લલિતાંબા, બી. વાય. (જ. 18 માર્ચ 1944, મૈસૂર શહેર, કર્ણાટક) : કન્નડ લેખક. દેવી અહલ્યા વિશ્વવિદ્યાલય, ઇંદોરની સ્કૂલ ઑવ્ કમ્પેરેટિવ લૅન્ગ્વેજ ઍન્ડ કલ્ચરમાં પ્રાધ્યાપક.
તેમણે અનુવાદો સહિત 1૦થી વધુ ગ્રંથો આપ્યા છે. ‘તીર્થંકર’ (1973) બાળસાહિત્ય છે. ‘નવ નિર્માણ દેદેગે’ (1978), ‘લોહેમ, હમ’ – બંને હિંદીમાંથી કરેલ અનુવાદ છે. ‘ભારતીય સાહિત્ય સમીક્ષે’ – 2 ભાગમાં (199૦) અંગ્રેજીમાંથી અનુવાદ છે. ‘ફિર નયા દિન’ હિંદીમાં કાવ્યસંગ્રહ (1978); ‘શતદલ’ (198૦) કન્નડમાંથી કરેલ કાવ્યાનુવાદ છે. વળી ‘વકનોદ્યાન’ (1982) કન્નડમાંથી અનુવાદ છે.
1987થી 1991 સુધી ‘અનિકેત’ના સંપાદક તરીકે કામગીરી કરી. 199૦માં પત્રિકા ભારતી, કન્નડ અઠવાડિકના સંપાદક રહ્યા. તેમણે સંખ્યાબંધ લેખો અને શોધ-પ્રબંધો પ્રગટ કર્યા છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1982માં કર્ણાટક સરકાર તરફથી ઍવૉર્ડ, 1986માં ભારત સરકાર તરફથી ઍવૉર્ડ તથા ઉત્તર પ્રદેશ અને બિહાર સરકાર તરફથી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા