લાઇક ખદીજા (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1938, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : ઉર્દૂ લેખિકા. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.ફિલ., પીએચ.ડી. અને ડિપ્લોમા ઇન પર્શિયનની પદવીઓ મેળવી. પછી ગુલબર્ગ યુનિવર્સિટીમાં અધ્યાપન કરીને નિવૃત્ત થયાં. 1987માં ઉર્દૂ અકાદમીના જર્નલ ‘ફસીલ’નું સંપાદન કર્યું. 1987થી 1990 સુધી તેમણે કર્ણાટક ઉર્દૂ અકાદમી બૅંગલોરની અધ્યક્ષતા સંભાળી. 1997થી તેઓ ઉર્દૂના ઉત્તેજન માટેની નૅશનલ કાઉન્સિલનાં સભ્ય છે.
તેમણે ઉર્દૂમાં 5 ઉલ્લેખનીય ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મીર સમસુદ્દીન ફૈઝ’ (1980, વિવેચન), ‘અહ્દે અરસ્તુ જાહ’ (1986, સાહિત્યિક ઇતિહાસ), ‘અક્સ-દ-રઅક્સ’ (1992), ‘નક્દ-ઓ-જુસ્તજૂ’ (1994 બંને વિવેચનાત્મક નિબંધસંગ્રહો) ખાસ નોંધપાત્ર છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1983માં આંધ્ર પ્રદેશ ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ, 1986માં મીર અકાદમી ઍવૉર્ડ, 1987માં બિહાર ઉર્દૂ અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયેલા.
બળદેવભાઈ કનીજિયા