લલિતા નાયક, બી. ટી. (શ્રીમતી)

January, 2004

લલિતા નાયક, બી. ટી. (શ્રીમતી) (જ. 4 એપ્રિલ 1945, તંગલી ટંડ્યા, જિ. ચિકમગલૂર, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને નવલકથાકાર. ઇન્ટર સુધીનો અભ્યાસ અને હિંદી વિશારદ.

તેઓ ધારાસભ્ય; બાલભવન – કર્ણાટકનાં પ્રમુખ, મહિલા અને બાલ વિકાસ સમિતિનાં પ્રમુખ; ગુલબર્ગ યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટનાં સભ્ય તેમજ અખિલ કર્ણાટક લંબાની વૉક્કુટનાં પ્રમુખ રહી ચૂક્યાં છે.

તેમણે 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ભટ્ટાન કાનસુ’ (1979) અને ‘હબ્બા મટ્ટા બાલી’ વાર્તાસંગ્રહો છે. ‘નેલે બેલે’ (1982) નવલકથા; ‘નામ રુપલી’ (1983) અને ‘ઈદે કૂગુ મત્તે મત્તે’ (1986) કાવ્યસંગ્રહો છે; જ્યારે ‘ચંદ્ર-પ્રભાવ’ (1972) રેડિયોનાટ્યસંગ્રહ અને ‘દેવદુર્ગા તાલુકા દર્શન’ તેમનાં પ્રવાસવર્ણનો છે.

તેમના સામાજિક અને સાહિત્યિક પ્રદાન બદલ તેમને ઉત્તમ ધારાસભ્ય ઍવૉર્ડ (1987) તથા કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1991) પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા