લલિતપુર : ઉત્તરપ્રદેશના છેક નૈર્ઋત્ય ખૂણામાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. તે 24° 11´ થી 25° 13´ ઉ. અ. અને 78° 11´ થી 79° ૦´ પૂ. રે. વચ્ચેનો 5,૦39 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રાજ્યનો ઝાંસી જિલ્લો આવેલો છે, જિલ્લાની બાકીની બધી જ સીમા મધ્યપ્રદેશથી ઘેરાયેલી છે. બેટવા નદી બે જિલ્લા વચ્ચેની તેની ઉત્તર સીમા રચે છે અને આશરે 15 કિમી.ની લંબાઈમાં વહે છે, પશ્ચિમ તરફની મધ્યપ્રદેશની સીમા પર પણ તે આશરે 96 કિમી.ની લંબાઈમાં વહે છે. તેની નૈર્ઋત્ય સીમા નારાયણ નદીથી, અગ્નિ સીમા દશાણ નદી(4૦ કિમી.)થી, જ્યારે ઈશાન સીમા જમની નદી(65 કિમી.)થી બનેલી છે. જિલ્લામથક લલિતપુર જિલ્લાની મધ્યમાં પશ્ચિમ તરફ આવેલું છે.
ભૂપૃષ્ઠ–વનસ્પતિ–જળપરિવાહ : આખોય લલિતપુર જિલ્લો પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. જિલ્લાનો છેક દક્ષિણનો ભાગ સરેરાશ 5૦૦ મીટર ઊંચાઈવાળા વિંધ્ય ઉચ્ચપ્રદેશના સમુત્પ્રપાતો(escarpments)થી બનેલો છે. દક્ષિણમાં આવેલી ટેકરીઓ સમાંતર હારમાળા રૂપે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં લંબાયેલી છે. ઉત્તર તરફ જતાં પ્રાદેશિક ઊંચાઈ 3૦૦ મીટરની બની રહે છે. તેમના ઢોળાવો ગીચ ઝાંખરાંવાળા, કાંટાળા છોડવાઓથી છવાયેલા છે. ઉચ્ચપ્રદેશના તળેટીભાગથી લલિતપુર સુધી કાળી જમીનો અને ઉત્તર તરફ લાલ જમીનો પથરાયેલી છે. નાનાં નાળાં તેને વીંધીને પસાર થાય છે. આ રીતે જિલ્લાનું ભૂપૃષ્ઠ અસમતળ બની રહેલું છે. શુષ્ક અયનવૃત્તીય વનસ્પતિ અહીં પડતા ઓછા વરસાદ પર નભે છે. જિલ્લામાં ખાખરો, ખેર, મહુડો, ટીમરુ, સાગ, ઘોંટ, સલાઈ, બાવળ, થોર, શિયારી, કતાઈ, બીલી, વાંસ જેવાં વૃક્ષો જોવા મળે છે. દક્ષિણથી ઉત્તર જતાં વનસ્પતિનું પ્રમાણ ઘટતું જાય છે. જંગલ વિસ્તાર આશરે 67,૦૦૦ હેક્ટર ભૂમિ આવરી લેતો હોવા છતાં માત્ર જલાઉ લાકડાં સિવાય બીજું કોઈ આર્થિક મહત્વ ધરાવતો નથી. બેટવા અને જમની અહીંની મુખ્ય નદીઓ છે. બધી જ નદીઓ દક્ષિણથી ઈશાન તરફ વહે છે. ઢોળાવ સારો હોવાથી પાણીનો ભરાવો થતો નથી.
ખેતી–સિંચાઈ–પશુપાલન : ખેતી અહીંનો મુખ્ય વ્યવસાય છે. રવી અને ખરીફ બંને પાકો લેવાય છે. ઘઉં, મકાઈ, જુવાર, ચણા અને અડદ મુખ્ય કૃષિપાકો છે. અહીં મોટે ભાગે કૂવાઓ દ્વારા જ સિંચાઈ થાય છે. ઉનાળામાં કૂવા સુકાઈ જતાં એમાં બોરિંગ કરીને પાણી મેળવાય છે. આ ઉપરાંત માતાટીલા, ગોવિંદસાગર, જમની અને શુકવા–દુખવા બંધ કાર્યરત છે. રાજઘાટ, સજનામ અને શાહજદ બંધ દ્વારા વધુ સિંચાઈ ઉપલબ્ધ થશે. અહીં નહેરોની ગૂંથણીની લંબાઈ આશરે 52૦ કિમી. જેટલી છે. ખેતી ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન પણ થાય છે. અહીંનાં પશુઓ ઊતરતી ઓલાદનાં હોવાથી પશુદવાખાનાં ખાતે કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. ગાય, ભેંસ અને ઘેટાંબકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે, મરઘાં-બતકાંનું પ્રમાણ ઓછું છે
ઉદ્યોગ–વેપાર : જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે તદ્દન પછાત છે; શહેરી વિસ્તારમાં આવેલાં માત્ર બે કારખાનાં સિવાય અન્ય જાહેર-ખાનગી ઉદ્યોગો વિકસ્યા નથી. રાજ્ય સરકાર તરફથી નાના પાયા પરના ઔદ્યોગિક એકમોનું આયોજન થઈ રહ્યું છે. તેમાં ચામડાં કમાવવાના એકમો; પગરખાં, ટોપલીઓ અને પૈડાં બનાવવાના હુન્નરને સમાવી શકાશે. ટીમરુનાં પાન અને પાણીની ટાંકીઓ બહાર મોકલાય છે અને કાપડ તથા લોખંડની આયાત કરવામાં આવે છે. અહીં લોખંડનો માલસામાન અને પ્લાસ્ટિકની ચીજો બનાવાય છે.
પ્રવાસન : જિલ્લાનાં ઘણાં સ્થાનો ઐતિહાસિક અને પુરાતત્વીય દૃષ્ટિએ જાણીતાં બનેલાં છે.
(1) લલિતપુર : જિલ્લાનું વડું વહીવટી મથક. તે મધ્ય રેલવેના ઝાંસી–મુંબઈ વિભાગ પરનું રેલમથક છે. તે ઝાંસીથી દક્ષિણે 9૦ કિમી.ને અંતરે ઝાંસી–સાગર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તે મેહરોની, માંડોરા, બાણપુર, દેવગઢ અને તિકમગઢ (મ. પ્ર.) સાથે પાકા રસ્તે જોડાયેલું છે. દક્ષિણના રાજા સુમેરસિંહે આ શહેર વસાવેલું હોવાનું કહેવાય છે. તેણે તેની પત્ની લલિતાના નામ પરથી આ શહેરને ‘લલિતપુર’ નામ આપેલું છે. આ રાજા ચામડીના રોગથી પીડાતો હતો, અહીંના એક તળાવમાં સ્નાન કરવાથી તે રોગમુક્ત બનેલો. તળાવનું નામ પણ તેના નામ પરથી પડેલું છે. આ શહેરમાં થોડા પુરાતત્વીય અવશેષો જોવા મળે છે. અહીંના બાંસા નામના એક મકાનને મુસ્લિમ શાસનકાળ દરમિયાન જકાતથાણું બનાવેલું. તેના પર ‘ફીરોઝશાહ તઘલખ, સંવત 1415’ (ઈ. સ. 1358) એ પ્રમાણેનું નામ કોતરેલું છે. આ શહેરમાં સાબુ બનાવવાનું, લોખંડ અને અન્ય ધાતુની ચીજવસ્તુઓ, પગરખાં બનાવવાનું તેમજ ચામડાં કમાવવાનું કામકાજ ચાલે છે.
(2) દેવગઢ : આ ગામ લલિતપુર તાલુકામાં બેટવા નદીના જમણા કાંઠે ટેકરીઓના પશ્ચિમ છેડા પર વસેલું છે અને કાચા રસ્તે લલિતપુર સાથે જોડાયેલું છે. તે પ્રાચીન શિલાલેખો અને પુરાતત્ત્વીય વસ્તુઓ માટે જાણીતું છે. આ ગામના ઉલ્લેખો ગુપ્તો, ગુર્જરો, પ્રતિહારો, ગોંડ, દિલ્હીના મુસ્લિમ શાસકો, બુંદેલાઓ, મરાઠાઓ અને અંગ્રેજો સાથે સંકળાયેલા ઇતિહાસમાં જોવા મળે છે. ગુપ્તકાલીન એક વિષ્ણુમંદિર(સાગરમઠ)ના અવશેષો તથા જૈન મંદિરોનું જૂથ અહીં આવેલાં છે. એક જમાનામાં ખૂબ જ મહત્ત્વ ધરાવતું આ સ્થળ આજે તો એક સામાન્ય ગામ માત્ર રહ્યું છે.
(3) બાણપુર : સ્થાનિક લોકવાયકાઓ મુજબ રાક્ષસ રાજા બાણાસુરના નામ સાથે સંકળાયેલું કહેવાતું આ ગામ જમની નદીથી 3 કિમી. દૂર પૂર્વ તરફ તથા મેહરોનીથી આશરે 15 કિમી. અંતરે આવેલું છે. 183૦ના અરસામાં ગ્વાલિયરના મહારાજા તરફથી મુર પ્રહલાદને અહીંનાં પરગણાં જાગીર તરીકે આપવામાં આવેલાં. 1842માં તેના પુત્ર મર્દનસિંહે આ જાગીર સંભાળી, 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લેવા બદલ તેને લાહોરની જેલમાં કેદ કરવામાં આવેલો. તેનો કિલ્લો અને મહેલ આજે ખંડિયેર હાલતમાં જોવા મળે છે. ગામથી દોઢ કિમી.ને અંતરે ગણેશ ખેડા ખાતે ગણેશની પૂર્ણ કદની એક મૂર્તિ આવેલી છે. આ સ્થળ પાનના બગીચાઓ માટે જાણીતું છે.
(4) પાવા : તાલબેહાટ તાલુકાના તાલબેહાટથી ઈશાન તરફ 5 કિમી.ને અંતરે તે આવેલું છે. આશરે 175 વર્ષ અગાઉ આ ગામ જૈનોના ધાર્મિક સ્થળ તરીકે ખ્યાતિ પામેલું હોવાથી દેશભરમાંથી જૈન યાત્રાળુઓ અવારનવાર દર્શનાર્થે આવે છે. પાવા ખાતે જૈન મંદિરોના અવશેષો જોવા મળે છે. સ્વર્ણભદ્ર સહિતના ચાર જૈન સાધુઓ અહીં પાવાગિરિ ખાતે નિર્વાણ પામેલા.
(5) ચાંદપુર : લલિતપુર તાલુકામાં આવેલું ગામ. ઝાંસી–મુંબઈ રેલમાર્ગ ગામની પશ્ચિમેથી પસાર થાય છે. આ ગામની ઉત્તર અને વાયવ્ય તરફ પુરાતત્વીય મહત્વ ધરાવતાં જૈન અને હિન્દુ મંદિરોનાં ઘણાં ખંડિયેરો જોવા મળતાં હોવાથી તેનું મહત્વ છે. હિન્દુ મંદિરો પૈકી વિષ્ણુમંદિરોનાં ખંડિયેરોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત સહસ્રલિંગનાં મંદિરોનાં ખંડિયેરો પણ છે. અહીં એક મંદિરના મોટા લિંગ પર નાનાં નાનાં હજાર લિંગ કોતરેલાં જોવા મળે છે.
(6) તાલબેહાટ : તાલબેહાટ તાલુકાનું મુખ્ય મથક. તે ઝાંસી–સાગર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે, તેમજ ઝાંસી–મુંબઈ રેલમાર્ગ પરનું (રેલ)મથક પણ છે. તાલબેહાટ નામ તાલ (સરોવર) પરથી પડેલું છે. જૂના વખતમાં જ્યારે આ સ્થળ જિરિયાક્ષેત્ર નામથી ઓળખાતું હતું ત્યારે તે એક સરોવર પાસે આવેલું હતું. આજે તો તેના અવશેષો માત્ર જોવા મળે છે. 1618ના અરસામાં બાર અને ચંદેરીના રાજા ભરતશાહ બીજાએ અહીં એક કિલ્લો બંધાવેલો, તે પણ ખંડિયેર હાલતમાં છે. આ નગરમાં આજે જોવા મળતો સિંહબાગ ભરતશાહના પુત્ર દાબીસિંહ બુંદેલાએ તૈયાર કરાવેલો. કિલ્લા પાસે તેણે બંધાવેલા નરસિંહ મંદિર પરથી આ સ્થળ નરસિંહ ગૌરી નામથી ઓળખાતું હતું. આ નગરમાં આજે ટોપલીઓ, પગરખાં અને પૈડાં બનાવવાનું તેમજ ચામડાં કમાવવાનું કામ ચાલે છે.
(7) દૂધાઈ : લલિતપુર તાલુકામાં લલિતપુરથી દક્ષિણે આશરે 29 કિમી. અંતરે આવેલું છે. તે ઝાંસી–મુંબઈ રેલમાર્ગ પરનું (રેલ)મથક છે. આ ગામ હજારો વર્ષ અગાઉ સ્થપાયું હોવાનું કહેવાય છે, પરંતુ તે માટેના કોઈ પુરાતત્વીય પુરાવા મળતા નથી. એમ પણ કહેવાય છે કે પટણા(મગધ)ના જરાસંધે મથુરા પર ચડાઈ કરેલી અને કૃષ્ણ–બલરામને ત્યાંથી હાંકી કાઢેલા. કૃષ્ણ–બલરામે અહીં આરામ કરેલો. આ સ્થળ ચંદેરીના બુંદેલા શાસકોના કબજા હેઠળ હતું.
(8) ધૌરી–સાગર : મેહરોની તાલુકામાં આવેલું આ સ્થળ મેહરોનીથી દક્ષિણે આશરે 32 કિમી. અંતરે વિંધ્ય ટેકરી પર વસેલું છે. ટેકરીની તળેટીમાં ખૂબ જ રમણીય વિશાળ સરોવર છે. અહીં છત્રસાલે 1658માં શાહી દળોને હરાવેલાં.
(9) મદનપુર : મેહરોની તાલુકામાં મેહરોનીથી 45 કિમી. અંતરે તથા ઝાંસીથી દક્ષિણે 171 કિમી. અંતરે તે આવેલું છે. ચંદેલા રાજા મદનવર્માના નામ પરથી તેનું નામ ‘મદનપુર’ પડેલું છે. 1875 સુધી તે ખૂબ સમૃદ્ધ હતું. અહીં ઘણા ચંદેલા રાજાઓની ઇમારતોનાં ખંડિયેરો આવેલાં છે. એક જૈન મંદિર પણ છે. અહીં ઘણા જૂના વખતની, થાંભલાઓ પરની એક નાની ઇમારત પર પરમાર રાજા સામેની પૃથ્વીરાજ ચૌહાણની વિજયગાથા કોતરેલી છે. 1857–58ના સ્વાતંત્ર્યસંગ્રામમાં સાગર તરફથી ઝાંસીના કિલ્લા પર ચડી આવવા નીકળેલા સર હગ રોઝને શાહગઢના રાજાએ અહીંના એક ઘાટ પાસે સામનો કરી અટકાવેલો. અહીંથી પશ્ચિમ તરફ જૂનાં જૈન મંદિરો છે. દંતકથા પ્રમાણે રાજા મંગલસિંહના મહેલના અવશેષો પણ અહીં છે.
(1૦) માંડોરા : તે મેહરોનીથી આશરે 27 કિમી. દક્ષિણે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. વીસમી સદીની શરૂઆત સુધી તો તે આજુબાજુનાં પરગણાંઓનું મુખ્ય નગર હતું, પરંતુ પછીથી તેનું મહત્વ ઘટતું ગયું. અઢારમી સદીના મધ્યભાગમાં બલવંતરાવ નામના મરાઠા ગવર્નરે અહીં જે એક કિલ્લો બંધાવેલો, તેનાં ખંડિયરો આજે જોવા મળે છે. તે 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે તોડી પડાયેલો.
(11) સોનરાઈ : આ સ્થળ ઝાંસીથી અગ્નિકોણમાં 179 કિમી.ના તથા મેહરોનીથી દક્ષિણે 35 કિમી.ના અને માંડોરાથી નૈર્ઋત્યમાં 8 કિમી.ના અંતરે આવેલું છે. તે માંડોરા સાથે કાચા રસ્તાથી જોડાયેલું છે. તાંબાનાં અયસ્ક અહીંથી મળતાં હોવાથી તેનું મહત્વ છે. છત્રસાલના પૌત્ર અને શાહગઢના ગારહાકોટના રાજા પૃથ્વીરાજ ચૌહાણે અહીં એક કિલ્લો બાંધેલો. આ કિલ્લો 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે તોડી પાડવામાં આવેલો.
આ જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.
વસ્તી : 2૦૦1ની વસ્તી-ગણતરી મુજબ આ જિલ્લાની વસ્તી 9,77,447 જેટલી છે. તે પૈકી આશરે 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ છે. જૈનો અને મુસ્લિમોની વસ્તી મધ્યમ પ્રમાણમાં તથા શીખો, ખ્રિસ્તીઓ અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 25 % જેટલું છે. અહીં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. 1996 મુજબ, અહીં માત્ર બે કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકા અને 6 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 4 નગરો અને 762 ગામડાં (73 વસ્તીવિહીન) આવેલાં છે.
ઇતિહાસ : લલિતપુરનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. આશરે 5,૦૦૦ વર્ષ અગાઉનાં તથા જૂનાં શાસ્ત્રો તરીકે ગણાતાં યજ્ઞપુરાણ, વિષ્ણુપુરાણ અને વરાહપુરાણમાં લલિતપુરનું વર્ણન મળે છે; એટલું જ નહિ, રામાયણ અને મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ છે. એક એવી પરંપરા પણ ચાલી આવે છે કે મૂળ દખ્ખણમાંથી આવેલા રાજા સુમેરસિંહે આ નગર વસાવેલું અને તેણે તેની પત્ની લલિતાના નામ પરથી આ નગરનું નામ ‘લલિતપુર’ પાડેલું. 136૦ના અરસામાં બનસા નામે ઓળખાતું જકાતનાકું મુસ્લિમ શાસકોએ અહીં ઊભું કર્યું હતું.
સોળમી સદી પહેલાં તે ગોંડ લોકોને હસ્તક હતું. સોળમી સદીના પૂર્વાર્ધ ભાગમાં ગોવિંદ બુંદેલા અને તેના પુત્ર રુદ્રપ્રતાપે ગોંડ લોકો પાસેથી લલિતપુર લઈ લીધેલું. ત્યારબાદ ચંદેરીના બુંદેલા રાજ્યમાં તેને સમાવવામાં આવેલું. 1812માં સિંધિયાએ ચંદેરીનો વહીવટ કરવા કર્નલ બૅપ્ટિઝને નિયુક્ત કરેલો. 1844માં બ્રિટિશ સત્તા હેઠળ ચંદેરીનો જિલ્લો રચાયો. 1861માં એ જિલ્લાને લલિતપુર નામ અપાયું. 1891 સુધી તો તે ઝાંસીના ઉપવિભાગમાં એક અલગ જિલ્લો હતો; ત્યારે તે બે તાલુકાઓ(લલિતપુર અને મેહરોની)નો જ બનેલો હતો. 1891માં ઝાંસી–લલિતપુરને ભેગા કરાયા અને ઝાંસી જિલ્લાનો તે ઉપવિભાગ બન્યો. એ જ અરસામાં અલ્લાહાબાદ વિભાગમાં તેનો સમાવેશ થયો; પરંતુ 1974માં વહીવટી અનુકૂળતા માટે લલિતપુરને એક અલગ જિલ્લાનો દરજ્જો ફરીથી મળ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા