યકૃતમાં કે ખોપરીમાં પણ થાય છે. પેટમાં થતી ગાંઠને કારણે દુખાવો, થાક, પેટ ફૂલવું અથવા યકૃત મોટું થવું, ભૂખ ન લાગવી, ક્યારેક ઝાડા થવા વગેરે તકલીફો થાય છે. અન્ય સ્થાનોએ થતી ગાંઠ આસપાસના અવયવો પર દબાણ કરીને તેમના કાર્યમાં વિક્ષેપ આણે છે. રોગ ફેલાય એટલે લસિકાગ્રંથિની ગાંઠો, ચામડીની નીચે ગાંઠો, આંખની આસપાસ લોહી જામવું તથા આંખનો ડોળો બહાર તરફ ખસવાથી આંખ મોટી થવી, લોહીના કોષો ઘટવા, તાવ તથા અરુચિ થવી વગેરે જોવા મળે છે. ક્યારેક નાના મગજના કાર્યમાં વિક્ષેપ થાય છે. વિવિધ પ્રકારની તકલીફો થઈ હોવા છતાં ઘણી વખત રોગ શરીરમાં વ્યાપકપણે ફેલાયેલો હોતો નથી. નિદાન માટે લોહીના કોષોની સંખ્યાનું ગણન, વિવિધ એક્સ-રે ચિત્રણો, હાડકાંનો સીએટી-સ્કૅન, એમઆરઆઈ, બોનમૅરો બાયૉપ્સી કરાય છે. હાલ વિકિરણનશીલ આયોડિન (I131-meta-iodo-benzyl-guanidine, MIBG) વડે કરાતો સ્કૅન વધુ ઉપયોગી ગણાય છે. ન્યુરોબ્લાસ્ટોમાના કોષો વેનિલિક-મેન્ડેલિક ઍસિડ (VMA), મેટાનેફ્રિન તથા હોમો-વેનિલિક ઍસિડ (HVA) ઉત્પન્ન કરે છે અને તે પેશાબ દ્વારા બહાર નીકળે છે. પેશાબમાં તેમનું પ્રમાણ જાણવાથી નિદાન થાય છે. પેશાબમાં VMA / HVAનું ગુણોત્તર પ્રમાણ વધુ હોય તો સારવારનું પરિણામ સારું આવે છે. VMA, HVA ઉપરાંત લૅક્ટિક ડીહાઇડ્રોજીનેઝ (LDH), ફેરિટિન તથા ચેતાલક્ષી (neuron-specific) ઇનોલેઝ પણ કૅન્સરસૂચક-દ્રવ્યો (tumour markers) છે. તેના તબક્કાનું વર્ગીકરણ સારણી 4માં દર્શાવ્યું છે. ઇવાન્સના IV-S તબક્કાના ન્યુરોબ્લાસ્ટોમાના રોગમાં ફેરિટિન વધતું નથી અને તે ક્યારેક વગર સારવારે શમી જાય છે.
સારણી 4 : ન્યુરોબ્લાસ્ટોમાના તબક્કા
ઇવાન્સના તબક્કા | રોગનો ફેલાવો |
I | એક અવયવ કે સંરચના(structure)માં રોગ |
II | શરીરની મધ્યરેખાની એક બાજુએ અવયવની બહાર
ફેલાયેલું કૅન્સર; લસિકાગ્રંથિઓ (lymph nodes) પણ અસરગ્રસ્ત થાય |
III | મધ્યરેખાની બંને બાજુ કૅન્સરની ગાંઠ/ગાંઠો |
IV | હાડકાં, અન્ય અવયવો, મુદુપેશી અને
લસિકાગ્રંથિઓમાં વ્યાપક ફેલાવો |
IV-S | યકૃત, બરોળ કે અસ્થિમજ્જામાં I/II તબક્કાનો રોગ |
પિડિયાટ્રિક ઓન્કોલૉજી ગ્રૂપના તબક્કા |
રોગનો ફેલાવો |
A | શસ્ત્રક્રિયાથી પૂરેપૂરી કાઢી શકાતી ગાંઠ; લસિકાગ્રંથિ
કે યકૃતમાં ફેલાવો નહિ |
B | શસ્ત્રક્રિયાથી પૂરેપૂરી ન કાઢી શકાતી ગાંઠ;
લસિકાગ્રંથિ કે યકૃતમાં ફેલાવો નહિ |
C | લસિકાગ્રંથિમાં ફેલાયેલી ગાંઠ |
D | અન્ય અવયવોમાં ફેલાયેલું કૅન્સર |
સ્થાનિક ગાંઠને શસ્ત્રક્રિયા વડે કાઢી નાખવાથી 90 % દર્દીઓમાં રોગ મટે છે. આ તબક્કે વિકિરણન કે દવાઓની જરૂર પડતી નથી. વ્યાપકપણે ફેલાયેલા રોગમાં કૅન્સરવિરોધી દવાઓ આપીને રોગને કાબૂમાં લેવાય છે અને ત્યાર બાદ નાની રહી ગયેલી ગાંઠને શસ્ત્રક્રિયા કરીને દૂર કરાય છે. સાયક્લોફૉસ્ફેમાઇડ, સિસ-પ્લૅટિન, ડૉક્સોરુબિસિન, ઇટોપોસાઇડ ઉપયોગી ઔષધો છે. ક્યારેક સ્થાનિક વિકિરણન અપાય છે. આખા શરીર પર વિકિરણન, બોનમૅરો ટ્રાન્સપ્લાન્ટેશન, MIBG-સંબંધિત વિકિરણન તથા મૉનોક્લોનલ પ્રતિદ્રવ્યોનો ઉપયોગ કરતી વિવિધ સારવારપદ્ધતિઓના પ્રયોગો થઈ રહ્યા છે. દર્દીની એક વર્ષથી નાની ઉંમર તથા રોગનો શરૂઆતનો તબક્કો સારવારનું સારું પરિણામ લાવે છે. લોહીમાં ફેરિટિનનું વધેલું પ્રમાણ ખરાબ પરિણામનું સૂચન કરે છે.
વિલ્મનું કૅન્સર : બાળકોમાં થતા મૂત્રપિંડના ભ્રૂણપેશી (embryonal) કૅન્સરને મૂત્રપિંડ-બીજકોષી કૅન્સર(nephro-blastoma) કહે છે. શસ્ત્રક્રિયા, વિકિરણન અને કૅન્સરવિરોધી દવાઓથી તે 80 % દર્દીઓમાં મટે છે. દુનિયામાં બધે જ તેનો દર લગભગ સમાન રહે છે (0.5થી 0.78 / 1 લાખ 15 વર્ષથી નીચેનાં બાળકો). છોકરા અને છોકરીઓમાં તે સરખા દરે થાય છે. 8 મહિનાની ઉંમર પહેલાં તે ભાગ્યે જ થાય છે. 5 % દર્દીને બંને મૂત્રપિંડમાં સાથે સાથે કે વારાફરતી રોગ થાય છે. તે ક્યારેક વારસાગત હોય છે. એકથી વધુ થતા બહુકેન્દ્રી (multicentric) કૅન્સરમાં તથા બંને મૂત્રપિંડમાં થતા કૅન્સરમાં વારસાગત પરિબળો કાર્ય કરે છે. 15 % દર્દીઓમાં કેટલીક જન્મજાત વિકૃતિઓ જોવા મળે છે. દા.ત. મૂત્રપિંડ તેના યોગ્ય સ્થાને ન હોય, એક જ મૂત્રપિંડ વિકસ્યો હોય, ‘ઘોડાની નાળ’ના આકારનો મૂત્રપિંડ હોય, મૂત્રપિંડનળી બેવડાઈ હોય, શિશ્નની ટોચ નીચે મૂત્ર માટેનું છિદ્ર હોય અને પેટમાં શુક્રપિંડ રહી ગયો હોય વગેરે. અન્ય વિકૃતિઓ પણ નોંધવામાં આવેલી છે. મૂત્રપિંડમાં ક્યારેક ગંડિકાકીય બીજકોષિતા (nodular blastema) અથવા મૂત્રપિંડ-પ્રસરિત બીજકોષી અર્બુદતા (nephroblastomatosis) જોવા મળે છે. તેમાંથી વિલ્મનું કૅન્સર ઉદભવે છે એમ મનાય છે. 12 % દર્દીઓને આક્રમક (aggressive) કૅન્સર થાય છે અને તે 3 પ્રકારનાં છે : સ્વચ્છ-કોષી માંસાર્બુદ (clear-cell sarcoma), અણવિકસિત (anaplastic) અને સ્નાયુસમ-માંસાર્બુદ (rhabdoid-sarcoma). સ્વચ્છ-કોષી યમાર્બુદમાં ઔષધીય સારવારમાં ડૉક્સોરુબિસિન ઉમેરવામાં આવે છે અને તેથી સારું પરિણામ મળે છે. અણવિકસિત વિલ્મના કૅન્સરના દર્દીમાં રંગસૂત્રની વિકૃતિઓ જોવા મળે છે. વિલ્મના કૅન્સરમાં જોવા મળતી રંગસૂત્રીય વિકૃતિઓમાં મુખ્ય વિકૃતિઓ છે ત્રિસૂત્રિતા-8 (trisomy 8), ત્રિસૂત્રિકા 18 અને XX/XY મિશ્રરંગસૂત્રતા (mozaicism). કેટલાકમાં 11મા રંગસૂત્રનો થોડો ભાગ ગુમ થયેલો હોય છે.
મોટા ભાગના દર્દીને પેટની એક બાજુએ ગાંઠ થાય છે. કેટલાકને પેટમાં દુખાવો (40 %), લોહીનું વધેલું દ્બાણ (60-90 %), તાવ (25 %) અને મૂત્રમાર્ગનો ચેપ થાય છે. પેશાબમાં લોહીના કોષો જાય છે. પરંતુ પેશાબમાં નજરે દેખાય એટલું લોહી ક્યારેક જ જાય છે. કોક દર્દીને વજન ઘટવું, ઊબકા આવવા અને ઊલટી થવી, ભૂખ ન લાગવી, હાડકાં દુખવાં, પેશાબમાં બળતરા થવી કે વારંવાર પુષ્કળ પેશાબ થવો વગેરે તકલીફો થાય છે. નિદાન માટે લોહીના કોષોની સંખ્યાનું ગણન, પેશાબની તપાસ, મૂત્રપિંડ અને યકૃતની કાર્યક્ષમતા-કસોટીઓ, પેટનું એક્સ-રે ચિત્રણ, સીએટી-સ્કૅન તથા સૉનોગ્રાફી કરાય છે. હાડકાંનું વિકિરણનલક્ષી સ્કૅન ઉપયોગી તપાસપ્રક્રિયા છે. કોઈ ચોક્કસ કૅન્સરસૂચક દ્રવ્ય શોધાયું નથી. જીવપેશીપરીક્ષણ (biopsy) કરવાથી આખરી નિદાન થાય છે. આ રોગના 5 તબક્કા નોંધવામાં આવ્યા છે (સારણી 5).
સારણી 5 : વિલ્મના કૅન્સરના તબક્કા
તબક્કો | રોગનો ફેલાવો |
1. | શસ્ત્રક્રિયાથી પૂરેપૂરા નીકળી ગયેલા મૂત્રપિંડ પૂરતું જ વિકસેલું
કૅન્સર |
2. | કમરની ગાંઠ તરફના પડખા(flank)માં મૂત્રપિંડના આવરણની
બહાર સૂક્ષ્મ ફેલાવો |
3. | પેટમાંની લસિકાગ્રંથિઓ (lymph nodes) તથા પરિતનકલા–
(peritoneum)માં નરી આંખે દેખાય તેવું શસ્ત્રક્રિયા પછી રહી ગયેલું કૅન્સર |
4. | લોહી દ્વારા ફેફસાં, યકૃત, હાડકાં કે મગજમાં ફેલાય |
5. | નિદાન સમયે બંને મૂત્રપિંડમાં કૅન્સર |
સારવાર માટે સૌપ્રથમ નિ:શેષ અથવા મૂળમાંથી (radical) શસ્ત્રક્રિયા વડે અસરગ્રસ્ત મૂત્રપિંડને કાઢવામાં આવે છે. તે માટે છેદ પેટની આગળની દીવાલ પર મુકાય છે. મૂત્રપિંડની આસપાસની લસિકાગ્રંથિઓ પણ દૂર કરાય છે. ક્યારેક મૂત્રપિંડશિરા અને નીચેની મોટી શિરા(અધોમહાશિરા, inferior vena cava)માં કૅન્સર રુધિરગુલ્મ(thrombus)રૂપે ફેલાતું હોય છે. શસ્ત્રક્રિયા વખતે તેમાંથી કોષો છૂટા પડીને લોહીમાં ભ્રમણ કરવા ન માંડે તેની ચીવટ રખાય છે. બે બાજુ થયેલી કે ઘણી મોટી થયેલી ગાંઠને સૌપ્રથમ કૅન્સરવિરોધી દવાઓ કે વિકિરણનની સારવાર અપાય છે અને ત્યાર બાદ બાકી રહેલી નાની ગાંઠને શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે. પ્રથમ 2 તબક્કામાં શસ્ત્રક્રિયા પછી સહાયક (adjuvant) સારવાર રૂપે તથા 3થી 5મા તબક્કામાં રાહતદાયી (palliative) સારવાર રૂપે કૅન્સરવિરોધી દવાઓ અપાય છે. મુખ્ય 3 દવાઓ ઉપયોગી છે – ઍક્ટિનોમાયસિન-ડી, વિન્ક્રિસ્ટિન તથા ડૉક્સોરુબિસિન. સાયક્લોફૉસ્ફેમાઇડ અસરકારક બીજી હરોળની દવા છે. સિસ-પ્લૅટિનની ઉપયોગિતા નિશ્ચિત કરાઈ રહી છે. પ્રથમ 2 તબક્કાના દર્દીમાં શસ્ત્રક્રિયા પછી ઍક્ટિનોમાયસિન-ડી અને વિન્ક્રિસ્ટિન અપાય છે અને તે 70 %થી 90 % દર્દીઓમાં રોગ મટાડે છે. ત્રીજા તબક્કાના દર્દીમાં ત્રણે દવાઓ અને વિકિરણનની સારવાર અપાય છે અને લગભગ ત્રીજા ભાગના દર્દીમાં 2 વર્ષથી વધુ સમય સારું રહે છે. ફેફસાંમાં પ્રસરેલી ગાંઠ પર વિકિરણનની સારવાર અપાય છે તથા કૅન્સરવિરોધી દવાઓ પણ અપાય છે. સ્વચ્છકોષી કૅન્સરમાં બધા જ તબક્કામાં શસ્ત્રક્રિયા પછી ત્રણે દવાઓ અને વિકિરણન અપાય છે. અણવિકસિત વિલ્મના કૅન્સર માટે ચોથી દવા રૂપે સાઇક્લોફૉસ્ફેમાઇડ ઉમેરાય છે. બંને બાજુના મૂત્રપિંડમાં કૅન્સર થાય ત્યારે સારવારના નિર્ણયો મુશ્કેલ બને છે. તેમાં એક બાજુનો આખો મૂત્રપિંડ અને બીજી બાજુનો અસરગ્રસ્ત વિસ્તાર સહિતનો અડધો મૂત્રપિંડ અથવા બંને બાજુ ફક્ત મૂત્રપિંડોના અસરગ્રસ્ત વિસ્તારો કાઢીને કૅન્સરવિરોધી દવાઓ અપાય છે. જરૂર પડ્યે આઇફૉસ્ફેમાઇડ, ઇટોપોસાઇડ અને સિસ-પ્લૅટિન ઉપયોગી દવાઓ છે. સામાન્ય રીતે 250 ગ્રામથી ઓછી ગાંઠ હોય તો 2 વર્ષથી નાના દર્દીને સારવાર પછી રોગ મટવાની ઘણી શક્યતા રહેલી છે. ચોથા તબક્કાના કૅન્સરમાં કે ફરીથી ઊથલો મારતા (પુનર્વિકાર) રોગમાં ભારે માત્રામાં ઔષધો આપ્યા પછી અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplantation) અંગે વિચારવામાં આવે છે.
રૅબ્ડોમાયોસાર્કોમા : રૈખિક સ્નાયુમાંથી ઉદભવે છે એવું મનાતું આ કૅન્સર રૈખિક અથવા સરેખ સ્નાયુ-માંસાર્બુદ(rhabdomyo-sarcoma)ના નામે ઓળખાય છે. તે ખરેખર મધ્યપેશી-(mesenchyme)માંથી ઉદભવતું કૅન્સર છે અને તે સ્નાયુના રૂપે વિભેદિત (differentiated) થાય છે. તે શરીરમાં ગમે ત્યાં ઉદભવે છે અને ઝડપથી ફેલાય છે. 2થી 6 વર્ષનાં બાળકોમાં તે માથા અને ડોકના વિસ્તારમાં તથા પ્રોસ્ટેટ, મૂત્રાશય અને યોનિમાં મુખ્યત્વે થાય છે, જ્યારે 15થી 19 વર્ષના યુવાનોમાં તે મુખ્યત્વે શુક્રપિંડ અને તેની આસપાસની પેશીમાં ઉદભવે છે. છોકરીઓ કરતાં છોકરાઓમાં તેનું પ્રમાણ દોઢું છે. એક જ કુટુંબમાં એકથી વધુને આ રોગ થયો હોવાનું નોંધાયેલું છે. વળી આ કૅન્સરના દર્દીનાં સગાંમાં અન્ય કૅન્સર (દા.ત. સ્તનનું કૅન્સર, મગજનું કૅન્સર) પણ વધુ પ્રમાણમાં થાય છે. વિવિધ આકારનો રૈખિક-સ્નાયુ બીજકોષ (rhabdomyoblast) તેનો મુખ્ય કોષ છે. ડેસ્મિન નામના કૅન્સરસૂચક દ્રવ્ય (tumour marker) વડે તેને અન્ય ગોલાકારકોષી (round cell) કૅન્સરથી અલગ પાડી શકાય છે. તેના 4 ઉપપ્રકારો વર્ણવાયેલા છે. કેટલાક દર્દીઓના 3જા અને 11મા રંગસૂત્રમાં વિકૃતિ જોવા મળે છે.
મોટા ભાગના કિસ્સામાં આંખની બખોલ (37 %), મૂત્ર-પ્રજનનમાર્ગ (21 %) તથા હાથપગમાં (20 %) ગાંઠ થાય છે. ક્યારેક પેટના પોલાણની પાછળના ભાગમાં, છાતીમાં, જઠર-આંતરડાંમાં તથા ગુદાની આસપાસ પણ ગાંઠ થાય છે. તેને કારણે સ્થાનિક સોજો, દુખાવો અને આંખ કે કાનમાં ચેપ લાગે છે. શ્વસનમાર્ગ કે અન્નમાર્ગની પાસેની કે તેના અવયવોની ગાંઠમાં અવરોધ પેદા થાય છે. નાકની પાછળના ભાગના ગળામાંની ગાંઠ ખોપરીના તળિયામાં થઈને મગજ અને તેની ચેતાઓમાં પ્રસરે છે અને તેમને દબાવે છે. મૂત્રમાર્ગના વિસ્તારમાંની ગાંઠથી પેશાબમાં લોહી પડે કે અવરોધ થાય છે તથા ક્યારેક ચેપ લાગે છે. તે આસપાસના અવયવોમાં સીધેસીધું પ્રસરે છે અથવા લસિકાવાહિની (lymphatic) અથવા લોહીની નસો દ્વારા શરીરમાં ફેલાય છે. લોહી દ્વારા તે ફેફસાં, યકૃત, અસ્થિમજ્જા, હાડકાં અને મગજમાં પ્રસરે છે. લસિકાવાહિનીઓ દ્વારા તે સ્થાનિક લસિકાગ્રંથિમાં જાય છે. આંખની બખોલમાં લસિકાવાહિનીઓ ઓછી હોવાથી તેની ગાંઠમાં ભાગ્યે જ લસિકાગ્રંથિઓ મોટી થાય છે. હાડકાંમાં ફેલાયેલા કૅન્સરને કારણે લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધે છે. પ્રણાલીગત તપાસ-કસોટીઓ ઉપરાંત જે તે ભાગનું સીએટી-સ્કૅન કે એમઆરઆઈ વડે ચિત્રણ લેવાય છે. તેના 4 તબક્કા અને 4 નૈદાનિક જૂથ (clinical groups) વર્ણવાયાં છે. શસ્ત્રક્રિયાથી પૂરેપૂરી નીકળતી ગાંઠને પ્રથમ જૂથમાં ગણવામાં આવે છે. બીજા જૂથના કૅન્સરમાં શસ્ત્રક્રિયા પછી સૂક્ષ્મપણે ફેલાયેલું કૅન્સર શરીરમાં રહી જાય છે. જ્યારે શસ્ત્રક્રિયા કરીને પૂરેપૂરી કાઢી ન શકાય એવી ગાંઠ હોય તો તેને ત્રીજું જૂથ કહે છે. ચોથા જૂથમાં રોગ અન્ય અવયવોમાં ફેલાયેલો હોય છે. તબક્કા નક્કી કરવામાં ગાંઠનું સ્થાન, કદ અને સ્થાનાંતરિતતા (metastasis) એટલે કે અન્યત્ર ફેલાવો ધ્યાનમાં લેવાય છે. પ્રથમ તબક્કાની ગાંઠ ઓછા જોખમી સ્થાને સીમિત હોય છે. મધ્યમ કે વધુ જોખમવાળા સ્થાને થતી 5 સેમી. સુધીની ગાંઠ બીજો તબક્કો કહેવાય છે. ત્રીજા તબક્કામાં 5 સેમી.થી મોટી ગાંઠ અથવા લસિકાગ્રંથિઓમાં ફેલાવો હોય છે. અન્યત્ર ફેલાતા કૅન્સરને ચોથો તબક્કો કહે છે. આંખના ગોખલા (orbit) અને મૂત્રાશય કે પુર:સ્થ ગ્રંથિ (prostate gland) સિવાયના મૂત્રમાર્ગમાં થતી ગાંઠ ઓછી જોખમી હોય છે, માથા અને ડોકમાંની પરાતાનિકાકીય (parameningeal) ન હોય તેવી કે મૂત્રાશય અને પુર:સ્થ ગ્રંથિની ગાંઠ મધ્યમ જોખમવાળી હોય છે, જ્યારે હાથપગ (ગાત્રો, limbs) અને પરાતાનિકાકીય ગાંઠ વધુ જોખમી હોય છે.
અસ્વીકાર્ય વિકૃતિ કે કુરૂપતા ન કરે તેવી શસ્ત્રક્રિયા થઈ શકે એમ ઇચ્છવાયોગ્ય ગણાય છે. પ્રથમ તબક્કામાં શસ્ત્રક્રિયા પછી દવાઓ વડે સહાયક સારવાર અપાય છે. બીજા અને ત્રીજા તબક્કામાં શસ્ત્રક્રિયા પછી વિકિરણન અને દવાઓ અપાય છે. ચોથા તબક્કાના કૅન્સરમાં મુખ્યત્વે કૅન્સરવિરોધી દવાઓ જ અપાય છે. પરાતાનિકાકીય (parameningeal) ગાંઠની સારવાર માટે કમરમાંથી મગજની આસપાસના પ્રવાહીમાં દવા તથા વિકિરણન અપાય છે. સાઇક્લોફૉસ્ફેમાઇડ, વિન્ક્રિસ્ટિન, ઍક્ટિનોમાયસિન-ડી અને ડૉક્સોરુબિસિન મુખ્ય દવાઓ છે. ક્યારેક ઇટોપોસાઇડ, સિસ-પ્લૅટિન અને ડેકાર્બાઝિન (DTIC) ઉપયોગી છે. મોટે ભાગે પ્રથમ 3 દવાઓ વપરાય છે. ભ્રૂણપેશી (embryonal) ઉપપ્રકારના કૅન્સરવાળા નાની ઉંમરના દર્દીઓમાં લાંબો જીવનકાળ વધુ જોવા મળે છે.
રેટિનોબ્લાસ્ટોમા : તે આંખના ષ્ટિપટલ(retina)ના કોષકેન્દ્રી સ્તર(nuclear layer)માં આવેલી ચેતા-બહિસ્ત્વકીય (neuro- ectodermal) પેશીનું કૅન્સર છે. તેને ર્દષ્ટિપટલ-બીજકોષી કૅન્સર અથવા ષ્ટિપટલ કૅન્સર (retinoblastoma) કહે છે. સાદી ભાષામાં આંખનું કૅન્સર પણ કહે છે. તે અન્ય ચેતાપેશી(neuronal tissue)માં ઉદભવતા કૅન્સર (ન્યુરોબ્લાસ્ટોમા, મેડ્યુલોબ્લાસ્ટોમા વગેરે) જેવા દેખાવના કોષો ધરાવે છે. કેટલાક દર્દીમાં બંને આંખમાં
રેટિનોબ્લાસ્ટોમાની ગાંઠો તથા પિનિયલ ગ્રંથિમાં કૅન્સર એકસાથે થાય તો તેને ત્રિપાર્શ્વી (trilateral) કૅન્સર કહે છે. રેટિનોબ્લાસ્ટોમા ક્યારેક આપોઆપ શમી જાય છે (1.8 %). તેમાં અવિભેદિત નાના કૅન્સરકોષો હોય છે. તેની ગાંઠ આંખના પોલાણમાં અથવા આંખની બહારની સપાટી પર વધે છે. તે આસપાસની પેશીમાં તથા મગજ અને કરોડરજ્જુમાં પ્રસરે છે. આંખની બખોલની આસપાસ ફેલાયા બાદ તે લોહી દ્વારા અસ્થિમજ્જા, હાડકાં, લસિકાગ્રંથિઓ અને યકૃતમાં ફેલાય છે. 30 % દર્દીઓમાં તે બંને આંખમાં થાય છે. 13મા રંગસૂત્રમાં ઉદભવતી વિકૃતિ સાથે તે ઘણી વખત સંકળાયેલું હોય છે.
તેનું વહેલું નિર્દેશન અને નિદાન જરૂરી છે પરંતુ તે ભાગ્યે જ થાય છે (3 %). મોટે ભાગે માતાપિતા બાળકની આંખની કીકીના વચલા કાળા ભાગ(કનીનિકા, pupil)ની જગ્યાએ સફેદ ભાગ દેખાવાની ફરિયાદ કરે છે. ક્યારેક આંખ ત્રાંસી થાય છે. લાલ આંખ અને દુખાવો આગળ વધેલા રોગનું સૂચન કરે છે. રોગ વધે એટલે ર્દષ્ટિક્ષમતા ઘટે છે, આંખ બહાર આવે છે અને ખોપરીમાં દબાણ વધે છે, પ્રણાલીગત કસોટીઓ, જીવપેશીપરીક્ષણ ઉપરાંત સીએટી-સ્કૅન નિદાન તથા તબક્કો નક્કી કરવા માટે ઉપયોગી છે. રેટિનોબ્લાસ્ટોમાને 6 તબક્કામાં વહેંચવામાં આવે છે (સારણી 6).
સારણી 6 : રેટિનોબ્લાસ્ટોમાના તબક્કા
તબક્કો | રોગનો ફેલાવો |
જૂથ I | આંખના પાછલા ગોળાર્ધમાં 4 ર્દષ્ટિચકતી(optic disc)થી
નાની એક કે વધુ ગાંઠ |
જૂથ II | આંખના પાછલા ગોળાર્ધમાં 4થી 10 ર્દષ્ટિચકતી જેટલી એક
વધુ ગાંઠ |
જૂથ III | આંખના આગલા ગોળાર્ધમાં ગમે તે કદની ગાંઠ, અથવા
આંખના પાછલા ગોળાર્ધમાં 10 ર્દષ્ટિચકતીથી મોટી એક ગાંઠ |
જૂથ IV | 10 ર્દષ્ટિચકતીથી મોટી એકથી વધુ ગાંઠો |
જૂથ V | અર્ધા ર્દષ્ટિપટલને અસરગ્રસ્ત કરતી મોટી ગાંઠ, વિટ્રિયસ
હ્યૂમરમાં ફેલાવો |
જૂથ VI | આંખની બખોલ, ર્દષ્ટિચેતા કે અન્યત્ર ફેલાવો |
વિકિરણનસારવાર, પ્રકાશ-ગુલ્મન (photocoagulation) કે અતિશીત ચિકિત્સા (cryotherapy) વડે સારવાર કરીને ર્દષ્ટિ જાળવવા પ્રયત્ન કરાય છે. મોટા ભાગનો ર્દષ્ટિપટલ અસરગ્રસ્ત હોય તો આંખ તથા 1 સેમી. જેટલી ર્દષ્ટિચેતા (optic nerve) કાઢી નંખાય છે. આંખની બખોલમાં રોગ ફેલાયો હોય તો વિકિરણનની સારવાર અપાય છે. આગળ વધેલા તબક્કાના કૅન્સરમાં સાઇક્લોફૉસ્ફેમાઇડ, ડૉક્સોરુબિસિન અને વિન્ક્રિસ્ટિન તથા વિકિરણનની સારવાર અપાય છે. પહેલા તબક્કાના રોગમાં 90 % દર્દીઓને રોગ મટે છે.
જર્મ સેલ ટ્યૂમર : તે આદિ પ્રજનક કોષ(primordial germ cell)માંથી ઉદભવતી સૌમ્ય (benign) કે મારક (malignant) ગાંઠ છે. પ્રજનક કોષો (germ cells) ગર્ભના વિકાસ સમયે વિવિધ ભાગોમાં ખસે છે (migration). તેને કારણે ત્રિકાનુત્રિકાસ્થિ (sacrococcyx bone), ગળું, છાતીના પોલાણનો મધ્ય ભાગ, પેટના પોલાણનો પાછલો ભાગ તથા પિનિયલ ગ્રંથિમાં જર્મ સેલ ટ્યૂમર ઉદભવે છે. કેડના સૌથી નીચેના કરોડના મણકા એકબીજા સાથે જોડાઈને ત્રિકાસ્થિ (sacrum) અને અનુત્રિકાસ્થિ (coccyx) બનાવે છે. તેનું જર્મ સેલ ટ્યૂમર સૌથી વધુ જોવા મળે છે. ગાંઠ અને તેના દબાણને કારણે ચિહનો અને લક્ષણો ઉદભવે છે. પ્રણાલીગત તપાસ, જીવપેશીપરીક્ષણ (biopsy) તથા સીએટી-સ્કૅનથી નિદાન થાય છે. ભ્રૂણપેશી (embryonal) કાર્સિનોમા અને એન્ડોડર્મલ સાયનસ ટ્યૂમરમાં આલ્ફા-ફીટો-પ્રોટીન (aFP) તથા ભ્રૂણપેશી કાર્સિનોમા અને કૉરિયોકાર્સિનોમામાં બીટા-હ્યૂમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન (bHCG) નામનાં કૅન્સરસૂચક દ્રવ્યો(tumour markers)નું લોહીમાં પ્રમાણ વધે છે. ગાંઠને શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે. જો તેમાં કૅન્સરના કોષો જણાય તો વિન્ક્રિસ્ટિન, સાઇક્લોફૉસ્ફેમાઇડ, ઍક્ટિનોમાયસિન-ડી, વિન્બ્લાસ્ટિન, બ્લિયોમાયસિન, સિસ-પ્લૅટિન વગેરેના વિવિધ સમૂહો સારવાર માટે વપરાય છે. ક્યારેક દવા અને / અથવા વિકિરણનની સારવાર કરાય છે. શુદ્ધ પ્રજનકકોષી કૅન્સરને માટે ફક્ત વિકિરણનની સારવાર પણ અપાય છે. શિશુમાં થતું કૅન્સર સૌથી વધુ મટે છે.
શિલીન નં. શુક્લ
પંકજ મ. શાહ