લશ્કરી કાયદો (martial law) : રાજકીય કે અન્ય પ્રકારની અસાધારણ કટોકટીને પહોંચી વળવા માટે નાગરિક પ્રશાસનનો કામચલાઉ ધોરણે અંત લાવી પ્રશાસનની કામગીરી લશ્કરને સોંપવી તે. લશ્કરી કાયદા હેઠળ પ્રશાસનની જવાબદારી દેશના લશ્કરને સોંપવામાં આવે છે. સમગ્ર દેશ પર અથવા દેશના અમુક વિસ્તાર પર તેનો અમલ કરવામાં આવે છે. દેશ પર જ્યારે બહારનું આક્રમણ થાય છે અથવા મોટા પાયા પર આર્થિક, રાજકીય કે નાણાકીય કટોકટીને લીધે આંતરિક અશાંતિ અને અવ્યવસ્થા ઊભી થતી હોય છે, સમગ્ર દેશમાં અથવા દેશના અમુક વિસ્તારમાં તોફાનો ફાટી નીકળે છે, કુદરતી હોનારત ઊભી થાય છે, જ્યાં દેશની અખંડતા અને સાર્વભૌમતા જોખમમાં મુકાતી હોય છે અને તેને પહોંચી વળવા નાગરિક પ્રશાસન અશક્તિમાન અથવા અસહાય સાબિત થાય છે ત્યારે લશ્કરી કાયદાનો અમલ જાહેર કરવામાં આવે છે.
લશ્કરી કાયદાનો અમલ ચાલુ હોય ત્યારે નાગરિક ન્યાયાલયોની ન્યાય આપવાની સત્તા મહદ્અંશે નિલંબિત કરવામાં આવે છે અને ન્યાયનું કાર્ય પણ લશ્કરને સોંપવામાં આવે છે. લશ્કરી કાયદાના અમલ દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો પણ નિલંબિત કરવામાં આવતા હોય છે; દા. ત., વાણીસ્વાતંત્ર્ય, પ્રસારમાધ્યમોનું સ્વાતંત્ર્ય, રાજકીય પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગેનું સ્વાતંત્ર્ય, સંગઠનો રચવા અંગેનું સ્વાતંત્ર્ય વગેરે. લશ્કરી કાયદાના અમલ દરમિયાન નાગરિકો પોતાના હકો માટે નાગરિક ન્યાયતંત્ર સમક્ષ દાદ માગી શકતા નથી; દા. ત., હેબિયસ કૉર્પસ અંગેની રિટ.
લશ્કરી કાયદાનો અમલ કરનાર અધિકારીઓને વિપુલ સત્તા અપાય છે અને તેમની સમક્ષ મૂકવામાં આવેલી બાબતોનો નિકાલ તેઓ પુરઝડપથી, કેટલીક વાર ઔપચારિક રીતરસમો બાજુએ મૂકીને, કરતા હોય છે. તેઓ પોતાના ઉપરી અધિકારીઓ સિવાય અન્ય કોઈના તાબા હેઠળ હોતા નથી.
અમેરિકા જેવા કેટલાક દેશોમાં લશ્કરી કાયદાનું અંશત: સંહિતાકરણ કરવામાં આવેલું છે. પરંતુ ઇંગ્લૅન્ડ જેવા દેશમાં જ્યાં અલેખિત બંધારણ દ્વારા શાસનવ્યવસ્થા ચલાવવામાં આવે છે, ત્યાં આ અંગેની કેટલીક બાબતો અસ્પષ્ટ અથવા સંદિગ્ધ છે.
મે 1989માં ચીનના વિદ્યાર્થીઓએ જ્યારે લોકશાહી શાસનવ્યવસ્થાની માંગણી કરી અને પાટનગર બેજિંગના ટિયાનનમેન ચોકમાં દેખાવો કર્યા હતા ત્યારે ચીનની સરકારે ત્યાં લશ્કરી શાસનની ઘોષણા કરી હતી, જે જાન્યુઆરી 1990માં ઉઠાવી લેવાયું હતું.
લશ્કરી કાયદો એ કોઈ સર્વમાન્ય કાયદાનું સ્વરૂપ હોતું નથી. ન તો તેની તુલના નાગરિક કાયદાવ્યવસ્થા સાથે કરી શકાય. લશ્કરી કાયદો ટૂંકા ગાળા માટે લાગુ કરવામાં આવેલ અવિધિસરની શાસનવ્યવસ્થા હોય છે. તે માત્ર નાગરિક શાસનની કાર્યપ્રણાલીની અવેજીમાં લશ્કરની કાર્યપ્રણાલીનો અમલ કરવાની શાસનવ્યવસ્થા છે. તેથી જ લશ્કરી શાસન દરમિયાન તેનો અમલ કરનાર અધિકારીઓની સત્તા અબાધિત હોય છે.
લશ્કરી કાયદો (martial law) એ લશ્કરમાં કામ કરતા સૈનિકો કે કર્મચારીઓને લાગુ પડતા નિયમો (military rules) કરતાં સ્વરૂપગત રીતે જુદા પ્રકારનો હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે