કૅન્સર જઠરાંત્રીય સંજાલપેશીય માંસાર્બુદ

January, 2008

કૅન્સર, જઠરાંત્રીય સંજાલપેશીય માંસાર્બુદ (gastrointestinal stromal tumour, GIST) : જઠરાંત્રમાર્ગની સંધાનપેશી(conn-ective tissue)માં ઉદભવતું માંસાર્બુદ (sarcoma). તેને જઠરાંત્ર સંજાલપેશીય માંસાર્બુદ (gastrointestinal stromal tumour, GIST) કહે છે. તે સંજાલપેશીના પૂર્વગ કોષો(precursors)માં ઉદભવે છે. અગાઉ તેમને અરૈખિક સ્નાયુઅર્બુદ (leiomyoma), અરૈખિક સ્નાયુમાંસાર્બુદ (leiomyosarcoma) વગેરે નામથી જાણવામાં આવતા હતા. તેમની કાર્યાણુલક્ષી (molecular) અને પ્રતિરક્ષાલક્ષી પેશીવિદ્યાકીય (immunohistologial) લાક્ષણિકતાઓને આધારે તેમને હવે જઠરાંત્રીય સંજાલપેશીય માંસાર્બુદ (gastrointestinal stromal sarcoma, GIST) કહે છે. તેઓ CD117(c-kit)ની સંજ્ઞાથી ઓળખાતા ટાયરોસિન કાઇનેઝના ત્રીજા પ્રકારનો સ્વીકારક (receptor) દર્શાવે છે. આ ઉત્સેચક (enzyme) GISTના ઉદભવમાં પણ મોટો ફાળો આપે છે.

નિદાન : તે દર લાખે 1 કે 2ને થાય છે. સામાન્ય રીતે તે 55થી 65 વર્ષની વયે ઉદભવે છે. તે જઠર કે પક્વાશય (70 %), નાનું આંતરડું કે જઠરાંત્રમાર્ગમાં અન્યત્ર (10 %) થાય છે. મોટે ભાગે તે સ્થાનિક ગાંઠ રૂપે (જઠર) જોવા મળે છે, પરંતુ ઘણી વખતે તે યકૃત કે પેટના પોલાણ(પરિતનગુહા, peritoneal cavity)માં ફેલાયું હોય છે. તેનું નિદાન અર્બુદપેશી (tumour tissue) પર વિશિષ્ટ અભિરંજન(staining)ની ક્રિયા કરવાથી c-kit હાજરી દર્શાવીને કરાય છે. તે માટેના પરીક્ષણને પ્રતિરક્ષા-પેશીરાસાયણિક (immuno-histochemical) પરીક્ષણ કહે છે. સારવારની અસર જાણવા માટે સીએટી-સ્કૅન અને PET સ્કૅન નામની નિદાનલક્ષી ચિત્રણપ્રણાલીઓ ઉપયોગી રહે છે.

સારવાર : પ્રાથમિક સારવાર શસ્ત્રક્રિયા છે. વિકિરણનચિકિત્સા (radiotherapy) કે ઔષધચિકિત્સા (chemotherapy) બિનઅસરકારક રહે છે. ટાયરોસિન કાઇનેઝ નામના ઉત્સેચકનો નિગ્રહક (inhibitor) – ઇમેટિનિબ – અસરકારક ઔષધ છે. તેના ઉપયોગને લક્ષ્યવેધી ચિકિત્સા (targeted therapy) કહેવાય છે. તે 80 %માં ગાંઠની વૃદ્ધિ ઘટાડે છે અને 60 %માં તેનું કદ ઘટાડે છે. તેની માત્રા વધારવાથી સફળતાનો દર વધે છે. તેની ખાસ આડઅસરો નથી. તે ક્યારેક ઊબકા, ઝાડા, આંખની આસપાસ સોજો, સ્નાયુમાં કળતર, થાક, માથાનો દુખાવો તથા ત્વક્શોથ (dermatitis) કરે છે. ઇમેટિનિબથી લાભ ન થાય તેવા રોગ માટે અન્ય લક્ષ્યવેધી ચિકિત્સા માટે પ્રયોગો થઈ રહ્યા છે.

પરિણામ : સફળ શસ્ત્રક્રિયા પછી 60 % દર્દી 5 વર્ષ જીવે છે. 5 સેમી.થી નાની ગાંઠ કે જેમાં દર 5 અધિક ક્ષમતાક્ષેત્ર(high power field)માં 6થી 10 કોષવિભાજનો જોવા મળે તો જોખમ મધ્યમ કક્ષાનું ગણાય છે. તેનાથી વધુ કદ કે કોષવિભાજનો જોખમ વધારે છે. અન્યત્ર ફેલાયેલું કૅન્સર અતિજોખમી હોય છે.

શિલીન નં. શુક્લ