કૅન્સર પુર:સ્થ (prostate) ગ્રંથિનું

January, 2008

કૅન્સર, પુર:સ્થ (prostate) ગ્રંથિનું : પુરુષોના જનનમાર્ગ(genital tract)માં શુક્રપિંડ અથવા વૃષણ (testis), શુક્રવાહિની (vas deferens), વીર્યસંગ્રાહિકા (seminal vesicles), પુર:સ્થ અથવા પ્રોસ્ટેટ (prostate) ગ્રંથિ વગેરે આવેલાં છે. શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. શુક્રપિંડમાંથી નીકળતી શુક્રવાહિની અને વીર્યસંગ્રાહિકાની નળી મળીને બહિ:ક્ષેપી નળી (ejaculatory duct) બને છે. પુર:સ્થ ગ્રંથિ મૂત્રાશયની નીચે આવેલી છે. તેમાંથી મૂત્રાશયનળી (urethra) પસાર થાય છે અને તેની સાથે બહિ:ક્ષેપી નળી પણ જોડાય છે. શુક્રપિંડમાં બનતા શુક્રકોષોવાળું પ્રવાહી (વીર્ય, semen) બહિ:ક્ષેપી નળી દ્વારા મૂત્રાશયનળીમાં પ્રવેશે છે અને બહાર ફેંકાય છે. પુર:સ્થ ગ્રંથિ વીર્યમાં 10 %થી 30 % જેટલા પ્રવાહી અને અન્ય દ્રવ્યોનો ઉમેરો કરે છે. તેમાંથી મૂત્રાશયનળી પસાર થતી હોવાથી પુર:સ્થની ગ્રંથિ મોટી થાય અથવા તેમાં કૅન્સર થાય તો પેશાબ અટકે છે.

વસ્તીરોગવિદ્યા : અમેરિકામાં પુરુષોમાં સૌથી વધુ પુર:સ્થનું કૅન્સર થાય છે (21 %). ત્યાં દર 1 લાખ પુરુષોએ 89ને પુર:સ્થનું કૅન્સર થાય છે. અમેરિકન હબસીઓમાં તેનું પ્રમાણ વધુ છે (123.4/1 લાખ). ભારતમાં તેનો દર ઘણો ઓછો છે (3.2થી 7.2/1 લાખ પુરુષો). અમદાવાદમાં તેનું પ્રમાણ 3.22/1 લાખ પુરુષો છે, જે પુરુષોનાં બધાં જ કૅન્સરના 2.27 % જેટલું થાય છે. ભારતમાં સૌથી વધુ દર ભોપાલમાં જોવા મળે છે.

કારણો : તે મોટી ઉંમરે (60થી 70  વર્ષે) થતો રોગ છે. તેનું કારણ જાણવામાં આવ્યું નથી. પરંતુ અંત:સ્રાવી (hormonal), કૌટુંબિક અને વાતાવરણજન્ય કારણોસર તે થાય છે. ઇસ્ટ્રોજન કે એન્ડ્રોજનના ચયાપચય-શિષ્ટ(metabolites)ની વિષમતા પુર:સ્થનું કૅન્સર કરવામાં કારણરૂપ છે એવું મનાય છે. બીજા દેશોમાંથી અમેરિકામાં જઈને વસતા પુરુષોમાં તેનું પ્રમાણ વધે છે. કૅડમિયમ, વાહનોનાં રબરનાં પૈડાં, રબર, યંત્રો તેમજ ધાતુનાં પતરાં બનાવતા વ્યવસાયોના તથા ખેતીવાડીના કામદારોમાં તેનું પ્રમાણ વધુ હોય છે. પુર:સ્થના કૅન્સરનું જોખમ વધારતાં પરિબળો છે મોટી ઉંમર, પ્રથમ કક્ષાના સગપણ(પિતા કે ભાઈ)માં તેનો દર્દી (બમણું જોખમ), અમેરિકન કાળી પ્રજા, અમેરિકા કે સ્કેન્ડિનેવિયામાં વસવાટ તથા કદાચ ખોરાકમાં તૈલીપદાર્થો વધારે હોવા તે. ખોરાકમાં વિટામિન-એનું વધુ પ્રમાણ કે વિટામિન-ડીનું અલ્પપ્રમાણ પણ જોખમ વધારે છે.

નિર્દેશન અને નિદાન : પશ્ચિમના દેશોમાં 60 % દર્દીઓ નિદાન વખતે રોગના પ્રારંભિક તબક્કાઓમાં હોય છે. પરંતુ ભારતમાં ઘણી વખત તે ખૂબ વધી ગયો હોય ત્યારે તેનું નિદાન થાય છે. પેશાબ કરતાં અવરોધ અનુભવાય તથા પેશાબમાં ચેપ ન હોય છતાં બળતરા થાય ત્યારે પુર:સ્થના કૅન્સરની શંકા ઉદભવે છે. પેશાબમાં ભાગ્યે જ લોહી પડે છે. આગળ વધી ગયેલું કૅન્સર પેશાબનો ભરાવો તથા અટકાવ, ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા, હીમોગ્લોબિન ઘટવાથી થતી પાંડુતા (anaemia), અરુચિ તથા હાડકામાં દુખાવો કરે છે.

પુર:સ્થ ગ્રંથિનું કૅન્સર : (1) પુર:સ્થ ગ્રંથિ, (2) મૂત્રાશય, (3) શુક્રસંગ્રાહિકા (seminal vesicle) (4, 5) T2 તબક્કાની ગાંઠ, (6) પુર:સ્થ બહાર ફેલાતી T3 તબક્કાની ગાંઠ, (7) નિતંબનું હાડકું, (8) નિતંબના હાડકામાં ફેલાતી T4 તબક્કાની ગાંઠ, (9) મૂત્રાશયની નળી, (10) મૂત્રાશય કે શુક્રસંગ્રાહિકા સાથે ફેલાઈને ચોંટી જતી ગાંઠ, (11) N1 તબક્કાની અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (12) N2 તબક્કાની અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (13) N3 તબક્કાની અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ.

તકલીફો ન હોય છતાં નિદાન કરાય તો તેને નિર્દેશન (detection) કહે છે. પુર:સ્થના કૅન્સરના નિર્દેશન માટે (1) લોહીના રુધિરરસ(serum)માં પુર:સ્થ ગ્રંથિવિશિષ્ટ પ્રતિજન(prostatic specific antigen, PSA)ની સપાટી જાણવી તે તથા (2) સાંગુલિ ગુદાપરીક્ષણ (digital rectal examination) એટલે કે ગુદામાં આંગળી નાંખીને તપાસ કરવી તે – એમ 2 મુખ્ય પદ્ધતિઓ ઉપલબ્ધ છે. PSAની રુધિરરસ સપાટી વધેલી હોય એના પરથી શોધી કાઢવાથી પુર:સ્થના કૅન્સરને કારણે થતી તકલીફ કે મૃત્યુદરમાં ઘટાડો થાય છે કે નહિ તે અંગે વિવાદ છે. તેમ છતાં અમેરિકામાં સામાન્ય જોખમ ધરાવતા પુરુષમાં 50 વર્ષની વયથી અને વધુ જોખમ ધરાવનારામાં 40 વર્ષની વયથી PSAની વાર્ષિક તપાસ કરવાનું વધુ પ્રચલિત છે. આ ઉપરાંત ગુદા દ્વારા મળાશયમાં એષણી (probe) નાંખીને ધ્વનિચિત્રણ(ultrasonography)ની તપાસ કરવાથી પણ વહેલું નિદાન શક્ય બન્યું છે. તેને પારમળાશયી ધ્વનિચિત્રણ (transrectal ultrasonography, TRUS) કહે છે.

સારણી : પુર:સ્થના કૅન્સરના તબક્કા

મૂળગાંઠ (T) Tx પ્રારંભિક ગાંઠની માહિતી નહિ

T0 પ્રારંભિક ગાંઠની સાબિતી નહિ

T1 સંસ્પર્શન (palpation) કે ચિત્રણપરીક્ષણથી ન દર્શાવી

શકાય.

T1a TURPથી દૂર કરાયેલી પેશીના  5 %

T1b TURPથી દૂર કરાયેલી પેશીના > 5 %

T1c પાતળી સોયથી અવશોષીને કઢાયેલો પ્રવાહી-

(FNAC)માં કૅન્સર કોષો

T2 પુર:સ્થમાં સીમિત કૅન્સર

T2a    ખંડ અસરગ્રસ્ત

T2b  >  ખંડ અસરગ્રસ્ત

T2c  બંને ખંડો અસરગ્રસ્ત

T3 પુર:સ્થ ગ્રંથિના આવરણ બહાર ફેલાયેલું કૅન્સર

T3a એક કે બંને બાજુએ બહાર ફેલાવો

T3b વીર્યસંગ્રાહિકા(seminal vesicles)માં ફેલાવો

T4 ચોંટેલી કે મૂત્રાશયગ્રીવા (bladder neck), મળાશય

(rectum), મૂત્રાશયની બહારના દ્વારરક્ષક (sphincter),

શ્રોણી(pelvis)ની દીવાલને અસરગ્રસ્ત કરતી ગાંઠ

 

 સ્થાનિક લસિકાગ્રંથિઓ (N) N0 લસિકાગ્રંથિઓ (lymphnodes)

અસરગ્રસ્ત નહિ

N1 લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત
 સ્થાનાંતરિત ગાંઠ (M) M0 અન્ય ગાંઠમાં ફેલાવો નહિ
M1 અન્ય ગાંઠમાં ફેલાવો, દા.ત., હાડકાં,

યકૃત (liver) વગેરે

તબક્કો TNM પેશીતીવ્રતાંક (histological grade)
I T1aN0M0 ગ્લિસનનો તીવ્રતાંક 2-4 (G1)
II T12N0M0 ગ્લિસનનો તીવ્રતાંક 5-6 (G2) અથવા 7-10 (G3)
III T3N0M0 ગમે તે G
IV T4 અથવા N1

અથવા M2

 

ગમે તે G


તેની માહિતી આંગળી વડે કરાતી તપાસ કરતાં મળતી માહિતી કરતાં બમણી વધુ અને ખૂબ વહેલી હોય છે. પુર:સ્થ ગ્રંથિની 50 % જેટલી ગંડિકાઓ(nodules)માં કૅન્સર હોય છે. જાડી સોય વડે પુર:સ્થની પેશીનો ટુકડો લેવાથી કે પાતળી સોય વડે કોષોવાળું પ્રવાહી અભિશોષી લેવાની પદ્ધતિ વડે નિદાન કરાય છે તેને અનુક્રમે જીવપેશીપરીક્ષણ (biopsy) તથા કોષવિદ્યા(cytology)લક્ષી પરીક્ષણ કહે છે. જીવપેશીપરીક્ષણ માટે મૂત્રાશયનળી દ્વારા અંત:દર્શકની નળી નાંખીને પુર:સ્થ ગ્રંથિનો ટુકડો કાપી કઢાય છે. તેને પાર-મૂત્રાશયનલીય પ્રોસ્ટેટ ગ્રંથીય છેદન (trans-uretheral prostatic resection, TUPR) કહે છે. અમેરિકામાં આ માટે બાયૉપ્સીગન નામનું સાધન મળે છે. ક્યારેક પુર:સ્થની સાદી ગાંઠની શસ્ત્રક્રિયા વખતે કૅન્સરનું નિદાન થાય છે. લોહીમાં પ્રોસ્ટેટિક ઍસિડ ફૉસ્ફેટેઝ (PAP) તથા પ્રોસ્ટેટ સ્પેસિફિક ઍન્ટિજન (PSA) નિદાનમાં ઉપયોગી છે, પરંતુ કૅન્સર ન હોય તોપણ 30 % દર્દીઓમાં તે હકારાત્મક પરિણામ આપે છે. PAPનો હાલ ઉપયોગ ઘટ્યો છે. PSA વધુ સારી નિદાનસૂચક કસોટી છે. PSAનું પ્રમાણ 40-50 નેનોગ્રામ / લિ. હોય તો તે સ્થાનિકરૂપે અથવા વ્યાપકપણે ફેલાયેલું કૅન્સર સૂચવે છે. PAP વધે ત્યારે તે હાડકામાં ફેલાયેલું કૅન્સર હોવાનું સૂચવે છે. આ ઉપરાંત એક્સ-રે, અસ્થિવીક્ષણ (bone scan), સીએટી-સ્કૅન તથા અલ્ટ્રાસોનોગ્રાફીની તપાસ કરાય છે જેથી રોગનો તબક્કો જાણી શકાય છે.

વર્ગીકરણ : મોટા ભાગનાં કૅન્સર ગ્રંથિકૅન્સર (adenocar-cinoma) હોય છે (95 %). અન્ય પ્રકારોમાં માંસાર્બુદ (sarcoma), લસિકાર્બુદ (lymphoma) લઘુકોષી કૅન્સર (small cell cancer), ઉપપરિવર્તિત કોષ (transitional cell) કૅન્સરનો સમાવેશ થાય છે. તેમની તીવ્રતાનો આંક (તીવ્રતાંક, grade) વિવિધ રીતે નિશ્ચિત કરાય છે. તેનું TNM વર્ગીકરણ તથા રોગનો તબક્કો સારણીમાં દર્શાવ્યાં છે. ગ્રંથિકૅન્સર પુર:સ્થ ગ્રંથિની સપાટી પાસેના ભાગમાં ઉદભવે છે (70 %). તેમનો તીવ્રતાંક નક્કી કરવામાં ગ્લિસનનો પ્રાપ્તાંક (score) વધુ પ્રચલિત છે. તેમાં પ્રાથમિક (મુખ્ય કૅન્સર-પેશીનો) તીવ્રતાંક અને દ્વૈતીયિક (સહકૅન્સર પેશીનો) તીવ્રતાંક કોષોના વિભેદન- (differentiation)ની કક્ષાને આધારે 1થી 5 ગણાય છે. પ્રાથમિક અને દ્વૈતીયિક તીવ્રતાંકોનો સરવાળો કરીને ગ્લિસનનો પ્રાપ્તાંક દર્શાવાય છે. તે પ્રમાણે 2થી 4 પ્રાપ્તાંકો હોય તે સુવિભેદિત (well differentiated) કૅન્સર છે, 5 કે 6 હોય તો મધ્યમવિભેદિત, 7 હોય તો અલ્પમધ્ય વિભેદિત અને 8થી 10 હોય તો અલ્પ વિભેદિત (poorly differentiated) કૅન્સર ગણાય છે. તેમાં ક્રમશ: રોગનો અન્ય અવયવોમાં ફેલાવો થવાની સંભાવના વધતી જાય છે.

સારવાર અને પરિણામ : શરૂઆતના તબક્કાઓમાં પુર:સ્થની ગ્રંથિને દૂર કરવાની શસ્ત્રક્રિયા અને વિકિરણનચિકિત્સા (radiotherapy) ઉપયોગી છે. વધુ આગળ વધેલા તબક્કામાં અંત:સ્રાવી સારવાર (hormonal therapy) તથા હાડકાં સિવાય અન્યત્ર પ્રસરેલા કૅન્સરમાં કૅન્સરવિરોધી ઔષધચિકિત્સા (chemotherapy) ઉપયોગી રહે છે. જોકે દરેક તબક્કામાં કઈ પદ્ધતિ વધુ સારી છે તે નિશ્ચિત નથી. તેને શરૂઆતના તબક્કા તથા વધેલા કૅન્સરની સારવારની રીતે વર્ણવાય છે.

શસ્ત્રક્રિયા : પુર:સ્થ ગ્રંથિ દૂર કરવાની શસ્ત્રક્રિયાને અતિપૂર્ણ કે નિ:શેષ (radical) પુર:સ્થગ્રંથિ-ઉચ્છેદન (prostatectomy) કહે છે. તે ઉપસ્થવિસ્તાર (perineum) દ્વારા કે ગુપ્તાસ્થિ(pubic bone)ની પાછળ પ્રવેશ મેળવીને કરાય છે. T1a અથવા પહેલા તબક્કાના કૅન્સરમાં જો ઉંમર 60 વર્ષથી ઓછી હોય, TURPનું વજન 30 ગ્રામથી ઓછું હોય કે 3થી વધુ ટુકડામાં ગ્રંથિકૅન્સર (adenocarcinoma) હોય તો શસ્ત્રક્રિયા લાભકારક સારવાર છે. ચેતાતંતુઓને ઈજા ન પહોંચે એવી શસ્ત્રક્રિયા કરીને યુવાન દર્દીમાં તેની લૈંગિક સમાગમક્ષમતા અથવા પુંસકતા (potency) જાળવી રાખવા માટે પ્રયત્નો થયેલા છે. તેની સફળતાનો દર જુદી જુદી સંસ્થાઓમાં જુદો જુદો નોંધાયો છે.

T1થી T2 અથવા બીજો તબક્કો ધરાવતા દર્દીઓમાં નિ:શેષ પુર:સ્થ ગ્રંથિ-ઉચ્છેદનની શસ્ત્રક્રિયા, વિકિરણનચિકિત્સા, શીતશસ્ત્રક્રિયા (cryosurgery) કે સમીપસ્થાની વિકિરણનચિકિત્સા (brachy therapy) કરાય છે. T1c તબક્કાના 10 નેનોગ્રામ/મિલી PSA તથા ગ્લિસન પ્રાપ્તાંક 7થી ઓછો હોય તો તેવા કૅન્સરમાં શસ્ત્રક્રિયા સમયે સ્થાનિક લસિકાગ્રંથિઓ કાઢવાથી વધુ ફાયદો થતો નથી. કેટલાક નિષ્ણાતો લસિકાગ્રંથિઓમાં રોગ ફેલાયો હોવાની સંભાવનાને ગણી કાઢવા એક સૂત્રનો ઉપયોગ કરે છે. [લસિકાગ્રંથિઓની અસરગ્રસ્તતાની સંભાવનાના ટકા =  × {PSA + (ગ્લિસનનો પ્રાપ્તાંક – 6)} × 10].

નવસહાયક અંત:સ્રાવી સારવાર (neoadjuvant hormone therapy) આપીને ગાંઠનું કદ ઘટાડવાના અને તેને શસ્ત્રક્રિયા વડે દૂર કરી શકાય તેવી ઉચ્છેદનક્ષમ (resectable) નાની ગાંઠ કરવાના પ્રયોગો ચાલી રહ્યા છે. તે માટે 3 કે 8 મહિના સુધી લ્યુપ્રોલિટ અને ફ્લ્યુટેમાઇડ વડે અંત:સ્રાવી સારવાર અપાય છે. નાની થયેલી ગાંઠને શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા પછી જો બહાર કઢાયેલી પેશીની કિનારીમાં કૅન્સરકોષો હોય તો તેને રોગિષ્ઠ કિનારી (positive margin) કહે છે. તેમાં રોગનો ઊથલો મારવાનો ભય રહે છે. તે ઘટાડવા માટે વિકિરણનચિકિત્સા, કૅન્સરવિરોધી ઔષધચિકિત્સા (chemotherapy) અને અંત:સ્રાવી ચિકિત્સા કરાય છે.

શસ્ત્રક્રિયાથી 2 %ના દરે મૃત્યુ, 35 %થી 60 %ના દરે લૈંગિક સમાગમમાં અક્ષમતા (નપુંસકતા, impotence), 10 %થી 30 %ના દરે પેશાબ રોકવામાં મુશ્કેલી, મૂત્રમાર્ગ સાંકડો થવો, મળત્યાગના નિયંત્રણમાં ઘટાડો થવો
(5 %થી 18 %) વગેરે વિવિધ આનુષંગિક સંકુલતાઓ થાય છે. ઉપસ્થવિસ્તારમાંથી શસ્ત્રક્રિયા કરાઈ હોય તો મળત્યાગમાં અનિયંત્રિતતા (incontenence) વધુ જોવા મળે છે. 10 %થી 40 % દર્દીઓમાં રહી ગયેલો કે ફરીથી થયેલો રોગ જોવા મળે છે.

સામાન્ય રીતે 10 વર્ષથી વધુ લાંબું આયુષ્ય ધરાવતા અને મટી શકે તેવા દર્દીમાં શસ્ત્રક્રિયા કરાય છે. 70થી 75 વર્ષથી વધુ વય, T3b તબક્કો (વીર્યસંગ્રાહિકામાં રોગનો ફેલાવો), શ્રોણીમાંની લસિકાગ્રંથિઓમાં ફેલાવો તથા અન્ય અવયવોમાં ફેલાતો રોગ હોય તો આ શસ્ત્રક્રિયા થતી નથી. ગ્લિસનનો ઊંચો પ્રાપ્તાંક હોય કે PSAનું પ્રમાણ વધુ ઊંચું હોય તોપણ આ શસ્ત્રક્રિયા થતી નથી.

વિકિરણનચિકિત્સા (radiotherapy) : T1 અને T2 (પ્રથમ અને બીજા) તબક્કામાં વિકિરણનચિકિત્સા ઉપયોગી છે. મોટા ભાગના કિસ્સામાં નવસહાયક અંત:સ્રાવી સારવાર વડે ગાંઠનું કદ ઘટાડ્યા પછી વિકિરણનની સારવાર અપાય છે. તેને કારણે સફળતાનો દર વધ્યો છે અને આનુષંગિક તકલીફો ઘટી છે. ત્રિપરિમાણી સમાકારી (three dimensional conformal) વિકિરણનચિકિત્સા તથા તીવ્રતાપૂર્ણ કલિત વિકિરણનચિકિત્સા (intensity modulated radiotherapy, IMRT) જેવી વિશિષ્ટ સારવાર વડે વધુ સારાં પરિણામો મળે છે અને આડઅસરો પણ ઘટે છે.

T3 (ત્રીજા) તબક્કામાં વિકિરણનચિકિત્સાના ઉપયોગ વિશે મતમતાંતર છે. તેમાં અંત:સ્રાવી ચિકિત્સા, વિકિરણનચિકિત્સા તથા સમીપસ્થાની વિકિરણનચિકિત્સાનો સહપ્રયોગ કરવાનું સૂચવાય છે.

મોટી ઉંમર કે અન્ય રોગોને કારણે શસ્ત્રક્રિયા શક્ય ન હોય, લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત હોય કે શસ્ત્રક્રિયા પછી રોગ રહી ગયેલો હોય, તો પણ વિકિરણનચિકિત્સા ઉપયોગી છે.

વિકિરણનચિકિત્સાની આડઅસરોરૂપે નપુંસકતા, મળાશયશોથ-(proctitis)ને કારણે લોહીવાળા કે તેના વગરના ઝાડા અને હાજતે જવાની ઉતાવળ, પેશાબમાં બળતરા કે ઉતાવળ, ઉપસ્થ વિસ્તારમાં સંયોગનળી (fistula), મળ-મૂત્રત્યાગમાં નિયંત્રણનો અભાવ, રહી ગયેલું કે ફરી થતું કૅન્સર વગેરે જોવા મળે છે.

શરૂઆતના તબક્કાઓની સારવારમાં સમીપસ્થાની વિકિરણન-ચિકિત્સા તથા શીતશસ્ત્રક્રિયા હાલ પ્રયોગાધીન છે. એકલી અંત:સ્રાવી કે ઔષધીય ચિકિત્સા વડે વિશેષ લાભ મળતો નથી. સમીપસ્થાની વિકિરણનચિકિત્સા રૂપે કૅન્સરની ગાંઠમાં પેલેડિયમ કે આયોડિનની વિકિરણશીલ અથવા કિરણોત્સર્ગી (radioactive) બીજિકાઓ (seeds) મૂકવામાં આવે છે.

કેટલાક યુરોપી દેશોમાં મોટી ઉંમરે થતા શરૂઆતના તબક્કાના ઓછી તીવ્રતાવાળા કૅન્સરમાં કોઈ વિશેષ સારવાર ન કરીને તેના વિકાસ તરફ ધ્યાન આપવામાં આવે છે. જો રોગનો તબક્કો વધે તો યોગ્ય સારવાર ઉમેરવામાં આવે છે.

બીજા તબક્કાના કૅન્સરમાં (T1bથી T2c) શસ્ત્રક્રિયા કે વિકિરણનચિકિત્સા વચ્ચે શેની પસંદગી કરવી તેના માટે સામાન્ય રીતે દર્દીની 70 વર્ષથી વધુ કે ઓછી ઉંમર તથા દર્દીના બાકીના સંભવિત આયુષ્યને ધ્યાનમાં લેવાય છે. નાની ઉંમર અને લાંબું આયુષ્ય હોય તો શસ્ત્રક્રિયા પર પસંદગી ઉતારાય છે. શસ્ત્રક્રિયા સમયે પણ જો સ્થાનિક લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત જણાય તો પુર:સ્થ દૂર કરવાની શસ્ત્રક્રિયા કરાતી નથી.

ત્રીજા (T3a) તબક્કામાં સુવિભેદિત (well-differentiated) કૅન્સર હોય તો જ શસ્ત્રક્રિયા કરાય છે. એક વિકલ્પ તરીકે જનનપિંડપોષક વિમોચક અંત:સ્રાવ (gonadotrophin releasing hormone) A વડે ઔષધીય વૃષણોચ્છેદન (castration) પણ છે. શુક્રપિંડને શસ્ત્રક્રિયા વડે દૂર કરવાને વૃષણોચ્છેદન (orchiectomy) કહે છે. જ્યારે તેને ઔષધો વડે નિષ્ક્રિય કરવામાં આવે ત્યારે તેને ઔષધીય વૃષણોચ્છેદન (medical castration) કહે છે. કેટલાક દર્દીઓને વિકિરણનચિકિત્સા તથા સમીપસ્થાની વિકિરણનચિકિત્સા વડે સફળ સારવાર અપાયેલી છે. તેની ઉપયોગિતા હજુ પુરવાર થયેલી નથી.

T3b અને T4 તબક્કામાં શસ્ત્રક્રિયા લાભકારક નથી. તેવા કિસ્સામાં અંત:સ્રાવી ચિકિત્સા અને / અથવા વિકિરણનચિકિત્સા અપાય છે. દર્દીની ઉંમર કે તકલીફોને આધારે કોઈ વિશેષ સારવાર ન આપવાનો નિર્ણય પણ ક્યારેક વાજબી ઠરે છે. આવા કિસ્સામાં પેશાબમાં અટકાવ થતો હોય તો પારમૂત્રાશયનલીય પુર:સ્થ ગ્રંથિ-છેદન (transurethral resection of prostate, TURP) કરાય છે. તેમાં મૂત્રાશયનળી દ્વારા અંત:દર્શક નાંખીને પુર:સ્થ ગ્રંથિના ટુકડા કાપી કઢાય છે. જોકે સામાન્ય રીતે બંને શુક્રપિંડોને દૂર કરવાની શસ્ત્રક્રિયા (વૃષણોચ્છેદન, orchiectomy) એકલી પણ પૂરતી રાહત આપે છે. દર્દીઓમાં T3, T4, N1 કે M1 (ત્રીજા અને ચોથા) તબક્કામાં દુખાવો થતો હોય (મૂળ ગાંઠમાં, હાડકામાં ફેલાયેલા કૅન્સરના સ્થાને, પેટની પાછળના ભાગની લસિકાગ્રંથિઓમાં ફેલાયલી ગાંઠને કારણે) તે સમયે વિકિરણનચિકિત્સા ઉપયોગી છે. જો ગાંઠ કરોડસ્તંભના મણકામાં પ્રસરીને લકવો કરે તો શક્ય એટલી ઝડપથી (કલાકોના સમયગાળામાં) એમ.આર.આઈ. કરીને અસરગ્રસ્ત ભાગ પર વિકિરણનચિકિત્સા અપાય છે.

તકલીફ કરતા ત્રીજા અને ચોથા તબક્કા(T3b, N1 કે M1)માં અંત:સ્રાવી ચિકિત્સા મુખ્ય સારવારપ્રક્રિયા છે. તકલીફ ન થતી હોય તો સારવારથી વિશેષ લાભ નથી. અંત:સ્રાવી સારવાર માટે વૃષણોચ્છેદન(orchiectomy)ની શસ્ત્રક્રિયા, લ્યુટિનાઇઝિંગ હૉર્મોન રિલિઝિંગ હૉર્મોન(LHRH)ના સહધર્મીઓ (analogs) તથા પ્રતિ એન્ડ્રોજન્સ ઉપયોગી છે. તે 80 % કિસ્સામાં લાભકારક રહે છે. શસ્ત્રક્રિયા વડે શુક્રપિંડો દૂર કરવાથી પુરુષોનાં અંત:સ્રાવ-ટેસ્ટોસ્ટિરોન-ની રુધિરસપાટી ઝડપથી ઘટે છે. તે અસરકારક પદ્ધતિ છે પણ સાથે સાથે અનિવર્તનીય (irreversible) પ્રક્રિયા છે. તે લકવો કરતા કરોડસ્તંભમાંના ફેલાવામાં ખાસ ઉપયોગી છે. LHRH સહધર્મી ઔષધો જેવાં કે, લ્યુપ્રોલિડ (લુપ્રોન) અને ગોસેરેલિન (ઝોલાડેક્સ) પણ શુક્રપિંડ કાઢવાની શસ્ત્રક્રિયા જેટલા જ અસરકારક છે. તેમની સારવાર લાંબો સમય ચાલુ રાખવી પડતી હોવાથી તે ખર્ચાળ નીવડે છે. તેમને દર 3થી 4 મહિને અપાય છે. પૂર્ણ એન્ડ્રોજનરોધ (total androgen blockade) માટે સાથે ફલ્યુટેમાઇડ કે બાયકેલ્યુટાઇડ અપાય છે.

આ ઉપરાંત અન્ય ઔષધો (પ્રોજેસ્ટીન્સ, એન્ડ્રોજનના ઉત્પાદનને અટકાવનારાં ઔષધો, કોર્ટિકોસ્ટિરોઇડ્ઝ, ઝોલેન્ડ્રોનિક ઍસિડ, સ્ટ્રૉન્શિયમ-89, a5-રિડક્ટેઝ ઇન્હિબિટર વગેરે) તથા કૅન્સરવિરોધી ઔષધચિકિત્સા (chemotherapy) પણ ઉપયોગી છે. પ્રોજેસ્ટિનરૂપે મેજેસ્ટ્રોલ એસિટેટ અપાય છે. એન્ડ્રોજનના ઉત્પાદનને ઘટાડવા એમિનોગ્લુટેથેમાઇડ કે કિટોકોનેઝોલ વપરાય છે. તે મોંઘાં છે તથા તેમની અનેક વિવિધ આડઅસરો પણ થાય છે. કોર્ટિકોસ્ટિરોઇડ્ઝ (પ્રેડ્નિસોલોન, ડેક્ઝામિથેસોન) તકલીફ તથા PSA ઘટાડે છે. ઝોલેન્ડ્રોનિક ઍસિડના દર મહિને અપાતાં ઇન્જેક્ષન હાડકાંનો દુખાવો તથા તેમનો અસ્થિભંગ અટકાવે છે. અંત:સ્રાવી સારવાર નિષ્ફળ જાય ત્યારે દુખાવો ઘટાડવા સ્ટ્રૉન્શિયમ-89નો ઉપયોગ કરાય છે. ફિનાસ્ટેરાઇડ નામનો α5-રિડક્ટેઝનો નિગ્રહક (inhibitor) વાપરવાના પ્રયોગો થઈ રહ્યા છે.

ક્યારેક અંત:સ્રાવી સારવાર બંધ કરવાથી તકલીફો ઘટે છે. યકૃત કે અન્ય અવયવમાં ફેલાયલા કૅન્સર માટે ડૉસિટેક્સેલ નામની કૅન્સરવિરોધી દવાની સારવાર આપી શકાય છે.

શિલીન નં. શુક્લ