સાધુ શ્યામલાલ

January, 2008

સાધુ, શ્યામલાલ (જ. 17 ઑગસ્ટ, 1917, કાશ્મીર) : કાશ્મીરી લેખક. શાળાશિક્ષણ કાશ્મીરમાં. 1938માં દિલ્હીની યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી સરકારી કૉલેજ, બારામુલ્લાના પ્રાધ્યાપક, પછી પ્રિન્સિપાલ બન્યા અને 1972માં ત્યાંથી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ તેઓ શ્રીનગરની વી. બી. વિમેન્સ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રહ્યા.

એસ. એલ. સાધુ

તેઓ તેમના અંગ્રેજી વાર્તાસંગ્રહ ‘ફોક ટેલ્સ ફ્રૉમ કાશ્મીર’ (1962) અને ‘હબા ખાતૂન’(1983)થી ખ્યાતિ પામ્યા. તેને માટે 1965ના વર્ષનો સ્ટેટ કલ્ચરલ અકાદમી ઍવૉર્ડ તેમને મળ્યો. તે કૃતિ કાશ્મીરી લોકકથાઓનો અંગ્રેજીમાં અનુવાદ છે. ‘વુત્સા પ્રાંગ’ (‘ધ મૅજિક કાર્પેટ’, 1966) તેમનો વૈજ્ઞાનિક શોધો અને માનવીનો ક્રમિક વિકાસ દર્શાવતો બાળકો માટેનો પ્રથમ કાશ્મીરી ગ્રંથ છે. આ કૃતિ માટે તેમને 1966માં મિનિસ્ટ્રી ઑવ્ કલ્ચરલ અફેર્સ તરફથી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ‘બીરબલ’ (1965) તેમની એકમાત્ર સર્જનાત્મક ઐતિહાસિક નાટ્યકૃતિ છે.

તેઓ અનુવાદક તરીકે વધુ જાણીતા થયા છે. તેમના અનુવાદોમાં ‘ડૉન કિહોટે’ (1969), ‘ક્વાસાસ’ (1971) વાર્તાસંગ્રહ જેવી વિશ્વવિખ્યાત પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદનો સમાવેશ થાય છે. કલ્હણ (11મી સદી) અને હસન ખોઇહામી(1833-1898)એ નોંધેલી ઐતિહાસિક પ્રસંગો અને ઘટનાઓ સંબંધી કથાઓ અનૂદિત રૂપે ‘વેથી હિંદ મલાર’ નામક ગ્રંથમાં સંગૃહીત કરી છે. રાજ્ય સાંસ્કૃતિક અકાદમીની સૂચનાથી અનૂદિત તેમનો વિશ્વવિખ્યાત વાર્તાસંગ્રહ ‘સહકાર’ છે, જે 1976માં સાંસ્કૃતિક અકાદમીએ પ્રગટ કર્યો હતો.

તેમની અન્ય અનૂદિત વાર્તાઓમાં ‘કાબૂલીવાલા’ (ટાગોર); ‘ગોડ સિઝ ધ ટ્રુથ’ (ટૉલ્સ્ટૉય); ‘ડાયમન્ડ નેકલેસ’ (મૉપાસાં) અને ‘ઉસને કહા થા’(ચંદ્રધર  શર્મા ગુલેરી)નો સમાવેશ થાય છે. તેમણે ડોગરી અને સંસ્કૃત કૃતિઓના કાશ્મીરીમાં અનુવાદ કર્યા છે.

બળદેવભાઈ કનીજિયા